પેશાબનો પીળો રંગ એ કિડની ખરાબ થતી હોવાનો સંકેત છે?

કિડની શરીરનું એવું મહત્ત્વપૂર્ણ અંગ છે, જેને કારણે આપણા શરીરમાં શુદ્ધ લોહીનું ભ્રમણ થતું રહે છે અને શરીરમાં રહેલો પ્રવાહી કચરો અને વધારાનું પાણી ફિલ્ટર થઈને મૂત્ર દ્વારા શરીરમાંથી ઉત્સર્જન થતું રહે છે.

કિડનીની આ સાદી સમજની સાથે સાથે એ પણ સમજવું પણ જરૂરી છે કે કિડનીની વિવિધ બીમારીઓ એ ભારતમાં ગંભીર રોગોથી થતાં મૃત્યુની બાબતમાં ટોચનાં દસ કારણોમાં નવમા ક્રમે છે.

'ઇન્ડિયા: હૅલ્થ ઑફ ધ નેશન્સ સ્ટેટ્સ (2017)' નામના ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર, ભારતમાં મૃત્યુનું નવમું સૌથી મોટું કારણ જીવલેણ કિડનીનો રોગ છે. આ રોગમાં વધારો થવાનું મુખ્ય કારણ અનિયંત્રિત ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને વસ્તીનું વૃદ્ધત્વ છે.

નેચર જર્નલના વિશ્લેષણ મુજબ, વિશ્વમાં કિડનીના ગંભીર રોગના કુલ 69.7 કરોડ કેસ હતા, જેમાંથી 11.5 કરોડ તો ફક્ત ભારતમાં જ હતા.

2010-13માં 15-69 વર્ષની વયના લોકોમાં કિડની ફેઈલ થવાના કારણે થયેલા મૃત્યુનું પ્રમાણ 2.9 ટકા હતું, જે 2001-03ની સરખામણીએ 50 ટકા વધારે છે. કિડની ફેઇલ થવાથી મૃત્યુ થયું હોય તેમાં ડાયાબિટીસનો સૌથી મોટો ફાળો હતો.

ભારતમાં વિવિધ સર્વેક્ષણોમાં ક્રૉનિક કિડની ડિસીઝનો (સીકેડી) વસ્તી વ્યાપ 8-17 ટકા દર્શાવવામાં આવ્યો છે. સીકેડી ધરાવતા લગભગ 10-20 ટકા લોકોને અંતિમ તબક્કાનું કિડની ફેલ્યૉર થવાની ધારણા છે.

પરંતુ કિડની ફેઈલ થવાની પરિસ્થિતિ સુધી કેવી રીતે પહોંચે છે? ક્યા સંકેતો પરથી જાણી શકાય કે કિડની ખરાબ થઈ રહી છે. જાણીએ કિડની વિશેના તમામ મૂળભૂત સવાલોના જવાબ આ અહેવાલમાં...

કિડનીનું કાર્ય શું છે?

કિડની શરીરનાં આવશ્યક અંગોમાનું એક અંગ છે. તેની પાસે ઘણાં કાર્યો છે, જેમાં આ કાર્યોનો સમાવેશ થાય છે.

શરીરમાં ખનિજો અને ઇલેક્ટ્રૉલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરવી, જેમ કે કૅલ્શિયમ, સોડિયમ અને પોટૅશિયમ.

  • લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા
  • લોહીનું નાજુક ઍસિડ-બેઝ (pH) સંતુલન જાળવવું
  • શરીરમાંથી પાણીમાં દ્રાવ્ય કચરો બહાર કાઢવો

કિડની એ પેશાબ સંબંધિત શરીરની આંતરિક પ્રક્રિયાઓની વ્યવસ્થાનું અંગ છે - જે વધારાનું પાણી, ક્ષાર અને યુરિયાને દૂર કરે છે.

મૂત્રપિંડની ધમની દ્વારા લોહી કિડનીમાં વહન કરવામાં આવે છે. લોહીને ઉચ્ચ દબાણ પર ફિલ્ટર કરવામાં આવે છે અને કિડની પસંદગીપૂર્વક કોઈ પણ ઉપયોગી સામગ્રી જેમ કે ગ્લુકોઝ, મીઠાનાં આયનો અને પાણીને ફરીથી શોષી લે છે. તે શુદ્ધ થયા પછી, લોહી મૂત્રપિંડની નસ દ્વારા રુધિરાભિસરણ તંત્રમાં પાછું આવે છે.

કિડની પેશાબ ઉત્પન્ન કરે છે અને આ પાણીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. મૂત્રને મૂત્રમાર્ગ દ્વારા મૂત્રપિંડમાંથી મૂત્રાશયમાં લઈ જવામાં આવે છે. મૂત્રાશય પેશાબને ત્યાં સુધી સંગ્રહિત કરે છે જ્યાં સુધી તેને શરીરમાંથી બહાર કાઢવાની સુવિધા ન મળે.

ડાયાબિટીસ લોહીમાં શર્કરાના ઉચ્ચ સ્તરમાં પરિણમે છે અને વૈશ્વિક સ્તરે 41.5 કરોડ લોકોને અસર કરે છે. આથી તે કિડની ફેલ્યૉરનું મુખ્ય કારણ છે. ડાયાબિટીસ ધરાવતા લગભગ 40 ટકા લોકોમાં આખરે કિડનીનો રોગ વિકસે છે.

કિડની અને પેશાબને શું કનેક્શન છે?

આ રોગ થવાનાં કારણોને ઊંડાણપૂર્વક સમજવા માટે અમે ડૉ. સિદ્ધાર્થ જૈન સાથે વાત કરી હતી જેઓ નેફરોલૉજિસ્ટ એટલે કે કિડનીના ડૉક્ટર છે.

તેઓ પેશાબ અને કિડની વચ્ચેના સંબંધની વાત કરતા સમજાવે છે કે, "પેશાબ કિડનીમાં બને છે અને તે શરીરમાંથી આ દુર્વ્યય ચયાપચયક પદાર્થોને દૂર કરે છે. કિડનીનું કાર્ય શરીરમાંથી વધારાના ચયાપચયક કચરાને દૂર કરવાનું છે. જે તે પેશાબની મદદથી કરે છે."

કિડની એ આપણા શરીરની એક ફિલ્ટર સિસ્ટમ છે. કિડની લોહીમાંથી કચરો દૂર કરે છે અને પેશાબ ઉત્પન્ન કરે છે.

કેવી રીતે ખબર પડે કે કિડની ખરાબ છે?

પેશાબમાં પ્રોટીનની નોંધપાત્ર હાજરીને પ્રોટીનુરિયા કહે છે. જેના પરથી કિડનીની સ્થિતિનો સંકેત મળે છે.

ડૉ. જૈન પ્રોટીનુરિયા (પેશાબમાં પ્રોટીનની નોંધપાત્ર હાજરી) વિશે વિગતવાર સમજાવતા કહે છે કે, "દરેક સ્વસ્થ મનુષ્યનું શરીર પેશાબ દ્વારા અમુક માત્રામાં પ્રોટીનનું ઉત્સર્જન કરે છે, પરંતુ જ્યારે આ પ્રોટીનનું શરીરમાંથી અસામાન્ય માત્રામાં વિસર્જન થાય છે ત્યારે તે ચિંતાજનક છે અને આ લીકને પ્રોટીનુરિયા તરીકે ઓળખવામાં આવે છે."

"પ્રોટીનુરિયાના ઉત્પાદનનું સૌથી સામાન્ય કારણ ડાયાબિટીસ છે. જો કોઈ વ્યક્તિને અનિયંત્રિત ડાયાબિટીસ હોય, તો વધારાનું પ્રોટીન પેશાબ દ્વારા લીક થાય છે. આ રીતે જ અનિયંત્રિત ડાયાબિટીસની પ્રથમ નિશાની પ્રોટીનુરિયા પણ છે."

પ્રોટીનુરિયા થવાનાં અન્ય કારણો બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત અન્ય રોગો છે.

પ્રોટીનુરિયા થવાનાં લક્ષણો વિશે વાત કરતાં તેઓ કહે છે, "જો દર્દીઓને લાગે કે તેમને ફીણવાળો પેશાબ છે અને જ્યારે તેઓ ફ્લશ કરે છે ત્યારે ફીણ આવે છે, તો તે પ્રોટીનુરિયાની નિશાની છે."

પ્રોટીનુરિયાના આગળના તબક્કામાં દર્દીઓને હાથ અને પગમાં સોજા આવે છે, થાક લાગે છે, પેટમાં દુ:ખાવો થઈ શકે છે અથવા પેટમાં ચેપ લાગે છે. આ રોગનાં અન્ય કારણો બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત અન્ય રોગો પણ છે.

પેશાબના રંગ પરથી કેવી રીતે ખબર પડે કે કિડનીમાં કોઈ રોગ થયો છે?

