સીતા ટેસ્ટ ટ્યૂબ બેબી, ગણપતિની પ્લાસ્ટિક સર્જરી, ભાજપના નેતાઓને આવું જ્ઞાન ક્યાંથી મળે છે?

ભાજપના નેતાઓએ તાજેતરમાં જ રામાયણ અને મહાભારત પર એવાં નિવેદનો આપ્યાં છે જેને લઈને વિવાદ થયો છે.

ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ શુક્રવારે સીતાના જન્મની સરખામણી ટેસ્ટ ટ્યૂબ બેબી સાથે કરી છે.

મથુરામાં હિંદી પત્રકારત્વ દિવસના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું, "લોકો કહે છે કે સીતાનો જન્મ ધરતીની અંદરથી નીકળેલા માટીના ઘડામાં થયો હતો. તેનો મતલબ છે કે રામાયણકાળમાં પણ ટેસ્ટ ટ્યૂબ દ્વારા બાળક પેદાના કરવાની ટેકનિક હશે."

આટલું જ નહીં દિનેશ શર્માએ કહ્યું હતું કે પત્રકારત્વની શરૂઆત આધુનિકકાળમાં જ નથી થઈ, આ તો મહાભારતકાળથી ચાલી આવે છે.

તેમણે કહ્યું કે નારદજી પહેલા પત્રકાર હતા.

દિનેશ શર્માના આ ચર્ચાસ્પદ નિવેદન બાદ આવો જોઈએ કે ભાજપના અન્ય નેતાઓએ રામાયણ, મહાભારત હિંદુ પૌરાણિક કથાઓ ને લઈને કેવાં કેવાં નિવેદનો આપ્યાં હતાં?

ગણેશ પ્લાસ્ટીક સર્જરીનું ઉદાહરણ: મોદી

ભાજપના અન્ય નેતાઓની જેમ વડાપ્રધાન મોદી આવું નિવેદન આપી ચૂક્યા છે.

ઑક્ટોબર 2014ના રોજ મુંબઈમાં મેડિકલ પ્રોફેનલ્સને સંબોધતા મોદીએ કહ્યું હતું કે તેઓ માને છે કે ભગવાન ગણેશ સૌપ્રથમ પ્લાસ્ટીક સર્જરીનું ઉદાહરણ છે.

ઉપરાંત તેમણે કર્ણનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે મારી જાણ પ્રમાણે કર્ણનો જન્મ સ્ટીમ સેલ ટેક્નૉલૉજીના કારણે થયો હતો.

ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમશોધ્યો ન હતો : વાસુદેવ દેવાણી

રાજસ્થાનમાં ભાજપની સરકારમાં શિક્ષણ મંત્રી વાસુદેવ દેવાણીએ કહ્યું હતું કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો નથી.

તેમણે આ મામલે વાત કરતાં કહ્યું, "હું ગુરુત્વાકર્ષણના નિયમની શોધ મામલે વાંચી રહ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ન્યૂટને તેની શોધ કરી છે."

શું તમે આ વાચ્યું?

"પરંતુ જો તમે બહું ઊંડાણપૂર્વક વાંચશો તો જાણવા મળશે કે બ્રહ્મપુત્રએ હજાર વર્ષ પહેલાં આ નિયમની શોધ કરી લીધી હતી. આપણે શા માટે આ વાતને ધ્યાનમાં લેતા નથી?"

આ પહેલાં વાસુદેવ ગાયને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગાય એક માત્ર એવું પ્રાણી છે જે શ્વાસમાં ઑક્સિજન લે છે અને ઉચ્છ્વાસમાં પણ ઑક્સિજન બહાર કાઢે છે.

મહાભારતકાળમાં ઇન્ટરનેટની શોધ: ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ

ભાજપના ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ એ વખતે ચર્ચામાં આવી ગયા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે ઇન્ટરનેટની શોધ મહાભારતકાળમાં થઈ હતી.

18 એપ્રિલના રોજ એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્રનું યુદ્ધનું વર્ણન ઇન્ટરનેટ દ્વારા જ જાણવા મળ્યું હતું.

તેમના આ નિવદેનની સોશિયલ મીડિયા પર ખાસી ચર્ચા થઈ હતી. અનેક યુઝર્સે તેમના જ્ઞાન અંગે મજાક કરતી પોસ્ટ્સ મૂકી હતી.

વાંદરાને માણસ બનતા કોઈએ જોયો નથી: સત્યપાલ સિંહ

કેન્દ્રીય રાજ્યકક્ષાના માનવ સંસાધન મંત્રી સત્યપાલ સિંહને તેમનું એક નિવેદનને ભારે પડી ગયું હતું.

આ નિવેદન ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને પડકારતું હતું.

તેમણે કહ્યું કે ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત વૈજ્ઞાનિક રીતે જ ખોટો છે.

તેમનું કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે કોઈએ વાંદરાને માણસ બનતા જોયો નથી. જે બાદ વિશ્વકક્ષાએ આ નિવેદનની ચર્ચા થઈ હતી.

આ બાદ પણ તેમણે એક બીજું આવું જ બયાન આપતાં IITના વિદ્યાર્થીઓને રામાયણકાળના પુષ્પક વિમાનમાંથી શીખ લેવાની સલાહ આપી હતી.

તેમણે કહ્યું હતું કે રાઇટ બ્રધર્સ કરતાં 8 વર્ષ પહેલાં ભારતના શિવાકર બાબુજી તલપડેએ પ્લેનની શોધ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો