ભોજનમાં શું સામેલ કરવાથી વાળ ખરતા બંધ થઈ જાય?

    • લેેખક, પિલર અર્જેન્ટો એરિઝોના
    • પદ, ધ કન્ઝર્વન્સ

વાળ ખરવાની સમસ્યા આમ તો સામાન્ય છે, પણ અનેક લોકો આ સમસ્યાને ગંભીરતાથી લેતા હોય અને વિવિધ ઉપાયો અજમાવતા હોય છે.

પણ આપણે જે ભોજન લઈએ છીએ તે આપણને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મહત્ત્વપૂર્ણ હોય છે.

ખાણીપીણીની અસર ચામડી અને વાળની ચમક પર પણ પડે છે.

વાળ ખરવા આમ તો કોઈ નાની વાત નથી. વાળ વધારે પ્રમાણમાં ખરવા એ પહેલો સંકેત છે કે આપણા સ્વાસ્થ્યમાં કોઈ ખામી છે અને તેને અવગણવી ન જોઈએ.

લાંબા સમયથી તણાવગ્રસ્ત હોવું, આનુવંશિકતા, હોર્મોનમાં બદલાવ કે કેટલીક દવાઓની આડઅસર વાળ ખરવાનાં કેટલાંક કારણોમાંથી એક હોઈ શકે છે.

આપણા વાળને અસર કરતાં તત્ત્વોની જાણકારી સાથે સરળતાથી વાળની સંભાળ કેવી રીતે રાખવી તેની પણ જાણકારી અહીં મેળવીશું.

નિષ્ણાતોનું કહેવું છે કે વાળને જોઈને આપણે કહી શકીએ છીએ કે આપણે કેવો ખોરાક લઈએ છીએ.

વાળને ઊતરતા રોકવા કયો ખોરાક લેવો જોઈએ?

સ્વસ્થ વાળ માટે પ્રોટીન, વિટામિન બી, આયર્ન અને ઝિંકથી ભરપૂર કેટલાક ખાદ્યપદાર્થો ખૂબ જરૂરી છે.

ઍનોરેક્સિયા (ઓછું વજન) અને બુલિમિયા (વધારો ખોરાક લેવાની ટેવ) જેવા વિકારો વાળ ખરવા સાથે મજબૂતીથી જોડાયેલાં કારણો છે.

એ તો સ્પષ્ટ રીતે નથી જાણી શકાતું કે કયો ખોરાક વાળ ખરવાનું કારણ બને છે.

જોકે કેટલાંક ઉદાહરણ જોઈએ તો એનો અંદાજ આવી શકે છે.

જેમ કે વધારે પડતો ગળપળવાળો અને સેચ્યુરેટેડ ફેટવાળો ખોરાક ન માત્ર હૃદયરોગ પણ સ્ટ્રેસ અને સેલમાં સોજા આવવાનું કારણ બનતો હોય છે. તેના કારણે આપણા શરીરમાં વધારે સંવેદનશીલ સ્થિતિ સર્જાય છે અને પછી વાળ ઊતરવા લાગે છે.

આ જ કારણ છે કે બજારમાં ઉપલબ્ધ કેટલાય ઉપચાર સોજાવિરોધી અસરો પર વધારે ધ્યાન આપે છે.

એટલે જ ખોરાકમાં માછલી અને વર્જિન ઓલિવ ઓઇલ જેવા સોજાવિરોધી ગુણવાળા ખાદ્યપદાર્થોને પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવે છે.

કેટલાક તર્ક મુજબ સોજા લાવે તેવા ખાદ્યપદાર્થોની પરેજી પાળવાથી વાળનું રક્ષણ કરી શકાય છે.

કેટલાંક અધ્યયન પણ તેનું સમર્થન કરે છે.

ઉદાહરણ તરીકે, કેટલાક લોકો કહે છે કે ભૂમધ્ય સાગરના આહાર (તાજાં ફળ, શાકભાજી, આખું અનાજ, નટ્સ, બીજ અને સ્વસ્થ્ય ફેટ્સ) સોજાવિરોધી ગુણો ધરાવતા હોય છે, જે વાળના સ્વાસ્થ્યને જાળવવામાં સહાયક છે.

વાળ ઊતરવાનાં મુખ્ય કારણો કયાં છે?

તણાવને કારણે કોર્ટિસોલ હોર્મોન્સનું સ્તર વધે છે. જો આ હોર્મોનનો સ્રાવ વધી જાય કે ઓછો થઈ જાય તો સમસ્યાઓ થઈ શકે છે.

રોજિંદા જીવનમાં નાનો-મોટો તણાવ સામાન્ય થઈ ગયો છે. જો આ તણાવપૂર્ણ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો વાળ ઊતરવા લાગે છે.

એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા કોર્ટિસોલ હોર્મોન વાળ ઊતરવા સાથે જોડાયેલા છે.

જ્યારે તણાવ ઓછો થઈ જશે તો શરીરમાં આ હોર્મોનનું સ્તર સામાન્ય થઈ જશે.

શું ખોરાકથી આ હોર્મોનના સ્તરને નિયંત્રિત કરવું શક્ય છે?

ચોક્કસ શક્ય છે.

અવાકાડો (એક પ્રકારનું ફળ), ચીકાશવાળી માછલી, કેટલાંક પ્રકારનાં બીજ, ઓમેગા– 3 ફેટી એસિડથી ભરપૂર ખાદ્યપદાર્થ અને વિવિધ વિટામિન અને ખનીજોને ખોરાકમાં સામેલ કરીને કોર્ટિસોલ હોર્મોન પર અંકુશ લગાવી શકાય છે.

કયો ખોરાક વાળને સ્વસ્થ રાખી શકે?

વાળને ઊતરતા રોકવા માટે આથેલો ખોરાક ખાવાને પણ એક અસરકારક ઉપાય ગણવામાં આવ્યો છે.

આ ખોરાક આપણાં આંતરડાંના માઇક્રોબાયોટાની ભૂમિકામાં નિર્ણાયક બની જાય છે. માઇક્રોબાયોટા એ સૂક્ષ્મ જીવાણુનું જૂથ છે જે આપણા પાચનતંત્રમાં રહે છે.

માઇક્રોબાયોટા આપણા સ્વાસ્થ્ય અને રોગમાં સામેલ છે. માઇક્રોબાયોટા આપણે જે પોષકતત્ત્વોનો ઉપયોગ કરીએ છીએ તેની સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે.

આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના આધારે આપણા શરીરમાં માઇક્રોબાયોટા અલગઅલગ હોય છે.

શરીરમાં ખોરાકનું ચયાપચય અને શરીરમાં પોષકતત્ત્વોનું અવશોષણ માઇક્રોબાયોટાની સંખ્યા પર નિર્ભર છે. તેની સંખ્યાના પ્રમાણ પર શરીરમાં વિભિન્ન રાસાયણિક અને ચયાપચયના સંકેત મળે છે.

તે તણાવ સામે લડવામાં પણ મદદ કરે છે.

એટલે કે આપણા આહારમાં વિવિધતા છે તો આંતરડાના બૅક્ટેરિયામાં પણ વિવિધતા હશે.

એટલે જ અન્ય આથેલા ખાદ્યપદાર્થો સાથે દહીં, આથેલું દૂધ જેવા પ્રોબાયોટિક્સ લેવાથી વાળના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ મળે છે.

જો તમે તેનું પાલન કરશો તો તમારા વાળનું સ્વાસ્થ્ય સારું રહેશે.

(પિલર આર્જેન્ટો એરિઝોના એ સાન જૉર્જ યુનિવર્સિટી હેલ્થ સાયન્સમાં PDI ફેકલ્ટી છે.)