તૌકતે વાવાઝોડું : 'કોરોનાએ સ્વજન છીનવી લીધા, વાવાઝોડાએ ઘર છીનવી લીધાં'

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

"કોરોનામાં સ્વજનો ગુમાવ્યા, હવે વાવાઝોડાને લીધે ઘર ગુમાવ્યા. ખેતરો ધોવાઈ ગયાં. સરકાર અમારી મદદે આવે એવી અમારી વિનંતી છે." આ શબ્દો છે તૌકતે વાવાઝોડાના લીધે ઉનામાં સર્જાયેલી તારાજીના અસરગ્રસ્તોના.

સૌરાષ્ટ્ર પંથકમાં અરબ સાગરના કાંઠે આવેલું ઉના આમ તો દલિતકાંડ થયો ત્યારથી જ ચર્ચામાં રહેતું આવ્યું છે. પરંતુ આ વખતે તે ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

કેમ કે વાવાઝોડું તૌકતે દીવ કાંઠાથી પસાર થયા બાદ ગીર-સોમનાથના ઉનામાં પ્રવેશ્યું હતું અને ત્યાં લૅન્ડફોલ પણ થયું હતું.

હવામાન વિભાગ અનુસાર ઉનામાં વાવાઝોડું પ્રવેશ્યું ત્યારે પવનની ગતિ 100 કિલોમિટર પ્રતિકલાકથી પણ વધુ રહી હતી. વળી લૅન્ડફોલ બાદ ઉનામાં પવનની ગતિ 136 કિલોમિટર પ્રતિ કલાકની રહી હતી. જે તેની તીવ્રતા અને ગંભીરતા દર્શાવે છે.

ગીર-સોમનાથ કલેક્ટર અનુસાર ઉનાને ડેન્જર ઝોનમાં મૂકવામાં આવ્યું હતું. હાલ ત્યાં વીજળી નથી. અને રસ્તાઓ બ્લૉક છે. એક રીતે ઉના સંપર્કવિહોણું છે.

મોબાઇલ નેટવર્ક પણ કામ નથી કરી રહ્યાં. સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થતાં વાહનોને પણ નુકસાન થયું છે.

સ્થાનિકોની ઘરવખરી પણ વરસાદને લીધે પલળી જતા અસરગ્રસ્તો માટે સમસ્યા સર્જાઈ છે.

આસપાસના સ્થાનિક મીડિયાકર્મીઓ અનુસાર ઉનામાં વાવાઝોડાની ઘણી માઠી અસર થઈ છે.

વાવાઝોડાનું પહેલું શિકાર ઉના

અહીંથી જ તીવ્ર સાઇક્લોનિક તૌકતેની આંખ પણ પસાર થઈ હતી. લગભગ 2 કલાક સુધીની તેની લૅન્ડફોલની સમયાવધિમાં ઉના તેનું પહેલું શિકાર બન્યું.

સ્થાનિક મીડિયા અને સરકારનાં નિવેદનો અનુસાર ઉનામાં વાવાઝોડાએ મોટી તારાજી સર્જી છે. વળી અહીં કેટલાંક મોત પણ નોંધાયાં હોવાના સ્થાનિક પ્રશાસનના પ્રાથમિક અહેવાલો છે.

ઉપરાંત વૃક્ષો ધરાશાયી થયાં છે, મકાનોને નુકસાન પણ થયું છે અને ખેતરોના પાકને પણ માઠી અસર પહોંચી છે. કૃષિ મામલે નુકસાનનો આંકડો હાલ સમીક્ષા હેઠળ છે, પણ કૃષિનિષ્ણાતોનું કહેવું છે કે આ વિસ્તારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

અત્રે નોંધવું જોઈએ કે 17 મેના રોજ રાત્રે 10 વાગ્યા પછી વાવાઝોડાએ અહીં ઘમસાણ મચાવવાનું શરૂ કરી દીધું હતું.

મીડિયા અહેવાલો અનુસાર ઉનામાં 4 લોકોનાં મોત થયાં છે અને કેટલાક ઘાયલ પણ થયા છે.

દરમિયાન ઉનાના રહીશ ધર્મેશ મૈયાએ બીબીસી સાથેની વાતચીતમાં ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપી.

જોકે હાલ તેઓ ખુદ સુરત શહેરમાં છે પરંતુ તેમનો પરિવાર ઉનામાં છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ઉનામાં છેલ્લા 2 દિવસથી વીજપુરવઠો નથી અને હજુ કેટલાક દિવસ આવું જ રહે તેવી શક્યતા છે. એક રીતે ઉના સંપર્કવિહોણું હોય એવું લાગે છે. મારો પરિવાર સુરક્ષિત છે. પરંતુ ઉનામાં ઘણી તારાજી થઈ છે એવું લાગે છે."

"સામાન્ય જનજીવન ઠપ્પ છે અને હાલ તુરંત ત્યાં કોઈ મદદ આવી પહોંચી હોય એવું તત્કાલીક જાણી શકાયું નથી. દૂધથી લઈને દવાઓ અને ખાદ્યચીજો મળવી મુશ્કેલ છે. પેટ્રોલ પંપને પણ નુકસાન થયું હોવાથી વાહનોની અવરજનર મુશ્કેલ છે."

"ઉનામાં ઘણાં વૃક્ષો ધરાશાયી થયાં છે. મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ પણ કામ નથી કરી રહ્યાં. જેમતેમ કરીને સંપર્ક થઈ રહ્યા છે. મકાનો અને રોડને માઠી અસર થઈ છે."

છેલ્લે પરિવાર સાથે ક્યારે વાત થઈ તે પૂછતાં તેમણે કહ્યું વાવાઝોડું ત્યાંથી પસાર થયું પછી મારી તેમની સાથે વાત થઈ હતી. જોકે તેમનો પરિવાર સુરક્ષિત હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વળી આસપાસના કેટલાક વિસ્તારોના રહીશો અનુસાર ઉનામાં પોલીસ ચોકીથી લઈને હોટલ અને અન્ય કૉમર્શિયલ ઇમારતોને પણ માઠી અસર થઈ છે.

ઉના પાસેના આમોદરમાં પણ ઘણી તારાજી થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ત્યાંના રહીશોનું કહેવું છે કે કોરોનાના સમયમાં ગ્રામજનોએ સ્વજનો ગુમાવ્યા, હવે વાવાઝોડામાં જે હતું એ પણ ગુમાવ્યું છે.

સરકાર પાસે સહાયની આશા

જોકે અત્રે નોંધવું રહ્યું કે વડા પ્રધાન મોદીએ આજે સૌથી વધુ અસરગ્રસ્ત અમરેલી, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. અને પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી હતી. વડા પ્રધાને ગુજરાતને 1000 કરોડની સહાય જાહેર કરી છે.

આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકાર બે લાખ રૂપિયાની સહાય આપશે અને ઘાયલોને 50 હજારની સહાય કરશે.

વળી ગીર-સોમનાથના કલેક્ટર આઈએએસ અજય પ્રકાશ અનુસાર વાવાઝોડાના લૅન્ડફોલ એટલે કે વાવાઝોડું આ જિલ્લામાં પ્રવેશ્યું ત્યારે ઉનામાં 136 કિમી/કલાક, ગીરગઢડામાં 114 કિમી/કલાક, કોડિનારમાં 108 કિમી/કલાક, સૂત્રપાડામાં 108 કિમી/કલાક, તાલાળામાં 127 કિમી/કલાક, વેરાવળમાં કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

ગીર-સોમનાથના આ તાલુકાઓમાં વાવાઝોડાએ માઠી અસર છોડી છે. જેથી કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક કરી ઉનામાં મોબાઇલ નેટવર્ક, રોડ રસ્તા, વીજપુરવઠો અને અન્ય તમામ બાબતો જે જનજીવન માટે જરૂરી છે તેને ફરીથી સંચાલિત કરવા કામગીરી શરૂ કરી છે.

ઉપરાંત મકાનો અને ખેતીના પાકને નુકસાન થયું છે તેનો સરવે પણ શરૂ કરવામાં આવશે.

બીજી તરફ ખેડૂતો સરકાર તરફથી વળતર અને સહાયની આશા લગાવી રહ્યા છે, કારણ કે વાવાઝોડાને પગલે તેમના પાકને ઘણું નુકસાન ગયું હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી રહી છે. ખાસ કરીને કેરી અને મગફળીના પાકને માઠી અસર થઈ છે.

પરંતુ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એક નિવેદનમાં કહ્યું છે કે સર્વે કર્યા બાદ સરકાર સહાયની ચુકવણી કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો