એક જ મહિલાના બે ગર્ભાશયમાંથી અલગ-અલગ બાળકોનો જન્મ કેવી રીતે થયો?

    • લેેખક, જેમ્સ ફિઝજેરાલ્ડ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકામાં એક મહિલાએ બે ગર્ભાશય હોવાને કારણે 20 કલાકની પ્રસૂતિ પછી બે દિવસમાં બે બાળકોને જન્મ આપ્યો.

અલ્બામાની યુનિવર્સિટી ઑફ અલ્બામા ઍટ બર્મિંઘમ (યુએબી) હૉસ્પિટલમાં 32 વર્ષીય કેલસી હેચરે એક બાળકીને મંગળવારે અને બીજી બાળકીને બુધવારે જન્મ આપ્યો.

પ્રથમ બાળક રોક્સીનો જન્મ અંદાજે 19 ડિસેમ્બરની સાંજે 7:45 થયો, જ્યારે બીજા બાળક રેબલનો જન્મ દસ કલાક પછી થયો હતો.

સોશિયલ મિડિયા પર પોતાની બાળકીઓના જન્મની જાણકારી આપતાં હેચરે તેમને “મિરેકલ બેબીઝ” કહ્યાં છે અને સાથે તબીબોનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

આ બાળકીઓ ફ્રેટરનલ ટ્વિન્સ છે એટલે કે એવાં જોડિયાં બાળકો જેની જન્મની તારીખ અલગ-અલગ છે. અહીં દરેક બાળકનો અલગ-અલગ ઇંડામાંથી વિકાસ થાય છે, અને એ ઇંડાંનું અલગ-અલગ શુક્રાણુઓથી ફલન થઈને ગર્ભ બંધાય છે.

હેચરે કહ્યું કે પરિવાર હવે રજાઓનો આનંદ માણવા ઘરે પાછો ફર્યો છે. તેમને આ બાળકીઓના જન્મની અપેક્ષા ક્રિસમસના દિવસે હતી.

યુએબીના પ્રસૂતિના નિષ્ણાંતે બીબીસીને જણાવ્યું કે માતા અને બન્ને બાળકીઓનું સ્વાસ્થ્ય સારૂ છે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારનો કેસ અતિ દુર્લભ છે અને ઘણા ડૉક્ટરોને પોતાની સમગ્ર કારકિર્દીમાં ભાગ્યે જ આવો એકાદ કેસ જોવા મળે છે.

કેલસી હેચરને 17 વર્ષની વયે જણાવવામાં આવ્યું હતું કે તેમના શરીરમાં બે ગર્ભાશય છે. યુએબીના મત મુજબ આવી જન્મજાત વિસંગતતા માત્ર 0.3% મહિલાઓને અસર કરે છે.

યુએબીએ કહ્યું કે આ ઉપરાંત બન્ને ગર્ભાશયમાં ગર્ભ રહેવાની સંભાવના પણ ખૂબ જ દૂર્લભ છે. આવા કેસો આખી દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે.

બાંગ્લાદેશના એક ડૉક્ટરે 2019માં બીબીસીને જણાવ્યું હતુ કે એક મહિલાએ તેનાં બીજા ગર્ભાશયમાં અકાળ સમયે બાળકને જન્મ આપ્યા બાદ એક મહિનાની અંદર જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો.

હેચરને ભૂતકાળમાં ત્રણ સફળ પ્રેગનન્સી રહી હતી. આ વખતે તેમને એવુ લાગતું હતું કે તેઓ માત્ર એક જ ગર્ભાશયમાં ગર્ભવતી છે, પરંતુ અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન જાણકારી મળી કે તેમના બીજા ગર્ભાશયમાં પણ બાળક છે.

તેમણે એ સમયને યાદ કરતા કહ્યું, "અમે આ વાત પર વિશ્વાસ જ નહોતા કરી શક્યા."

યુએબીએ હેચરની પ્રસૂતિને સામાન્ય ગણાવી. પ્રોફેસર રિચાર્ડ ડેવિસે આ પ્રસૂતિ કરાવી હતી. પ્રોફેસરે કહ્યું બે ગર્ભાશય હોવાને કારણે દરેક બાળકને પોતાના વિકાસ માટે વધારે જગ્યા મળી.

હેચરની પ્રસૂતિ 39માં અઠવાડીયામાં થઈ હતી અને તેમના નિરીક્ષણ અને ચાર્ટિંગ માટે બમણા સ્ટાફની જરૂર પડી હતી.

હૉસ્પિટલની પ્રસૂતિ અને સ્ત્રીરોગની ટીમનાં ડૉ. શ્વેતા પટેલે કહ્યું કે હેચરના કેસનો આ સૌથી અસાધારણ ભાગ હતો.

ડૉ. શ્વેતા પટેલે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "અમારા સ્ટાફ પાસે આવા કેસનો પહેલાંનો કોઈ ડેટા નહોતો અને અમે સામાન્ય પ્રસૂતિના અનુભવનો ઉપયોગ આ કેસમાં કર્યો."