ખંજવાળ કેમ આવે છે, આ દરદનો ઇલાજ શું છે?

    • લેેખક, જાસ્મીન ફોક્સ-સ્કેલી
    • પદ, બીબીસી ફ્યુચર

શાયનેને બાઉલેટ 18 વર્ષનાં હતાં ત્યારે કૉલેજના અભ્યાસના પ્રથમ વર્ષના અંતે અચાનક શરીર પર તેમને ખંજવાળ આવવા લાગી હતી. હાયન કહે છે, "મને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે તે ખરજવું હશે, પરંતુ ખંજવાળનું પ્રમાણ ઘણું વધારે હતું."

"હું ગરમ પાણીથી સ્નાન પણ કરી શકતી ન હતી, હું કૉલેજમાંથી આપવામાં આવતાં હોમવર્ક પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી, ઊંઘી શકતી ન હતી, કારણ કે પથારીમાં મારે લગભગ બે કલાક સુધી ખંજવાળ કરવી પડતી હતી. શરીરની સફાઈ માટે પથારીમાંથી ઉઠવું જરૂરી હતું, કારણ કે ચાદર પર લોહીના ડાઘ પડી ગયા હતા."

શાયનેને પ્રુરિગો નોડ્યુલારિસ (પીએન) નામનો રોગ થયાનું નિદાન થયું હતું. આ રોગ ત્વચાની બળતરાનો એક લાંબાગાળાનો રોગ છે. તેનાથી પીડિત વ્યક્તિને શરીર પર સતત ખંજવાળ આવતી હોય છે.

લાંબા ગાળાની ખંજવાળનું કારણ બનતા રોગો પૈકીનો આ એક રોગ છે.

તબીબી વ્યાખ્યા મુજબ, તેને છ સપ્તાહથી વધુ સમય સુધી ચાલતી ખંજવાળ કહેવામાં આવે છે. આ ક્રૉનિક એટલે કે દીર્ઘકાલીન ખંજવાળ ખરજવું, શીળસ અને સોરાયસિસ જેવી ત્વચા સંબંધી વિકૃતિઓ સાથે સંકળાયેલી છે. એ ઉપરાંત તેને કિડનીના ક્રૉનિક રોગ, લિવર ફેલ્યોર અને લિમ્ફોમા સહિતની અન્ય બીમારીઓ સાથે પણ સંબંધ છે. કેટલાક કિસ્સામાં આ પ્રકારની ખંજવાળની તકલીફ વર્ષો સુધી રહેતી હોય છે. જાણીએ ખંજવાળના દરદ અને તેના ઇલાજ વિશે...

લાંબાગાળાની ખંજવાળ કેટલી દર્દનાક?

ખંજવાળ ત્રાસદાયક હોઈ શકે છે. ઈટાલિયન સર્જક દાન્તેની ‘ઈન્ફર્નો’ નામની કૃતિમાં ખોટાડા લોકોને નરકની આઠમી શ્રેણીની સજાનો ઉલ્લેખ છે. એ લોકોએ ત્યાં "ભયંકર ખંજવાળનો સામનો કરવો પડે છે અને એ પીડામાંથી તેમને કશું રાહત આપી શકતું નથી."

સોરાયસિસથી પીડાતા લોકોની તકલીફ જેવું હોઈ શકે, કારણ કે એ સ્થિતિમાં જે ખંજવાળ આવે છે તેની સરખામણી લાખો લાલ કીડીઓના હુમલા સાથે કરવામાં આવે છે.

લિવરની બીમારીથી પીડાતા લોકોએ પ્રત્યારોપણ કરાવવું પડે છે, કારણ કે તેઓ ખંજવાળ સહન કરી શકતા નથી. કેન્સરના કેટલાક દર્દીઓએ જીવનરક્ષક દવાઓ લેવાનું બંધ કરવું પડે છે, કારણ કે એ દવાઓ ખંજવાળનું કારણ બનતી હોય છે.

ન્યૂયોર્કમાં માઉન્ટ સિનાઈ ખાતેની ઈકાન સ્કૂલ ઑફ મેડિસિનના ચિકિત્સક અને ન્યૂરોઈમ્યૂનોલૉજિસ્ટ બ્રાયન કિમ કહે છે, "લાંબાગાળાની ખંજવાળ વ્યક્તિને અતિશય લાંબા સમય સુધી ચાલતી પીડા જેટલી જ નિર્બળ કરનારી હોય છે, એવું અભ્યાસમાં જાણવા મળ્યું છે. પરંતુ હું તો એવું કહીશ કે એ તેનાથી પણ વધારે ખતરનાક હોય છે."

"લાંબાગાળાની પીડામાં તમને થોડી ખંજવાળની અનુભૂતિ થતી હોય છે. દસમાંથી છ કિસ્સામાં એ પીડા શમતી નથી, પરંતુ તમે ઊંઘી શકો છો. જ્યારે લાંબાગાળાની ખંજવાળ અલગ છે, કારણ કે એ તમને આરામ જ કરવા દેતી નથી. તેનાથી પીડાતા લોકો આખી રાત જાગતા અને ખંજવાળતા રહે છે. એ સંદર્ભમાં આ તકલીફ વ્યક્તિને બહુ નિર્બળ કરનારી હોય છે."

ખંજવાળની સારવારમાં ઓછી પ્રગતિ

અલબત, ક્રૉનિક ખુજલી વ્યાપક હોવા છતાં વિજ્ઞાનીઓ હજુ સુધી તેનું કારણ સમજી શક્યા ન હતા.

બીજી તરફ તીવ્ર ખંજવાળનાં કારણો અપેક્ષાકૃત સારી રીતે સમજી શકાયાં છે. તમને મચ્છરે ડંખ માર્યો હોય અથવા પૉઇઝન (ઝેરી) આઈવીના સંપર્કમાં આવ્યા હો તો ત્વચામાંના રોગ-પ્રતિકારક કોષો હિસ્ટામાઇન અને અન્ય તત્ત્વો છોડે છે, જે સંવેદનાત્મક ચેતાની સપાટી પરના નાના રીસેપ્ટર્સ સાથે ભળી જાય છે, તેમાં બળતરા થાય છે અને તે ખંજવાળના સંકેત કરોડરજ્જુ અને મગજ સુધી મોકલે છે. ત્રાસદાયક હોવા છતાં તીવ્ર ખંજવાળની સારવાર ઍન્ટીહિસ્ટેમાઇન્સ અથવા ટૉપિકલ સ્ટેરૉઇડ વડે કરી શકાય છે, પરંતુ ક્રૉનિક ખંજવાળ પર ઍન્ટીહિસ્ટેમાઇન્સની કોઈ અસર થતી નથી.

આ કારણસર ખંજવાળની સારવારમાં છેલ્લાં 360 વર્ષમાં બહુ ઓછી પ્રગતિ થઈ હતી. 360 વર્ષ પૂર્વે ખંજવાળને સૌપ્રથમવાર તબીબી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.

તેનું એક કારણ એ હતું ખંજવાળ પીડાનું એક હળવું સ્વરૂપ છે એવું વિજ્ઞાનીઓ માનતા હતા. આ ગેરસમજનું મૂળ 1920ના દાયકાના પ્રારંભમાં મળે છે. એ સમયે ઑસ્ટ્રિયન-જર્મન ફિઝિયોલૉજિસ્ટ મૅક્સ વૉન ફ્રેએ તેમની પ્રયોગશાળામાં લોકો પર સ્પિક્યુલ્સ તરીકે ઓળખાતી તીક્ષ્ણ અણીવાળી ચીજ સાથે પ્રયોગ કર્યો હતો. તેમણે જોયું હતું કે પ્રારંભે પીડા પછી લોકોને ખંજવાળની અનુભૂતિ થતી હતી.

જોકે, સેન્ટ લુઈસ ખાતેની વૉશિંગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસિનના ઝોઉ-ફેંગ શેનના વડપણ હેઠળની વિજ્ઞાનીઓની એક ટુકડીએ કરોડરજ્જુમાંના ચેતાકોષોના સબસેટ પરના ખંજવાળના રીસેપ્ટર્સ શોધી કાઢ્યા હતા. જે ઉંદર આવા રીસેપ્ટર્સ વિહોણા હતા તેમને ખંજવાળની અનુભૂતિ થતી ન હતી. તેમને ગમે તેટલા ચીડવવામાં આવે તો પણ તેઓ શરીરને ખંજવાળતા ન હતા, પરંતુ પીડા જરૂર અનુભવી શકતા હતા.

બીજા શબ્દોમાં કહીએ તો વિજ્ઞાનીઓએ કરોડરજ્જુમાં ચેતાકોષોના સમૂહને શોધી કાઢ્યો હતો, જે ખાસ કરીને મગજમાં ખંજવાળના સંકેતો મોકલતો હોય છે.

વિશેષજ્ઞોનું શું કહેવું છે?

એ પછી સંશોધકોએ ખંજવાળના અન્ય ચોક્કસ રીસેપ્ટર્સ અને ન્યૂરોન્સની શોધ કરી હતી. દાખલા તરીકે, માસ સંબંધી જી પ્રોટીન કપલ્ડ રીસેપ્ટર્સ સંવેદનાત્મક ચેતાકોષોમાં જોવા મળે છે, જે ત્વચાને ઉત્તેજિત કરે છે. તેના સંકેત સીધા મગજમાં જાય છે અને ખંજવાળના પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

વૉશિંગ્ટન યુનિવર્સિટી સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ઈચ ઍન્ડ સેન્સરી ડિસૉર્ડર્સના બ્રાયન કિમ અને તેમના સાથીઓએ 2017માં શોધી કાઢ્યું હતું કે ત્વચામાંની બળતરા રોગપ્રતિકારક કોષોમાંથી આઈએલ-4 અને આઈએલ-3 નામના રાસાયણિક મેસેન્જર્સને મુક્ત કરવાનું કારણ બની શકે છે. સાયટોકાઈન્સ તરીકે ઓળખાતા આ કેમિકલ્સ સંવેદનાત્મક ચેતાકોષો સાથે ભળી જાય છે અને તેના કારણે ખંજવાળ આવે છે.

સાન ફ્રાન્સિસ્કો ખાતેની યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના ત્વચારોગ વિજ્ઞાનના પ્રૉફેસર માર્લિસ ફાસેટ કહે છે. "બ્રાયન કિમના કામમાં એક સરસ વાત એ છે કે આ મૉલેક્યુલ્સ માત્ર ખંજવાળના ચેતાકોષો સાથે જોડાયેલા નથી, પરંતુ તે ખંજવાળના ન્યુરોન્સને સક્રિય કરવા માટે ત્વચાના અન્ય મૉલિક્યુલ્સની મર્યાદા ઘટાડે છે. તેથી સામાન્ય રીતે એલર્જી ધરાવતા લોકોને ખંજવાળ પ્રત્યે સેન્સિટાઈઝ કરે છે, એવું તેમણે શોધી કાઢ્યું હતું."

ફાસેટે આઈએલ-31 નામના ખંજવાળના એક અન્ય સાઈટોકાઈન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આઈએલ-31ને પણ ખંજવાળના વિશિષ્ટ ન્યુરૉન્સના ટ્રિગર ગણવામાં આવે છે.

ફાસેટના સંશોધનનાં તારણો ટૂંક સમયમાં પ્રકાશિત થવાનાં છે. તે દર્શાવે છે કે ખંજવાળના અન્ય સાયટોકાઈન્સની માફક આઈએલ-31 પણ ખંજવાળના ન્યુરૉન્સની મર્યાદાને ઘટાડે છે. તેનાથી તેમની તીવ્રતા વધે છે.

2023ના અભ્યાસમાં ફાસેટને જાણવા મળ્યું હતું કે ખંજવાળનું કારણ બનવાની સાથે આઈએલ-31 બળતરામાં પણ ઘટાડો કરે છે, જેથી ખંજવાળની લાગણી અંતે ઓછી થાય છે. ફાસેટની ટીમે ઉંદરના શરીરમાંથી, આઈએલ-31ને સંજ્ઞાકૃત કરતું એક જનીન કાઢી નાખ્યું હતું અને પછી ઉંદરને ઘરમાં જોવા મળતી ઘૂળની જીવાતના સંપર્કમાં મૂક્યો હતો. અપેક્ષા મુજબ, ધૂળમાંની જીવાતને કારણે, આઈએલ-31 જનીન વગરના ઉંદરોને ખંજવાળ આવતી ન હતી.

ફાસેટ કહે છે, “ઉંદરની ચામડી કે કરોડરજ્જુના પ્રવાહીમાં આઈએલ-31 ઈન્જૅક્ટ કરવામાં આવે ત્યારે તેને જોરદાર ખંજવાળ આવવા લાગે છે. આ વાત છેલ્લાં 15 વર્ષથી સર્વવિદિત છે, પરંતુ અજાણી વાત એ હતી કે તમે ખંજવાળના સાયટોકાઈનને કાઢી નાખો તો પેશીઓમાં બળતરા નીચે જવાને બદલે ઉપર જાય છે. તેનો ખાસ કોઈ અર્થ નથી, કારણ કે મોટાભાગની પેશીઓમાં ખંજવાળ અને બળતરા થતી હોય ત્યાં તે સાથે આગળ વધે તેવી અપેક્ષા રાખવાની હોય છે.”

ત્વચાના, આઈએલ-31 દ્વારા સક્રિય થતા ચેતાકોષો પણ બળતરાના નિયંત્રણમાં રાખતા રોગપ્રતિકારક પ્રતિભાવને દબાવી દેતા હોય એવું લાગે છે. આ તારણો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આઈએલ-31ના નિશાન બનાવતી ખંજવાળ-વિરોધી દવાઓનું પરિણામ અણધાર્યું હોઈ શકે છે. તેનાથી બળતરા વધી શકે છે.

ખંજવાળની સારવાર

આવી દવાઓ વિકસાવવાનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે. દાખલા તરીકે, નેમોલિઝુમાબ. આ દવા આઈએલ-31 રીસેપ્ટરને નિશાન બનાવે છે. એટૉપિક ડર્માટાઈટિસ (એડી) નામની ત્વચાની બીમારીની સારવાર માટેની આ દવાની બીજા અને ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. એડી એક્ઝિમાનું એક સ્વરૂપ છે. તેમાં ત્વચા શુષ્ક થઈ જાય છે, ખંજવાળ આવે છે અને બળતરા થાય છે.

ડુપિલુમાબ નામની દવાને તાજેતરમાં લાયસન્સ આપવામાં આવ્યું છે. આ દવા આઈએલ-4 અને આઈએલ-13 બન્ને રીસેપ્ટર્સને અટકાવે છે. ઉપરોક્ત બીમારીથી પીડાતા લોકોને આ દવા લખી આપવામાં આવે છે. એડીની સારવાર માટે EP262, abrocitinib અને Upadacitinib જેવી અન્ય દવાઓનું ત્રીજા તબક્કાનું તબીબી પરીક્ષણ ચાલી રહ્યું છે. EP262 નામની દવા માસ સંબંધી જી પ્રોટીન કપલ્ડ રીસેપ્ટર એક્સ2 (MRGPRX2)ને અવરોધે છે, જ્યારે, abrocitinib અને Upadacitinib જેએકે1 નામના રીસેપ્ટરને અવરોધીને આઈએલ-4 તથા આઈએલ-13ને નિયંત્રિત કરે છે.

ખંજવાળની અન્ય બીમારીઓમાં પણ નવી સારવારથી ફાયદો થઈ શકે છે. દાખલા તરીકે, ત્વચા રોગ વિજ્ઞાનના પ્રોફેસર અને યુનિવર્સિટી ઑફ મિલર સ્કૂલ ઑફ મેડિસિન ખાતેના ચિકિત્સક ગિલ યોસિપોવિચે બ્રાયન કિમ અને અન્ય લોકો સાથે પીએનની સારવાર માટે ડુપિલુમબના ઉપયોગના ત્રીજા તબક્કાના પરીક્ષણના બે તબક્કા આ વર્ષે જ પૂર્ણ કર્યાં છે. પ્લેસિબો મેળવનાર 18.4 ટકા લોકોની સરખામણીએ ડુપિલુમબ લેનારા 60 ટકા સહભાગીઓની ખંજવાળની તકલીફમાં 24 સપ્તાહ પછી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. તેને પગલે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને (એફડીએ) પીએનના દર્દીઓની સારવાર માટે ડુપિલુમબને મંજૂરી આપી દીધી છે.

યોસિપોવિચ કહે છે, "ત્વચારોગ નિષ્ણાતો સામે પીએનના સૌથી વધુ દર્દીઓ આવતા હોય છે. તાજેતરનાં વર્ષો સુધી આ રોગની કોઈ સારવાર ન હતી. તેથી દર્દીઓને ઘણી તકલીફ પડતી હતી."

"અમારા દર્દીઓ માટે આ રોમાંચક યુગ છે. તેમને આશાની અનુભૂતિ થાય છે. મારા ઘણા બધા દર્દીઓ બહુ નિરાશ અને દયનીય અવસ્થામાં હતા. તેમણે મને કહ્યું હતું કે આ દવાઓએ અમારો જીવ બચાવ્યો છે."

દરમિયાન, ઈકાન સ્કૂલ ઑફ મેડિસિન ખાતેની બ્રાયન કીમની નવી લેબોરેટરીમાં નોટાલ્જિયા પેરેસ્થેટિકાની સારવાર માટે ડિફેલિકફાલિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. નોટાલ્જિયા પેરેસ્થેટિકા એક ચેતા સંબંધી રોગ છે, જેમાં પીઠની ઉપરના હિસ્સામાં સતત ખંજવાળ આવતી હોય છે.

હેમોડાયલિસિસ હેઠળના પુખ્ત વયના લોકોમાં ક્રૉનિક કિડની રોગ સાથે સંકળાયેલી મધ્યમથી ગંભીર પ્રકારની ખંજવાળની સારવાર માટે એફડીએએ ડિફેલીકેફાલિનને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. જોકે, નોટાલ્જિયા પેરેસ્થેટિકાની સારવારમાં પણ તે થોડી ઉપયોગી હોવાનું બીજા તબક્કાના પરીક્ષણમાં જાણવા મળ્યું હતું.

આ બધી દવાઓએ ખંજવાળની સમસ્યાથી પીડાતા લોકોને આશા આપી છે. આવી દવાઓનો હમણાં સુધી અભાવ હતો.

યોસિપોવિચ દ્વારા હાથ ધરવામાં આવેલા પરીક્ષણમાં સહભાગી બનેલા લોકો પૈકીના એક શયાન કહે છે, "મને લાગે છે કે હું ફરીથી મૂળ સ્વરૂપમાં આવી ગઈ છું અને શ્રેષ્ઠ રીતે જીવન જીવી શકું તેમ છું."

શયાન ઉમેરે છે, "ક્યારેક ખંજવાળ આવે છે, પરંતુ તે માત્ર દસેક મિનિટ માટે હોય છે. મારું જીવન પહેલાં કરતાં બહેતર બન્યું છે."

ડુપિલુમાબ તમામ દર્દીઓ માટે ઉપયોગી નથી, પરંતુ વધુ દવાઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

યોસિપોવિચ કહે છે, "આગામી પાંચ વર્ષમાં અમે મોટા ભાગના દર્દીઓને આવરી લઈશું, એવું હું માનું છું. તેથી, દર્દીઓની વેદના વર્ષોથી નિહાળતા રહેલા મારા જેવા ડૉક્ટરો માટે આ બહુ લાભદાયી સમય છે."