You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IS શકમંદો અંગે પોલીસ કરતાં વિજય રૂપાણી પાસે વધુ માહિતી છે?
- લેેખક, પ્રશાંત દયાળ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત પોલીસે એવો દાવો કર્યો કે તેમને સુરત અને ભરૂચમાંથી બે આઈએસઆઈએસ (ISIS) વિચારધારાથી પ્રભાવિત શંકાસ્પદોની ધરપકડ કરી છે.
આ મામલે ગુજરાત એટીએસ કોઈ ખુલાસો કરે તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
આ આખી ઘટના માટે કૉંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ તરફ ઇશારો કર્યો હતો.
બીબીસી પાસે ગુજરાત એટીએસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરની કોપી છે જેમાં ક્યાંય પણ અહેમદ પટેલનો ઉલ્લેખ સુદ્ધાં નથી.
તમને આ પણ વાંચવું ગમશે
ગુજરાત એટીએસની એફઆઈઆર અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં પણ એટીએસના કોઈ અધિકારીએ અહેમદ પટેલની સંડોવણી હોવાની વાત કરી નથી.
આમ છતાં અચાનક વિજય રૂપાણી આ મામલે કૂદી પડયા ત્યારે કોંગ્રેસ તો ઠીક પણ ખુદ એટીએસના અધિકારીઓ પણ ચકિત થઈ ગયા હતા.
શું છે સમગ્ર મામલો ?
ગુજરાત પોલીસે 25મી ઑક્ટોબરના રોજ બે શંકાસ્પદોને પકડવાનો દાવો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત પોલીસના દાવા મુજબ બંને શકમંદો અમદાવાદના રાયખડમાં આવેલા યહુદીઓના ધર્મસ્થાન સિનેગોગ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
ચૂંટણી પહેલાં જ આ રીતે શકમંદોની ધરપકડ થતા તેની પાછળ કોઈ રાજકીય હેતુ છે કે નહીં?
આ પ્રશ્નના જવાબમાં એટીએસના નાયબ પોલીસ અધિક્ષક બી.એચ. ચાવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ માત્ર સંયોગ છે.
તેમણે જણાવ્યું કે પોલીસે બે શકમંદોની ધરપકડ કરી છે અને તેમને ગુરુવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ માટે તેમના રિમાન્ડ માગવામાં આવશે.
ચાવડાએ જણાવ્યું કે "28 અને 31 વર્ષની વયના બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક યુવક સુરતમાં રહે છે અને અંકલેશ્વરની એક હૉસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે કામ કરે છે."
"જ્યારે બીજો યુવક પણ સુરતનો રહેવાસી છે અને એક હોટલનો માલિક છે."
રૂપાણીને કેવી રીતે ખબર પડી?
વિજય રૂપાણી ક્યાંથી આ કેસમાં અહેમદ પટેલનું નામ લઈ આવ્યા તેનું એટીએસના અધિકારીઓને પણ આશ્ચર્ય છે.
વિજય રૂપાણીએ અહેમદ પટેલ રાજયસભામાંથી રાજીનામું આપે તેવી માગણી કરી હતી.
ઉપરાંત કહ્યું કે આ કેસનો એક શકમંદ ભરૂચની હૉસ્પિટલમાં ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો જેના ટ્રસ્ટી અહેમદ પટેલ છે.
વિજય રૂપાણીની આ માહિતીની ખરાઈ કરવા બીબીસી દ્વારા જયારે એટીએસના અધિકારીઓને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો.
જ્યારે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી મેસેજ મૂકી તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે આ મામલે કોઈ વાત કરી ન હતી.
રૂપાણીની પ્રેસ કોન્ફરન્સમાં હાજર ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાનો પણ સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓ પણ લાઇન ઉપર આવ્યા નહીં.
આમ આતંકીના મુદ્દે અહેમદ પટેલના નામોલ્લેખ કરીને વિજય રૂપાણીએ ગુજરાત પોલીસ અને ભાજપને કફોડી સ્થિતિમાં મૂકી દીધાં છે.
કોની છે હૉસ્પિટલ ?
રૂપાણીનાં નિવેદન પછી અહેમદ પટેલે ટ્વિટ કરીને જવાબ આપ્યો.
અહેમદ પટેલે એ ટ્વિટમાં એટીએસની પ્રશંશા કરતા લખ્યું કે એ શંકાસ્પદોને કડક સજા મળે એમ ઇચ્છે છે. પટેલે કહ્યું કે ભાજપના આરોપો ખોટા છે.
હૉસ્પિટલના ટ્રસ્ટી અને હૉસ્પિટલ નિર્માણ કરવા માટે જમીન દાનમાં આપનાર ટ્રસ્ટી જયેશ પટેલે પણ લેખિતમાં સ્પષ્ટતા કરી છે.
જયેશ પટેલે કહ્યું, "આ ટ્રસ્ટમાં અહેમદ પટેલ અને તેમના પરિવારના કોઈ સભ્યો ટ્રસ્ટી તરીકે સંકળાયેલાં નથી."
"પાયાવિહોણા આક્ષેપો થઈ રહ્યા હોવાને કારણે આ સ્પષ્ટતા કરવાની તેમને ફરજ પડી છે."
હૉસ્પિટલના ટ્રસ્ટી તરીકે અહેમદ પટેલ નહીં હોવા છતાં શું મુખ્યમંત્રી કક્ષાના નેતા દ્વારા ઉપરોક્ત ગપગોળો ચલાવવામાં આવ્યો?
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો