મહાભારત ગુજરાતમાં છે અને ત્યાં ઇન્ટરનેટ અને ઇન્સ્ટાગ્રામ પણ છે

    • લેેખક, અર્ચના પુષ્પેન્દ્ર
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

મહાભારતના સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ હોવાને મુદ્દે ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવનું નિવેદન વિવાદાસ્પદ બન્યું છે.

તેમણે તાજેતરમાં જણાવ્યું હતું કે મહાભારતના યુગમાં ઇન્ટરનેટની શોધ ભારતે કરી હતી.

હવે મહાભારતના એ સમયમાં ઇન્ટરનેટ હતું કે નહીં, એ મુદ્દે ભલે વિવાદ થતો રહે, પરંતુ ગુજરાતના આ મહાભારતમાં તો ઇન્ટરનેટ છે અને અહીં રહેતા યુવાનો જલસાથી એનો ઉપયોગ પણ કરે છે.

આ વાસ્તવિકતા પૌરાણિક મહાભારતની નહીં, પણ સાબકાંઠા જિલ્લામાં આવેલા નાનકડા ગામ મહાભારતની છે.

લગભગ બે હજાર લોકોની વસ્તી ધરાવતા મહાભારત ગામમાં સ્માર્ટ ફોન અને કમ્પ્યૂટર પણ છે.

ટૂંક સમયમાં વાઇફાઇની સુવિધા

ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ અને ફેસબુક એ દુનિયાના કોઈ પણ યુવક-યુવતીઓની જેમ આ ગામના યુવાઓ માટે પણ એટલાં જ જરૂરી બન્યાં છે.

આ મહાભારત ગામના પૂર્વ સરપંચ છે ઝાકિર મનસૂરી.

તમે આ વાંચ્યું કે નહીં?

મહાભારતમાં ઇન્ટરનેટ હતું કે નહીં એ વિવાદથી બિલકુલ અજાણ આ પૂર્વ સરપંચે કહ્યું, "અમારા ગામમાં બ્રોડબેન્ડ સેવા હજી શરૂ થઈ નથી. એના માટેની લાઇન વીસ દિવસ પહેલાં નખાઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં વાઇફાઇની સુવિધા પણ ઉપલબ્ધ થઈ જશે."

રસપ્રદ ઇતિહાસ

મહાભારત અને રામાયણ એ બે મહાકાવ્યોની રચના પૌરાણિક માન્યતા પ્રમાણે ભલે બે અલગઅલગ યુગોમાં થઈ હોય, પરંતુ અહીં મહાભારત ગામની પાડોશમાં જ રામાયણ નામનું ગામ આવેલું છે.

આ બન્ને ગામોનાં નામ પાછળ પણ રસપ્રદ ઇતિહાસ છે.

મુસ્લિમ બહુમતી ધરાવતા આ ગામોનાં મૂળ નામ સાબલી અને પ્રતાપગઢ છે.

ગામના વૃદ્ધ લોકોનું કહેવું છે કે ગુહાઈ જળાશય યોજનામાં સાબલી ગામ ડૂબમાં જતું રહ્યું હતું. એ પછી લોકોએ ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતો સ્થાપી.

ઇન્ટરનેટ તો છે, પણ પાકો રસ્તો નથી

એકનું નામ રામાયણ અને બીજી વસાહતનું નામ મહાભારત રાખવામાં આવ્યું,

ઝાકિરભાઈ કહે છે, "આ ગામના નામ સરકારી ચોપડે સાબલી કે પ્રતાપગઢ છે પણ તે નામથી ઓળખાતાં જ નથી. અહીં એસટી બસ પણ રામાયણનાં બોર્ડ સાથે આવે છે."

"લોકોનો પત્રવ્યવહાર પણ રામાયણ અને મહાભારત ગામોનાં સરનામે જ થાય છે."

રામાયણ ગામમાં રહેતાં અનિશા મનસૂરી કહે છે, "અમારા ગામમાં ઇન્ટરનેટ તો છે, પણ પાકો રોડ નથી."

"અહીં મોટાભાગના લોકો ખેતી કરે છે. ઋતુ પ્રમાણે કપાસ, મગફળી અને ઘઉંનો પાક લેવામાં આવે છે."

"બન્ને ગામોમાં 12 ધોરણ સુધી અભ્યાસ થઈ શકે છે. કોલેજના અભ્યાસ માટે હિમ્મતનગર જવું પડે છે."

મૂળભૂત સુવિધાઓથી વંચિત

ફોટોગ્રાફર તરીકે કામ કરતા ભરત પંડ્યા કહે છે, અમારા ગામમાં લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જીમેઇલ, વૉટ્સઍપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી ઍપ્સનો ઉપયોગ લોકો વધુ કરે છે.

જોકે મહાભારતના ઝાકિરભાઈ માને છે કે ગામમાં ઇન્ટરનેટ હોય કે ન હોય મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ મળવી જોઈએ.

અમારા ગામમાં પાણીની સુવિધા નથી. બે બોર છે જેમાંથી એક ખરાબ થઈ ગયો છે. એક બોર પર આખું ગામ નિર્ભર છે અને ગામમાં ત્રણ દિવસે પાણી આવે છે.

મહિલાઓ માટે આ ગામમાં સીવણના ક્લાસ ચાલે છે. મોટાભાગની મહિલાઓ ઘરમાં જ રહે છે.

જ્યારે ગામના યુવકોને આગળ વધવાનો મોકો નથી મળતો ત્યાં યુવતીઓ માટે આગળ વધવું એ તો એક સ્વપ્ન જેવું છે.

આમ છતાં ઇન્ટરનેટના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ જેવી ઍપ્સ દ્વારા અહીંના યુવાઓ ઘરે બેઠાં દુનિયાથી જોડાયેલાં રહે છે.

(છેલ્લા એક વર્ષથી સરકારી રેકોર્ડમાં રામાયણ ગામ પ્રતાપગઢ તરીકે અને મહાભારત સાબલી તરીકે ઓળખાય છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો