દ્રાક્ષ જેવડી કીડીઓ બીમારી સામે આપણને રક્ષણ આપી શકશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

છેલ્લા અમુક દાયકાથી ઍન્ટિબાયૉટિક દવાઓના બેફામ અને આડેધડ ઉપયોગને કારણે સમયની સાથે બૅક્ટેરિયામાં આ દવાઓથી પ્રતિરોધક બની ગયા છે.

એક અભ્યાસ મુજબ, વર્ષ 2019માં ઍન્ટિબાયૉટિકની અસર નહીં થવાને કારણે લગભગ 12 લાખ 70 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ સ્થિતિને પહોંચી વળવા માટે વિજ્ઞાનીઓને વૈકલ્પિક ઍન્ટિબાયૉટિક તરફ નજર દોડાવવાની ફરજ પડી રહી છે.

તેઓ દરિયામાં, વનમાં અને રણમાં વસતાં જીવો અને વનસ્પતિઓનો અભ્યાસ કરી રહ્યા છે. જે પોતે અથવા તો અલગઅલગ કૉમ્બિનેશનમાં તે બૅક્ટેરિયા સામે અસરકારક નીવડી શકે છે.

ઑસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓને ત્યાંના રણપ્રદેશમાં જોવા મળતી દ્રાક્ષ જેવડી હનિપૉટ કીડીઓમાં બૅક્ટેરિયાવિરોધી ઘટક જોવા મળ્યા છે, જે ઍન્ટિબાયૉટિક્સની નવી શ્રેણી વિકસાવવામાં મદદરૂપ થઈ શકે છે.

મધ ઝરતી કીડીઓ

સાયન્સ જરનલ પિઅરજેમાં યુનિવર્સિટી ઑફ સિડનીના વિજ્ઞાનીઓનું સંશોધનપત્ર પ્રકાશિત થયું છે, જે મુજબ પશ્ચિમ તથા ઉત્તર ઑસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં જોવા મળતી હનિપૉટ કીડીઓના મધમાં એવા ઘટક જોવા મળ્યા છે, જે બૅક્ટેરિયા તથા અમુક પ્રકારની ફૂગ સામે સુરક્ષા પૂરી પાડી શકે છે. તેના આધારે નવા પ્રકારના ઍન્ટિબાયૉટિક વિકસાવી શકાય છે.

આમ તો આ નવી શોધ નથી, ઑસ્ટ્રેલિયાના મૂળનિવાસીઓમાં સદીઓથી આ કીડીઓના મધનો ઉપયોગ ગળાની બીમારીઓમાં અને ઘાવ પર લગાડવા માટે દવા તરીકે કરતા રહ્યા છે અને તેનો ખોરાકમાં પણ ઉપયોગ કરે છે.

અભ્યાસ દરમિયાન બહાર આવ્યું છે કે ચોક્કસ પ્રકારનાં જીવલેણ નીવડી શકે તેવાં ફૂગ અને બૅક્ટેરિયા સામે પણ તે અસરકારક છે.

ભારતના આયુર્વેદમાં અને ન્યૂઝીલૅન્ડમાં પણ મધનો ઉપયોગ ગળાની બીમારીઓ, ઘાવ પર લગાડવામાં તથા ચામડીની બીમારીઓમાં થતો રહે છે.

ગ્લૉબલ ઍન્ટિબાયૉટિક રિસર્ચ ઍન્ડ પાર્ટનરશિપ હેઠળ વૈશ્વિકસ્તરે નવી શ્રેણીની સસ્તી અને અસરકારક ઍન્ટિબાયૉટિક વિકસાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે, જેના માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ પણ પ્રયાસરત્ છે.

દ્રાક્ષ જેવડી કીડીઓ

ઑસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં વસતી હનિપૉટ કીડીઓ દ્રાક્ષ જેવડા આકારની હોઈ શકે છે અને તેમના પેટમાં મધ ભરેલું હોય છે.

જ્યારે પૂરતાં પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ હોય અને આસપાસનું વાતાવરણ સાનુકૂળ હોય ત્યારે આ કીડીઓ તેમનાં જ સમૂહમાંથી અમુકને પુષ્કળ ખોરાક ખવડાવે છે. આવી કીડીઓ જમીનની નીચે જ રહે છે. તેમની સંખ્યા સરેરાશ વસતીના લગભગ 50 ટકા જેટલી હોય છે.

વધુ પડતું ખાવાથી આ કીડીઓનાં શરીર મોટાં થઈ જાય છે અને દ્રાક્ષ જેવડી બની જાય છે. તેની ચામડી એટલી હદે પારદર્શક થઈ જાય છે કે તેમાં રહેલું મધ નરી આંખે જોઈ શકાય છે.

કહેવાય છે કે તેમનું મધ અન્ય પ્રકારના મધ કરતાં ઓછું ઘટ્ટ અને ઓછું મીઠું હોય છે.

જ્યારે વિપરીત સંજોગ ઊભા થાય છે, ત્યારે આ કીડીઓ 'હરતાં-ફરતાં કોઠાર'નું કામ કરે છે. તે જરૂરિયાતમંદ કીડીઓને ભોજન અને પોષણ પૂરું પાડે છે. કપરા સમયમાં ટકી જવા માટેની આ તેમનામાં ગોઠવવામાં આવેલી કુદરતી વ્યવસ્થા છે.

જોકે, કીડીઓમાંથી ઍન્ટિબાયૉટિક મેળવવાનો આ પ્રથમ પ્રયાસ નથી. આ પહેલાં એમેઝોનનાં જંગલોમાં પણ પાંદડાં ખાતી કીડીઓમાંથી ઍન્ટિબાયૉટિક માટે જરૂરી દ્રવ્ય મળી આવ્યું હતું.

સંશોધકોને લાગે છે કે કીડીઓનો પદ્ધતિસર ઉછેર કરીને મોટાં પ્રમાણમાં મધની જરૂરિયાતને પૂર્ણ કરી શકાય છે.

દરિયાના સેવાળમાંથી તથા અન્ય માધ્યમથી પણ ઍન્ટિબાયૉટિક મેળવવાના પ્રયાસ થઈ રહ્યાં છે, જે ઉપલબ્ધતાનો મોટો સ્રોત હશે એવું વિજ્ઞાનીઓનું માનવું છે.