You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ સામાન્ય બાબતો જેનું ધ્યાન રાખવાથી કિડનીને ખરાબ થતી અટકાવી શકાય
કિડની શરીરનું એવું મહત્ત્વપૂર્ણ અંગ છે, જેને કારણે આપણા શરીરમાં શુદ્ધ લોહીનું ભ્રમણ થતું રહે છે અને શરીરમાં રહેલો પ્રવાહી કચરો અને વધારાના પાણીને કિડની દ્વારા ફિલ્ટર કરીને મૂત્ર દ્વારા શરીરમાંથી ઉત્સર્જન થતું રહે છે.
આ સાદી સમજની સાથે સાથે એ સમજવું પણ જરૂરી છે કે કિડનીની વિવિધ બીમારીઓ એ ભારતમાં ગંભીર રોગોથી થતાં મૃત્યુની બાબતમાં ટોચનાં દસ કારણોમાં નવમા ક્રમે છે.
“ઇન્ડિયા: હૅલ્થ ઑફ ધ નેશન્સ સ્ટેટ્સ” (2017) પરના ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર, ભારતમાં મૃત્યુનું 9મું સૌથી મોટું કારણ ક્રોનિક કિડની રોગ છે. આ રોગમાં વધારો થવાનું મુખ્ય કારણ અનિયંત્રિત ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને વસ્તીનું વૃદ્ધત્વ છે.
કિડનીના રોગ એક જીવનશૈલી, વર્તણૂક અને નબળા ચયાપચય સંબંધિત રોગ છે. વધતું હાઈ બ્લડ પ્રેશર (24%) અને હાઈ બ્લડ સુગર (8%), અન્ય બિન ચેપી રોગો જે અગાઉ એટલા સામાન્ય ન હતા, તે પણ તાજેતરના સમયમાં ઝડપથી વધવા લાગ્યા છે, દા.ત., ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી).
આવા રોગો શા માટે વધે છે? તેનાં કારણો શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય તે જાણવું જરૂરી છે.
કિડની ખરાબ થવાં પાછળનાં કારણો કયાં છે?
ડૉક્ટર વત્સા પટેલ, મેટાસ ઍડવેન્ટિસ્ટ હૉસ્પિટલ, સુરતમાં કિડની વિભાગના વડા છે અને કિડની નિષ્ણાત અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છે.
“કિડની સંબંધિત રોગો અને કિડની ફેલ થવાનું સૌથી મોટું કારણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. કિડનીના રોગોના 70% દર્દીઓ એવા છે જેમણે તેમના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની યોગ્ય કાળજી લીધી નથી. કિડનીને નુકસાન થવાનાં અન્ય કારણોમાં વારસાગત રોગો પણ છે.”
ડૉક્ટર વત્સા જણાવે છે કે ઘણા દર્દીઓને એવી ગેરસમજ હોય છે કે ડાયાબિટીસ અને બીપીની દવાઓ ખાવાથી કિડનીને નુકસાન થાય છે, પરંતુ તે સાચું નથી. સામાન્ય રીતે પેઇનકિલર્સ અને કેટલીક આયુર્વેદિક દવાઓ લાંબા ગાળે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, દર્દીઓ કિડનીને નુકસાન થવાના ભય વિના તેમની ડાયાબિટીસ, બીપી દવાઓ ખાઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ક્રોનિક કિડની ડિસીઝને કેવી રીતે અટકાવી શકાય તે અંગેના અહેવાલ મુજબ, કેટલાક મૂળભૂત કારણો છે જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તે છે:
- ડાયાબિટીસ - ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર કિડનીને નુકસાન થવાનાં મુખ્ય કારણોમાંનું એક છે. ટાઈપ 2 ડાયાબિટીસ પેશાબ દ્વારા વધારાના પ્રોટીનના કોઈપણ ચિહ્નો દર્શાવ્યા વિના કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, દર્દીઓને ખબર પણ નહીં પડે કે કિડનીમાં કોઈ ફેરફાર થઈ રહ્યા છે.
- હાયપરટૅન્શન - હાયપરટૅન્શનની કિડની પર લાંબા સમય સુધી પ્રતિકૂળ અસર પડે છે અને પરિણામે કિડનીને નુકસાન થાય છે અને અન્ય રોગો પણ થાય છે.
