You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિંદૂરમાં રહેલી એ ઝેરી ધાતુ જે શરીરમાં ફેલાઈને ગંભીર બીમારીઓ અને બુદ્ધિને નુકસાન કરે છે
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
2013માં અમદાવાદના એક 35 વર્ષના પુરુષ દર્દીને ચહેરા પર સોજો આવ્યો. તેમને કબજિયાત, ઊબકાં, ઊલટી, પેટમાં દુખાવો, ચીડિયાપણું અને અનિદ્રા જેવી સમસ્યા પણ થવા લાગી.
ડૉક્ટરને બતાવ્યા બાદ ખબર પડી કે તે લાંબા સમય સુધી સીસું (લેડ)ના સંપર્કમાં આવ્યા હતા, તેમને સીસાના ઝેરની અસર થઈ છે અને તેને કારણે આવાં લક્ષણો દેખાવાં લાગ્યાં છે.
આ દર્દી છેલ્લાં 11 વર્ષથી વાર્ષિક પાંચથી દસ ગ્રામ સિંદૂર વાપરતા હતા. તે ધાર્મિક પ્રવૃત્તિમાં સિંદૂર વાપરતા અને નિદાનમાં જાણવા મળ્યું કે દાંતના પેઢાની આસપાસ એક નાની વાદળી અને ગ્રે રેખા બની હતી અને તેમની કિડની ખરાબ થઈ હતી.
આ એક અસામાન્ય ઘટના હતી જેનાથી જાણ થઈ કે સિંદૂરમાં પણ સીસું હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સીસાના સંપર્કમાં આવવાથી ભારતીય બાળકો અને પુખ્ત વયના લોકોના આઈક્યૂ (બૌદ્ધિક ક્ષમતા માપવાનો આંક - ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ)માં પાંચ નંબર જેટલો ઘટાડો થઈ શકે છે.
સીસાના પ્રદૂષણ વિશે થયેલું એક સંશોધન દર્શાવે છે કે માનવ શરીરમાં સીસું હવે પૂર્વ-ઔદ્યોગિક સમયગાળા કરતા 500-1,000 ગણું વધારે છે.
યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય સંસ્થા 'પ્યોર અર્થ' દ્વારા એક અહેવાલ મુજબ આજે 27.5 કરોડથી વધુ ભારતીય બાળકો સીસાના સંપર્કમાં આવે છે. આ બાળકોને સંભવિતપણે મગજના વિકાસની સમસ્યા ભવિષ્યમાં ઉદ્ભવી શકે છે.
તો ચાલો જાણીએ કે સીસાનું પ્રદૂષણ શું છે, તે કેવી રીતે થાય છે અને તે આપણા શરીર પર કેવી અસર કરે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીસાનું પ્રદૂષણ શું છે?
સામાન્ય રીતે નાનાં બાળકો ખુલ્લામાં રમતાં હોય છે અને અલગઅલગ વસ્તુઓના સંપર્કમાં આવતા હોય છે, તેમાં સીસું પણ હોઈ શકે છે.
નીતિ આયોગ અને કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર, સીસાના સંપર્કથી ‘લેડ પૉઇઝનિંગ’ થાય છે.
સીસું એ પૃથ્વીમાં મળતી એક ધાતુ છે, જે જમીન, છોડ અને પાણીમાં હોય છે.
તે કુદરતી રીતે બનતી ઝેરી ધાતુ છે, જેનો રંગ વાદળી-ગ્રે છે. તે પૃથ્વીના ભૂસ્તરમાં 0.002%માં જોવા મળે છે.
વડોદરાસ્થિત સ્વૈચ્છિક સંસ્થા 'પર્યાવરણ સુરક્ષા સમિતિ'ના સ્થાપક પર્યાવરણવાદી કર્મશીલ રોહિત પ્રજાપતિ વર્ષોથી પ્રદૂષણના મામલે કાયદાકીય લડત અને જન જાગૃતિનું કામ કરી રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "સીસાના સંપર્કમાં આવવાના મહત્ત્વના સ્રોતમાં ખાણકામ, સ્મેલ્ટિંગ, સીસું ધરાવતું પેટ્રોલ અને ઉડ્ડયનનું બળતણ, ઉત્પાદન અને રિસાયક્લિંગ પ્રવૃત્તિઓ, યુદ્ધસામગ્રીઓ, સિરામિકનાં વાસણો, રમકડાં, સૌંદર્ય પ્રસાધનો, પરંપરાગત દવાઓ અને સીસાનાં સાંધાથી જોડાયેલી પાઇપો અથવા પાઇપોથી પહોંચાડવામાં આવતા પીવાનાં પાણીનો સમાવેશ થાય છે."
તેથી જે લોકો સીસાને ઉપયોગમાં લેતી ફેકટરીમાં કામ કરે છે તેમને લેડ પૉઇઝનિંગ થવાની શક્યતા રહે છે.
"બીજું, અન્ય લોકો અને બાળકોને લેડ પૉઇઝનિંગ થવા માટેનું મુખ્ય કારણ છે પેઇન્ટ. લેડ જેમાં શ્વાસના માધ્યમથી સંપર્કમાં આવે છે તે છે દૈનિક ઘરગથ્થુ ઉત્પાદનો, જેમ કે પેઇન્ટ, સોલ્ડર, રંગદ્રવ્ય, કાચનાં વાસણ, કૉસ્મેટિક્સ, સિરામિક્સ વગેરે.”
આયુર્વેદ દવાઓ, સૌંદર્ય પ્રસાધનો અને બગડી ગયેલા ખોરાકમાં સીસાનો સંપર્ક થવાની સંભાવના હોય છે.
જગદીશ પટેલ વડોદરાની વ્યાવસાયિક સલામતી અને આરોગ્યના મુદ્દા પર કામ કરતી એનજીઓના નિયામક છે. તેમણે લેડથી સ્વાસ્થ્ય પર થતા નુકસાન વિષે ઊંડાણથી કામ કર્યું છે.
તેઓ કહે છે, આજે લેડની બૅટરી એક એવી વસ્તુ છે, જેમાંથી સૌથી વધારે લેડનું પ્રદૂષણ થાય છે.
લેડના સંપર્કમાં આવવાની અન્ય ઘણી વસ્તુઓ પણ છે. સિંદૂર, નૂડલ્સ વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ છે જેમાં સીસું હોય છે. નૂડલ્સનાં પૅકેટમાં સીસું હોવાથી મુંબઈમાં 733માંથી 172 વિદ્યાર્થીઓના શરીરમાં સીસું જોવા મળ્યું હતું.
સીસું સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે?
શરીરમાં સીસું મગજ, લીવર, કિડની અને હાડકાંમાં પ્રવેશે છે. તે દાંત અને હાડકામાં સંગ્રહિત થાય છે, જ્યાં તે સમય જતાં એકઠું થઈ શકે છે. સામાન્ય રીતે લોહીમાં સીસુંની કેટલી માત્રા છે તેના દ્વારા તેનો માનવીય સંપર્ક માપવામાં આવે છે.
નીતિ આયોગના અહેવાલ પ્રમાણે લાંબા સમય સુધી સીસુંનો સંપર્ક માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી ચેતાતંત્રને હાનિ પહોંચે છે અને માનવ શરીરના ભાગો જેવા કે લીવર, લોહી, કિડની, મગજ વગેરેમાં સંચય (બાયોએક્યુમ્યુલેશન) થાય છે અને તેનાથી રક્ત સંબંધિત વિકૃતિઓ આવે છે.
ટૂંકા ગાળાના સંપર્કથી માથાનો દુખાવો, યાદશક્તિમાં ઘટાડો, નબળાઈ, કબજિયાત, એનિમિયા, બળતરા, પેટમાં દુખાવો અને શરીરના ભાગોમાં કળતર થઈ શકે છે.
એક વાર સીસું શરીરમાં શોષાઈ જાય પછી તે લોહી, લીવર, કિડની, ફેફસાં, બરોળ, હૃદય અને હાડકા અને દાંત સહિતની ખનીજ પેશીઓ સહિત નરમ પેશીઓમાં વિતરિત થાય છે. મોટા ભાગે લેડનું પેશાબ વાટે અથવા મળ દ્વારા પિત્તરસથી શરીરમાંથી વિસર્જન થાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન હાડકામાં રહેલું સીસું લોહીમાં ભળે છે અને વિકાસશીલ ગર્ભના સંપર્કમાં આવે છે.
સીસુંના સંપર્કમાં આવવાથી શરીરની બહુવિધ પ્રણાલીઓને અસર થઈ શકે છે અને તે ખાસ કરીને નાનાં બાળકો અને માતા બનવાની ઉંમરની સ્ત્રીઓ માટે હાનિકારક છે.
બાળકોના સ્વાસ્થ્ય પર કેવી અસરો થાય છે?
યુનિસેફ દ્વારા ભારતમાં બાળકોનાં લોહીમાં લેડના પ્રમાણના મેટા-વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, સરેરાશ બાળકો સીસુંના સંપર્કમાં આવવાના કારણે ચાર આઈક્યૂ પૉઇન્ટ ગુમાવે તેવું લાગે છે.
શિશુ અને નાનાં બાળકો ઘરની બહાર રમે છે, જમીન પર આળોટે છે અને કોઈ પણ વસ્તુઓ મોમાં નાખે છે, તેથી તેમની સીસુંના સંપર્કમાં આવવાની સંભાવના વધુ હોય છે.
તેમનું શરીર હજુ વિકસી રહ્યું હોય છે અને જો વહેલી ઉંમરે તે લેડના સંપર્કમાં આવે તો તેમને જલદી આડઅસર થવાની શક્યતા વધી જાય છે.
લેડનો સંપર્ક બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે. જો વધુ પ્રમાણમાં સંપર્ક થાય તો બાળકોનાં મગજ અને ચેતાતંત્રને ગંભીર રીતે નુકસાન થઈ શકે છે જેના કારણે કોમામાં જવું, આંચકી આવવી અને મૃત્યુ પણ થઈ શકે છે.
તો લેડના વધુ પડતા સંપર્કમાં આવવા છતાં જે બાળક બચી જાય તે કાયમી બૌદ્ધિક અપંગતા અને વર્તણૂકીય વિકૃતિઓનો શિકાર પણ બની શકે છે.
જો લેડનો સંપર્ક ઓછા પ્રમાણમાં થયો હોય તો કોઈ સ્પષ્ટ લક્ષણો નથી દેખાતાં પણ તે શરીરનાં વિવિધ અંગોને નુકસાન તો કરે છે.
કેવાં લક્ષણો ઉદ્ભવી શકે છે?
લેડ વયસ્કો તેમજ બાળકોને એમ બંનેને અસર કરે છે.
યુનિસેફના અહેવાલ મુજબ, લેડની શરીર પર અસરો કાયમી હોય છે. તે પુખ્તવય દરમિયાન રહે છે અને આમ ભારતીય વસ્તીનો અડધો ભાગ લેડના સંપર્કમાં આવ્યો હોઈ શકે છે.
બાળકોમાં સીસું વધારે હોવાનાં ચિહ્નો અને લક્ષણોમાં સમાવેશ થાય છે:
- વિકાસમાં વિલંબ
- શીખવામાં મુશ્કેલી
- ભૂખ ન લાગવી
- સુસ્તી અને થાક
- પેટમાં દુખાવો, ઊલટી
- સાંભળવામાં તકલીફ
આને કારણે બાળકોમાં શૈક્ષણિક નબળાં પરિણામો, હિંસાત્મક વૃત્તિ વગેરેમાં વધારો થઈ શકે છે. તેમજ બાળકો સામાજિક રીતે પાછળ રહી જાય છે.
પુખ્તવયના લોકોમાં લક્ષણો નીચે મુજબ છે:
- સ્નાયુઓમાં દુખાવો
- યાદશક્તિ અથવા એકાગ્રતા ગુમાવવી
- માથાનો દુખાવો
- પેટમાં દુખાવો
- મૂડ સ્વિંગ, પુરુષ વંધ્યત્વ, અકાળ પ્રસૂતિ
સીસુંની નકારાત્મક અસરને ઘટાડવા માટે વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, સારવાર અને ઉપાય નિર્ણાયક છે. બાળકોમાં સીસુંને ઘટાડવા માતા-પિતા કેટલાંક પગલાં લઈ શકે છે.
જેમ કે, રહેવાની જગ્યાઓમાં રૅનોવેશન કરવાનું ટાળવું જોઈએ.
શરીરમાં રહેલા અથવા સીસુંના પ્રવેશને રોકવા માટે નિયમિત હેન્ડવૉશ કરવા.
આ પગલાં ખરાબ અસરોને રોકવામાં અને બાળકોને બચાવવામાં મદદ કરી શકે છે.