You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખાંડના સસ્તા અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પની શોધ કેટલી મુશ્કેલ છે?
- લેેખક, જો કાર્બિન
- પદ, બીબીસી સંવાદદાતા
સફેદ રંગનો દાણાદાર પાઉડર એલ્યુલોઝને લઈને ઝિવ ઝ્વિગાફ્ત કહે છે, “અમને લાગે છે કે આ એ પવિત્ર પ્યાલો છે જે ખાંડનું સ્થાન લેશે.”
એલ્યુલોઝમાં ખાંડની સરખામણીમાં 70 ટકા મીઠાશ હોય છે પણ કૅલરી ખૂબ ઓછી હોય છે. એટલી ઓછી કૅલરી કે શરીરમાં ખાંડનું સ્તર જેને ગ્લાઇસેમિક ઇન્ડેક્સથી માપવામાં આવે છે તેના પર ખૂબ ઓછી અસર થાય છે.
પ્રાકૃતિક રીતે એલ્યુલોઝ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે. તે અંજીર અને સૂકી દ્રાક્ષમાં હોય છે.
એલ્યુલોઝને પહેલી વાર આશરે એક દાયકા અગાઉ અમેરિકામાં મંજૂરી અપાઈ હતી. આ કથિત દુર્લભ ખાંડને મોટા પાયે ફ્રેક્ટોઝ (ફળોમાં મળતી ખાંડ)માંથી તૈયાર કરવામાં આવે છે.
પણ તેને કેટલીયે બાબતોમાં ખાંડથી સારો વિકલ્પ માનવામાં આવે છે. જેમ કે તેનો સ્વાદ ખાંડ જેવો જ મીઠો છે.
ઇઝરાયલી સ્ટાર્ટઅપ એમ્બ્રોસિયા બાયોના ડૉક્ટર ઝ્વિગાફ્તે આને સસ્તામાં કેવી રીતે બનાવી શકાય તેની રીત શોધી કાઢી છે.
તે એક જિનેટિકલી મૉડિફાઇડ કરાયેલા એન્ઝાઇમની મદદથી તેને તૈયાર કરી રહ્યા છે. તેના માટે તેઓ ખાંડ કે કૉર્ન સિરપનો ઉપયોગ કરે છે.
ઝ્વિગાફ્તને આશા છે કે ખાંડનું ઉત્પાદન કરતી કંપનીઓ સાથે સંકલન સાધી તેઓ એલ્યુલોઝને લોકપ્રિય બનાવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેદસ્વિપણા અને ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આવામાં લોકો મીઠાશ માટે એવો વિકલ્પ શોધી રહ્યા છે ડે ખાંડની સરખામણીએ સ્વાસ્થ્ય માટે વધારે સારો હોય.
ઘણા બધા ટેક સ્ટાર્ટઅપ આ વિકલ્પોને મોટી ફૂડ કંપનીઓને વેચવા માગે છે. જેથી તેઓ તેને પોતાનાં ઉત્પાદનોમાં વાપરી શકે.
ઇનોવેશન કન્સલટન્સી ગ્રેબીમાં એનાલિસ્ટ ગૌરવ સાહની કહે છે, “ખાંડના વિકલ્પનો વૈશ્વિક ઉદ્યોગ હાલ વિકાસ પામી રહ્યો છે.”
તેઓ કહે છે કે ખાંડ પર કર લાગુ કરવા જેવાં પગલાં લઈને સરકારો આ ઉદ્યોગને આગળ વધારવામાં યોગદાન આપી રહી છે.
ગ્રેબીનું અનુમાન છે કે આ માર્કેટ આજે આશરે 17 અરબ ડૉલરનું છે અને એક દાયકામાં 27 અરબ ડૉલરથી વધારેનું થઈ જશે.
શું છે ખાંડના વિકલ્પો
ખાંડના અનેક વિકલ્પ હાજર છે. જેમ કે એસ્પાર્ટેમ, સૅકરીન અને સુક્રાલોઝ જેવા જૂના આર્ટિફિશિયલ સ્વીટનર જેને ડાયેટ ડ્રિન્ક્સમાં ઉપયોગમાં લેવાય છે.
આ જ રીતે સ્ટીવિયા અને મંક ફ્રૂટ જેવા સ્વીટનર પણ છે, જેને છોડમાંથી મેળવવામાં આવે છે. જોકે મંક ફ્રૂટને અમેરિકા અને યુરોપીય સંઘે ખાદ્યપદાર્થોમાં ઉપયોગમાં લેવાની મંજૂરી નથી આપી.
આ સ્વીટનર ઘણી વાર ખાંડથી પણ વધારે ગળ્યું હોય છે અને તેને થોડા પ્રમાણમાં જ ઉપયોગમાં લેવાનું હોય છે.
ઉપરાંત એરિથ્રિટૉલ જેવા પૉલીઓલ્સ કે શુગર આલ્કોહોલ પણ સામેલ છે જે હાલમાં જ લોકપ્રિય થયાં છે.
તે પ્રાકૃતિક રીતે પણ મળે છે પણ કૉમર્શિયલ રીતે તેને ખાંડ અને સ્ટાર્ચથી તૈયાર કરાય છે. તે ખાંડ જેવાં જ મધુર હોય છે પણ બેકરી અને પ્રોસેસ્ડ ફૂડમાં તેનો ઉપયોગ કરાય છે.
જોકે આ બધા જ પર્યાય સંપૂર્ણ રીતે ખાંડ જેવા નથી. સૌથી મોટી સમસ્યા છે તેને ખાધા પછી આવતો તેનો સ્વાદ છે.
ઉપરાંત ખાંડને કારણે ખાદ્યપદાર્થોમાં જેવો રંગ અને દેખાવ આવે તેવું આમાં નથી થતું. બીજી બાજુ ખાંડ ખાવાપીવાની વસ્તુઓને ખરાબ થતી અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
અમેરિકાની બાયોટેક કંપની જિંગકો બાયોવર્ક્સમાં વરિષ્ઠ નિદેશક મેરવિન ડિસૂઝા પણ કહે છે, “ખાંડ માત્ર મીઠાશ માટે નથી.”
તેઓ કહે છે કે ખાંડના વિકલ્પોના અન્ય કેટલાક ખતરા પણ છે, જેમ કે પૉલિઑલને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો પેટ ખરાબ થવાની શક્યતા છે.
શું જોખમો છે?
એરિથ્રિટૉલને સ્ટ્રૉક અને હાર્ટ એટૅક સાથે પણ જોડવામાં આવે છે. જોકે આ મામલે સામે આવેલી શોધને અન્ય નિષ્ણાતો પૂરતી નથી માનતા.
એસ્પાર્ટેમ બાબતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિષ્ણાતોએ આનાથી કૅન્સર થવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની અન્ય એક સંસ્થા કહે છે કે જો આને થોડા પ્રમાણમાં લેવામાં આવે તો કોઈ ખતરો નથી.
મે મહિનામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વજનને કાબૂમાં કરવા માટે શુગર ફ્રી સ્વીટનરનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી હતી. એવું કહેવાયું હતું કે આનાથી ડાયાબિટીસ અને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓનો ખતરો વધી શકે છે.
આ વાત સ્ટીવિયા જેવા બજારમાં ઉપલબ્ધ અન્ય પ્રોડક્ટ્સના સંદર્ભમાં કહેવાઈ હતી પણ મંક ફ્રૂટ એરિથ્રિટૉલ કે એલ્યુલોઝને તેમાં સામેલ નહોતાં કરાયાં.
હજી વધારે પ્રયાસ જરૂરી
એમ્બ્રોસિયા બાયો એકલી એક કંપની નથી જે પ્રાકૃતિકરૂપે દુર્લભ ખાંડને સસ્તામાં બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
અમેરિકાનું એક સ્ટાર્ટઅપ બૉનૂમોસે શેરડીમાંથી ખાંડ બનાવવાવાળી દુનિયાની સૌથી મોટી કંપની એએસસાર ગ્રૂપની મદદથી એક નવો પ્લાન્ટ શરૂ કર્યો છે, જ્યાં ટાગાટોઝ નામના નવા છોડ ઉગાડાઈ રહ્યા છે.
ટાગાગોઝને દરેક પ્રકારે ખાંડનો સારો વિકલ્પ માનવામાં આવે છે. ત્યાં સુધી કે મીઠાશમાં પણ તે એલ્યુલોઝને પાછળ રાખી દે છે. તે 90 ટકા ખાંડ જેવું જ મધુર (ગળ્યું) છે.
બૉનમૂનના સીઈઓ ઍડરોજર્સ કહે છે કે આ ખાંડ જેવું જ છે.
ઘણી બધી મીઠાશવાળી વસ્તુઓ બનાવાઈ રહી છે પણ તેને મોટા પ્રમાણમાં ભોજનમાં ઉમેરવી પડે છે.
બ્રિટનમાં ધ સપ્લાન્ટ કંપનીએ ઓછી કૅલરીવાળા અને શરીરમાં શુગરના સ્તરને ઓછા પ્રમાણમાં વધારનારા એક ઉત્પાદનને વિકસાવ્યું છે.
તેને કૃષિ ઉત્પાદનોના બચેલા ભાગોમાંથી, જેમ કે મકાઈના દાણા કાઢી લીધા પછી બચેલા ડૂંડામાંથી, ભૂંસા અને તણખલાંમાંથી બનાવાય છે. તેમાં ફંગસની મદદ મળી જાય છે.
કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉક્ટર ટૉમ સિન્સ કહે છે કે આ ખાંડ જેવું જ છે અને તેને બનાવી શકાય તેવી વસ્તુઓની કોઈ કમી નથી. સાથે જ તે સસ્તું પણ છે અને પર્યાવરણને પણ નુકસાન નથી કરતું.
એક અન્ય ઇઝરાયલી સ્ટાર્ટઅપ ઇન્ક્રેડો ખાંડના દાણાને ખનીજ સિલિકા સાથે ભેળવે છે. આ રીતની સિલિકાને ઓછા પ્રમાણમાં ભોજનમાં ભેળવાતી રહી છે.
આ રીતે ખાંડ સરળતાથી મોઢામાં ભળી જાય છે અને તમને ઓછી ખાંડમાં વધારે મીઠાશ મળે છે.
ઇન્ક્રેડોની ગ્રાહક કંપનીઓમાં અમેરિકાની ચૉકલેટ બનાવતી કંપની બ્લૉમર પણ છે.
ઉપરાંત કથિત મીઠા પ્રોટીન પણ એક વિકલ્પ છે. આ પ્રોટીન ખાંડથી હજારો ગણાં ગળ્યાં હોય છે. તે કેટલાંક ફળો અને બૅરીમાં મળે છે.
અમેરિકાની સ્ટાર્ટઅપ કંપની ઉબલી આ પ્રોટીનને ખાંડમાંથી તૈયાર કરે છે. આ માટે તે જિનેટિકલી મૉડિફાઇડ યીસ્ટનો આશરો લે છે.
ઉબલીના સીઈઓ અલી વિંગ કહે છે, “આ ગળ્યાં પ્રોટીન સૉફ્ટ ડ્રિંક્સમાં ઉપયોગમાં લઈ શકાય છે.”
પડકારો
ખાંડને બજારમાંથી દૂર કરવામાં કેટલાય પડકારો પણ છે. પહેલા તો તમારે ગ્રાહકો શોધવા પડશે.
મોટા પાયે નવું ઉત્પાદન કરવા માટે કેટલાંય વર્ષોનો સમય લાગે છે. પછી સ્ટાર્ટઅપે સાબિત કરવું પડશે કે તે વિશ્વાસપાત્ર રીતે મોટા પાયે આ વિકલ્પોને તૈયાર કરી શકે છે.
સાથે જ ખરીદનારાઓમાં નવા ઉત્પાદનને અજમાવવાને લઈને પણ ખચકાય હોય છે. ઉપરથી તેના ઉપયોગ માટે નિયંત્રણ સંસ્થાઓની મંજૂરી લેવાનું કામ પણ સરળ નથી.
ભલે કંપનીઓના નવા વિકલ્પોને અમેરિકામાં સુરક્ષિત ગણાવાતા હોય પણ યુરોપમાં મંજૂરી મેળવવાનું કામ કપરું છે.
એલ્યુલોઝને હાલ તો બ્રિટન અને યુરોપીય સંઘમાં ઉપયોગમાં લેવાની મંજૂરી નથી મળી. જોકે કેટલીક કંપનીઓ તેના માટે પ્રયાસ કરી રહી છે.
સપ્લાન્ટ કંપનીએ દસ્તાવેજો તૈયાર કર્યા છે, જેને કંપની બ્રિટન અને યુરોપીય યુનિયનના નિયંત્રકો પાસે જમા કરાવવા માગે છે.
ત્યાં અમેરિકા, બ્રિટન અને યુરોપીય સંઘમાં ટૅગાટોઝને મંજૂરી મળેલી છે પણ તેનું માર્કેટિંગ મુશ્કેલ હશે. તમે તેને એલ્યુલોઝની જેમ ઝીરો શુગર નથી કહી શકતા, કારણ કે તેમાં એલ્યુલોઝથી વધારે કૅલરી હોય છે.
યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના ન્યૂટ્રિશનલ રિસર્ચ બાયૉલૉજિસ્ટ કિંબર સ્ટૅનહોપ કહે છે, “એ જોવું ઘણું રસપ્રદ હશે કે ખાંડના ઘણા વિકલ્પો સામે આવી રહ્યા છે. ખાંડને આપણે દૂર કરી શકીએ એ જ સૌથી સારું નિરાકરણ છે, પણ એવું કરવું મુશ્કેલ હશે. આપણે આ ઉત્પાદનોની જરૂર છે.”
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી ઊલટું સ્ટૅનહૉપને લાગે છે કે શુગર ફ્રી મધુર પદાર્થ વજન ઘટાડવામાં અને ડાયાબિટીસના જોખમને ઓછું કરવામાં મદદગાર હશે.
તેઓ કહે છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક જ શોધના આધારે વજન બાબતે આવી ચેતવણી આપી દીધી છે.
પણ તેઓ એમ પણ કહે છે કે નવાં ઉત્પાદનોની ગંભીરતાથી સમીક્ષા કરવી જોઈએ. એ જોવા માટે કે તે સુરક્ષિત છે કે નહીં અને તેના ફાયદા શું છે.
તેઓ કહે છે, “આ માટે આપણે ક્લિનિકલ ટ્રાયલ કરવાં પડશે.”