રોજ ડાયરી લખવાની ટેવ ડિપ્રેશનથી કેવી રીતે બચાવી શકે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બે વર્ષ અગાઉ 35 વર્ષીય સમીર કુલકર્ણી નોકરી માટે સંદર્ભમાં મહારાષ્ટ્રના એક નાના વિસ્તારથી બૅંગ્લુરૂ આવ્યા હતા.

તેમને નોકરીમાં સંતુલન સાધવાના પ્રયાસ તેમજ પરિવારથી દૂર એકલા રહેવાને તણાવનો અનુભવ થવા લાગ્યો હતો.

એકલતા અને કામની વ્યસ્તતા વચ્ચે માનસિક રીતે તેઓ અવસાદની સ્થિતિમાં ફસાતા ગયા. પાડોશમાં પણ અજાણ્યા લોકોને કારણે તેઓ પોતાની વ્યથા કોઈને જણાવી શકે એમ નહોતા.

એ દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું, “એવી હાલત થઈ ગઈ હતી કે મને કોઈ ઉત્સાહ જ નહોતો અનુભવાતો. હંમેશાં ક્યાંક ખોવાયેલો રહેતો. કોઈ કામમાં ધ્યાન નહોતું રહેતું. ચીડિયાપણું આવી ગયું હતું. સ્થિતિ વણસે એ અગાઉ મારા એક મિત્રે મને કહ્યું કે તું તારા વિચારોને લખવાનું રાખ.”

સમીર યાદ કરે છે કે એ એટલું સરળ પણ નહોતું. કામ કરવાને કારણે ફોન અને ટૅબ્લેટ પર લખવાની આદત પડી ગઈ હતી, પણ અહીં તો હાથથી ડાયરીમાં નોંધ કરવાનો પડકાર હતો.

તેમણે પ્રયાસ કર્યો અને માત્ર છ મહિનામાં જ તેમની માનસિક સ્થિતિ સુધરવા લાગી.

સામાન્ય રીતે ઘરમાં પણ એવું કહેવાય છે કે ડાયરી લખવાથી તમે મનનાં એ વિચારોને અભિવ્યક્ત કરી શકો છો જે સામાન્ય રીતે ક્યાંય અભિવ્યક્ત નથી થઈ શકતા.

હવે તેની પુષ્ટિ વૈજ્ઞાનિક રીતે પણ થવા લાગી છે. કોવિડ સંકટ દરમ્યાન બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પૅટ્રિક વાલેન્સ ડાયરી લખતા હતા.

તેમણે હવે કહ્યું છે કે તેઓ તેમની એ ડાયરીને પ્રકાશિત તો નથી કરવા માગતા. પણ એ સમયના પડકારોનો સામનો કરવામાં તેમને ડાયરી લખવાથી ઘણી મદદ મળી હતી.

‘આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક’

લંડનનાં મનોચિકિત્સક અને ગ્રીફ વર્ક્સનાં લેખિકા જૂલિયા સેમ્યુઅલ માને છે કે ડાયરી લખવાથી માનસિક પડકારોનો સામનો કરવામાં મદદ મળે છે.

તેમણે ‘બીબીસી રેડિયો ફોર’ના ચર્ચિત ‘ટુડે પ્રોગ્રામ’માં ભાગ લેતાં કહ્યું, “જે આપણે અનુભવીએ છીએ એને લખવાથી આપણા ભાવ એ જ રીતે અભિવ્યક્ત થાય છે, જેવી રીતે વાત કરતી વખતે વ્યક્ત થાય છે. હકીકતમાં વાતચીત કરનારી થૅરપીની જેમ રોજનીશી લખવાની થૅરપી પણ કારગત હોય છે.”

તેમણે એમ પણ જણાવ્યું, “ડાયરી લખવાથી તણાવ અને અવસાદની ક્ષણોને સારી બનાવી શકાય છે, તેનાથી ભાવનાઓ પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે. એટલું જ નહીં તે મૂડસ્વિંગવાળા સમયમાં પણ સહાયક સાબિત થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતાને વધુ સારી બનાવે છે.”

જૂલિયા સેમ્યુઅલ મુજબ લખેલી ડાયરીને કોઈ વાંચે છે કે નથી વાંચતું એ વાત એટલી મહત્ત્વપૂર્ણ નથી પણ ભાવનાઓની અભિવ્યક્તિ અને લખવાથી મન શાંત થાય એ મહત્ત્વનું છે.

હાથેથી લખવાની રીત વધુ સહાયક

લખનૌનાં મનોવૈજ્ઞાનિક ડૉ. નેહા આનંદ છેલ્લાં 18 વર્ષોથી લોકોની માનસિક મૂંઝવણોમાં તેમને થૅરાપી આપીને મદદ કરે છે.

તેઓ જણાવે છે કે માનસિક સમસ્યાઓના નિદાનમાં લખાણની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે.

તેમણે જણાવ્યું, “જ્યારે તમે લખો છો ત્યારે એક સાથે અનેક કામ થતાં હોય છે. મગજ પહેલાં વિચારે છે પછી તેનો ક્રમ નક્કી કરે છે. હાથેથી લખવાનું કામ થાય છે ત્યારે એક ન્યૂરોપાથ બને છે. કહેવાનો અર્થ એ છે કે તમારી વધારે ઇન્દ્રિયો કામ કરતી હોય છે.”

પણ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ પણ છે કે આજના ડિજિટલ યુગમાં હાથેથી લખવાનું કેમ મહત્ત્વપૂર્ણ છે.

તેના જવાબમાં નેહા આનંદ કહે છે, “કમ્પ્યૂટર કે મોબાઇલની સરખામણીએ હાથેથી લખવું એ થૅરપીની દૃષ્ટિએ વધારે સહાયક હોય છે.”

તેમણે એમ પણ કહ્યું, “એક સામાન્ય માણસના મગજમાં એક દિવસમાં આશરે દોઢ લાખ વિચારો આવે છે. તે આવે છે અને ગાયબ થઈ જાય છે. આખા દિવસમાં માત્ર નવ એવા વિચાર હોય છે જે વધારે સમય સુધી મગજમાં ટકી રહે છે.”

“એટલા માટે પણ આ વિચારો વિશે લખવું જરૂરી છે, જેથી તમને એ ખબર પડે કે કયા વિચારો તમારા માટે ઉપયોગી થઈ શકે છે અને કયા બિનઉપયોગી. અમે થૅરપીમાં તેને થૉટ લૉગ કહીએ છીએ.”

મુંબઈનાં મનોવૈજ્ઞાનિક તેજસ્વિની કુલકર્ણીનું માનવું છે કે રોજનીશી લખવામાં કે જર્નલ લખવાથી કેટલાય પ્રકારના વિચારોની અસરને ઓછી કરવામાં મદદ મળે છે.

તેમણે જણાવ્યું, “મનમાં જે પણ ભાવનાઓ આવે છે, નકારાત્મક, સ્ટ્રેસ, કોઈ વાત પર ગુસ્સો, ભવિષ્યની ચિંતા કે ભૂતકાળની કોઈ વાતનો અફસોસ હોય... દિવસ દરમ્યાનની આ ભાવનાઓને અમે લખીએ તો તણાવ ઓછો કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત આ સમય દરમ્યાન માણસ પોતાને સારી રીતે સમજવમાં સંકળાયેલો હોવાનું અનુભવે છે અને તે માનસિક સ્થિતિ માટે સારું હોય છે.”

ગુપ્તતાનો પ્રશ્ન

તેજસ્વિની કુલકર્ણી એ પણ સલાહ આપે છે કે ડાયરી લખવા માટે કોઈ બહુ સારા લેખક હોવાની જરૂર નથી.

તેમણે જણાવ્યું, "ડાયરી લખવા લેખક હોવું જરૂરી નથી. તમારી જેવી પણ ભાષા હોય તેમાં તમે લખી શકો છો. માનસિક સ્વાસ્થ્ય સારું કરવા માટે જ નહીં, પણ પોતાના વિકાસના લક્ષ્યને સાધવા માટે પણ ડાયરી લખવી સારું છે."

ડાયરી લખતી વખતે એ ચિંતા એ પણ હોય છે કે તે કોઈના હાથમાં આવી જાય તો બધા ભેદ ખૂલી જશે. આ વિચારને કારણે પણ નિયમિત રીતે લખવાનું લોકો ટાળે છે.

આ પાસાં પર નેહા આનંદ કહે છે, "એ ખચકાટ તો હોય છે, પણ એક કે બે સત્ર પછી લોકોનો ખચકાટ દૂર થઈ જાય છે. આજ કાલ તો બજારમાં તાળાવાળી ડાયરીઓ પણ મળી રહે છે. લોકો તેનો પણ ઉપયોગ કરી શકે છે."

નેહા આનંદ મુજબ આ ડર મોટા ભાગે મહિલાઓમાં જોવા મળે છે, જે પોતાના પતિ સાથે બધી જાણકારી શૅર કરવા નથી માગતાં. એવાં મહિલાઓને તેઓ ડાયરીને લૉકરમાં સાચવીને રાખવાનું કહે છે.

તેમના મુજબ, “તમારી ડાયરી માત્ર ડાયરી નથી. તે મનોભાવની અભિવ્યક્તિ છે. આથી પણ તેને સાચવીને રાખવી જોઈએ.”

જોકે બ્રિટિશ ડૉક્ટર ઍડમ કાય આ સમસ્યાનાં બીજાં પાસાં તરફ ઇશારો કરે છે.

તેઓ કહે છે, “જ્યારે લોકોને એ ખબર હોય છે કે આ ડાયરી બીજા લોકો પણ વાંચી શકે છે તો તેઓ અસરકારક રીતે પોતાની વાત રજૂ કરે છે. ડાયરી છપાવાની આશાથી પણ આનંદ મળે છે.”

ઍડમ કાયે 2016માં પોતાની ડાયરીને પુસ્તક સ્વરૂપે ‘ધીસ ઇઝ ગોઇંગ ટુ હર્ટ’ નામથી પ્રકાશિત કરાવી હતી અને બાદમાં આ પુસ્તક પરથી એ જ નામથી ઍવૉર્ડ વિનિંગ સિરિયલ પણ બની હતી.

જોકે, કાયે પોતાના કામની વ્યસ્તતાના પડકારો વિશે ડાયરી લખવાનું શરૂ કર્યું હતું, પણ બાદમાં તે અન્ય લોકોએ પણ ખૂબ ગમી હતી.

કેટલીય ડાયરીઓ તો બાદમાં ચર્ચિત પુસ્તકો તરીકે પણ યાદ કરાઈ છે. એમાં ઍન ફ્રૅંકની ડાયરી, ઍલન ક્લાર્ક, ટૉની બહેન, ઍલન રિકમૅન અને કૅપ્ટન સ્કૉટની ડાયરી સામેલ છે.

ડાયરી લેખન - એક સામાજિક યોગદાન

હિન્દી સાહિત્યમાં પણ શ્રીરામ શર્મા, ઉપેન્દ્રનાથ અશ્ક, અજ્ઞેય, ગજાનન માધવ મુક્તિબોધ, હરિવંશરાય બચ્ચન, રામધારીસિંહ દિનકર, રઘુવીર સહાય, જયપ્રકાશ નારાયણ, મોહન રાકેશ, કમલેશ્વર, શમશેર બહાદુરસિંહ અને શ્રીકાંત વર્મા જેવા લેખકોની ડાયરીઓ પ્રકાશિત થઈ છે. આમાંના ઘણા લોકપ્રિય પણ બન્યા છે.

'અવર હિસ્ટ્રી ઑફ ધ ટ્વેન્ટીથ સૅન્ચુરીઃ એઝ ટોલ્ડ ઇન ડાયરીઝ, જર્નલ્સ ઍન્ડ લેટર્સ'ના લેખક ટ્રેવિસ એલ્બારાએ બીબીસી ન્યૂઝને જણાવ્યું કે ડાયરી લખવું એ સામાજિક યોગદાનનું એક સ્વરૂપ છે.

તેમના મુજબ એ વ્યક્તિ જ નહીં પણ સમાજ માટે પણ ફાયદાકારક છે અને ભવિષ્યમાં પણ ફાયદાકારક જ રહેશે.

બ્રિટનની વિલ્ફ્રીડ લૉરિયર યુનિવર્સિટીનાં પ્રોફેસર કૅથરિન કાર્ટરે બીબીસી ન્યૂઝને જણાવ્યું છે કે જ્યારે ડાયરીલેખકો તેમની ડાયરી અપડેટ રાખી શકતા નથી, ત્યારે તેમનામાં એક પ્રકારની અપરાધની લાગણી વીકસે છે.

નેહા આનંદ આ પાસાં વિશે કહે છે, "એક વાર તમે ડાયરી લખવાનું શરૂ કરો, તે સામાન્ય રીતે એક રૂટિન બની જાય છે. કારણ કે લખેલી વસ્તુઓ ઊંડાણમાં પહોંચીને તેની છાપ છોડે છે. તમે સાંભળેલી કે કહેલી વાતો ભૂલી શકો છો. પરંતુ હાથથી લખેલી વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે."