કોરોના થયો હોય એને હૃદયરોગનું જોખમ વધુ રહે? ડૉક્ટરો શું સલાહ આપે છે?

    • લેેખક, સુશીલાસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહેલું કે આઇસીએમઆર દ્વારા કરાયેલા અભ્યાસ પ્રમાણે જે લોકો ગંભીરપણે કોવિડથી ગ્રસ્ત થઈ ચૂક્યા છે, તેમણે કઠોર પરિશ્રમ, દોડવાથી, વધુ કસરત કરવાથી દૂર રહેવું જોઈએ.

સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે હાલમાં જ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન લોકોનાં હાર્ટ ઍટેકના કારણે મૃત્યુ થયાંના સમાચાર આવ્યા હતા.

આના વીડિયો પણ વાઇરલ થયા હતા. નવરાત્રી દરમિયાન જ 12મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીના મૃત્યુના સમાચાર આવ્યા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, “આઇસીએમઆરે હાલમાં જ આ અંગે એક વિસ્તૃત અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં કહેવાયું છે કે જેમને ગંભીર કોવિડ થયો છે અને એ વાતને વધુ સમય ન થયો હોય, તેમણે હાર્ટ ઍટેકથી બચવા માટે ઓછામાં એક કે બે વર્ષ સુધી વધુ કઠોર પરિશ્રમ, દોડવા અને વધુ કસરતથી બચવું જોઈએ.”

આ અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન પણ આ અંગે ચર્ચા કરી હતી.

તેમણે કહેલું, “કોવિડ બાદ આપણે અચાનક હાર્ટ ઍટેકના કારણે થયેલાં મૃત્યુના બનાવ જોઈ રહ્યા છીએ. આઇસીએમઆરે અભ્યાસ શરૂ કરી દીધો છે. વૅક્સિનેશન અને કો-મૉર્બિડિટીનો ડેટા અમારી પાસે છે.”

સાથે જ તેમણે કહેલું કે આ અંગે રિપોર્ટ પણ રજૂ કરાશે.

આઇસીએમઆરમાં ડૉ. એના ડોગરાએ બીબીસી હિંદીને જણાવ્યું કે, “આઇસીએમઆરે પોતાનો અધ્યયન રિપોર્ટ પીયર રિવ્યૂ એટલે કે વિશેષજ્ઞોને સમીક્ષા માટે આપ્યો છે. સમીક્ષા પૂરી થયા બાદ સ્વાસ્થ્ય મંત્રાલય આ અંગે જાણકારી રજૂ કરશે.”

શું કોવિડ અને હાર્ટ ઍટેકને જોડવું યોગ્ય છે?

આઇસીએમઆરનો રિપોર્ટ હજુ સામે નથી આવ્યો, પરંતુ એ અગાઉ કોરોના અને શરીર પર થતી તેની અસરો અંગે દિલ્હીસ્થિત જી. બી. પંત હૉસ્પિટલમાં સંશોધન કરાયું હતું.

વર્ષ 2020થી 2021માં 135 લોકો પર કરાયેલા અધ્યયનમાં માલૂમ પડ્યું કે તેની હૃદય પર કેવી અસર થઈ છે.

સંશોધનમાં સામેલ લોકો પર સતત નજર રખાઈ અને કોરોનાની હૃદય પર થતી અસર સમયાંતરે ઘટતી હોવાનું માલૂમ પડ્યું.

આ સંશોધનમાં સામેલ એક ડૉક્ટરે બીબીસીને જણાવ્યું કે, “અમારા સંશોધનમાં કોરોનાની હૃદય પર થતી અસરની વાત સામે આવી. કોવિડ વ્યક્તિના હાર્ટના ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, હાર્ટના પંપિંગ સ્નાયુ અને હાર્ટની ધમનીઓના રક્તસંચાર પર અસર કરે છે.”

તેઓ જણાવે છે કે લોકોને ગંભીર કોવિડ થયેલો તેમને સલાહ અપાયેલી કે તેમણે વધુ પરિશ્રમ ન કરવું, કારણ કે તેનાથી હૃદય પર અસર પડી શકે છે. તેથી તેમને કસરત કરવાનીય ના પડાઈ.

તેઓ જણાવે છે કે અભ્યાસમાં એવી પણ ખબર પડી કે જે દર્દીને કોવિડ થયો હોય તેને હાર્ટ ઍટેક આવવાની આશંકા વધી ગઈ હતી.

પરંતુ તેઓ આ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે કે, “જે લોકોને કોવિડ થયો તેમને હાર્ટ ઍટેક આવશે જ એ વાત અંગે સવાલ ઉઠાવી શકાય છે, કારણ કે જ્યાં સુધી આ અંગે વ્યાપક સ્તરે અધ્યયન નથી કરાતું ત્યાં સુધી ચોક્કસપણે કશું ન કહી શકાય.”

વૅક્સિન અને હાર્ટ ઍટેકના સંબંધમાં કેટલું સત્ય?

સાથે જ ડૉક્ટર કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીના નિવેદનને સંતુલિત અને યોગ્ય ગણાવી રહ્યા છે.

તેઓ કહે છે કે જે લોકોને ગંભીર કોવિડ થયો હોય તેમણે હૃદય પર વધુ દબાણ સર્જે એવો કઠોર પરિશ્રમ ન કરવો જોઈએ. આવું કરવાથી હૃદયના ધબકારા સામાન્યથી અત્યંત તેજ થઈ શકે છે.

તેમના અનુસાર, “જે દર્દીઓને ગંભીર કોવિડ થયાની વાતને વધુ સમય ન થયો હોય તેમણે ધીમે ધીમે કસરત કરવાનું શરૂ કરવું જોઈએ અને અચાનક ઝડપથી કસરત કરવાની શરૂઆત બિલકુલ ન કરવી જોઈએ.”

કોવિડ દરમિયાન લોકોએ વૅક્સિન લવાની સલાહ અપાઈ હતી.

પરંતુ બાદમાં એવી પણ આશંકા વ્યક્ત કરાઈ કે કોવિશિલ્ડ અને કોવૅક્સિન લીધા બાદ હાર્ટ ઍટેક આવી શકે છે. આ અંગે ચર્ચા પણ થવા લાગી હતી.

પરંતુ જીબી પંતના અભ્યાસમાં સામે આવ્યું કે જે લોકોએ રસી લીધેલી તેમાં હાર્ટ ઍટેકના વધુ મામલા સામે નહોતા આવ્યા.

ડૉક્ટરો અનુસાર કોવિડ વૅક્સિન લીધા બાદ હાર્ટ ઍટેકના વધુ મામલા બન્યા હોય એવું નથી.

શું યુવાનોમાં હાર્ટ ઍટેકના મામલા અગાઉ પણ સામે આવતા?

નૅશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક ડૉ. ઓ. પી. યાદવ કહે છે કે, “પાછલા બે-ત્રણ દાયકા અગાઉની વાત કરીએ, તો દસ ટકા હાર્ટ ઍટેકના મામલા 40 કરતાં ઓછી ઉંમરની વ્યક્તિમાં જોવા મળતા. આ વયજૂથમાં બાય પાસનું પ્રમાણ પણ આટલું જ રહેતું.”

ડૉ. ઓ. પી. યાદવ પ્રમાણે યુવાનોમાં અગાઉ પણ હાર્ટ ઍટેકના મામલા સામે આવી રહ્યા હતા પરંતુ અમુક સેલિબ્રિટીના હાર્ટ ઍટેકના કારણે મૃત્યુ થયાના સમાચાર સામે આવતાં એવી ચર્ચા થવા લાગી કે યુવાનોમાં હાર્ટ ઍટેકના મામલા વધી રહ્યા છે.

ડૉ. ઓ. પી. યાદવ સવાલ ઉઠાવતાં કહે છે કે, “શું આપણે એ વાત અંગે તપાસ કરી કે જે વ્યક્તિને હાર્ટ ઍટેક આવ્યો તેને અન્ય કોઈ માંદગી જેમ કે – ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મેદસ્વીપણું વગેરે જેવી સમસ્યા હતા. તેની લિપિડ પ્રોફાઇલ શું હતી?”

તેઓ કહે છે કે જ્યારે પણ આવાં મૃત્યુ થાય છે ત્યારે એ વાતનું આકલનેય કરાવું જોઈએ, કારણ કે એવું જોવા મળ્યું છે કે હાર્ટ ઍટેકના મામલાની ઑટોપ્સી પણ નથી થાતી.

કોરોના બાદ કેમ સખત કસરત ન કરવાની સલાહ અપાય છે?

બંને ડૉક્ટર સલાહ આપતાં કહે છે કે જો કોઈ વ્યક્તિ ગંભીર કોવિડમાંથી બેઠા થયા હોય તો તેમને તરત કઠોર કસરત કે એવી કોઈ કસત ન કરવી જોઈએ કે જે તેઓ અગાઉ નહોતા કરતા.

ડૉ. ઓ. પી. યાદવ કહે છે કે, “કોવિડના કારણે શરીરમાં લોહી ગાઢ થઈ જાય છે, જેના કારણે ક્લૉટ કે ગઠ્ઠા થઈ જાય છે. હાર્ટ ઍટેક કૉલેસ્ટરૉલ ગંઠાવાને કારણે નથી થતું, કારણ કે એ ધીરે ધીરે ઘણાં વર્ષોમાં જામે છે. પરંતુ જ્યારે તેની સપાટી તૂટે છે અને તેના થકી વહેતું લોહી જામવા માંડે છે ત્યારે આવું થવામાં વધુ સમય નથી લાગતો. જેના કારણે ક્લૉટ બની જાય છે અને આના કારણે હાર્ટ ઍટેક થાય છે.”

તેથી કોવિડ દરમિયાન પણ લોહી પાતળું કરવાની દવા અપાઈ રહી હતી. જો હૃદયમાં ક્લૉટ બને તો એ હાર્ટ ઍટેકનું કારણ બની શકે છે, તેમજ મગજમાં જામી જાય તો સ્ટ્રોક આવી શકે છે.

આવી જ રીતે શરીરનાં અલગઅલગ અંગોમાં ક્લૉટ બનવાની અસર થાય છે.

બંને ડૉક્ટરોનું કહેવું છે કે જેમને ગંભીર કોરોના સાથે અન્ય કોઈ માંદગી છે, તેમણે કોરોના ઠીક થયાનાં એક-દોઢ વર્ષ બાદ જ કસરત કરવાનું ધીરે ધીરે શરૂ કરવું જોઈએ.

ડૉક્ટર સલાહ આપે છે –

  • જો તમે પ્રથમ દિવસે 200 મીટર ચાલ્યા હો તો અમુક દિવસ બાદ 400 મીટર ચાલો અને ધીરે ધીરે પોતાની ગતિ વધારો
  • સખત અને કઠોર કસરત બિલકુલ ન કરો
  • જો તમને લાગે કે પહેલાં જે કામ સરળતાથી કરતા હવે એ કરવામાં તમને શ્વાસ ચઢે છે તો આ બદલા અંગે ડૉક્ટરને જરૂરથી વાત કરો
  • આંખો સામે અંધકાર છવાઈ જવો
  • શ્વાસ લેવામાં તકલીફ
  • છાતીમાં દુખાવો

જો હૃદયના ધબકાર વધી જાય અને જો સામાન્યપણે આવું પહેલાં ન થતું હોય અને આ બધાં લક્ષણો કોરોના ઠીક થયા બાદ દેખાય તો ડૉક્ટરને જરૂર બતાવો.

ડૉક્ટરોનું કહેવું છે કે જે દર્દી કોરોનામાંથી બેઠા થયા હોય પછી ભલે એ ગમે એ ઉંમરના હોય, તેમણે અચૂક કસરત કરવી પરંતુ તેનું સ્તર ધીરે ધીરે વધારવું.