પૂરતી ઊંઘ અને આરામ છતાં થાક કેમ લાગતો હોય છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કેટલાક લોકો ફરિયાદ કરે છે કે તેઓ રાત્રે પૂરતી ઊંઘ લે છે છતાં તેઓ સતત થાક અનુભવે છે. જ્યારે તેઓ વ્યાયામ કરતા ન હોય અથવા કોઈ ભારે મજૂરી કામ કરતા ન હોય ત્યારે પણ.

શું તમને પણ એવું લાગે છે, જો હા તો તમે એકલા નથી.

વર્ષ 2023માં ત્રણ ખંડોમાં કરવામાં આવેલાં 91 સંશોધનોની તપાસમાં જાણવા મળ્યું કે વિશ્વભરમાં પાંચમાંથી એક પુખ્ત વયની વ્યક્તિ ઓછામાં ઓછા છ મહિના સુધી સતત થાક અનુભવે છે. જ્યારે તેમના શરીરમાં કોઈ રોગ કે અન્ય કોઈ સમસ્યા નહોતી.

બીબીસી ફ્યુચર પર પ્રકાશિત એક લેખ અનુસાર, અમેરિકાનું ઉદાહરણ લેતા, નેશનલ સ્લીપ ફાઉન્ડેશને પુખ્ત વયના 1000 લોકો પર સંશોધન કર્યું.

એવું જાણવા મળ્યું કે સંશોધનમાં સામેલ 33 ટકા લોકોને એવું લાગ્યું કે તેઓ અઠવાડિયામાં બેથી ચાર દિવસ ઊંઘે છે.

આઠમાંથી એક વ્યક્તિ થાકથી પરેશાન

જ્યારે 'YouGov'એ બ્રિટનમાં 1,700 લોકો પર સંશોધન કર્યું હતું. તેમાંથી ચોથા ભાગના લોકોએ કહ્યું હતું કે તેઓ મોટાભાગે થાકેલા હોય એવું અનુભવે છે.

આઠમાંથી એકે કહ્યું કે તેઓ સતત થાક અનુભવે છે.

ઘણા રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધુ થાક લાગે છે.

સ્કૉટલૅન્ડના એબરડીનમાં ફૅમિલી ડૉક્ટર તરીકે કામ કરતા રોઝાલિન્ડ એડમ કહે છે કે લોકોમાં થાકની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે.

તેણે બીબીસી ફ્યૂચર માટે સૅન્ડી ઑંગને કહ્યું કે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે તેને 'ટાયર્ડ ઑલ ધ ટાઇમ' અથવા ટીએટીટી નામ આપ્યું છે. જેનો અર્થ થાય છે કે દરેક સમયે થાક લાગે છે.

થાક કેમ લાગે છે?

આખરે થાક કેમ લાગે છે, તેની શરીર અને મગજ પર શું અસર થાય છે અને તેનો ઇલાજ કેવી રીતે કરવાનો હોય છે?

આ સવાલોને લઈને હાલ વૈજ્ઞાનિકોને વધારે કોઈ જાણકારી નથી.

સમસ્યા એ છે કે આ થાક કે ફટીગની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા સરળ નથી.

ઍડમ કહે છે, "થાક લાગવો, ઊંઘ આવવા જેવું લાગવાથી અલગ છે. ભલે એનો પરસ્પર સંબંધ હોય, પણ ફટીગ અને થાકના અનેક પાસાં છે."

ક્રિસ્ટોફર બાર્ન્સ અમેરિકાની વૉશિંગટન યુનિવર્સિટીમાં ઑર્ગેનાઇઝેશન બીહેવિયર ઍન્ડ મૅનેજમેન્ટના પ્રોફેસર છે. તેઓ કહે છે, "તમે અનેક રીતે થાક અનુભવી શકો છો. જેમ કે લાંબા સમય સુધી ચાલવાથી કે કસરત કર્યા પછી લાગતો થાક એક સામાન્ય શારીરિક થાક છે."

પણ આ રીતના શારીરિક થાકથી માનસિક થાક પણ પેદા થાય છે.

વિકી વ્હાઇટમૉર અમેરિકાના મૅરીલૅન્ડના બેથેસ્ડાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થમાં પ્રોગ્રામ ડાયરેક્ટર છે. તેઓ થાકનાં કારણોનું અધ્યયન કરે છે.

તેમણે બીબીસી ફ્યૂચરને કહ્યું, "થાકની અસર સમજવા વિચારવા અને ભાવનાઓને અભિવ્યક્ત કરવાની ક્ષમતા પર પણ પડે છે. કેમ કે થાક લાગતા આપણે ચીડચીડિયા થઈ શકીએ છીએ."

થાકનો અર્થ બધા માટે અલગ હોઈ શકે છે અને આનાં કારણો પણ અલગ હોઈ શકે છે. જેમ કે એ કોઈ સામાન્ય અને ત્યાં સુધી કે ગંભીર બીમારીઓનું લક્ષણ પણ હોઈ શકે છે.

બીબીસી ફ્યૂચર અનુસાર કૅન્સર, મલ્ટીપલ સક્લેરોરિસ, લૉન્ગ કોવિડ અને ડિપ્રેશનના કારણે પણ માણસ થાક અનુભવી શકે છે.

ઊંઘનો થાક સાથે સંબંધ

માણસો માટે પૂરતી ઊંઘ જરૂરી છે. વ્યક્તિએ વ્યક્તિએ ઊંઘની જરૂરિયાત અલગ હોય છે. પણ નિષ્ણાતો કહે છે કે સાતથી નવ કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

અમારા શરીરને સ્નાયુઓના સમારકામ, રોગપ્રતિકારક શક્તિને યોગ્ય બનાવવા, લાગણીઓને સંભાળાવ, યાદોને ભેગી કરવા અને નવી જાણકારીઓને યાદ કરવા માટે આટલા સમય સુધી ઊંઘની જરૂરિયાત હોય છે.

કેટલીય શોધમાં જાણવા મળ્યું છે કે જે લોકોને લાંબા સમય સુધી થાકની ફરિયાદ હોય છે તેમને મૃત્યુ થવાનું જોખમ સામાન્ય લોકોથી વધારે હોય છે. તેઓ ચિંતા અને તણાવનો શિકાર બની જાય તેનું પણ જોખમ વધી જાય છે.

શું આરામ મળવાથી માથું દુખવાની અને કમર દુખવાની સમસ્યા થઈ શકે છે. મૂડ ખરાબ રહેવાની અસર સંબંધો પર પણ પડે છે. પ્રોફેસર બાર્ન્સ કહે છે કે શોધ જણાવે છે કે ઊંઘ સારી લેનારા દંપતી આનંદિત રહે છે. જ્યારે ઓછી ઊંઘ લેનારા લોકોમાં વિવાદ વધારે થાય છે.

એટલું જ નહીં બાર્ન્સ કહે છે કે થાકના કારણે ઑફિસમાં પણ ખરાબ અસર થઈ શકે છે. કામ સાથે વ્યવહાર અને પછી ઑફિસનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. તેમની એક શોધ જણાવે છે કે ઓછી ઊંઘ લેનારા બૉસ પોતાના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરી શકે છે.

કેટલીક શોધ એ પણ જણાવે છે કે થાકના કારણે દુર્ઘટનાઓ અને અન્ય જગ્યાઓ પર કામ કરતી વખતે સમયચૂકને કારણે નુકસાન થવાનો ખતરો વધી જાય છે.

લાંબો નહીં, સારો આરામ જરૂરી

નિષ્ણાતોનું કહેવું છે કે વધારે સમય ઊંઘ લેવાના બદલે, સારી ઊંઘ લેવી જોઈએ. વધારે સમય ઊંઘી રહેવું જરૂરી નથી. ઊંઘ સારી હોવી જોઈએ.

થાક પર શોધ કરનારા વૈજ્ઞાનિક વિકી વ્હાઇટમૉર કહે છે, "કેટલાક કલાકોની ઊંડી ઊંઘ વધારે સમય સુધી લેવાતી કાચી ઊંઘ કરતા વધારે સારી હોય છે. તમે ઊંડી ઊંઘ લઈને જાગશો તો વધારે તાજગી અનુભવશો."

જ્યારે આપણે ઊંઘીએ છીએ તો મગજ ગેરજરૂરી કામ રોકી દે છે. વ્હાઇટમૉર જણાવે છે કે ઊંઘ કાચી હોય કે વારંવાર ઊંઘ તૂટે તો મગજમાંથી કેટલાય ઝેરી પદાર્થો બહાર નીકળી નથી શકતા.

શોધ એ પણ કહે છે કે રોજ એક જ સમયે ઊંઘ લેવી ફાયદાકારક છે કારણ કે મગજ 24 કલાકના ચક્રમાં કામ કરે છે. નક્કી સમયે ઊંઘવાથી તે સારી રીતે પોતાનું કામ કરી શકે છે. એટલે કેટલીક શોધ કહે છે કે શિફ્ટમાં કામ કરનારા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આનાથી પેટમાં ઍસિડીટીથી લઈને ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે.

બીબીસી ફ્યૂચર અનુસાર. જો નક્કી સમયે ના ઊંઘો તો તમે રૅપિડ આઈ મૂવમેન્ટવાળી ઊંઘ લઈ શકો. આવી ઊંઘ ચક્રની ચોથી અવસ્થા છે જેમાં આંખો વધારે હલતી હોય છે.

આ એવી અવસ્થા છે જેમાં આપણે સપનાં જોઈએ છીએ. આમાં મગજ દિવસ આખાની લાગણીઓને સમજીને તેને ભેગી કરી સાચવી રાખે છે.

શોધ કહે છે કે જે લોકો આવી ઊંઘ નથી લઈ શકતા, તેમને ડિપ્રેશન, ડિમેન્શિયા અને પાર્કિન્સન્સ કે વિચારવાની સમજવાની ક્રિયાઓમાં સમસ્યાઓ થઈ શકે છે.

થાકના અનેક કારણ

એ સ્પષ્ટ છે કે યોગ્ય આરામ ના મળવાની અસર આપણાં સ્વાસ્થ્ય, સંબંધો અને કામ પર પણ પડે છે. પણ થાક માટે માત્ર ઊંઘ જવાબદાર નથી.

ડૉક્ટર પ્રાચી જૈન દિલ્હીની મૅક્સ હૉસ્પિટલમાં પીડિયાટ્રિક્સ ઑન્કોલૉજી ઍન્ડ હેમાટોલૉજી વિભાગના ઇન્ચાર્જ છે. તેઓ જણાવે છે કે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી તકલીફોને કારણે પણ થાક લાગી શકે છે.

તેમણે બીબીસી સહયોગી આદર્શ રાઠોડને કહ્યું, "સતત થાકેલા રહેવાનું એક મુખ્ય કારણ જે સામે આવે છે તે લોહતત્ત્વ (આયર્ન)ની ઊણપ છે. મહિલાઓ, બાળકો અને કિશોરોમાં આ કારણે એનીમિયાની સમસ્યા થાય છે. જેનાથી તેઓ થાક અનુભવે છે."

તેમણે કહ્યું, "આ ઉપરાંત ભાગદોડવાળા જીવનમાં લોકો ધ્યાન નથી આપી શકતા કે જે ખોરાક તેઓ ખાય છે તેમાં જરૂરી પોષકતત્ત્વ છે કે નહીં. જરૂરી ન્યૂટ્રિશન, વિટામિન અને મિનરલ વગેરેની ઉણપ થઈ જાય તો આપણું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. આથી જો તમે મોટા ભાગનો સમય જો થાકેલા રહેતા હોય તો ડૉક્ટરને બતાવો. કારણ કે તેઓ જ આનું સાચું કારણ જાણી તમને તેનું નિરાકરણ જણાવી શકે છે."

નિષ્ણાતો એમ પણ કહે છે કે કેટલીક વાર હૉર્મોન્સનું સંતુલન યોગ્ય ના હોવાના કારણે પણ સમસ્યો થાય છે. જેમ કે થાઇરૉઇડ યોગ્ય રીતે કામ ના કરે તો પણ થાક રહે છે. આવામાં બ્લડ ટેસ્ટથી જાણી શકાય છે કે ક્યાંક કોઈ ઉણપ તો નથી ને?

ગુજરાતની એક હોટલમાં હાઇજીન મૅનેજર હરીશ રાણાને વિટામિન-ડીની ઊણપને કારણે થાકની સમસ્યા હતી અને તેની ખબર ટેસ્ટ કરવાથી પડી.

તેમણે બીબીસી સહયોગી આદર્શ રાઠોડન જણાવ્યું, "ગયા વર્ષની શરૂઆતમાં જ મારું રૂટીન બરાબર હોવા છતાં મને થાક લાગતો હતો. જ્યારે દોઢ મહિના સુધી આવું થયું તો મેં ડૉક્ટરને બતાવ્યું. તેમણે આશંકા વ્યક્ત કરી કે વિટામિન-ડીની ઉણપ હોઈ શકે છે. ટેસ્ટ કરાવ્યા તો એ જ સમસ્યા હતી. પછી મેં ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે દવાઓ લીધી તો ફેર પડી ગયો."

પણ ડૉ. રોજાલિંડ ઍડમ કહે છે કે શારીરિક રીતે સ્વસ્થ લોકોને અન્ય કારણો જેમ કે વધારે કામ કરવું, ખોરાક યોગ્ય રીતે ના લેવો કે માનસિક સ્વાસ્થ્ય સારું ના હોવાના કારણે પણ થાક અનુભવી શકે છે.

થાકના અન્ય કારણો કયાં છે?

આ સિવાય બીજાં પણ ઘણાં કારણો છે જેમ કે જો કોઈના ઘરમાં નાનાં બાળકો હોય તો તેમને યોગ્ય ઊંઘ મળવી શક્ય નથી હોતી.

તેવી જ રીતે, આલ્કોહોલ કે કેફીનયુક્ત પીણાં પીવાથી ડિહાઇડ્રેશન થાય છે, જે થાકનું કારણ બને છે.

ડૉક્ટર પ્રાચી જૈન કહે છે કે થાક લાગવો એ ખરાબ જીવનશૈલી સાથે જોડાયેલી બાબત હોઈ શકે છે.

તેઓ કહે છે, "સમયસર ન ખાવાથી અથવા વધારે પડતું જંક ફૂડ ખાવાથી પણ તમારા શરીરને નુકસાન થાય છે. પછી ઊંઘતા પહેલા સ્ક્રીન પર વધુ સમય વિતાવવો અથવા સ્માર્ટફોન જોવામાં વધુ સમય વિતાવવો પણ ઊંઘના ચક્રમાં ખલેલ પહોંચાડે છે. તેથી તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી મહત્ત્વપૂર્ણ છે.""

નૉર્વેમાં કાઉન્સિલ ફૉર ન્યૂટ્રિશનલ ઍન્ડ એન્વાયર્નમેન્ટલ મેડિસિન નામની સંસ્થાના સ્થાપક, જેયર બ્યોર્કલુંદ પણ માને છે કે જો તમે ઊર્જાથી ભરપૂર અનુભવ કરવા માગતા હો તો સરળ પદ્ધતિઓ અપનાવવી જોઈએ.

તેઓ સૂચવે છે, "સંતુલિત આહાર લો, ખોરાકમાં પોષણનું ધ્યાન રાખો, સમયસર સૂઈ જાવ અને પૂરતી ઊંઘ લો, કસરત કરો, તણાવ ન લો, પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને તમારી આસપાસ સારું વાતાવરણ રાખો."