જ્યાં સૌથી વધારે ભારતીય પર્યટકો જાય છે તે માલદીવ લક્ષદ્વીપ કરતાં કેટલું અલગ છે?

વડા પ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો સામે આવ્યા બાદ શરૂ થયેલી ચર્ચા હવે માલદીવ સુધી પહોંચી ગઈ છે.

વડા પ્રધાન મોદી અને ભારત પર વિવાદિત ટિપ્પણી કરનારાં મંત્રીઓને માલદીવ સરકારે સસ્પેન્ડ કરી દીધાં છે.

આ ટિપ્પણીઓમાં ભારત સહિત માલદીવના નેતાઓ તરફથી પણ આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે માલદીવના નેતાઓ તરફથી જેવી ટિપ્પણી કરાઈ, તેનાથી ત્યાંના પ્રવાસન ઉદ્યોગને નુકસાન જશે.

અક્ષયકુમાર, સલમાન ખાન, સચીન તેંડુલકર જેવી હસ્તીઓએ પ્રવાસનમાં ભારતીય દરિયાકાંઠા અને દ્વીપોને પ્રાથમિકતા આપવાની વાત કહી છે.

આ તમામ ચર્ચા વડા પ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસ સાથે શરૂ થઈ હતી. જેની તસવીરો જોયા બાદ સોશિયલ મીડિયા પર એક જૂથ એવું કહેવા લાગેલું કે હવે રજા માણવા માલદીવ નહીં, લક્ષદ્વીપ જાઓ.

આવાં જ ટ્વીટનો જવાબ આપતાં માલદીવ સરકારમાં મંત્રીઓ તરફથી આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરતાં એવું કહેવાની કોશિશ કરાઈ કે માલદીવની સરખામણી લક્ષદ્વીપ સાથે કરવી યોગ્ય નથી.

માલદીવ અને લક્ષદ્વીપની સરખામણી કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

ભારતથી માલદીવ પહોંચવું સરળ છે અને ઓછા સમયમાં ત્યાં પહોંચી શકાય છે.

ભારતીયો માટે માલદીવ વિઝા ફ્રી છે. લક્ષદ્વીપ જવા માટે તમારે પરમિટ લેવી પડે છે.

ભારતથી સારી એવી સંખ્યામાં માલદીવ જવા માટે ફ્લાઇટ ઉપલબ્ધ છે. તેમજ જો તમે ફ્લાઇટ મારફતે લક્ષદ્વીપ જવા માગતા હો તો તેની સંખ્યા ઓછી છે.

જોકે આ સમગ્ર વિવાદ પછી ટ્રાવેલ કંપનીઓનું કહેવું છે કે લક્ષદ્વીપને લઈને પર્યટકોમાં રસમાં જોરદાર વધારો થયો છે.

આ અહેવાલમાં આપણે એ જ સમજવાનો પ્રયાસ કરીશું કે માલદીવ અને લક્ષદ્વીપ એકબીજાથી કેટલાં અલગ છે અને આ સરખામણી કેટલી યોગ્ય કે અયોગ્ય છે?

1,200 દ્વીપોનું સમૂહ માલદીવ ભારતથી કેટલું દૂર છે?

માલદીવમાં ‘માલ’ શબ્દ મલયાલમની માલાથી આવ્યો છે. માલદીવમાં ‘માલ’નો અર્થ માલા સાથે સંબંધિત છે અને દીવનો અર્થ થાય છે દ્વીપ. એટલેકે દ્વીપોની માળા.

1965માં બ્રિટન પાસેથી સ્વતંત્રતા મળ્યા બાદ ત્યાં શરૂઆતમાં રાજાશાહી હતી. નવેમ્બર 1968માં દેશને પ્રજાસત્તાક જાહેર કરી દેવાયો.

માલદીવ ભારતના દક્ષિણ-પશ્ચિમે સ્થિત છે. ભારતના શહેર કોચ્ચીથી માલદીવનું અંતર લગભગ એક હજાર કિલોમીટર છે.

આ 1,200 દ્વીપોનું સમૂહ છે. મોટા ભાગના દ્વીપોમાં કોઈ નથી રહેતું. માલદીવનું ક્ષેત્રફળ 300 વર્ગ કિલોમીટર છે. એટલે કે એ આકારમાં દિલ્હી કરતાં પણ પાંચ ગણું નાનું છે.

માલદીવની વસતી લગભગ ચાર લાખ છે.

માલદીવમાં ધિવેહી અને અંગ્રેજી બોલાય છે.

માલદીવનો કોઈ પણ દ્વીપ દરિયાની સપાટીથી છ ફૂટ કરતાં વધુ ઊંચો નથી. જળવાયુ પરિવર્તનના કારણે વધતા જતા સમુદ્રસ્તરને કારણે માલદીવ પર હંમેશાં ખતરો રહે છે.

આ દેશનું અર્થતંત્ર પ્રવાસન પર ટકેલું છે. અહીંના દ્વીપોનું અર્થતંત્ર પણ પર્યટન પર ટકેલું છે. માલદીવના અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો એક ચતુર્થાંશ કરતાં વધુ ભાગ પ્રવાસનથી આવે છે.

વર્ષ 2019માં માલદીવ આવનારા પ્રવાસીઓની સંખ્યા 20 લાખ હતી. જોકે, કોરોનાકાળમાં આ સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

માલદીવ જનારા લોકોમાં સૌથી મોટી સંખ્યામાં ભારતીયો હોય છે. ગત વર્ષે ભારતથી માલદીવ લગભગ બે લાખ લોકો ગયા હતા. વર્ષ 2021માં લગભગ ત્રણ લાખ અને 2022માં આ સંખ્યા લગભગ અઢી લાખ હતી.

માલદીવના મીડિયા સંસ્થાન એવીએએસ પ્રમાણે માલદીવ આવનારા સૌથી વધુ પ્રવાસીઓ ભારતીય છે.

અહીંના વાદળી સમુદ્રથી ઘેરાયેલા સફેદ રેતીના કાંઠા સમગ્ર વિશ્વના પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે.

માલદીવમાં કયા દેશથી આવે છે કેટલા લોકો?

ભારત : બે લાખ પાંચ હજાર

રશિયા : બે લાખ ત્રણ હજાર

ચીન : એક લાખ 85 હજાર

યુકે : એક લાખ 52 હજાર

જર્મની : એક લાખ 32 હજાર

ઇટાલી : એક લાખ 11 હજાર

અમેરિકા : 73 હજાર

માલદીવમાં ફરવાલાયક સ્થળો કયાં કયાં?

જો તમે 26 જાન્યુઆરીના રોજ કોચ્ચીથી માલદીવ જવા માગતા હો તો ફ્લાઇટની ટિકિટનો ભાવ દસ હજાર રૂપિયા છે અને જવામાં પણ બે કલાકનો સમય જ લાગે છે.

માલદીવના પ્રવાસન મંત્રાલય અનુસાર માલદીવમાં 175 રિસૉર્ટ, 14 હોટલ, 865 ગેસ્ટ હાઉસ, 156 જહાજ, 280 ડાઇવ સેન્ટરો, 763 ટ્રાવેલ એજન્સી અને પાંચ ટૂર ગાઇડ્સ છે.

માલદીવમાં ફરવાલાયક જગ્યાની યાદી નીચે પ્રમાણે છે.

  • સન આઇલૅન્ડ
  • ગ્લોઇંગ બીચ
  • ફિહાલહોહી આઇલૅન્ડ
  • માલે સિટી
  • માફુશિ
  • આર્ટિફિશિયલ બીચ
  • મામીગિલી

ઘણી ટ્રાવેલ વેબસાઇટો અનુસાર, જાન્યુઆરી-એપ્રિલ માલદીવ ફરવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

મેથી સપ્ટેમ્બર સુધી માલદીવમાં પ્રવાસીઓનો ધસારો ઓછો હોય છે.

એક દિવસ માટે થ્રી સ્ટાર હોટલની કિંમત લગભગ પાંચ હજાર રૂપિયાથી શરૂ થાય છે.

લક્ષદ્વીપ પણ દ્વીપોનો એક સમૂહ છે

લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે.

લક્ષદ્વીપથી માલદીવ લગભગ 700 કિમી દૂર છે. લક્ષદ્વીપ કેરળના કોચ્ચીથી 440 કિલોમીટર દૂર છે.

લક્ષદ્વીપ નાના નાના 36 ટાપુઓનો સમૂહ છે.

વર્ષ 2011ની વસતીગણતરી અનુસાર ત્યાંની 96 ટકા વસતી મુસ્લિમ છે. લક્ષદ્વીપની વસતી લગભગ 64 હજાર છે.

લક્ષદ્વીપનું ક્ષેત્રફળ લગભગ 32 વર્ગ કિલોમીટર છે. એટલે કે માલદીવના ક્ષેત્રફળ કરતાં 10 ગણું ઓછું.

લક્ષદ્વીપમાં દસ દ્વીપોમાં વસતી છે. તેમાં કવારાટ્ટી, અગાટ્ટી, અમિની, કદમત, કિલાતન, ચેતલાટ, બિટ્રા, આનદોહ, કલ્પની અને મિનિકૉય છે. બિટ્રામાં માત્ર 271 લોકો જ રહે છે તેમજ વીરાન બંગારમ દ્વીપમાં માત્ર 61 લોકો જ રહે છે.

ત્યાં મલયાલમ ભાષા બોલાય છે. માત્ર મિનિકૉયમાં લોકો મહ્હે બોલે છે, જેની લિપિ ધિવેહી છે. આ એ જ ભાષા છે જે માલદીવમાં બોલાય છે.

લક્ષદ્વીપમાં લોકો માટે આવકનો સ્રોત માછીમારી અને નારિયેળની ખેતી છે. લક્ષદ્વીપમાં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વધ્યો છે.

કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે ગત વર્ષે લક્ષદ્વીપ જનારા પ્રવાસીઓની સંખ્યા લગભગ 25 હજાર હતી. એટલે કે માલદીવ જનારા ભારતીયોની સંખ્યા કરતાં લગભગ આઠ ગણી ઓછી.

અગાટ્ટીમાં એક ઍર સ્ટ્રીપ છે, જ્યાંથી તમે કોચ્ચી પહોંચી શકો છો. અગાટ્ટીથી કવારાટ્ટી અને કદમત માટે બોટ ઉપલબ્ધ છે. અગાટ્ટીથી કવારાટ્ટી માટે હેલિકૉપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે.

કોચ્ચીથી અગાટ્ટી પહોંચવા ફ્લાઇટમાં લગભગ દોઢ કલાક જેટલો સમય લાગે છે.

કોચ્ચીથી લક્ષદ્વીપ જહાજ મારફતે 14થી 18 કલાકમાં પહોંચી શકાય છે. ત્યાં જવામાં કેટલા રૂપિયા અને સમય ખર્ચાશે, એનો આધાર એ વાત પર રહેલો છે કે તમે કયા દ્વીપ પર કેટલા દિવસ માટે જઈ રહ્યા છો.

લક્ષદ્વીપમાં ફરવાલાયક સ્થળો

  • કવારાટ્ટી આઇલૅન્ડ
  • લાઇટહાઉસ
  • જેટી સાઇટ, મસ્જિદ
  • અગાટ્ટી
  • કદમત
  • બંગારમ
  • થિન્નાકાર

માલદીવની જેમ જ લક્ષદ્વીપમાંય સફેદ રેતી છે. ત્યાં જવા માટે સૌથી યોગ્ય સમય મે અને સપ્ટેમ્બરની વચ્ચેનો છે.

ત્યાં તાપમાન 22થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ત્યાં પ્રવાસીઓની ઘણો ધસારો હોય છે.

પરંતુ ધ્યાન રાખો કે લક્ષદ્વીપ જવા માટે તમારે તંત્ર પાસેથી પરવાનગી લેવાની હોય છે અને ત્યાં ઘણા દ્વીપો પર ઍન્ટ્રી પ્રતિબંધિત છે કે તેના માટે સરકારની પરવાનગી લેવાની હોય છે.

લક્ષદ્વીપ નામની કહાણી પણ રસપ્રદ છે. મલયાલમ અને સંસ્કૃતમાં લક્ષદ્વીપનો અર્થ બોતા થાય છે – એક લાખ દ્વીપ.

લક્ષદ્વીપ પહેલાં ક્યારેય ચર્ચામાં રહ્યું?

હાલમાં જ જ્યારે વડા પ્રધાન મોદીએ લક્ષદ્વીપનો પ્રવાસ ખેડેલો ત્યારે ઘણી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર વડા પ્રધાન મોદીની તાજેતરનો પ્રવાસ ભાજપની ચૂંટણીલક્ષી વ્યૂહરચના સાથે પણ જોડાયેલો છે.

વડા પ્રધાન મોદીએ હાલના પ્રવાસ વખતે કહેલું કે, "2020માં મેં તમને વાયદો કરેલો કે આગામી 1000 દિવસમાં લક્ષદ્વીપમાં ઝડપી ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હશે. આજે જે ઑપ્ટિકલ ફાઇબર પ્રોજેક્ટ શરૂ કરાયો છ, તેનાથ તમને 100 ગણી ઇન્ટરનેટ સ્પીડની સુવિધા મળશે."

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવાયું છે કે દેશના અન્ય ભાગોમાં સફળ ભાજપ કેરળમાં હજુ સુધી સફળતા હાંસલ નથી કરી શક્યો, આવી સ્થિતિમાં લક્ષદ્વીપ કેરળનો દરવાજો સાબિત થઈ શકે છે.

લક્ષદ્વીપમાં વર્ષ 2020થી પ્રફુલ્લ પટેલ પ્રશાસક છે.

ક્યારેક ગોમાંસ અને બીફ પર પાબંદી અને ક્યારેક શુક્રવારની રજા રવિવારે ગોઠવવાના નિર્ણય અંગે લક્ષદ્વીપમાં વિવાદ થઈ ચૂક્યો છે.

લક્ષદ્વીપની સંવેદનશીલતા જોતાં ભારતીય તટરક્ષક પોસ્ટને સક્રિય કરાયો છે.

આ સિવાય આઈએનએસ દ્વીપરક્ષક નૅવલ બેઝ પણ બનાવાયો.

રાહુલ ગાંધી સિવાય ગત વર્ષે લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સાંસદપદેય રદ કરાયું હતું.

લક્ષદ્વીપની એક કોર્ટે 11 જાન્યુઆરી 2023ના રોજ હત્યાના પ્રયાસના મામલામાં એનસીપી સાંસદ મોહમ્મદ ફૈઝલને દસ વર્ષની સજા સંભળાવી હતી.

તેના બે દિવસ બાદ લોકસભા સચિવાલયે નોટિફિકેશન જાહેર કરીને તેમનું સભ્યપદ રદ કરાયું હતું. 25 જાન્યુઆરી 2023ના રોજ કેરળ હાઇકોર્ટે દસ વર્ષની સજા પર રોક લગાવી દીધી હતી.

તેમજ માલદીવની વાત કરીએ તો રાષ્ટ્રપતિ બન્યા બાદ મોહમ્મદ મુઇઝ્ઝુએ ઇન્ડિયા આઉટના ચૂંટણીલક્ષી નારા પર અમલ કરતાં ભારતને પોતાના સૈનિકો પરત બોલાવવા કહેલું.

વડા પ્રધાન મોદીની તસવીરો પોસ્ટ કરાયા બાદ શું વિવાદ થયો?

લક્ષદ્વીપમાં 17 ડિસેમ્બરના રોજ સાપ્તાહિક રજા શુક્રવારના સ્થાને બદલીને રવિવાર કરી દેવાઈ. લક્ષદ્વીપમાં દાયકાઓથી શુક્રવારે જુમાની નમાજ માટે રજા હોય છે.

લક્ષદ્વીપથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સાંસદ મોહમ્મદ ફૈઝલ પીપીએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને તેને એકતરફી ગણાવ્યો છે. તેમણે કહેલું કે પ્રફુલ્લ પટેલ ચૂંટાયેલા પ્રતિનિધિન સાથે મસલત કર્યા વગર એકતરફી નિર્ણય લઈ રહ્યા છે. ત્યાં સ્કૂલનો સમય પણ સવારના દસ વાગ્યાથી માંડીને પાંચ વાગ્યા સુધીનો કરી દેવાયો હતો.

લક્ષદ્વીપ અને માલદીવ બંનેને ભારતની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ મનાય છે.

જો માલદીવમાં ભારતની હાજરી નબળી બને તો ચીન અત્યંત નિકટ આવી જશે અને લક્ષદ્વીપમાં સુરક્ષાસંબંધી કોઈ ચૂક થાય તો ઉગ્રવાદીઓની ઘૂસણખોરીની આશંકા વધી જશે.

કેરળના કાંઠા રક્ષણની દૃષ્ટિએ લક્ષદ્વીપને ખૂબ મહત્ત્વપૂર્ણ મનાય છે. લક્ષદ્વીપની સંવેદનશીલતાને ધ્યાને રાખીને જ આઈસીજી પોસ્ટ સક્રિય કરાઈ છે. આ સિવાય આઈએનએસ દ્વીપરક્ષક નૅવલ બેઝ પણ બનાવાયો છે.