‘ઇન્ટરનેટની શોધ મહાભારતના સમયમાં થઈ હતી’

ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે જણાવ્યું હતું કે લાખો વર્ષો પહેલાં ઇન્ટરનેટની શોધ ભારતમાં થઈ હતી.

તેમણે જણાવ્યું કે મહાભારતના સમયગાળા દરમિયાન માત્ર ઇન્ટરનેટ જ નહીં પણ દેશમાં ઉપગ્રહો પણ હતા.

ત્રિપુરામાં એક વર્કશોપને સંબોધતા વિપ્લવ દેવે કહ્યું હતું, "આ એવો દેશ છે જ્યાં મહાભારતમાં સંજયે બેઠાં-બેઠાં યુદ્ધમાં શું થઈ રહ્યું હતું તે ધૃતરાષ્ટ્રને વર્ણવતા હતા. આનો અર્થ શું છે? એ જમાનામાં ટેકનોલોજી હતી, ઇન્ટરનેટ હતું, ઉપગ્રહ હતા. નહીં તો સંજયની આંખોથી કેવી રીતે જોઈ શકાય?"

તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ નહીં પરંતુ ભારતે ઇન્ટરનેટની શોધ કરી છે.

તેમણે જણાવ્યું હતું, "તેનો અર્થ એ છે કે તે સમયે ટેકનોલોજી હતી. વચ્ચે શું બન્યું, ન બન્યું, ઘણું બદલાઈ ગયું. પરંતુ તે સમયે આ દેશમાં ટેકનોલોજી હતી. લાખો વર્ષો પહેલાં આ શોધ થઈ ગઈ છે."

મુખ્યમંત્રીના આ નિવેદનની ઘણા લોકો સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યાં છે. એક ફેસબુક યુઝરે આ વાતને સદીના બ્રેકિંગ ન્યૂઝ કહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇબે ગુનાએ લખ્યું છે, "આ સદીના બ્રેકિંગ ન્યૂઝ છે: ઇન્ટરનેટની અને ઉપગ્રહની શોધ હમણાં થઈ નથી, લાખો વર્ષ પહેલાં મહાભારતના સમયથી છે: વિપ્લવ દેવ."

અન્ય એક યૂઝરે લખ્યું છે "મહાભારત કાળમાં ઇન્ટરનેટ હતું, ત્રિપુરાના મુખ્યમંત્રીએ તેની પુષ્ટિ કરી છે."

વિપ્લવ કુમાર દેવ માર્ચ મહિનામાં ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા છે. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા. જેમની આગેવાની હેઠળ પક્ષે ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો હતો.

રાજયમાં ડાબેરીઓનું 25 વર્ષનું શાસન ખતમ કરી ભાજપે તેની સરકાર બનાવી છે.

વિપ્લવ કુમાર દેવનો જન્મ ત્રિપુરાના ગોમોતી જિલ્લાના ઉદયપુરના કાકરાબનમાં 1971માં થયો હતો. તેઓ આરએસએસ સાથે જોડાયેલા રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો