ચા-કૉફી લેવાનું બંધ કે ઓછું કરવાથી શરીરમાં શું ફેરફાર થાય, તેમાં રહેલું કૅફિન કેવી અસર કરે છે?

    • લેેખક, એડમ ટેલર
    • પદ, બીબીસી સંવાદદાતા

સવારની શરૂઆત ચા સાથે કરવી એ તો સામાન્ય વાત છે. સાંજે ફ્રેશ થવા ચા કે કોફી પીવું પણ આપણામાંથી મોટા ભાગના લોકોના દૈનિક જીવનનો ભાગ છે.

ચા-કૉફી વગર ભલે પછી તે ફીકી હોય લોકોને ચાલતું નથી. પણ તેમાં રહેલું કૅફિન શરીરમાં કેવા ફેરફાર કરે છે?

કૅફિન દુનિયામાં સૌથી વધારે વપરાતું સાઈકોઍકટિવ સંયોજન છે. કોઈપણ વ્યક્તિ જે ચા કે કોફી નથી પીતી તે પણ કોઈને કોઈ રીતે નિયમીત રૂપ કેફિનનુ સેવન કરે છે કારણ કે તેનો સોડા અને ફ્લૂનાં ઉપચારથી લઈને ડિકેફિનેટેડ કૉફી અને ચૉકલેટ જેવી દરેક વસ્તુઓમાં હાજર છે.

તમે કૅફિનનું સેવન કરો છો ત્ચારે તમારું શરીર તેને ઝડપથી શોષે છે અને બે કલાકની અંદર પોતાના મહત્તમ પ્રભાવે પહોંચાડે છે જ્યારે તેની અસરને ખતમ થવા માટે નવ કલાકથી વધારે સમય લાગે છે.

કૅફિન પાણી અને ચરબીમાં પણ આસાનીથી ભળી જાય છે અને શરીરની દરેક પેશીઓમાં પ્રવેશ કરી શકે છે. આમ, તે તમારા શરીરનાં અનેક હિસ્સાઓને પ્રભાવિત કરી શકે છે.

વયસ્કોને દરરોજ 400 મિલીગ્રામથી વધારે કૅફિનનું (અંદાજે ચાર કપ કૉફી) સેવન ન કરવાની સલાહ આપ છે. કૅફિનનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી સ્નાયુઓમાં ધ્રુજારી, ઊબકા, માથાનો દુ:ખાવો, ઝડપી ધબકારા અને અમુક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે.

જોકે, જે લોકો દિવસમાં માત્ર બે કપ ચા કે કૉફીનું સેવન કરતા હોય તેમને પણ ચીડિયાપણું, ઊંઘમાં તકલીફ અને ગભરાટ જેવી પ્રતિકૂળ અસરો અનુભવી શકે છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો કૅફિન છોડી રહ્યા છે.

જો તમે પણ કૅફિન છોડવાનું વિચારી રહ્યા છો અને વિચારો છો કે એવું કરવાથી શું ફાયદો થશે. તો વાંચો કે આ સંશોધનો શું કહે છે.

ચા કૉફીમાં રહેલા કૅફિનથી મગજનું કાર્ય કેવી રીતે પ્રભાવિત થાય છે?

કૅફિન છોડવાથી માથાનો દુ:ખાવો અને થકાવટનો અહેસાસ થાય છે કારણ કે શરીરમાં કૅફિન પ્રત્યે સહનશીલતા વિકસિત થાય છે.

કૅફિન મગજમાં એક રિસેપ્ટર સાથે જોડાય છે જેનો ઉપયોગ એડેનોસિન (ઊર્જાના ટ્રાન્સફર માટે મહત્ત્વપૂર્ણ ન્યૂક્લિયોસાઇડ) દ્વારા કરવામાં આવે છે. કૅફિન આ રિસેપ્ટર સાથે ચોંટવાને કારણે શરીરમાં થાકની શરૂઆતને રોકી રાખે છે. જોકે, મગજના કોષો સમય જતાં સામાન્ય એડેનોસિન સંલગ્નતાને સક્રિય કરવા માટે વધુ એડેનોસિન રીસેપ્ટર્સ ઉત્પન્ન કરે છે.

જ્યારે તમે કૅફિનનું સેવન બંધ કરો છો ત્યારે એડેનોસિન સાથે જોડાવા માટે વધારાના રિસેપ્ટરો હોય છે. આ કારણે સામાન્ય રીતે વધારે થકાવટનો અનુભવ થાય છે અને વ્યક્તિ પહેલાં કરતાં વધારે થાકેલી લાગે છે.

કૅફિન માથા અને ગરદનની રક્તવાહિનીઓને સાંકડી કરે છે, મગજમાં રક્ત પરિભ્રમણ ઘટાડે છે.

કૅફિનનું સેવન બંધ કર્યાના લગભગ 24 કલાકની અંદર રક્તવાહિનીઓ પોતાના સામાન્ય આકારમાં આવી જાય છે, આ કારણે મગજમાં લોહીનો પ્રવાહ વધે છે અને માથાનો દુ:ખાવો શરૂ થાય છે. આ લગભગ નવ દિવસ માટે ચાલે છે.

આ ઉપરાંત કૅફિન એડનોસિન રિસેપ્ટર્સ (જે પીડાનું પણ નિયંત્રણ કરે છે) સાથે જોડાય છે. આમ, કૅફિન છોડવાને કારણે વ્યક્તિની પીડા પ્રત્યે તમારી ધારણા અને સંવેદનશીલતા અસ્થાયી રૂપે વધી શકે છે કારણકે વધારે રિસેપ્ટર હાજર છે.

કૅફિનનું સેવન જ્યારે બપોરે કે સાંજે કરવામાં આવે તો તેની અસર તમારી ઊંઘ પર પણ થાય છે. કારણ કે કૅફિન મેલાટોનિનના ( એક હોર્મોન જે આપણને ઊંઘવામાં મદદ કરે છે.) સ્રાવને 40 મિનિટ રોકી રાખે છે. કૅફિન તમારી ઊંઘના કુલ સમયને અને ગાઢ ઊંઘના સમયને પણ ઘટાડી નાખે છે.

આમ, બીજા દિવસે તમને વધારે થાક લાગે છે અને વધારે સમય જગવાને કારણે કૅફિનનું સેવન વધે છે. પરિણામ રૂપે આ એક ચક્ર બની જાય છે જેને કારણે લોકોને ઊંઘવામાં પરેશાની થાય છે.

જ્યારે તમે કૅફિનનું સેવન છોડો છો ત્યારે તમારી ઊંઘમાં પણ સુધારો થાય છે. એ વાતની સાબિતી છે કે 12 કલાકની અંદર જ તમને સુધારો જોવા મળશે.

હૃદય પર કૅફિનની શું અસર થાય છે

કૅફિન ઘટાડવા અથવા છોડવાથી છાતીમાં બળતરા અને અપચો પણ દૂર થઈ શકે છે. કૅફિન પેટમાં એસિડ સ્રાવને પ્રેરિત કરે છે અને અન્નનળીના સ્ફિન્ક્ટરને નબળું પાડે છે, જે જઠરમાં રહેલા ખોરાકની પાછું અન્નનળીમાં જતા અટકાવે છે, જેનાથી છાતીમાં બળતરા અને અપચો થાય છે.

કૅફિન છોડવાથી તમારું બ્લડ પ્રેશર પણ ઘટી શકે છે અને તમારા હૃદયના ધબકારા ધીમા પડી શકે છે, જો કે અન્ય અભ્યાસોએ આ બાબતે ખૂબ જ નાના ફેરફારો દર્શાવ્યા છે.

જો કોઈ વ્યક્તિ ઘણાં વર્ષો સુધી કૅફિનનું સેવન કરે છે, તો તેનું શરીર તેના સંપર્કમાં આવવા માટે અનુકૂળ થઈ જાય છે, અને ચેતાતંત્ર, આંતરડાં અને હૃદય પર તેની ઉત્તેજક અસરો સામાન્ય બની જાય છે.

કૅફિન સહિષ્ણુતા અને ચયાપચય વચ્ચે આનુવંશિક સંબંધ પણ દેખાય છે. આનો અર્થ એમ થાય કે કેટલાક લોકો અન્યની તુલનામાં કૅફિનથી વધુ પ્રભાવિત થઈ શકે છે, જો કે આ સંબંધ સ્થાપિત કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.

ચા-કૉફીથી દાંત પર શું અસર થાય છે?

કૅફિન છોડવાથી દાંત પણ સફેદ થાય છે. કૅફિનની સીધી અસરને કારણે નહીં પરંતુ ચા અને કૉફીમાં ટેનિન જેવા સંયોજકો હોય છે, જેને કારણે દાંતમા ડાઘ પડે છે.

એનર્જી ડ્રિંક્સમાં રહેલી ખાંડ પણ તમારા દાંતને નુકસાન પહોંચાડી શકે છે. ખાંડ છોડવાથી દાંતોની સુરક્ષામાં મદદ મળશે. અન્ય પુરાવા સૂચવે છે કે કૅફિનયુક્ત પીણાં લાળના ઉત્પાદનને ઘટાડી શકે છે, જે સામાન્ય રીતે આપણા દાંતને નુકસાનથી બચાવે છે.

કૅફિનનું સેવન છોડ્યા પછી તમે મીઠા ખોરાક અને પીણાંના સ્વાદ પ્રત્યે વધુ સંવેદનશીલ બનશો, કારણ કે કૅફિન મીઠા ખોરાકના સ્વાદને પણ અસર કરે છે.

બાથરૂમ જવાની ઇચ્છામાં ઘટાડો

કૅફિન આંતરડાના સ્નાયુઓ ખાસ કરીને મોટા આંતરડાના મોટા ભાગ પર કાર્ય કરે છે, જેના કારણે તે સંકુચિત થાય છે અને શૌચ કરવાની ઇચ્છાને ઉત્તેજિત કરે છે. કૅફિન તમારા મળની સુસંગતતા પણ બદલી શકે છે. ખાસ કરીને જો તમે ખૂબ કૅફિનનું સેવન કરતા હો કારણ કે કૅફિન પાણીના શોષણને અસર કરે છે.

કૅફિનનું સેવન ઘટાડવાથી તમારી બાથરૂમ જવાની ઇચ્છા પણ ઓછી થઈ શકે છે. આ સાથે જ તમારા મળની સ્થિરતાને પણ બદલી શકે છે.

કૅફિનમાં થોડો મળ વધારવાનો પણ પ્રભાવ છે જે વ્યક્તિના મળના ઉત્પાદનને વધારે છે. આનું કારણ એ છે કે કૅફિન કિડનીમાં એડેનોસિન રિસેપ્ટર્સ સાથે જોડાય છે, જેના કારણે સોડિયમની અવર-જવરમાં ફેરફાર થાય છે, જે પાણીની જાળવણીને અસર કરે છે.

એવા પુરાવા છે કે કૅફિન મૂત્રાશયમાં બળતરા ઉત્પન્ન કરનાર પદાર્થ છે, જે પેશાબ કરવાની ઇચ્છામાં વધારો કરી શકે છે. કૅફિન છોડવાથી બાથરૂમની તમારી સફર ઘટી શકે છે.

કૅફિન ધીમેધીમે બંધ કરવું જોઈએ

ઘણી વસ્તુઓની જેમ કૅફિનના સેવનમાં નિયંત્રણ મહત્ત્વની ચાવી છે.

જોકે, તમે જો તમારા આહારમાંથી કૅફિનને દૂર કરવા ગંભીરતાથી વિચારી રહ્યા હો તો તેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેનું સેવન ધીમે ધીમે બંધ કરવું. તમે તેને એક ઝાટકે બંધ કરવા જશો તો તમને બે-ત્રણ અઠવાડીયાં સુધી થાક અને માથાનો દુ:ખાવાની સમસ્યા રહી શકે છે.

આ અસર કેટલો સમય ચાલે છે તેનો આધાર તમે દરરોજ કેટલા પ્રમાણમાં કૅફિનનું સેવન કરો છો અને આ આદત તમને કેટલા સમયથી છે તેના પર નિર્ભર કરે છે.

ઍડમ ટેલર ઇંગ્લૅન્ડની લૅન્કેસ્ટર યુનિવર્સિટી ખાતે સેન્ટર ફૉર ક્લિનિકલ ઍનાટૉમી સ્ટડીઝના પ્રોફેસર અને ડિરેક્ટર છે. તેમનો મૂળ લેખ ધી કન્વર્સેશનમાં પ્રકાશિત થયો હતો, જેનું અંગ્રેજી સંસ્કરણ તમે અહીં વાંચી શકો છો.