You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં દર વર્ષે લાખોના જીવ લેતા ‘સુપરબગ’થી કેવી રીતે બચવું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમેરિકામાં એક માંસ વેચતી કંપની કંપનીએ બજારમાંથી ત્રણ હજાર કિલો માંસ પાછું ખેંચવું પડ્યું, કારણ કે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે તેમાં જીવલેણ બૅક્ટેરિયાની હાજરી હોઈ શકે છે.
હજુ હમણાં જ નાતાલ સમયે બ્રિટનની સ્વાસ્થ્ય એજન્સીએ એક કંપનીના કાચા દૂધમાંથી બનાવાયેલા ચીઝને બજારમાંથી પાછું ખેંચવાનો આદેશ આપ્યો હતો.
આ પગલું ચીઝ ખાધા બાદ લોકોના બીમાર પડ્યા બાદ લેવાયું. આ ચીઝને ખાવાથી બીમાર પડવાના ઓછમાં ઓછા 30 કેસ નોંધાયા અને સ્કૉટલૅન્ડમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.
અમેરિકા અને બ્રિટન બંને દેશમાં જે બૅક્ટેરિયાના કારણે આ ખાદ્ય પદાર્થોને બજારમાંથી પાછા ખેંચવા પડ્યા તેનું નામ ઍશેરિકિયા કોલાઇ છે, જે ઇ. કોલાઇ તરીકે પણ ઓળખાય છે.
આ એ બૅક્ટેરિયા છે જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ 2017માં ‘સુપરબગ’ની શ્રેણીમાં મૂક્યો હતો.
સુપરબગ એટલે એવા ઘાતક બૅક્ટેરિયા જેના પર ઍન્ટીબાયોટિક દવાની પણ અસર નથી થતી. આ યાદીમાં સૌથી પહેલુ નામ છે, ગ્રામ નૅગેટિવ બૅક્ટેરિયા ઇ. કોલાઇનું.
ભારતમાં પણ મૃત્યુ માટે જવાબદાર
ઇ. કોલાઇ બૅક્ટેરિયા ભારતમાં મૃત્યુનું મોટું કારણ છે. મેડિકલ જર્નલ ‘ધ લૅન્સેટ’ના એક અહેવાલ મુજબ એક સંશોધનમાં બૅક્ટેરિયાથી થયેલા મૃત્યુના કેસમાં ઇ. કોલાઇને કારણે થયેલાં મોતની સંખ્યા સૌથી વધુ હતી.
લૅન્સેટમાં છપાયેલાં આ સંશોધનના અહેવાલ મુજબ 2019માં ઇ. કોલાઇના સંક્રમણથી ભારતમાં આશરે 1,57,000 લોકોનું મૃત્યુ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, “આમ તો આનાથી કોઈ પણ બીમાર પડી શકે છે પણ બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો માટે જોખમ વધારે છે.”
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અહેવાલ મુજબ, “ભારતમાં પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોની ડાયરિયાથી થતાં મૃત્યુના મામલામાં પણ ઇ. કોલાઇ જવાબદાર છે.”
ઇ. કોલાઇ શું છે અને કેવી રીતે ફેલાય છે?
ડૉક્ટર કમલપ્રીત હિમાચલ પ્રદેશના સુંદરનગરમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી મેડિકલ કૉલેજના પૅથૉલૉજી વિભાગમાં ઍસોસિયેટ પ્રોફેસર અને કાર્યવાહક વિભાગાધ્યક્ષ છે.
તેઓ જણાવે છે કે આમ તો ઘણા પ્રકારના ઇ. કોલાઇ બૅક્ટેરિયા હાનિકારક નથી હોતા અને સ્વસ્થ માણસનાં આંતરડાંમાં પણ તે હોય છે, પણ તેના કેટલાક પ્રકાર ગંભીર બીમારીઓ પેદા કરી શકે છે.
ડૉ. કમલપ્રીત કહે છે, “ઇ. કોલાઇ માણસો અને પ્રાણીઓનાં આંતરડાં અને ખુલ્લા વાતાવરણમાં પણ મળે છે. સામાન્ય રીતે તે સડેલો ખોરાક, પાણી અને સંક્રમિત પ્રાણીઓ અને માણસોના સંપર્કમાં આવવાથી પ્રસરે છે.”
દિલ્હીમાં ડૉક્ટર વિનોદકુમાર ગોયલ જણાવે છે કે સામાન્ય રીતે આ બૅક્ટેરિયા આપણાં આંતરડાંમાં રહે છે અને તેનાથી કોઈ નુકસાન નથી થતું. પણ કેટલાક કિસ્સામાં તે જીવલેણ પણ બની શકે છે.
બૅક્ટેરિયાથી થનારા લોહીના ગંભીર સંક્રમણને સેપ્ટિસીમિયા કહે છે.
ડૉ. કમલપ્રીતે જણાવ્યું, “આ બૅક્ટેરિયા ફેલાવાનાં મુખ્ય કારણોમાં બૅક્ટેરિયાથી દૂષિત થયેલું પાણી પીવું, કાચું કે બરાબર ન રાંધેલું માંસ અને કાચી શાકભાજી વગેરે છે. કાચું દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી પણ તમને ઇ. કોલાઇનું સંક્રમણ થઈ શકે છે.”
આના પરથી એ સમજી શકાય છે કે કેમ સ્વાસ્થ્ય એજન્સીઓએ અમેરિકામાં કાચા માંસ અને બ્રિટનમાં કાચા દૂધમાંથી બનેલા ચીઝને બજારમાંથી પરત ખેંચવાનો આદેશ આપ્યો છે.
ડૉ. કમલપ્રીત જણાવે છે, “ઇ. કોલાઇના કેટલાક એવા સ્ટ્રેન (પ્રકાર અથવા મ્યુટેશન) હોય છે, જેનાથી ફૂડ પૉઇઝનિંગ થાય છે. એટલે કે તે ખોરાકને ઝેરી બનાવી દે છે. આ પ્રકારનો ખોરાક લેવાથી બીમાર થવાનું જોખમ રહે છે અને યોગ્ય સમયે ઇલાજ ન થાય તો બીમારી જીવલેણ પણ બની શકે છે.”
લક્ષણો અને જોખમો શું છે?
કૅનેડાના અલબર્ટામાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં નાનાં બાળકોમાં ઇ. કોલાઇ સંક્રમણ ફેલાયું હતું.
11 ડે-કૅરમાં જનારાં 250થી વધુ બાળકો બીમાર પડ્યાં હતાં. ઓછામાં ઓછાં છ બાળકોને કિડની ફેઇલ થવાના કારણે ડાયાલિસીસ પર રાખવાં પડ્યાં હતાં.
તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બાળકોમાં ઇ. કોલાઇનું સંક્રમણ છે અને એ તમામ બાળકોનો ખોરાક એક જ જગ્યાએથી આવતો હતો.
આનાથી અંદાજ લગાવી શકાય છે કે આ બૅક્ટેરિયા કેટલો ખતરનાક છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, “ઇ. કોલાઇનો એક સ્ટ્રેન ‘શીગા’ નામનું ટૉક્સિન (ઝેરી પદાર્થ) બનાવે છે. તે ગંભીર બીમારી પેદા કરી શકે છે. આ સ્ટ્રેનને એસટીઇસી કહેવાય છે.”
તેઓ જણાવે છે કે આનાથી ઘણી વાર યુરિનલ ટ્રૅક્ટ ઇન્ફેક્શન (યુટીઆઇ) એટલે કે મૂત્રમાર્ગમાં સંક્રમણ થઈ જાય છે, ખાસ કરીને મહિલાઓને.
તેમણે કહ્યું, “આનાથી બચવા માટે મહિલાઓએ પોતાના ગુપ્તાંગને હંમેશાં આગળથી પાછળની તરફ સાફ કરવાં જોઈએ. જેનાથી મળમાં મળી આવતા બૅક્ટેરિયાથી સંક્રમણ ના થાય.”
- સંક્રમિત માણસ કે પશુઓના મળથી દૂષિત અને યોગ્ય રીતે ન રંધાયેલ માંસ, કાચું દૂધ, કાચી શાકભાજીથી ફેલાય છે સંક્રમણ.
- મોટા ભાગના મામલામાં બીમારી જાતે જ ઠીક થઈ જાય છે, પણ કેટલાક કિસ્સામાં જીવલેણ બની શકે છે.
- બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને ચેપનું વધુ જોખમ
ક્યારે સાવધ રહેવાની જરૂર?
અમેરિકાની સરકારી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુ, બાળકો, વૃદ્ધો, નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો જેમ કે કૅન્સર, ડાયાબિટીસ અને એચઆઇવી/એઇડ્સગ્રસ્ત લોકોને ભોજનથી થનારી બીમારીઓ થવાનું જોખમ વધારે રહે છે.
આવી સ્થિતિમાં જરૂરી છે કે ચેપથી બચવા દરેક શક્ય ઉપાય અપનાવાય અને લક્ષણો દેખાય તો સાવચેત થઈ જવું જોઈએ.
ડૉ. કમલપ્રીત જણાવે છે કે ભોજન બનાવતા પહેલાં અને ભોજન લેતા પહેલાં હાથ સારી રીતે ધોવા જોઈએ. શૌચ પછી પણ હાથને સ્વચ્છ પાણી અને સાબુથી સારી રીતે ધોવા જોઈએ.
ડૉ. કમલપ્રીત મુજબ, “ઘરમાં ભોજન રાંધતી વખતે સ્વચ્છતા જાળવવી જોઈએ અને ભોજનને સારી રીતે ચોડવવું જોઈએ. દૂધને ઉકાળવું જોઈએ અને માંસને સારી રીતે પકવવું જોઈએ, કારણ કે આ બૅક્ટેરિયા ગરમી પ્રત્યે સંવેદનશીલ હોય છે. આ ઉપરાંત જો તમે કાચી શાકભાજી-ફળો ખાતા હો તો તે પણ સ્વચ્છ પાણીથી ધોવાં જોઈએ. તેને તાજાં રાખવા જે પાણી છાંટવામાં આવે છે, તે દૂષિત હોવાને કારણે પણ તેમાં બૅક્ટેરિયા હોઈ શકે છે.”
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ઇ. કોલાઇ અને બીમારીનાં અન્ય કારણોથી બચવા આ પાંચ સલાહ આપે છે.
- સ્વચ્છતાનું ધ્યાન રાખો
- કાચા અને પકવેલા ખોરાકને અલગ રાખો
- ભોજનને સારી રીતે રાંધો
- ખોરાકને યોગ્ય તાપમાન પર રાખો
- સ્વચ્છ પાણી અને સાફ કરાયેલી કાચી વસ્તુઓનો ઉપયોગ કરો
ડૉક્ટર કમલપ્રીત કહે છે, “તમે એટલું સમજો કે ખાવાપીવાની દૂષિત વસ્તુઓથી જ મોટા ભાગે બીમારીઓ ફેલાય છે. ઇ. કોલાઇ ઇન્ફેક્શન પણ આવું જ છે. એટલા માટે ઘરે પણ સાવધાની રાખવી જોઈએ અને બહાર એવી જગ્યાઓ પર ખાવાથી દૂર રહેવુ જોઈએ જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ના આવતું હોય.”
આ બૅક્ટેરિયા સંક્રમિત વ્યક્તિ કે પ્રાણીઓના મળથી ફેલાય છે, આવી સ્થિતિમાં અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી સીડીસી તરફથી એ સૂચના પણ અપાઈ છે કે જો તમે પ્રાણીઓના સંપર્કમાં વારંવાર આવતા હો તો પણ સાવધાની રાખવી જોઈએ. પ્રાણીઓને સ્પર્શ્યા પછી હાથ સારી રીતે ધોવા જોઈએ અથવા તો સૅનિટાઇઝરનો ઉપયોગ જરૂર કરવો.
ઇ. કોલાઇ સંક્રમણનાં લક્ષણો વિશે જણાવતાં ડૉક્ટર વિનોદકુમાર ગોયલ જણાવે છે, “આના સંક્રમણથી ઝાડા થવા લાગે છે અને તેમાં લોહી પડવા લાગે છે. કંઈ પણ ખાવા-પીવાથી તો ઊલટી થવા લાગે છે. ભારે તાવ આવે છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. ઊભા થાઓ તો પણ નબળાઈ લાગે કે ચક્કર આવવા લાગે છે. યુટીઆઇ થાય તો પેશાબમાં લોહી પડી શકે છે.”
ડૉ. કમલપ્રીત કહે છે, “જો ગંભીર લક્ષણો દેખાય તો ડૉક્ટરને બતાવવું જોઈએ. જાતે જ દવાઓ ન લેવી જોઈએ. એક તો આવું કરવું સુરક્ષિત નથી અને આ બૅક્ટેરિયાના કેટલાક સ્ટ્રેન પર ઘણી ઍન્ટીબાયોટિક દવા કામ નથી કરતી. એટલે ડૉક્ટર જ તપાસ પછી યોગ્ય સારવાર જણાવી શકે છે.”