- હૃદય સંબંધિત રોગો - હૃદયના રોગો પણ કિડનીને નુકસાન કરવામાં સામાન્ય કારણ છે.
- સ્થૂળતા - સ્થૂળતા હાયપરટૅન્શન અને નબળા હૃદયનું કારણ બની શકે છે અને તેથી કિડનીને નુકસાન પહોંચાડે છે.
કિડનીનું કાર્ય શું છે?
ડૉક્ટર સિદ્ધાર્થ જૈન નેફ્રોલોજિસ્ટ એટલે કે કિડનીના ડૉક્ટર છે. તે પેશાબ અને કિડનીના સંબંધની વાત કરતા સમજાવે છે કે, પેશાબ કિડનીમાં બને છે અને તે શરીરમાંથી નકામા મેટાબોલિક પદાર્થોને દૂર કરે છે. કિડનીનું કાર્ય શરીરમાંથી વધારાના મેટાબોલિક કચરાને દૂર કરવાનું છે જે તે પેશાબની મદદથી કરે છે.
ડૉક્ટર જૈન પ્રોટીન્યુરિયા વિશે વિગતવાર સમજાવે છે કે, “દરેક સ્વસ્થ માનવ શરીર પેશાબ દ્વારા અમુક માત્રામાં પ્રોટીનનું ઉત્સર્જન કરે છે અને પેશાબ વાટે શરીરની બહાર કાઢે છે, પરંતુ જ્યારે આ પ્રોટીન શરીરમાંથી અસામાન્ય માત્રામાં વિસર્જન કરે છે ત્યારે તે ચિંતાજનક છે અને જયારે આ લીક વધારે માત્રામાં પેશાબ વાટે નીકળે છે પ્રોટીન્યુરિયા તરીકે ઓળખવામાં આવે છે. "
“પ્રોટીન્યુરિયાના ઉત્પાદનનું સૌથી સામાન્ય કારણ ડાયાબિટીસ છે. જો કોઈ વ્યક્તિને અનિયંત્રિત ડાયાબિટીસ હોય, તો વધારાનું પ્રોટીન પેશાબ દ્વારા લીક થાય છે. "
“આ રીતે અનિયંત્રિત ડાયાબિટીસની પ્રથમ નિશાની પ્રોટીન્યુરિયા પણ છે.
પ્રોટીન્યુરિયા થવાના અન્ય કારણો બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત અન્ય રોગો છે.
પ્રોટીન્યુરિયા થવાના લક્ષણો વિશે વાત કરતાં તેઓ કહે છે, જો દર્દીઓને લાગે કે તેમને ફીણવાળું પેશાબ છે અને જ્યારે તેઓ ફ્લશ કરે છે ત્યારે ફીણ આવે છે, તો તે પ્રોટીન્યુરિયાની નિશાની છે.
પ્રોટીન્યુરિયાના અદ્યતન તબક્કામાં દર્દીઓને હાથ અને પગમાં સોજા આવે છે, થાક લાગે છે, પેટમાં દુખાવો થઈ શકે છે અથવા પેટમાં ચેપ લાગે છે. આ રોગના અન્ય કારણો બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત અન્ય રોગો છે.
ક્રોનિક કિડની ડિસીઝ શું છે?
દરેક કિડનીમાં લગભગ 1 મિલિયન નાના ફિલ્ટરિંગ એકમો હોય છે, જેને નેફ્રોન્સ કહેવાય છે. કોઈપણ રોગ જે નેફ્રોન્સને ઈજા પહોંચાડે છે અથવા તેની ઉપર ડાઘ કરે છે તે કિડની રોગનું કારણ બની શકે છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર બંને નેફ્રોનને નુકસાન પહોંચાડી શકે છે.
ક્રોનિક કિડની ડિસીઝ, જેને ક્રોનિક કિડની ફેલ્યોર પણ કહેવામાં આવે છે, તેને કારણે કિડનીની કાર્ય ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે. કિડની લોહીમાંથી કચરો અને વધારાનું પ્રવાહી ફિલ્ટર કરે છે, જે પછી પેશાબમાં વિસર્જન થાય છે. જ્યારે ક્રોનિક કિડની ડિસીઝ ઍડ્વાન્સ સ્ટેજ પર પહોંચે છે, ત્યારે શરીરમાં પ્રવાહી, ઈલેક્ટ્રોલાઈટ્સ અને કચરાના ખતરનાક સ્તરો જમા થાય છે અને પેશાબ વાટે નથી નીકળી શકતા.
એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ એ કિડનીનો સતત અને રિપૅર ન કરી શકાય એવો વિનાશ કરે છે. ક્ષતિગ્રસ્ત કિડની તેનાં કાર્યો કરવાની ક્ષમતા ગુમાવે છે.
ક્રોનિક કિડની ડિસીઝના ચિહ્નો અને લક્ષણો સમય જતાં વિકસે છે અને કિડનીને નુકસાન ધીમે ધીમે થાય છે, અને તેમાં ઊબકા, ઊલટી, ભૂખ ન લાગવી, થાક અને નબળાઈ, ઊંઘની સમસ્યા, પેશાબના ઉત્પાદનમાં ફેરફાર, માનસિક તીક્ષ્ણતામાં ઘટાડો, સ્નાયુઓમાં ખેંચાણ, સોજો શામેલ હોઈ શકે છે.
કિડની ખરાબ થઈ એ ખબર કેવી રીતે પડે?
જ્યારે વ્યક્તિનું પેશાબ તેનો સામાન્ય રંગ ગુમાવે છે અને અસામાન્ય રંગ દર્શાવે છે ત્યારે કિડનીને નુકસાનના શરૂઆતના સંકેતો દેખાય છે.
પેશાબમાં પાણી, યુરિયા અને ક્ષાર હોય છે. જ્યારે વધારે એમિનો એસિડ તૂટી જાય છે ત્યારે યકૃતમાં યુરિયા ઉત્પન્ન થાય છે. યુરિયા એ મુખ્ય કચરો છે જે પેશાબ દ્વારા દૂર કરવામાં આવે છે, કારણ કે તે કિડનીમાં ફરીથી શોષાતા નથી.
હાર્વર્ડ હેલ્થ કહે છે કે, પેશાબ એ ફક્ત વધારાનું પાણી અને કચરો છે જે તમારી કિડની તમારા લોહીમાંથી ફિલ્ટર કરે છે. તેનો રંગ સામાન્ય રીતે આછા પીળાથી લઈને ઘાટા ભુરા સુધીનો હોય છે. તે, બદલામાં, તમે કેટલા પ્રવાહીનો વપરાશ કરો છો તેના પર આંશિક રીતે આધાર રાખે છે.
ડૉક્ટર સિદ્ધાર્થ આગળ જણાવે છે કે, જો કોઈ વ્યક્તિને લાગે કે તેનો પેશાબ લાલ, કાળો કે ભૂરા રંગનો કે અન્ય કોઈ રંગનો છે તો તેમણે ચેતી જવું જોઈએ.
તેમજ પેશાબનું પ્રમાણ, સામાન્ય કરતાં ઘણું ઓછું અથવા સામાન્ય કરતાં વધુ, અથવા વ્યક્તિને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય અથવા જો વ્યક્તિ પેશાબને કાબૂમાં ન રાખી શકતો હોય તો કિડનીની સમસ્યા થવાની શક્યતા રહે છે.
કિડનીના નુકસાનને કેવી રીતે નિયંત્રિત કરવું?
ડૉક્ટર વત્સા આગળ સમજાવે છે કે, જો કોઈ વ્યક્તિ વારંવાર યુરિન ઇન્ફેક્શનનો સામનો કરે છે, તો તેમણે વારંવાર પાણી પીવું જોઈએ.
જોકે, કેટલીકવાર દર્દીઓ વિચારે છે કે જો તેમની કિડની બગડી ગઈ હોય તો તેમણે વારંવાર પાણી પીવું જોઈએ, પરંતુ આવા કિસ્સાઓમાં તેમની કિડનીની ક્ષમતા ઘટી ગઈ છે અને આવા દર્દીઓએ વધુ પાણી પીવું જોઈએ નહીં.
પરંતુ જે સ્વસ્થ છે અને સ્વસ્થ કિડની ધરાવે છો તેઓએ વધુ પાણી પીવું જોઈએ જેથી તેમની કિડની સ્વસ્થ રહે.
તેઓ આગળ કહે છે કે, જે દર્દીઓને ડાયાબિટીસ અથવા બીપી હોય તો તેઓ શું ખાય છે તેની સાવચેતી રાખવી જોઈએ. કિડની ફેલ થવાનાં કારણોમાં જંક ફૂડ, તેલમાં તળેલું અને કૃત્રિમ ગળપણ અને ફ્લેવર ધરાવતી કોઈપણ વસ્તુ કિડનીને નુકસાન પહોંચાડે છે.
ઘણી વખત એશ/કેલ્ક્સ ધરાવતો ખોરાક પણ કિડનીને નુકસાન પહોંચાડે છે.
કિડનીના નુકસાનને ઘટાડી અથવા મર્યાદિત કરી શકે તેવાં અન્ય કારણો છે:
- વજનમાં ઘટાડો- મેદસ્વી અને વધુ વજનવાળા લોકોને તેમના શારીરિક વજનનો આંક ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
- ધૂમ્રપાન- છોડવું કિડનીને પુનર્જીવિત કરવામાં મદદ કરી શકે છે.
ડાયેટમાં પ્રોટીન કંટ્રોલ- સીકેડી ધરાવતા પુખ્ત વયના લોકો માટે પ્રોટીન-નિયંત્રિત આહારની ભલામણ કરવામાં આવે છે.
- દારૂનું સેવન- હાયપરટૅન્શનને નિયંત્રણમાં રાખવા માટે દારૂનું સેવન બંધ કરવું જોઈએ.
- વ્યાયામ- કુલ 30 મિનિટ, અઠવાડિયામાં 5 વખત કસરત હૃદયની સમસ્યાઓથી રક્ષણ માટે મદદરૂપ થઈ શકે છે. ઉચ્ચ તીવ્રતાની કસરતો ટાળવી જોઈએ.
કિડની બગાડવી એ એક ધીમી પ્રક્રિયા છે. તેથી જ્યારે દર્દીને કિડનીમાં દુખાવો થાય છે ત્યાં સુધીમાં તે ખૂબ મોડું થઈ જાય છે અને 70% નુકસાન થઈ જાય છે.
તેથી જ્યારે નુકસાન શરૂ થાય છે ત્યારે તેના વિશે જાણવા માટે તમારા શરીરની નિયમિત તપાસ કરવી જરૂરી છે.
અને ડાયાબિટીસ/બીપીના દર્દીઓએ દર વર્ષે એકવાર શરીરની તપાસ કરાવવી જોઈએ.
કિડની ફેલ્યોરનો અર્થ શું છે અને શું તે સાધ્ય છે?
ડૉક્ટર વત્સા સમજાવે છે કે, દર્દીઓ જેવો 'કિડની ફેલ' શબ્દ સાંભળે છે, તેઓ આશા ગુમાવી દે છે. પરંતુ કિડની ફેલ થવાનો અર્થ એ નથી કે હવે કોઈ રસ્તો નથી.
ઘણા એવા રોગો છે જેના કારણે કિડનીને અસ્થાયી રૂપે નુકસાન થઈ શકે છે, જેમ કે ડેન્ગ્યુ અને ઝાડા પણ કિડનીને અસર કરી શકે છે.
જ્યારે કિડની અસ્થાયી રૂપે પેશાબ બનાવવામાં નિષ્ફળ થાય છે, ત્યારે પણ ડાયાલિસિસ કરવાની જરૂર પડી શકે છે. થોડા ડાયાલિસિસ પછી કિડની ફરીથી પેશાબ બનાવવાનું શરૂ કરી શકે છે.
જોકે, જ્યારે કિડની સંપૂર્ણપણે પેશાબ બનાવવામાં નિષ્ફળ જાય છે, ત્યારે નિયમિત ડાયાલિસિસની જરૂર પડે છે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ એક વિકલ્પ છે.
કોઈ કારણસર બંને કિડની કાઢી નાખવામાં આવે તો પણ વ્યક્તિ ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટની મદદથી સ્વસ્થ રહી શકે છે.