તાજમહેલ બીજેપીના નેતાઓનું નિશાન શા માટે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રોમાન્સવિરોધી છે? એવું ન હોય તો રોમાન્સનું વૈશ્વિક પ્રતીક ગણાતા તાજમહેલને તેઓ નિશાન શા માટે બનાવે?

પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે એવું કહ્યું હતું કે તાજમહેલ ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતો નથી.

એ પછી ઑક્ટોબરની શરૂઆતમાં તેમની સરકારે તાજમહેલને રાજ્યના મુખ્ય પ્રવાસી આકર્ષણોની યાદીમાંથી હટાવી લીધો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

એ પછી પશ્ચિમ ઉત્તર પ્રદેશના બીજેપીના વિધાનસભ્ય સંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પરનો 'કાળું ડાઘ' ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે તાજમહેલના નિર્માતાઓ રાષ્ટ્રદ્રોહી હતા.

તાજમહેલનો તિહાસ

શાહજહાંએ તેમની વહાલી પત્ની મુમતાઝ મહેલની સ્મૃતિમાં તાજમહેલ બંધાવ્યો હતો.

1648માં નિર્માણ કાર્ય પુરું થયું કે તરત જ તાજમહેલ ખ્યાતિ પામ્યો હતો.

ફ્રેન્ચ પ્રવાસી ફ્રાન્કોઈસ બર્નિયરે 1656થી 1668 દરમ્યાન મોગલ શાસન હેઠળના ભારતમાં વ્યાપક પ્રવાસ કર્યો હતો.

ફ્રાન્કોઈસ બર્નિયર તાજમહેલની સામે ઊભા રહ્યા ત્યારે તેનાથી બહુ પ્રભાવિત થયા હતા.

શ્વેત આરસપહાણમાંથી બનેલા ભવ્ય તાજમહેલ વિશે એ સમયે કેવી ચર્ચા થઈ રહી હતી તેની વિગત ફ્રાન્કોઈસ બર્નિયરે તેમના પ્રવાસવર્ણનમાં નોંધી હતી.

'સમયના ગાલ પર પડેલું અશ્રુબિંદુ'

નોબેલ પુરસ્કાર વિજેતા કવિવર રવિન્દ્રનાથ ટાગોરે તાજમહેલને 'સમયના ગાલ પર પડેલું એક અશ્રુબિંદુ' કહ્યો હતો.

વિદેશથી આવતા પ્રવાસીઓની ભારત યાત્રા તાજમહેલની મુલાકાત વિના અપૂર્ણ ગણાય છે.

વિદેશોના વડાપ્રધાનો, રાષ્ટ્રપ્રમુખો કે વૈશ્વિક સેલિબ્રિટીઝ પણ ભારત આવે ત્યારે તાજમહેલની મુલાકાત અચૂક લે છે.

તાજમહેલની સામે બેઠેલાં પ્રિન્સેસ ડાયનાના ફોટોગ્રાફને કોણ ભૂલી શકે? એ ભભકાદાર હતું.

તેથી દર વર્ષે બે લાખ વિદેશીઓ તાજમહેલની મુલાકાત લે છે તે આશ્ચર્યજનક નથી.

પ્રેમ અને રોમાન્સનું પ્રતીક

નવપરિણીત ભારતીય દંપતિઓ માટે પણ તાજમહેલ પ્રેમ અને રોમાન્સનું પ્રતીક બની રહ્યો છે.

તેથી 40 લાખ ભારતીય પ્રવાસીઓ દર વર્ષે તાજમહેલને નિહાળવા શા માટે જાય છે એ સમજી શકાય તેમ છે.

હા, એ 40 લાખ પૈકીના મોટાભાગના યંગ કપલ્સ હોય છે.

તાજમહેલ ફરી એકવાર સમાચારોમાં ચમક્યો છે.

બીજેપીના વિવાદાસ્પદ વિધાનસભ્ય સંગીત સોમે દાવો કર્યો છે કે આ સ્મારકનું નિર્માણ રાષ્ટ્રદ્રોહીઓએ કર્યું હતું.

તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે ''એ શાસક હિંદુઓ કત્લેઆમ કરવા ઇચ્છતો હતો..અમે આ ઇતિહાસને બદલાવીશું.''

તાજમહેલ વિશેનાં બીજેપીનાં અગાઉનાં નિવેદનોની માફક આ વખતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

બીજેપીએ જણાવ્યું છે કે એ પક્ષનો સત્તાવાર મત નથી.

પક્ષના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે એ સંગીત સોમનો વ્યક્તિગત દૃષ્ટિકોણ છે.

બીજેપીએ સંગીત સોમના નિવેદનથી છેડો ભલે ફાડ્યો હોય, પણ સંગીત સોમની આકરી ટીકા કરવામાં આવી છે.

ઘણા લોકોએ સોશિઅલ મીડિયા પર તેમના મજાક કરી હતી.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કટાક્ષ કરતાં સવાલ કર્યો હતો કે વડાપ્રધાન તેમનું 15 ઓગસ્ટનું પરંપરાગત ભાષણ લાલ કિલ્લા પરથી નહીં આપે?

દિલ્હીના લાલ કિલ્લાનું અને આગરાના રેડ ફોર્ટનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. મુસ્લિમ નેતા અસદુદ્દિન ઔવૈસીએ પણ આવી કૉમેન્ટ કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

રાજકીય વિશ્લેષકો શું માને છે?

અનેક રાજકીય વિશ્લેષકો માને છે કે તાજમહેલ વિરોધી નિવેદનો બે કોમ વચ્ચે મનદુઃખ કરાવવાનો પ્રયાસ છે.

તેમના મત અનુસાર, એ નિવેદનોના મૂળમાં મોગલ શાસન સામેનો તેમનો પૂર્વગ્રહ હશે, પણ તેને વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભે ધ્યાનમાં લેવાં જોઈએ.

તેઓ કહે છે કે આર્થિક મોરચે ખાસ કંઈ દેખાડવા જેવું ન હોય ત્યારે ધાર્મિક લાગણી ઉશ્કેરવાથી ફાયદો થતો હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો