કોઈ પણ હૉસ્પિટલમાં 100 ટકા કૅશલૅસ સુવિધા મળશે, બસ 48 કલાકનો નિયમ યાદ રાખો

    • લેેખક, અરુણ શાંડિલ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશની કોઈ પણ હૉસ્પિટલમાં સ્વાસ્થ્ય વીમાધારકો 100 ટકા કૅશલૅસ બનાવવા ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (આઈઆરડીઈએ)ના નિર્દેશોને લાગુ કરવા સહમતિ સધાઈ છે.

આ સાથે જ ધ જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે ખુલાસો કર્યો કે “કૅશલૅસ ઍવરી વેર” સેવાઓ જાન્યુઆરી 25થી આખા દેશમાં ઉપલબ્ધ રહેશે.

આ કાઉન્સિલ દેશની સામાન્ય અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓ માટેની એક સત્તાવાર સંસ્થા છે, જે આઈઆરડીઈએ અને કંપનીઓ વચ્ચે સમન્વયનું કામ કરે છે.

એટલે કે હવે આ જોગવાઈથી સ્વાસ્થ્ય વીમાધારકો પોતાની સારવાર કોઈ પણ હૉસ્પિટલમાં એડવાન્સ પૈસા ચૂકવ્યા વગર કરાવી શકે છે. આમ, હવે સ્વાસ્થ્ય વીમાધારકોના માત્ર નેટવર્ક હૉસ્પિટલો પર નિર્ભર રહેવાના દિવસો વીતી ગયા.

વીમા કંપનીઓએ પૉલિસીની સીમા સુધીની રકમ ચૂકવવાની હોય છે અને હૉસ્પિટલો સ્વાસ્થ્ય વીમાધારકો પાસેથી માત્ર એ ઉપરાંતની રકમ વસૂલતી હોય છે.

આ સુવિધા માત્ર એવી જ હૉસ્પિટલોમાં લાગુ કરવામાં આવી હતી, જેનો વીમા કંપનીઓ સાથે કરાર થયેલો હોય.

અગાઉ એવું હતું કે સ્વાસ્થ્ય વીમાધારકોને સારવાર જો એવી હૉસ્પિટલોમાં કરાવવી હોય જેનો વીમા કંપની સાથે કરાર ન હોય તો તેમને પહેલાં આખું બિલ ચૂકવવું પડતું અને પછી વીમા કંપની પાસેથી તેમને વળતરનો દાવો કરવો પડતો હતો.

આવી સ્થિતિમાં ઘણી વાર કપાત અને દાવાની પતાવટમાં મોડું થવા જેવી સમસ્યાઓ હતી.

નવા નિયમ પ્રમાણે હવે કોઈ પણ ખાનગી હૉસ્પિટલોનો વીમા કંપની સાથે કરાર ન હોય તો પણ સ્વાસ્થ્ય વીમાધારકોની કૅશલૅસ સારવાર કરવી પડશે.

48 કલાકનો નિયમ

જો વીમાધારક એવી હૉસ્પિટલમાં સારવાર કરાવવા માગતા હોય જેનો વીમા કંપની સાથે કરાર ન હોય તો તેમને સારવાર માટે દાખલ થવાના 48 કલાક અગાઉ સંબંધિત વીમા કંપનીને જાણ કરવાની રહેશે.

ઇમરજન્સી સારવારના મામલામાં દાખલ થવાના 48 કલાકની અંદર વીમા કંપનીને જાણી કરવી જરૂરી છે.

વીમો લાગુ હોય ત્યારે કૅશલૅસ

આ કૅશલૅસ સુવિધા ત્યારે જ લાગુ થશે જ્યારે વીમા પૉલિસીધારકે લીધેલી સારવાર પૉલિસીની જોગવાઈ અનુસાર હોય.

કૅશલૅસ સુવિધા ત્યારે જ લાગુ પડશે જો સારવાર કોઈ નેટવર્ક હૉસ્પિટલમાં પણ પૉલિસી હેઠળ કવર કરાયેલી હોય.

હવે અન્ય હૉસ્પિટલોમાં પણ આ નિયમ અનુસાર સારવાર લઈ શકાશે.

100 ટકા કૅશલૅસ સુવિધા યોજનાની જાહેરાત કરતી વખતે ધ જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના અધ્યક્ષ તપન સિંઘલે કહ્યું કે દેશમાં અત્યાર સુધી 63 ટકા સ્વાસ્થ્ય વીમાધારકોએ કૅશલૅસ સેવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

આઈઆરડીઈએના 2022-23ના વાર્ષિક રિપોર્ટ અનુસાર, તે નાણાકીય વર્ષમાં સંપૂર્ણપણે કૅશલૅસ સેવાનો લાભ લેનારા લોકોનું પ્રમાણ 63.62 ટકા હતું.

નાણાકીય વર્ષ 2022-23માં 131.4 કરોડ રૂપિયાના દાવાની સાથે પૉલિસીધારકોને 45,128 કરોડ રૂપિયાની સારવાર મળી હતી.

ફાયદો કોને થશે?

કેટલાક વીમાધારકો પાસે રાષ્ટ્રવ્યાપી નેટવર્ક હૉસ્પિટલોની સુવિધા નથી હોતી. આથી જ્યાં નેટવર્ક હૉસ્પિટલ ન હોય તેવી હૉસ્પિટલમાં વીમાધારકોને સારવાર કરાવવી ખૂબ જ મુશ્કેલ હતી.

હવે દેશની કોઈ પણ હૉસ્પિટલમાં કૅશલૅસ સારવાર મળી શકશે અને લોકોની સમસ્યાઓ દૂર થઈ જશે.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને નાનાં શહેરોમાં રહેતા સ્વાસ્થ્ય વીમાધારકો માટે આ બાબત ફાયદાકારક રહેશે.

ઉપરાંત અગાઉ વૃદ્ધ વીમાધારકોને નેટવર્ક હૉસ્પિટલ સિવાયની હૉસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી વળતરનો દાવો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જરૂરી બિલો અને દસ્તાવેજો સબમિટ કરવામાં અને જરૂરી આદાનપ્રદાન કરવામાં મુશ્કેલીઓ હતી. નવી સિસ્ટમમાં આવી મુશ્કેલીઓ ટાળી શકાશે.

કેટલીક વાર તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવા માટે પૈસાની વ્યવસ્થા કરવાનું કામ મુશ્કેલ બની જતું હતું. આથી જો હૉસ્પિટલમાં કૅશલૅસ સુવિધા મળે તો એવી મુશ્કેલીઓ ન પડે.

વીમા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ભવિષ્યમાં વીમો લેનારા લોકોની સંખ્યામાં વધારો થશે, કારણ કે કૅશલૅસ સેવાઓને લીધે પૉલિસીધારકોને સરળતાથી સેવાઓ મેળવવાની તક મળશે.

હૈદરાબાદસ્થિત ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ શ્રીનિવાસે જણાવ્યું હતું કે આ નિયમો સ્વાસ્થ્ય વીમાધારકોનો સારવાર સમયે આર્થિક બોજ ઘટાડવા ઉપરાંત કૅશલૅસનો લાભ સરળતા લઈ શકશે અને તેને કારણે વીમાથી મળતા લાભોમાં લોકોની રુચિ વધશે.

તેમનું માનવું છે કે જેમ જેમ પૉલિસીધારકોની સંખ્યા વધશે તેમ પૉલિસી માટેનું પ્રીમિયમ સ્વાભાવિક રીતે ઘટશે.

જોકે, કૉર્પોરેટ હૉસ્પિટલોની જેમ નાની હૉસ્પિટલોમાં વીમા વિભાગની સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી. આમ, 100 ટકા કૅશલૅસ સેવાઓ લેવામાં થોડા સમય માટે નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે.

તેમણે ઉમેર્યું કે હૉસ્પિટલો અને વીમા કંપનીઓ સાથે સંકલન કરીને દરેક જગ્યાએ યોગ્ય વાતાવરણ ઊભું કરવું જોઈએ.