પેશાબમાં પાણી, યુરિયા અને ક્ષાર હોય છે. જ્યારે વધારે ઍમિનો ઍસિડ તૂટી જાય છે ત્યારે યકૃતમાં યુરિયા ઉત્પન્ન થાય છે. યુરિયા એ મુખ્ય કચરો છે જે પેશાબ દ્વારા દૂર કરવામાં આવે છે, કારણ કે તે કિડનીમાં ફરીથી શોષાઈ જતો નથી.

હાર્વર્ડ હેલ્થ કહે છે કે, પેશાબ એ ફક્ત વધારાનું પાણી અને કચરો છે, જે તમારી કિડની તમારા લોહીમાંથી ફિલ્ટર કરે છે. તેનો રંગ સામાન્ય રીતે આછા પીળાથી લઈને ઊંડા ભૂરો રંગ સુધીનો હોય છે, તેની સાંદ્રતા - પાણીમાં કચરા (વેસ્ટ)ના પ્રમાણ તેના આધારે હોય છે. તેના બદલામાં, તમે કેટલા પ્રવાહીનો વપરાશ કરો છો તેના પર આંશિક રીતે આધાર રાખે છે.

ડૉ. સિદ્ધાર્થ આગળ જણાવે છે કે, "જો કોઈ વ્યક્તિને લાગે કે તેનો પેશાબ લાલ, કાળો કે ભૂરા રંગનો કે અન્ય કોઈ રંગનો છે તો તેમણે ચેતી જવું જોઈએ."

તેમજ પેશાબનું પ્રમાણ, સામાન્ય કરતાં ઘણું ઓછું અથવા સામાન્ય કરતાં વધુ, અથવા વ્યક્તિને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય અથવા જો વ્યક્તિને પેશાબ આવે ત્યારે ખૂબ જ પ્રેશર અનુભવતી હોય અને જરાય પણ નિયંત્રણ ન રાખી શકતી હોય તો કિડનીની સમસ્યાની શક્યતા રહે છે.

કિડનીની ગંભીર બીમારીઓ કઈ છે?

સીકેડી (ક્રૉનિક કિડની ડિસીઝ)નાં સૌથી સામાન્ય કારણો હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે.

દરેક કિડનીમાં લગભગ 10 લાખ નાના ફિલ્ટરિંગ એકમો હોય છે, જેને નેફ્રોન્સ કહેવાય છે. કોઈ પણ રોગ જે નેફ્રોન્સને ઈજા પહોંચાડે છે અથવા અસર કરે છે તે કિડનીના રોગનું કારણ બની શકે છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર બંને નેફ્રોનને નુકસાન પહોંચાડી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર કિડની, હૃદય અને મગજની રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. કિડની અત્યંત વેસ્ક્યુલરાઇઝ્ડ હોય છે, એટલે કે તેમાં ઘણી બધી રક્તવાહિનીઓ હોય છે. તેથી, રક્ત વાહિનીઓના રોગો સામાન્ય રીતે તમારી કિડની માટે જોખમી હોય છે.

ક્રૉનિક કિડની ડિસીઝ, જેને ક્રૉનિક કિડની ફેલ્યૉર પણ કહેવામાં આવે છે, તે કિડનીના કાર્યને ધીમે ધીમે ગુમાવવાની પ્રક્રિયા છે. કિડની લોહીમાંથી કચરો અને વધારાનું પ્રવાહી ફિલ્ટર કરે છે, જે પછી પેશાબ થકી બહાર નીકળે છે. જ્યારે ક્રૉનિક કિડની ડિસીઝ ઍડવાન્સ સ્ટેજ પર પહોંચે છે, ત્યારે શરીરમાં પ્રવાહી, ઇલેક્ટ્રોલાઇટ્સ અને કચરો ખતરનાક સ્તરે જમા થઈ શકે છે.

ક્રૉનિક કિડની ડિસીઝનાં ચિહ્નો અને લક્ષણો સમય જતાં વિકસે છે અને કિડનીને નુકસાન ધીમે ધીમે થાય છે. તેના લક્ષણો આવા હોઈ શકે છે.

  • ઊબકા અને ઊલટી
  • ભૂખ ન લાગવી
  • થાક અને નબળાઈ
  • ઊંઘની સમસ્યા
  • પેશાબના ઉત્પાદનમાં ફેરફાર
  • માનસિક તીક્ષ્ણતામાં ઘટાડો
  • સ્નાયુઓમાં ખેંચાણ અને હાથ અને પગનો સોજો
  • હાઈ બ્લડ પ્રેશર

ક્રૉનિક કિડની ડિસીઝ એ કિડનીનો સમય સાથે આગળ વધતો અને બદલી ન શકાય એવો રોગ છે. ક્ષતિગ્રસ્ત કિડની આ કાર્યો કરવાની ક્ષમતા ગુમાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.