ડીજેનો ભારે અવાજ હૃદયરોગના હુમલાથી મોતનું કારણ બની શકે? કાન અને હૃદય વચ્ચે શો સંબંધ છે?

તાજેતરમાં ગુજરાતના જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રૅક્ટિસ દરમિયાન હાર્ટ ઍટેકથી મોત થયું હતું. વિનીત કુંવરિયાનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું.

ગુજરાતમાં લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ ઍટેક આવતાની સાથે જ મોતના કિસ્સા જોવા મળી રહ્યા છે.

એટલું જ નહીં પણ તાજેતરમાં જૂનાગઢમાં પણ 24 વર્ષના યુવાનનું હાર્ટ ઍટેકથી મોત થયું હતું. નવરાત્રીની પ્રૅક્ટિસ દરમિયાન ચિરાગ પરમાર નામનો યુવક અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. પછી મોત થઈ ગયું હતું.

જેતપુરમાં 20 વર્ષીય યુવતીનું જન્માષ્ટમીના મેળામાં ચકડોળમાં બેઠી હતી ત્યારે હાર્ટ ઍટેકથી મોત થયું હતું.

જન્માષ્ટમીના દિવસે એક 25 વર્ષીય યુવાનનું પણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે હાર્ટ ઍટેકથી મોત થયું હતું.

કેટલાક દિવસ અગાઉ તેલંગણાના નિર્મલ જિલ્લામાં એક 18 વર્ષીય યુવક નાચી રહ્યો હતો અને અચાનક જ ઢળી પડ્યો. હૉસ્પિટલ લઈ જવાય એ પહેલાં જ તેનું મૃત્યુ થયું.

હાલમાં જ મહારાષ્ટ્રમાં સાંગલીમાં બે યુવકોનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું.

સાંગલીમાં આ બંને યુવાનોનાં મોત પાછળ ડીજેના અવાજને જવાબદાર હોવાનું સામે આવ્યું. જાણકારો કહે છે કે એ અવાજને વધારે સાંભળવાથી તેની અસર હૃદય પર થઈ અને આ કારણે તેમનું મૃત્યુ થઈ ગયું.

આવું કેવી રીતે થાય છે? શું આવું દરેક વ્યક્તિ સાથે થાય છે?

જો અવાજ 70 ડેસિબલથી વધારે હોય તો શું થાય?

આપણા કાન 70 ડેસિબલ સુધીનો અવાજ સહન કરી શકે છે. પણ કાન, નાક, ગળાના નિષ્ણાત અશોક પુરોહિત કહે છે, “સતત 80થી 100 ડેસિબલનો અવાજ સાંભળવાથી શ્રવણશક્તિ જતી રહેવાનું જોખમ છે.”

વધુમાં તેઓ કહે છે, “100થી 120 ડેસિબલ વચ્ચે ધ્વનિ ટિનિટસ અને ચક્કર આવવાનું કારણ બની શકે છે. આ ઉપરાંત તે ધ્વનિ એટ્રિયા (હૃદયનો કર્ણક નામે ઓળખાતો ભાગ)ને ઉત્તેજિત કરે છે જે હૃદય સાથે જોડાયેલા હોય છે. આનાથી હૃદયરોગનો હુમલો થઈ શકે છે.”

તેમણે જણાવ્યું કે હાલના સમયમાં સાર્વજનિક સભાઓમાં ભાગ લેતા હોય તેવા લોકોને કાનની સમસ્યાઓ થવાનું પ્રમાણ વધી રહ્યું છે.

તેમણે કહ્યું, “26 ડિસેમ્બરે 18 લોકો કાનની તકલીફો સાથે મારી પાસે આવ્યા. એમાંથી મોટા ભાગના પક્ષના કાર્યકર્તા અથવા જુલૂસમાં ભાગ લેનારા હતા.”

હૃદયરોગ નિષ્ણાત તુકારમ ઊટી કહે છે, "ધ્વનિ પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનાથી ધમનીઓમાં ઉચ્ચ રક્તચાપની સમસ્યા થાય છે.”

ડૉક્ટર ચેતવણી આપે છે, “સતત તેજ અવાજના સંપર્કમાં રહેવું જીવ માટે જોખમ હોઈ શકે છે. આનાથી હૃદય પર દબાણ વધે છે. જેનાથી હૃદયરોગ થાય છે કે સ્ટ્રોક આવે છે.”

માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે

કાન, નાક, ગળાના નિષ્ણાત નીતા ગાડે કહે છે, “ઊંચા અવાજથી સાંભળવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. તે કાનની કોશિકાઓને નુકસાન કરે છે. તેનાથી કાનની સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.”

નીતા ગાડે કહે છે, “એ વાતનું પણ જોખમ છે કે તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહેશે. આની અસરવાળા લોકોને કાનમાં મધમાખીઓ બણબણતી હોય અને સિસોટી વાગતી હોય એવો અવાજ સંભળાય છે. આ સ્થિતિ જેને ટિનિટસ કહેવાય છે તે સ્થાયી કે અસ્થાયી હોઈ શકે છે.”

તેમણે કહ્યું કે આવી સમસ્યાઓ કે શ્રવણશક્તિને થયેલી હાનિ સંબંધિત સમસ્યાઓનો ઉપચાર છે.

નીતા એ પણ સૂચન કરે છે કે ડીજેના અવાજના સ્તર પર એક સીમા રાખવી જરૂરી છે.

ઊંચા અવાજને કારણે માણસના માત્ર શરીરને જ નહીં માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

મનોચિકિત્સક શુભાંગી ગર્ગનિસ કહે છે, “દરેકની સંગીત માટે પ્રાથમિકતા હોય છે. દરેક પાસે તેને પસંદ કરવાનો વિકલ્પ હોય છે કે તે કેટલી ઊંચા અવાજમાં તેને સાંભળવા માગે છે. પણ ડીજે ડોલ્બી પાસે આ સુવિધા નથી.”

શુભાંગી ગર્ગનિસે કહ્યું, “ડીજે મ્યુઝિક સાંભળવાથી સામાન્ય માણસ પરેશાન થાય છે. આનાથ તેની ઊંઘમાં ખલેલ પહોંચે છે. આનાથી તેના માનસિક સ્વાસ્થ્યને પણ અસર થાય છે.”