ટીબીની રસીથી શું ભારતમાં ટીબીની બીમારી નાબૂદ કરી શકાશે?

    • લેેખક, નિખીલા હેન્રી
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

2018માં ભારતે 2025 સુધીમાં પલ્મનરી ટ્યુબરક્યુલૉસિસ (ટીબી) નાબૂદ કરવાનું ઉચ્ચ લક્ષ્ય નક્કી કર્યું હતું. જે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસનાં લક્ષ્યો દ્વારા નિર્ધારિત સમયમર્યાદાથી પાંચ વર્ષ વહેલું છે.

માર્ચ-2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી શહેરમાં આયોજિત ‘વન વર્લ્ડ ટીબી સમિટ’માં આ બાબતે કટિબદ્ધતા દર્શાવી હતી.

પરંતુ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)નો ગ્લોબલ ટ્યુબરક્યુલૉસિસ રિપોર્ટ અલગ ચિત્ર રજૂ કરે છે. ભારતમાં દર બે મિનિટે એક વ્યક્તિ આ રોગથી મૃત્યુ પામે છે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં 2022માં 10.6 મિલિયન લોકોમાંથી 27 ટકા લોકોમાં આ રોગનું નિદાન થયું હતું. જેમાં સૌથી વધુ વૈશ્વિક ટીબીના દર્દીઓ મામલે ભારત પહેલા ક્રમે હતું.

દેશમાં એવા 47 ટકા લોકો પણ છે જેમાં ટીબીની એકથી વધુ દવાઓ સામેનો પ્રતિરોધક ચેપ વિકસી ગયો હતો. એ જ વર્ષમાં ટીબીની પહેલા તબક્કાની બે દવાઓ સામે ડ્રગ રેઝિસ્ટન્ટ તેમનામાં આવી ગયું હતું.

જ્યારે નિષ્ણાતો કહે છે કે, પરીક્ષણ અને સારવાર એ રોગનો સામનો કરવા માટેના સૌથી જાણીતા માર્ગો છે. ત્યારે ભારતે પણ અસરકારક ટીબી રસી શોધવાના પ્રયાસમાં રોકાણ કર્યું છે.

2019થી વૈજ્ઞાનિકો સાત સંશોધન કેન્દ્રોમાં બે રસીઓનું પરીક્ષણ કરી રહ્યા છે. પરંતુ ટીબીની રસી વિકસાવવી એટલી સરળ નથી.

ભારતના વૈજ્ઞાનિકોના પ્રયાસનું પરિણામ કેવું રહ્યું?

કૅનેડાના મૅકગિલ યુનિવર્સિટી હેલ્થ સેન્ટરના ચેપી રોગ વિભાગના ડિરેક્ટર ડૉ. માર્સેલ બેહર કહે છે, "આપણે એ જાણતા નથી કે રસી કેમ જોઈએ છે. જ્યાં સુધી આપણી પાસે એ વાતની મૂળભૂત સમજણ નથી કે માનવો ટ્યુબરકલ બેસિલસ [ટીબી બૅક્ટેરિયા] નો પ્રતિકાર કેવી રીતે કરે છે કે નથી કરતા, ત્યાં સુધી રસી બનાવવી મુશ્કેલ છે."

જેનો અર્થ એ થયો કે અત્યાર સુધી ટીબીની રસી ઍન્ટિબોડીઝ, ઍન્ટિજન-વિશેષ ટી-સેલ્સ (વિશિષ્ટ બૅક્ટેરિયાના ભાગો દ્વારા પેદા થતા લડાયક કોષો) પ્રેરે છે કે ટીબી સામે રક્ષણ માટે જન્મજાત રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

ડૉ. બેહર ઉમેરે છે કે, રસીની શોધમાં પણ અવરોધો આવી રહ્યા છે. કારણ કે ટીબી માટેનું પરીક્ષણ વર્તમાન અને ભૂતકાળના ચેપ વચ્ચે તફાવત કરી શકતું નથી. વર્તમાન પરીક્ષણ ફક્ત અમને જણાવે છે કે, વ્યક્તિને બૅક્ટેરિયાથી ચેપ લાગ્યો હતો. તેમાં ચેપ ચાલુ છે કે સાજો થયો છે કે કેમ તે નથી જાણી શકાતું.

"કોનો ચેપ દૂર થાય છે અને કોનો નથી થતો તે જાણવા માટે દર્દીનું સતત મૉનિટરિંગ કરવું મુશ્કેલ છે કેમ કે, તમારો ટેસ્ટ આ પરિણામો વચ્ચે તફાવત કરી શકતો નથી."

પરંતુ સરકાર સમર્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વૈજ્ઞાનિકો બરાબર આ જ કામનો પ્રયાસ કરી રહ્યા છે. ચાર વર્ષથી ટીબીનાં દર્દીઓનાં ઘરેલુ સંપર્કમાં રહેતા લોકોનું નિરીક્ષણ કરીને તે નક્કી કરવાની કોશિશ કરી રહ્યા છે કે , દર્દીને ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે રહેવાથી રોગ થવાનું જોખમ વધ્યું કે પછી એમને આપોઆપ ટીબી થયો. જો બધું બરાબર રહેશે તો, ટ્રાયલનાં પરિણામો માર્ચ સુધીમાં આવી જશે.

રસીનું પરીક્ષણ કેવી રીતે થાય છે?

આઈસીએમઆરના સંશોધકોએ બીબીસીને જણાવ્યું કે, તેઓ VPM1002 નામની રિકૉમ્બિનન્ટ BCG (બીસીજી) વૅક્સિન કેન્ડિડેટ અને ઇમ્યુવાક નામની હીટ-કિલ્ડ સસ્પેન્શન માયકૉબૅક્ટેરિયમ રસીનું પરીક્ષણ કરી રહ્યા છે.

સરળ શબ્દોમાં કહીએ તો પ્રથમ રસીમાં ટીબીના બૅક્ટેરિયાના સુધારેલા ડીએનએ છે અને બીજીમાં ટીબી બૅક્ટેરિયા છે જે ગરમીથી માર્યા ગયા છે. જો તેઓ અસરકારક સાબિત થાય તો, તેઓ ટીબી સામે રોગપ્રતિકારક પ્રતિભાવને ઉત્તેજિત કરી શકે છે.

ટ્રાયલમાં ત્રણ જૂથો છે - બેને દરેક રસીનો એક ડૉઝ આપવામાં આવ્યો છે, જ્યારે ત્રીજાને પ્લસિબો મળ્યો છે. પરંતુ સહભાગીઓ - છ વર્ષથી વધુ ઉંમરના 12,000 લોકો છે અને તેઓને કઈ સારવાર મળી છે તે ખબર નથી.

આઈસીએમઆરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઇન ટ્યુબરક્યુલૉસિસ -ચેન્નાઈ ખાતે ટ્રાયલનું નેતૃત્વ કરી રહેલાં ડૉ. બાનુ રેખા કહે છે, "રસીની અસરકારકતાના અભ્યાસનો ઉદ્દેશ્ય ઘરના સંપર્કોમાં આવનારી ટીબીની ઘટનાઓને ઘટાડવાનો છે."

કેટલાક નિષ્ણાતો, જેમ કે ડૉ. બેહર માને છે કે ટ્રાયલ ખૂબ લાંબી ચાલી હશે. તેઓ કહે છે કે, ઉચ્ચ ટ્રાન્સમિશનવાળા (ઝડપથી ચેપ લગાવી શકતા વિસ્તાર કે ઘરો)માં ઘણા લોકો સક્રિય અથવા ગુપ્ત ટીબીથી પીડિત હોઈ શકે છે. તેમાં સફળ રસી એકથી બે વર્ષમાં "અસરકારકતા દર્શાવવી શકે છે."

ટીબીની રસી બાબતે કેવા પડકારો છે?

પણ એની સામે અન્ય પડકારો પણ રહેલા છે.

ટીબીની રસી અસરકારક બનવા માટે પ્રથમ તે કામ કરવી જોઈએ અને બીજુ ભારતની લગભગ તમામ વસ્તીને વૅક્સિન આપવી પડશે.

જાહેર આરોગ્ય નિષ્ણાત ચપલ મેહરા કહે છે, "ભારતમાં લાખો લોકો ગુપ્ત ટીબી સાથે જીવે છે."

ગુપ્ત ટીબીના દર્દીઓ આ રોગથી સંક્રમિત હોય છે પરંતુ તેમનામાં કોઈ લક્ષણો હોતાં નથી.

નિષ્ણાતો એ પણ નિર્દેશ કરે છે કે, 1968 અને 1987ની વચ્ચે યોજાયેલી 17 વર્ષ લાંબી BCG રસીની ટ્રાયલ જેમાં તામિલનાડુ રાજ્યમાં 280,000થી વધુ લોકો સામેલ હતા એ નિરાશાજનક પરિણામો સાથે પૂર્ણ થઈ હતી.

1999ના ટ્રાયલના અહેવાલ મુજબ, "બીસીજીએ બૅસિલરી પલ્મૉનરી ટીબીના પુખ્ત સ્વરૂપ સામે કોઈ રક્ષણ પૂરું પાડ્યું નથી."

નિષ્ણાતો કહે છે કે, ટીબી માટે વન-સ્ટૉપ સૉલ્યુશન હોઈ શકતું નથી. કારણ કે તે એક "જટિલ રોગ" છે. જેમાં સામાજિક, આર્થિક અને વર્તણૂકલક્ષી પરિબળો સામેલ છે.

ચપલ મહેરા કહે છે, "ટીબીને ઘણીવાર ગરીબ વ્યક્તિનો રોગ શા માટે કહેવામાં આવે છે? કેમ કે, ગરીબ વ્યક્તિ કે જેને ફક્ત સાધારણ આવાસ અને ન્યૂનતમ પોષણ પરવડી શકે છે, તે ટીબીના સંક્રમણ માટે વધુ સંવેદનશીલ હોય છે. ટીબીને દૂર કરવા માટે રોગ અને તેમાં ફાળો આપનારાં પરિબળોને સર્વગ્રાહી રીતે સમજવા પડશે."

ભારતમાં રસીકરણનો વિસ્તાર કેટલો મોટો છે?

ભારતમાં ડબ્લ્યુએચઓ દ્વારા ભલામણ કરાયેલ એક વ્યાપક ‘ડૉટ્સ’ (ડાયરેક્ટલી ઍબ્ઝર્વ્ડ ટ્રીટમેન્ટ, શૉર્ટ-કોર્સ) પ્રોગ્રામ ચાલે છે. જેના હેઠળ ટીબીથી પીડિત લોકો સરકારી આરોગ્ય સુવિધાઓમાં મફતમાં સારવાર મેળવી શકે છે.

પરંતુ સરકારી હૉસ્પિટલોમાં ભારણ છે અને કેટલીકવાર એ બિનઅસરકારક રહે છે એટલે હજારો ટીબી દર્દીઓને ખાનગી હસ્પિટલોમાં જવાની ફરજ પડે છે.

અન્ય પડકારોની વાત લઈએ તો વર્ષ 2020 અને 2021માં સરકારે 75 લાખ ટીબી દર્દીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રોગ્રામ દ્વારા સારવાર માટે 2 અબજ રૂપિયા (240 મિલિયન ડૉલર્સ) આપ્યા હતા. પરંતુ નિષ્ણાતો કહે છે કે, દર્દી દીઠ માસિક આંકડો અસરકારક નથી કેમ કે તે ઘણો નાનો છે.

પોષણની બાબતોના નિષ્ણાતો એમ પણ કહે છે કે, ક્ષય રોગ એટલે કે ટીબી ધરાવતા લોકોના સંપર્કોને સારું પોષણ આપવાથી રોગના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

લૅન્સેટ દ્વારા પ્રકાશિત તાજેતરના અભ્યાસમાં માધવી ભાર્ગવ અને અનુરાગ ભાર્ગવે લખ્યું છે કે, સારા પોષણના કારણે છ મહિનામાં નોંધાતા દર્દીઓના સંપર્કમાં તમામ પ્રકારના ટીબીમાં 40 ટકા અને ચેપી ટીબીમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.

ડૉ. માધવી ભાર્ગવે જણાવ્યું, "ટીબીના ભારણને ઘટાડવા માટે અસરકારક ટીબી રસી મહત્ત્વપૂર્ણ છે. પરંતુ રસીકરણ અને પોષણમાં સુધારાને પૂરક હસ્તક્ષેપ તરીકે જોવું ઇચ્છનીય રહેશે."

આદર્શરીતે, ડૉ. બેહર કહે છે, વિશ્વને ત્રિ-પાંખીય ટીબી નાબૂદી પ્રણાલીની જરૂર છે. જેમાં ઑપ્ટિમાઇઝ પરીક્ષણ અને સારવાર મહત્તમ પોષણ અને રસીનો સમાવેશ થાય છે. જે "માત્ર ન રોગને અટકાવે છે પરંતુ ટ્રાન્સમિશનને (ચેપ) પણ અવરોધે છે."

ટીબી વિશેની મહત્ત્વની જાણકારી

  • બૅક્ટેરિયલ ચેપ ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંકમાંથી નીકળેલાં નાના ટીપાં શ્વાસમાં લેવાથી ચેપ ફેલાય છે
  • મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે પરંતુ તે શરીરના કોઈપણ ભાગને અસર કરી શકે છે
  • ટીબી થવાની શક્યતા – ટીબીનું જોખમ ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્કમાં ઘણા કલાકો પસાર કરવાથી વધી જાય છે અને જો સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ છે
  • જો યોગ્ય ઍન્ટિબાયૉટિક્સ સાથે સારવાર કરવામાં આવે તો તે સાજા થઈ શકે છે
  • સૌથી સામાન્ય લક્ષણો ત્રણ અઠવાડિયાંથી વધુ સમય સુધી સતત ઉધરસ, વજનમાં અસ્પષ્ટ ઘટાડો, તાવ અને રાત્રે પરસેવો છે.
  • BCG રસી બાળકોમાં ટીબી સામે આંશિક રક્ષણ આપે છે.