ગુજરાત સહિત આખા વિશ્વમાં ફેલાતાં વૅરિયન્ટનું સંક્રમણ શિયાળામાં વધશે?

    • લેેખક, ફિલિપા રૉક્સબી
    • પદ, બીબીસી સ્વાસ્થ્ય સંવાદદાતા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હાલમાં કોરોના વાઇરસના ઑમિક્રોન સ્ટ્રેઇનના એક ઉપવેરિઍન્ટ જે.એન.-1ના ઝડપથી વધતા કેસને જોતા તેને 'વેરિઍન્ટ ઑફ ઇન્ટરેસ્ટ' રૂપે વર્ગીકૃત કર્યો છે.

જેએન-1 ભારત, ચીન, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે હાલ એનાથી જોખમ ઓછું છે. તેનું કહેવું છે કે હાલની રસીઓ તેની સામે રક્ષણ આપે છે. પરંતુ સંગઠને એ ચેતવણી પણ આપી છે કે આ વખતની શિયાળાની ઋતુમાં કોવિડ અને અન્ય રોગોનું સંક્રમણ વધી શકે છે.

પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ફ્લૂ, રેસ્પિરેટરી સિંકાટિયલ વાઇરસ અને નાનપણમાં થયેલા ન્યૂમોનિયા જેવા શ્વાસ સંંબંધિત વાઇરસ પણ વધી રહ્યા છે.

કોવિડનું કારણ બનનારો વાઇરસ સમય સાથે સતત બદલાઈ રહ્યો છે. આના કારણે ક્યારેક નવા વેરિઍન્ટ વિકસિત થઈ જાય છે. ઑમિક્રોન કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે મુખ્ય વેરિઍન્ટ રહ્યો છે.

ક્યાં ક્યાં મળ્યા છે જે.એન.-1 ના કેસ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હાલમાં ઑમિક્રોન વાઇરસના કેટલાક વેરિઍન્ટ પર નજર રાખી રહ્યું છે. તેમાં જે.એન.-1 પણ છે. જોકે આમાંથી એકને પણ ચિંતાજનક નથી માનવામાં આવતાં.

પરંતુ જે.એન.-1 વિશ્વના કેટલાંક પ્રદેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

યુ.એસ. સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવૅન્શન અનસાર હાલમાં તે અમેરિકામાં ઝડપથી ફેલાનારો વેરિઍન્ટ છે. જે 15-29 ટકા ચેપ માટે જવાબદાર છે.

તો બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીનું કહેવું છે કે કોવિડ પૉઝિટીવના જેટલા કેસોનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાયું છે તેમાં આશરે સાત ટકા જે.એન.-1ના કેસ હતા.

એજન્સીનું કહેવું છે કે તે જે.એન.-1 અને અન્ય વેરિઍન્ટ પર હાજર તમામ ડેટા પર નજર રાખવાનું ચાલુ રાખશે.

શિયાળામાં વધે છે કેસ

જે.એન.-1 બધી જગ્યાએ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવું એટલા માટે કારણ કે તેમાં બીએ-2-86 વેરિઍન્ટની સરખામણીમાં સ્પાઇક પ્રોટીનમાં એક વધારે વધારાનું મ્યૂટેશન છે, જ્યાંથી તે નીકળ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેનાં જોખમો વિશેનાં મૂલ્યાંકનમાં કહ્યું છે, “અંદાજો છે કે આ વેરિઍન્ટ અન્ય વાઇરસ અને બૅક્ટેરિયલ સંક્રમણોના ફેલાવા વચ્ચે સાર્સ કોવ-2ના કેસ વધવાનું કારણ બની શકે છે. ખાસ કરીને એ દેશોમાં જ્યાં શિયાળો ચાલી રહ્યો છે.”

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ વેરિઍન્ટ (જે.એન.-1) કોરોનાની રસીને કારણે મળેલાં સંરક્ષણને પૂર્ણ કરવામાં કેટલો સક્ષમ છે એ વિષય પર હજુ વધારે પુરાવાઓ મળ્યા નથી.

ગયા વેરિઍન્ટની સરખામણીમાં આ વેરિઍન્ટથી લોકો વધારે બીમાર પડી રહ્યા હોય એ બાબતે કોઈ અહેવાલ સામે નથી આવ્યા.

પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે સ્વાસ્થ્ય પર તેની અસરને જાણવા માટે હજુ વધારે અધ્યયનની જરૂર છે. કારણ કે હૉસ્પિટલમાં દાખલ થનારા લોકોનો ડેટા આપનારા દેશોની સંખ્યામાં નાટ્યાત્મક રીતે ઘટાડો નોંધાયો છે.

કોરોનાથી કેવી રીતે બચશો?

તેનો ચેપ લાગવાથી અને ગંભીર બીમારીને રોકવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આ સલાહ છે.

  • ભીડવાળી અને બંધ જગ્યાઓ પર માસ્ક પહેરો
  • ઉધરસ કે છીંક આવે તો મોં ઢાંકી લો
  • હાથને નિયમિતરૂપે ધુઓ
  • કોવિડ અને ફ્લૂના રસીકરણ વિશે અપડેટ રાખો, ખાસ કરીને ત્યારે જ્યારે તમે અસુરક્ષિત હોવ
  • બીમાર થાવ તો ઘરે જ રહો
  • લક્ષણો દેખાય તો તપાસ કરાવો

આ આર્ટિકલ પણ આપ વાંચી શકો: