ગૌમૂત્રથી કૅન્સરની સારવાર: જૂનાગઢ કૃષિ યુનિ.ના દાવામાં સચ્ચાઈ કેટલી?

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેક્નૉલૉજી સાયન્ટિસ્ટની એક ટીમ દ્વારા દાવો કરાયો છે કે ગૌમૂત્ર થકી કૅન્સરના કોષોને મારવામાં તેમને સફળતા મળી છે.

જૂનાગઢ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રદ્ધા ભટ્ટે રિસર્ચ ફૅલો કવિતા જોશી તથા રુકમસિંહ તોમર સાથે મળીને સંબંધિત દાવો કર્યો છે.

ટીમે ગૌમૂત્ર થકી મોં, ગર્ભાશય, ફેફસાં, કિડની કે સ્તનનું કેન્સર મટાડવાનો પણ દાવો કર્યો છે.

શ્રદ્ધા ભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'ગાય થકી રોગો દૂર થતા હોવાની હિંદુ ધર્મની માન્યતાને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવા માટે' તેમણે આ સંશોધન હાથ ધર્યું હતું.

પ્રયોગમાં શું સામે આવ્યું?

ગીર ગાય, જર્સી ગાય તેમજ હૉલ્સ્ટૅઇન ફ્રિઍસિયન ગાય અને ભેંસના મૂત્ર પર આ પ્રયોગ હાથ ધરાયો હતો.

ભટ્ટ કહે છે, ''આ પશુઓનાં મૂત્રમાંથી બનાવાયેલા પાઉડરને કૅન્સરના કોષો પર લગાવવામાં આવ્યો હતો.''

તમે આ વાંચ્યું કે નહીં?

''એ બાદ અમને જાણવા મળ્યું કે ગીર ગાયના મૂત્રમાંથી બનેલા પાઉડરને કારણે કૅન્સરના કોષોની સંખ્યા ઘટવા લાગી હતી.''

''જોકે, અન્ય પશુઓના મૂત્રમાંથી બનાવાયેલા પાઉડરમાં કૅન્સરના કોષોની સંખ્યા વધી હતી.''

કિમૉથૅરેપી કરતાં ફાયદાકારક?

ગીર ગાયના મૂત્રથી કૅન્સર સામે રક્ષણ કઈ રીતે મળી શકે?

આ અંગે જણાવતાં ભટ્ટ ઉમેરે છે, ''ગૌમૂત્રમાં મલ્ટીપલ મૅટાબૉલાઇટ ઉપલબ્ધ હોય છે. જેનો પાઉડર કૅન્સરના કોષોને તોડી નાખે છે, ફાડી નાખે છે.''

ભટ્ટનો દાવો છે કે ગૌમૂત્ર કૅન્સરની સારવાર માટે કરાતી કિમોથૅરાપી જેટલું નુકસાન પણ નથી પહોંચાડતું.

તેમના દાવા મુજબ કિમૉથૅરાપી દરમિયાન કૅન્સરના કોષો ઉપરાંત સ્વસ્થ કોષોને પણ નુકસાન થતું હોય છે. જેના કારણે કિમૉથૅરાપીનાં કિરણો સ્વસ્થ કોષો અને રોગીષ્ઠ કોષો વચ્ચેનો ભેદ પારખી શકતાં નથી.''

તેમણે કહ્યું, ''જ્યારે આ બન્ને કોષોની અલગઅલગ ગતિવિધિ, વર્તન અને વિકાસને પગલે તેમની વચ્ચે રહેલો ભેદ પારખી ગૌમૂત્ર કૅન્સરના કોષોનો નાશ કરી નાખે છે. જ્યારે સ્વસ્થ કોષને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડતું નથી.''

પ્રયોગશાળામાં કૅન્સરના કોષો પર સફળ પ્રયોગ કરવાનો દાવો કરનારી આ ટીમ હવે ઉંદર પર પ્રયોગ કરવા જઈ રહી છે.

જે સફળ થયા બાદ તેઓ પૅટન્ટ મેળવી તેમાંથી દવા બનાવવા માટે ઇન્ડિયન મૅડિકલ ઍસોસિયેશનમાંથી મંજૂરી લેવાનું વિચારી રહ્યા છે.

દાવામાં કેટલી સચ્ચાઈ?

તાતા મૅમોરિયલ સૅન્ટરના મૅડિકલ ઑન્કૉલોજી ડિપાર્ટમૅન્ટના વડા ડૉ. શ્રિપાદ બનાવલી સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી હતી.

ડૉ. શ્રિપાદે કહ્યું, ''આ મામલે હાલના તબક્કે ગૌમૂત્રથી કૅન્સરને મટાડી શકાય એવો દાવો કરવો ઘણો વહેલો કરી કહી શકાય.''

''આ પ્રયોગ હજુ સુધી માત્ર લૅબોરેટરીમાં જ હાથ ધરાયો છે. લૅબોરેટરીમાં કૅન્સરના કોષોને મારવા અને કોઈ દર્દીના શરીરમાંથી કૅન્સરના કોષોને મારવા એ બન્ને અલગઅલગ બાબત છે.''

''હજુ ઉંદર પર પ્રયોગ હાથ ધરવાનું કહેવાઈ રહ્યું છે પણ હજુ થઈ શક્યું નથી. એટલે આ મામલે હજુ ઘણું કરવાનું બાકી છે.''

ડૉક્ટર ઉમેરે છે, ''છાશવારે આવા સમાચારો છપાતાં જ રહે છે પણ, એમાંથી કોઈ નક્કર પરિણામ મળતું નથી.''

''આવો કોઈ પણ દાવો કરતાં પહેલાં પૂરતું રિસર્ચ થવું જોઈએ. આવી ઘટનાને 'સનસનાટી' બનતી અટકાવવી જોઈએ.''

છાશવારે ચમકતા આવા સમાચારો અંગે ચિંતા વ્યક્ત કરતા ડૉ. શ્રિપાદ ઉમેરે છે, ''ઘણીવાર એવું બને છે કે આવા સમાચારોથી પ્રેરાઈને લોકો એનો પ્રયોગ હાથ ધરી દેતા હોય છે.''

''જેને કારણે એમનો રોગ વકરી જતો હોય છે અને એ બાદ અમે પણ એમની કોઈ મદદ કરવામાં અસમર્થ નીવડતા હોઈએ છીએ.''

માત્ર પ્રથમ તબક્કાના આધારે દાવો કરી શકાય?

અમદાવાદની સીઆઈએમએસ હૉસ્પિટલના કૅન્સર એક્સપર્ટ ડૉ. તરંગ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે ગૌમૂત્રનો લેબમાં કરાયેલો ઉપયોગ અને દર્દી પર કરવામાં આવતા ઉપયોગ બંનેમાં તફાવત હોય છે.

તેમણે કહ્યું, "સંશોધન કરનારાના દાવા અનુસાર સંશોધનના પ્રથમ તબક્કામાં સફળતા મળી છે. જોકે, હજી સંશોધનમાં ઘણું બાકી છે."

"આ સંશોધનમાં હજુ બીજા તબક્કા બાકી છે. અંતિમ તબક્કામાં તેને પારંપરિક ડ્રગ્સ સાથે ટેસ્ટ કરવું પડે છે."

"અંતિમ તબક્કામાં સફળ થાય તો આ સંશોધનને સફળ થયેલું ગણી શકાય. કારણ કે એ તબક્કામાં તેનો માનવ પર ટેસ્ટ કરવામાં આવે છે."

તેમણે કહ્યું કે આ મામલે સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ કેળવીને સંશોધનને અંતિમ રૂપ સુધી લઈ જવામાં આવે તો સારી વાત છે. જો વૈજ્ઞાનિક અભિગમની બાબતે ચૂક થાય તો તે હાનિકારક છે.

તેમણે કારણ આપતા કહ્યું કે કૅન્સર ક્ષેત્રે નવી દવાઓ માટે શોધવામાં કેટલાય વર્ષો લાગી જતાં હોય છે.

નોંધનીય છે કે જૂનાગઢ યુનિવર્સિટીના સંશોધકો આ સંશોધનને દોઢ વર્ષમાં કર્યું હોવાનો દાવો કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો