વશીકરણથી માણસના મગજ પર ખરેખર કબજો કરી શકાય?

    • લેેખક, સુભાષચંદ્ર બોઝ
    • પદ, બીબીસી તમિળ

વશીકરણ, સંમોહન જેવા શબ્દો તમે સાંભળ્યા હશે અને તેને લગતી ફિલ્મો પણ જોઈ હશે. આવા લોકોને હિપ્નોટિઝમ વિશે ખ્યાલ હશે.

આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે આંખોમાં ત્રાટક કરીને કોઈને હિપ્નોટાઇઝ કરી શકાય છે અને પછી તેને તંદ્રામાં લઈ જઈને, તેના અંતરમનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકાય છે.

પણ ખરેખર હિપ્નોટિઝમ છે શું? શું કોઈ તેના દ્વારા બીજા પર નિયંત્રણ રાખી શકે? મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાના નિષ્ણાતો આ વિશે શું કહે છે?

ઘણા દેશોમાં ચોથી જાન્યુઆરીએ વર્લ્ડ હિપ્નોટિઝમ ડે ઊજવવામાં આવે છે. આ દિવસે હિપ્નોટિઝમ અને તેના કારણે થનારા લાભનો પ્રચાર કરવામાં આવે છે. ભારત સહિત ઘણા દેશોમાં જોકે હિપ્નોટિઝમથી સારવારની બાબત સૌથી ઓછા મહત્ત્વની છે.

હિપ્નોટિઝમ શું છે?

હિપ્નોટિઝમ શું છે અને શું તેનાથી કોઈ ફાયદા થાય છે ખરા? અમે આવો સવાલ નિષ્ણાતોને પૂછ્યો હતો અને સાથે એ જાણવાની કોશિશ કરી હતી કે ફિલ્મોમાં જોવા મળે છે તે રીતે શું કોઈ આપણને હિપ્નોટિઝમ દ્વારા નિયંત્રિત કરી શકે ખરા.

સાઇકોથૅરપીનાં નિષ્ણાત હિપ્નોથેરપિસ્ટ સોશિના જણાવે છે, "આપણું મગજ બે હિસ્સામાં વહેંચાયેલું છે. એક છે જાગૃત મન અને બીજું છે અજાગૃત અથવા સુષુપ્ત મન. બચપણથી અત્યાર સુધીમાં આપણને જે કંઈ અનુભવો થયા છે તે સુષુપ્ત મગજમાં સંઘરાઈ ગયેલા હોય છે."

"તમે ચાર વર્ષના હો અને તમને કૂતરું કરડી ગયું હોય તો 40 વર્ષના થાવ ત્યાં સુધી કૂતરાનો ડર મનમાં રહે છે. જોકે તમે અંતરમનને જાગૃત કરીને આ પ્રકારના ડરને દૂર કરી શકો છો. જૂની યાદોને તાજી કરીને તેમાંથી મુક્તિ મેળવી શકાય છે."

તેઓ વધુમાં કહે છે, "ચાર વર્ષની ઉંમરના બાળક સાથે જાણે વાત કરતા હોઈએ તે રીતે તે વાત કરીને થઈ શકે છે. તમે તમારા સુષુપ્ત મન સાથે સંવાદ કરીને એવું કરી શકો છો અને તેને જણાવી શકો છો કે હવે તે બાળક 40 વર્ષનો થઈ ગયો છે અને કૂતરાનો સામનો કરી શકે તેમ છે. આ રીતે હિપ્નોટિઝમ કામ કરે છે."

શું મનુષ્યોને નિયંત્રિત કરી શકાય છે?

ઘણી ફિલ્મોમાં એવું દેખાડવામાં આવે છે કે મેનિપ્યુલેશન કરીને બીજાને નિયંત્રિત કરી શકાય અને તેમની પાસે આપણે ધાર્યું કરાવી શકીએ છીએ. આવું થઈ શકે તેવો પ્રશ્ન પૂછીએ ત્યારે નિષ્ણાતો સ્પષ્ટ જવાબ આપતા કહે છે કે ના, એવું શક્ય નથી.

હિપ્નોટિક સ્ટેટમાં જવું એક અર્ધનિંદ્રા અથવા તંદ્રા જેવું હોય છે. આપણે સંપૂર્ણ રીતે જાગૃત નથી હોતા કે ઊંઘી પણ નથી ગયા હોતા. સોશિના કહે છે કે હિપ્નોટાઇઝ થયેલી વ્યક્તિ તમે જે પણ વાત કરો તે સમજી શકે છે અને આસપાસ જે કંઈ થઈ રહ્યું હોય તેને પણ જાણી શકે છે.

પૂર્વની કેટલીક હિપ્નોટિક પદ્ધતિમાં કોઈને નિયંત્રિત કરવાની વાત હોય છે, પણ તેના વિશે ખાતરીથી કહી શકાય નહીં. જોકે તેઓ કહે છે કે પશ્ચિમના દેશોમાં અને ભારતમાં મોટા ભાગે ક્લિનિકલ હિપ્નોટિઝમનો જ ઉપયોગ થાય છે.

માનસશાસ્ત્રી રાધિકા મુરુગસેન કહે છે, “હિપ્નોસિસમાં એવું નથી હોતું કે તમે સામાવાળાના મગજનો સંપૂર્ણ કબજો લઈ લો. હિપ્નોસિસ વ્યક્તિના મગજને શાંત પાડવા માટે હોય છે અને તેનો તણાવ દૂર કરવા માટે હોય છે. તેના મગજને હળવું કરીને, રિલેક્સેશન દ્વારા સમસ્યાના ઉકેલ માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે.”

કિલ્પાકમ સરકારી હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. પૂર્ણાસાંદરિકા કહે છે, "આપણે ઘણી વાર એવું સાંભળીએ છીએ કે અમુક જણનું બ્રેઇનવૉશ થઈ ગયું છે. પરંતુ હિપ્નોટિઝમમાં એ રીતે બ્રેઇનવૉશ થઈ શકતું નથી. હું જે કહું તે પ્રમાણે તમારું મગજ અનુસરે અને સહકાર આપે તો જ હું તમને હિપ્નોટાઇઝ કરી શકું. તેનાથી સંપૂર્ણ મગજનો કબજો લઈ શકાય નહીં."

ફિલ્મોને કારણે હિપ્નોટિઝમની કેવી છાપ ઊભી થઈ છે?

માનસિક સ્વાસ્થ્ય વિશેની બહુ બધી ધારણાઓ છે. રાધિકા મુરુગસેન કહે છે કે હિપ્નોટિઝમની બાબતમાં પણ એવી માન્યતાઓ બંધાઈ છે.

તેઓ કહે છે, "ફિલ્મોમાં હિપ્નોટિઝમને અતિશયોક્તિ સાથે દેખાડવામાં આવે છે તેના કારણે ઘણા લોકોમાં તેના વિશે ગેરમાન્યતા છે, જે વાસ્તવિકતાથી જુદી છે. ખાસ કરીને મને ઘણા લોકો આવીને એવું કહેતા હોય છે કે મારી જૂની પ્રેમિકાની યાદો મારા મગજમાંથી તમે ભૂંસી આપશો ખરા? મારી દીકરી કોના પ્રેમમાં છે એ તમે તેને હિપ્નોટાઇઝ કરીને જાણી શકશો ખરા? ફિલ્મોને કારણે આવી ખોટી માન્યતાઓ ઊભી થઈ છે. વાસ્તવિકતામાં આવી રીતે કામ થઈ શકતું નથી."

એ જ રીતે ઘણાને લાગે છે કે સ્ટેજ પર હિપ્નોટિઝમના કાર્યક્રમો આપવામાં આવે છે તે જ હિપ્નોટિઝમ છે. એ વાત પણ સાચી નથી. મોટા ભાગે તેમાં માત્ર વાતો જ હોય છે. સ્ટેજ પર હિપ્નોટિઝમ થાય તે અને ક્લિનિકલ હિપ્નોટિઝમથી સારવાર થાય તેમાં બહુ ફરક છે એમ રાધિકા મુરુગસેન કહે છે.

હિપ્નોસિસ થૅરપી વિશેની ગેરમાન્યતાઓ

લોકો એવું માનતા આવ્યા છે કે વળગાડ થતો હોય છે અને વળગાડ એ સાઇકોલૉજિકલ બાબત છે. આવી બાબતમાં હિપ્નોસિસથી સારવાર થઈ શકે ખરી એ વિશે અમે રાધિકા મુરુગસેનને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે કેટલીક બાબતો પર તેનો આધાર હોય છે.

તેઓ કહે છે, "તે લોકો એવી વાતો કરતાં હોય છે કે ભૂત આવે છે અને તે લોકો ભૂત સાથે વાતો કરે છે. ઘણી વાર તેઓ આ પ્રકારની વાત થયાની ભ્રમણાથી આવી વાતો કરી રહ્યા હોય છે. આ રીતે ઘણા લોકો પોતાના મનને મૂંઝવતી બાબતો વિશે વિચારતા હોય છે અને જાણે વાત કરી રહ્યા છે એવું માનતા હોય છે."

"આવી સ્થિતિમાં પ્રારંભિક તબક્કે જ સારવાર કરવામાં આવે તો હિપ્નોથૅરપીથી તેનો ઉકેલ આવી શકે છે. જોકે સાઇકોટિક સમસ્યા હોય ત્યારે આ પ્રકારની સારવારથી કામ ચાલતું નથી."

હિપ્નોટિઝમનો શું ઉપયોગ હોય છે?

ઘણા લોકો આરોગ્યને લગતી બાબતોમાં હિપ્નોટિઝમનો ઉપયોગ કરે છે. ભૂતકાળની કેટલીક વાતો પજવતી હોય તેમાંથી છુટકારો આપવા માટે પોતે હિપ્નોસિસનો ઉપયોગ કરતા હોય છે એમ સોશિના કહે છે.

તેઓ કહે છે, “મારી પાસે આવનારા લોકોને હું કહેતી હોઉં છું કે સૌપ્રથમ આપણે ક્લિન્સિંગ મેથડ કરવી જોઈએ. આ પદ્ધતિમાં હું સર્વ પ્રથમ તેમને એ બાબત તરફ દોરી જાઉં છું જેનાથી તેઓ પરેશાન કે ચિંતામાં રહેતા હોય છે. કેવા ડર પેસી ગયા હોય છે તે જાણીને, પછી તેના કારણના મૂળમાં જાઉં છું અને બાદમાં તેમને વર્તમાન સ્થિતિ અને વાસ્તવિકતા શું છે તે સુષુપ્ત મનમાં ઉતારવા કોશિશ કરું છું.”

રાધિકા મુરુગસેન કહે છે કે હિપ્નોટિઝમથી સ્ટ્રેસ દૂર કરવામાં, પીડા ઓછી કરવામાં, દુખમાંથી રાહત મેળવવામાં અને ધૂમ્રપાન સહિતની આદતોમાંથી છુટકારો મેળવવામાં પણ સહાય મળી શકે છે.

તેઓ કહે છે કે ભારતમાં બહુ લોકો સાઇકોસોમેટિક સમસ્યાઓથી પીડાય છે. આ પ્રકારના લોકોને મગજમાં કંઈક ઘૂસી જાય છે અને પછી તેના કારણે શારીરિક સમસ્યાઓ થાય છે.

"સૌથી જાણીતું ઉદાહરણ પેટના દુખાવાનું છે, જેને આઈબીએસ કહેવામાં આવે છે. લોકો સવારે ઊઠે ત્યારે તેમને લાગે કે પેટમાં કંઈક છે. પેટ ભારે ભારે લાગે છે. આ પ્રકારની શારીરિક અસરોને દૂર કરવામાં પણ હિપ્નોટિઝમ ઉપયોગી થઈ શકે છે."

હિપ્નોથૅરપીના બીજા કોઈ વિકલ્પો છે?

સાઇકોલૉજિસ્ટ મોહન બાલકૃષ્ણ હિપ્નોથૅરપીના વધારે સારા વિકલ્પ તરીકે યો-ઝેનનો પ્રયોગ કરે છે. યોગના માધ્યમથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે એમ તેઓ માને છે.

ખાસ કરીને શાળાએ જવા આનકાની કરનારા બાળકને શાળાએ જતો અને પ્રથમ ગ્રેડ લાવનારો કરી શકાય છે. કોઈને લાગતું હોય કે પોતાનો અવાજ પાતળો છે કે એવી સમસ્યા છે ત્યારે પણ તેનો ઉકેલ લાવી શકાય છે.

માનસિક સમસ્યા વિના કોઈ વ્યક્તિ જન્મી હોય અને સમય વીતવા સાથે, પ્રસંગોને કારણે કોઈ માનસિક સમસ્યા ઊભી થાય હોય ત્યારે તેની પણ સારવાર થઈ શકે છે.

સરકારી હૉસ્પિટલમાં હિપ્નોથૅરપી શા માટે નહીં?

ભારતમાં સરકારી હૉસ્પિટલોમાં ભાગ્યે જ હિપ્નોથૅરપી ઉપલબ્ધ હોય છે. જોકે તાલીમબદ્ધ વ્યક્તિને હિપ્નોથૅરપીનો ઉપયોગ કરવા દેવામાં આવે છે ખરો. આવી સ્થિતિ શા માટે છે તે વિશે અમે કિલપોકની સરકારી માનસિક હૉસ્પિટલનાં ડિરેક્ટર ડૉ. પૂર્ણાસાંદરિકાને પૂછ્યું હતું.

તેમને કહેવું છે કે “હિપ્નોટિઝમ સારવાર માટેની જૂની પુરાણી પદ્ધતિ માનવામાં આવે છે. જોકે હવે તેમાં ફેરફાર થઈ રહ્યો છે. અમે ફાર્મોકોલૉજિક થૅરપી, નૉન-ફાર્મકોલૉજિક સીબીટી થૅરપી વગેરેને પણ હવે ઉપયોગ કરવા લાગ્યા છીએ. હિપ્નોટિઝમથી અસરકારક પરિણામો આવી રહ્યાં નથી એવું લાગવાને કારણે ધીમે ધીમે તેનો ઉપયોગ બંધ થયો છે એમ કહી શકાય.”

બીજું કે બાળવયે આઘાત લાગ્યો હોય, અમુક પ્રકારની હળવી ચિંતાઓ રહેતી હોય તે વખતે તેનો ઉપયોગ કરી શકાય છે. તે સિવાયની બાબતોમાં તેની સારવારની ભલામણ કરવામાં આવતી નથી. ડાયાબિટીસ કે લોહીનું ઊંચું દબાણ વગેરે દવાઓથી દૂર કરવામાં આવે છે તે રીતે સ્ક્ઝિફ્રેનિયા જેવી બીમારીમાં દવાઓ આપીને જ સારવાર કરી શકાય છે.

હિપ્નોસિસના માધ્યમથી મનમાં સકારાત્મક સૂચનો કરી શકાય છે, પણ તેનાથી તત્કાલ કોઈ માનસિક સમસ્યા દૂર થઈ જતી નથી. લાંબા ગાળે પણ માત્ર સૂચનોથી સારવાર થઈ શકતી નથી. તેથી મનને શાંત કરવા માટેની એક કસરત તરીકે તેનો ઉપયોગ કરી શકાય, પણ તેને એક સંપૂર્ણ સારવાર ગણી શકાય નહીં એમ ડૉ. પૂર્ણાસાંદરિકા જણાવે છે.