શિયાળામાં ઠંડા પાણીથી નહાવાનાં ફાયદા અને નુકસાન શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

તમને ઇન્ટરનેટ પર એવા વીડિયો નજરે પડશે જેમાં વ્યક્તિ પોતાનાં બાળકોને ઠંડા પાણીમાં તરવાનું શીખવતી હોય. તેમજ ક્યાંક મહિલાઓના જૂથના વીડિયો પણ જોવા મળશે જેઓ કડકડતી ઠંડીમાં શિયાળામાં શૂન્ય આસપાસ તાપમાનવાળા પાણીમાં તરવાની મજા માણી રહ્યાં હોય.

તેમજ એક યુવતી પોતાના વીડિયોમાં જણાવે છે કે કેવી રીતે ‘સ્નોમૅન વિમ હાફ’થી પ્રેરિત થઈને તેઓ બરફવાળા પાણીમાં ડૂબકી મારતાં શીખ્યાં અને કેવી રીતે આ વાતે તેમનું જીવન બદલાઈ ગયું.

શિયાળાની ઋતુમાં ઠંડા પાણીએ નહાવાની વાત વિચારીનેય ધ્રુજી જવાય છે, ત્યારે આખરે આ લોકો બરફ જેવા ઠંડા પાણીમાં મિનિટો નહીં, પણ કલાકો સુધી તરવાની હિંમત કેવી રીતે ભેગી કરે છે?

શું તેમણે તેમની ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે કે પછી તેઓ મહામાનવ છે? કેટલાક આવા જ સવાલોના જવાબ શોધવા બીબીસી સંવાદદાતા અન્યા ડોરોકેકોએ ડૉ. હીથર મૅસીના રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી.

બ્રિટનના દક્ષિણ તટ પર પોર્ટ્સમાઉથમાં એક ખાસ રિસર્ચ સેન્ટર ઍક્સટ્રિમ ઍન્વાયરમૅન્ટ લૅબોરેટરીમાં શોધકર્તા ડૉ. હીથર મૅસી મહિલાઓના એ જૂથનો ભાગ હતાં જે અન્યાને બ્રિટનના બીચ પર ઠંડા પાણીમાં તરવાની મજા માણતી વખતે મળ્યાં હતાં. મહિલાઓનું આ જૂથ ઠંડા પાણીમાં એ સમયે તરવાની મજા માણી રહ્યું હતું જ્યારે તાપમાન માઇનસ 10 ડિગ્રી કરતાંય ઓછું હતું.

ઠંડા પાણીમાં સ્વિમિંગ

ઠંડા કે બરફવાળા પાણીના સંપર્કમાં આવવાથી શારીરિક અને માનસિક રીતે શું અસર થાય છે?

આ વિશે ડૉ. હીથર મૅસીએ બીબીસી સંવાદદાતાને જણાવ્યું, “સૌથી પહેલા તો ચામડી ઠંડક અનુભવે છે. એને કોલ્ડશૉક કહીશું. આ કોલ્ડશૉક તમારા હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર વધારે છે. સાથે જ શરીરમાં એડ્રિનલિન અને નોરોએડ્રિનલિન જેવા સ્ટ્રેસ હોર્મોન ઉત્પન્ન કરે છે.”

શરીરમાં આ બંને હોર્મોનનું સ્તર વધવાથી કંઈક અલગ મેળવ્યાની અનુભૂતિ થાય છે.

ડૉ. મૅસી જણાવે છે કે આ જ કારણ છે કે મોટાભાગના લોકોની પ્રતિક્રિયા એ જ હોય છે કે ઠંડા પાણીમાં તરવાથી તેમને સુખદ અનુભૂતિ મળી અને મૂડ સારો થઈ ગયો.

તેઓ કહે છે કે કેટલીક શોધો મુજબ આનાથી માઇગ્રેન, બીપી અને મેનોપૉઝ દરમ્યાનના મૂડ સ્વિંગ જેવી સમસ્યા સુધ્ધાં દૂર કરવામાં મદદ મળ છે.

જો ભારતની વાત કરીએ તો અહીં બ્રિટન, યુરોપની જેમ આખા વર્ષ દરમ્યાન તાપમાન નીચું નથી રહેતું અને ના અહીં ઠંડા પાણીમાં તરવાનું ચલણ છે.

તમામ ઋતુમાં સ્વિમિંગ

પણ બ્રિટનમાં એક બાજુ જ્યાં પાછલાં કેટલાંક વર્ષોમાં ઠંડા પાણીમાં તરવાની પ્રવૃત્તિ પ્રત્યે લોકો આકર્ષાયા છે, ત્યારે ભારતમાં ઑલ વેધર એટલે કે દરેક ઋતુમાં સ્વિમિંગ પુલનું ચલણ વધ્યું છે.

એટલે કે શિયાળાની ઋતુમાં લોકો ખચકાટ વિના તરવાની મજા માણી શકે છે.

દરેક ઋતુમાં તરવાની મજા માણવા માટે ભારતમાં પાણીનું તાપમાન 25-26 ડિગ્રી સેલ્સિયસ નજીક રાખવામાં આવે છે.

પણ શું ભારતના હવામાનને જોતા શિયાળામાં સ્વિમિંગ કરવું યોગ્ય છે?

આ પ્રશ્નનો જવાબ આપતાં ફોર્ટિસ હૉસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનમાં એડિશનલ ડાયરેક્ટર ડૉ. પ્રમિલા રામનિસ બૈઠાએ બીબીસી સહયોગી આર. દ્વિવેદીને જણાવ્યું કે જો કેટલીક કાળજી રાખવામાં આવે તો તેનાથી ફાયદો થઈ શકે છે.

ડૉ. પ્રમિલા રામનિસ બૈઠા કહે છે કે ઠંડા પાણીમાં તરવાની પ્રવૃત્તિથી ઇમ્યુનિટી વધારવા, સ્ટ્રેસ ઓછો કરવા, કૅલેરી બાળવા અને બ્લડ સર્ક્યુલેશનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

ડૉ. મૅસી તો ત્યાં સુધી કહે છે કે આનાથી ડિપ્રેશન અને સ્ટ્રેસને દૂર કરવા ઉપરાંત ઉન્માદની સારવારમાં પણ ફાયદો થઈ શકે છે. શોધ પ્રમાણે આનાથી એકાગ્રતા વધે છે અને લોકો પોતાના કામ પર સારી રીતે ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.

થૅરપી તરીકે ઉપયોગ?

ડૉ. હીથર મૅસી કહે છે, “ભલે કોલ્ડ વૉટર સ્વિમિંગ પછી સામાન્ય રીતે લોકોનો અનુભવ સારો જ રહ્યો હોય, પણ ખૂબ કડક મેડિકલ ટ્રાયલ દરમ્યાન તેનાં ફાયદા-નુકસાન વિશે કોઈ ચોક્કસ માહિતી ના મળે ત્યાં સુધી તેનો કોઈ થૅરપી તરીકે ઉપયોગ કરવાની સલાહ ના આપી શકાય.”

હીથર મૅસી અને તેમના સહયોગી પોતાના રિસર્ચમાં એ જ બાબત અંગે માહિતી મેળવવામાં લાગેલા છે કે શું તેનો ઉપયોગ થૅરપી તરીકે કરી શકાય કે નહીં.

તેઓ તેનાં જોખમો પ્રત્યે સાવચેત કરતા કહે છે કે અચાનક જ ઠંડા પાણીના સંપર્કમાં આવતાં હૃદયના વધેલા ધબકારા અને બ્લડપ્રેશર કોઈ ખાસ મેડિકલ કન્ડિશન ધરાવતા લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે.

ઠંડા પાણીમાં નહાતા કે તરતા પહેલાં ડૉ. પ્રમિલા રામિસ બૈઠા ચેતવે પણ છે.

ભારતની વાત કરીએ તો શિલોંગસ્થિત એક ક્લબમાં છેલ્લાં 25 વર્ષોથી દર વર્ષે 31 ડિસેમ્બરે નવા વર્ષના અવસર પર સ્નો વૉટર પુલમાં તરવાનું આયોજન કરાય છે.

આ દરમ્યાન પૂલમાં કેટલાય ટન બરફ નાખવામાં આવે છે અને લોકો તેમાં તરવાનો રોમાંચક અનુભવ માણે છે.

શું તેની શરીર પર કોઈ વિપરીત અસર નથી થતી?

આ વિશે ડૉ. પ્રમિલા રામનિસ બૈઠાનું કહેવું છે કે આવું ખૂબ જ સાવધાની સાથે નિષ્ણાતોની દેખરેખ હેઠળ થવું જોઈએ.

મન પર સંપૂર્ણ નિયંત્રણની કળા

વાત બરફવાળા પાણીમાં ડુબકી મારવાની હોય તો ડચ ઍક્સટ્રિમ વેધર ઍથ્લીટ વિમ હૉફના ઉલ્લેખ વિના એ અધૂરી લાગે.

શૉર્ટ્સ પહેરીને માઉન્ટ કિલીમાંજારો ચડવો, આર્કટિક સર્કલમાં ખુલ્લા પગે હાફ મૅરેથૉનમાં દોડવી, બરફથી ભરેલા પાત્રમાં 112 મિનિટથી વધુ સમય સુધી ઊભા રહેવા જેવા રેકૉર્ડના કારણે જ તેમને આઇસમૅનની ઉપાધિ અપાઈ છે.

વિમ એવા ઍક્સટ્રિમ વેધરના અનુભવને ખુશી, સ્વાસ્થ્યપ્રદ અને મજબૂત બનવાનો મંત્ર ગણાવે છે અને દુનિયાના લોકોને તેનાથી અસાધારણ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું શીખવે છે.

તેમના મતે આ શરીર અને મનને સંપૂર્ણ રીતે કાબૂમાં કરવાની અસાધારણ કળા છે, જે તમારામાં રહેલા દરેક પ્રકારના ભયને દૂર કરી દે છે.

ઍન્ટાર્કટિકામાં માત્ર 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા પાણીમાં તરીને રેકૉર્ડ બનાવનારાં ભક્તિ શર્માને ભારતનાં આઇસવુમન કહેવાય છે.

તેઓ મૉટિવેશનલ સ્પીકર છે અને એક ટેડ ટૉક વીડિયોમાં તેમને કહેતાં સાંભળી શકાય છે કે બરફવાળા પાણીએ તેમને કેવી રીતે એવી અનુભૂતિ કરાવી કે હકીકતમાં ડરની આગળ જીત છે જ.

પોતાનાં મનમગજ પર સંપૂર્ણ કાબૂ મેળવવા, તણાવમાંથી બહાર નીકળવા અને સારા સ્વાસ્થ્ય માટે આઇસવૉટર કે કોલ્ડવૉટર સ્વિમિંગ એક સારો ઉપાય છે. પણ જેમ નિષ્ણાતો કહે છે એમ આ અજમાવતા પહેલાં સાવચેતી રાખવી પણ જરૂરી છે.