પાણીમાં અને ખાદ્યચીજોમાં ભળી જતું પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે?

પીવાનું સ્વચ્છ પાણી માણસની પ્રાથમિક જરૂરિયાતોમાંનું એક છે.

જ્યારે પણ આપણે ક્યાંય મુસાફરી કરતા હોઈએ ત્યારે જ્યાં સાફ પાણી મળતું ન હોય ત્યારે આપણે એવી કોશિશ કરીએ છીએ કે આપણને બોટલબંધ પાણી મળી રહે.

આપણે એવું માનીએ છીએ કે આ પાણીમાં ગંદકી નહીં હોય. પરંતુ આ પાણીની અંદર માઇક્રોપ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકના અસંખ્ય કણ હોઈ શકે છે.

બીબીસી ફ્યૂચર પર પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને રટગર યુનિવર્સિટીના સંશોધકોએ એવું શોધ્યું છે કે બોટલમાં બંધ પાણીમાં પહેલાના અનુમાનોની સરખામણીએ 100 ગણા માઇક્રોપ્લાસ્ટિક હોઈ શકે છે.

તેમના અનુસાર, એક લિટર પાણીમાં અંદાજે અઢી લાખ નેનોપ્લાસ્ટિકના કણો હોઈ શકે છે.

આ સંશોધકો અનુસાર, પાણીની ત્રણ બ્રાન્ડની બૉટલોની તપાસ કરવામાં આવી તો તેમાંથી એક લાખ દસ હજારથી લઈને ચાર લાખ સુધી નેનોપ્લાસ્ટિક કણો મળ્યા હતા.

વૈજ્ઞાનિકો અનુસાર, પાણીમાં મોટાભાગના પ્લાસ્ટિકના કણો એ જ બૉટલમાંથી મિશ્રિત થયા હતા જેમાં તેને ભરવામાં આવ્યું હતું.

ભારતમાં પણ માઇક્રોપ્લાસ્ટિકનું પ્રદૂષણ વધી રહ્યું છે?

તમારી આસપાસ તમે જુઓ તો તમને પ્લાસ્ટિકની ઘણી વસ્તુઓ જોવા મળશે.

જ્યારે આવી વસ્તુઓના બારીક ટુકડાઓ ખૂબ જ નાના કદમાં તોડી નાખવામાં આવે છે, ત્યારે તેને માઇક્રોપ્લાસ્ટિક્સ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે પાંચ મિલિમીટરથી નાના ટુકડાઓને માઇક્રોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. કેટલાક ટુકડાઓ આના કરતાં પણ નાના હોય છે, જેને માત્ર નેનો સ્કેલમાં માપી શકાય છે. તેમને નેનોપ્લાસ્ટિક કહેવામાં આવે છે.

બંને પ્રકારના કણો આસાનીથી દેખાતા નથી. પરંતુ દુનિયાના દરેક ભાગમાં તે મોજૂદ છે. પછી તે નદીઓનું પાણી હોય, સમુદ્રનું તળિયું હોય કે પછી ઍન્ટાર્કટિકામાં જામેલો બરફ તમામ જગ્યાએ તે દેખાય છે.

આઈઆઈટી પટનાના એક સંશોધનમાં વરસાદના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિકના કણો પણ જોવા મળ્યા હતા.

એ જ રીતે અન્ય એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભારતમાં તાજા પાણીની નદીઓ અને તળાવોમાં પણ માઇક્રોપ્લાસ્ટિક મળી આવે છે. તેમાં ફાઇબર, ટુકડાઓ અને ફીણનો સમાવેશ થાય છે.

આ સંશોધન મુજબ ફેકટરીઓમાંથી નીકળતું ગંદુ પાણી અને શહેરી વિસ્તારોમાંથી નીકળતો પ્લાસ્ટિકના કચરા જેવાં અનેક કારણોસર આ સ્થિતિ સર્જાઈ છે.

માઇક્રોપ્લાસ્ટિકનો ખતરો શું છે?

એક સમસ્યા આપણી સામે છે કે પીવાના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક હોઈ શકે છે. પરંતુ બીજી સમસ્યા એ પણ છે કે હજુ સુધી આપણને સ્પષ્ટપણે એ ખબર નથી કે માનવશરીર પર તેની કેટલી અને કેવી અસર થાય છે.

વર્ષ 2019માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક રિવ્યૂ કર્યો હતો અને એ સમજવાની કોશિશ કરી હતી કે માઇક્રોપ્લાસ્ટિકના કણો જો શરીરની અંદર ચાલ્યા જાય તો તેની શું અસર થાય છે.

પરંતુ સીમિત રીસર્ચને કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યું ન હતું તેમ છતાં પણ તેમણે અપીલ કરી હતી કે પ્લાસ્ટિકના પ્રદૂષણને ઓછું કરવામાં આવે.

દિલ્હીના પુષ્પાંજલિ મેડિકલ સેન્ટરના વરિષ્ઠ ચિકિત્સક મનીષ સિંહે બીબીસીના સહયોગી આદર્શ રાઠૌરને જણાવ્યું હતું કે માઇક્રોપ્લાસ્ટિકના ખતરાઓને લઇને વધુ જાણકારી નથી પરંતુ આપણે સાવધાન રહેવાની જરૂર છે.

તેમણે કહ્યું, "માઇક્રોપ્લાસ્ટિકના ખતરાને લઈને હજુ સીમિત સંશોધનો સામે આવ્યાં છે. કેટલાંક સંશોધનો પ્રમાણે તે આપણી ઍન્ડોક્રાઇન ગ્રંથિઓના કામમાં સમસ્યા ઊભી કરી શકે છે. આ ગ્રંથિઓ આપણા હોર્મોનને પેદા કરે છે."

"એવું બની શકે કે ભવિષ્યમાં આપણને ખબર પડે કે માઇક્રોપ્લાસ્ટિક ખૂબ ગંભીર નુકસાન કરી શકે છે. એટલે આપણે સજાગ રહેવાની જરૂર છે."

દરેક જગ્યાએ માઇક્રોપ્લાસ્ટિકની ઉપસ્થિતિ ચિંતાજનક છે?

માઇક્રોપ્લાસ્ટિક પાણી સિવાય એ જમીનમાં પણ બહુ જોવા મળી રહ્યા છે જ્યાં ખેતી પણ થાય છે.

અમેરિકામાં વર્ષ 2022માં એક તપાસ કરવામાં આવી હતી એ પ્રમાણે ગટરના કચરાને પણ ત્યાં ફસલો માટે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં માઇક્રોપ્લાસ્ટિકના કણો હોવાને કારણે 80 હજાર વર્ગ કિલોમિટરની ખેતી યોગ્ય જમીન દૂષિત થઈ ગઈ હતી.

આ કચરામાં માઇક્રોપ્લાસ્ટિક્સના કણો સિવાય કેટલાક કેમિકલ પણ હતાં જે ક્યારેય વિઘટિત થતા ન હતા એટલે કે પોતાની મૂળ અવસ્થામાં જ જળવાઈ રહે છે.

જ્યારે બ્રિટનમાં કાર્ડિફ યુનિવર્સિટીએ કરેલા સંશોધનમાં એ ખબર પડી હતી કે યુરોપમાં દર વર્ષે ખેતીવાળી જમીનમાં અબજો માઇક્રોપ્લાસ્ટિકના કણો મળી આવે છે. તે ભાજન સાથે શરીરની અંદર પણ જાય છે.

બીબીસી ફ્યુચરના ઇસાબેલ ગેરેટ્સમેન કહે છે કેટલાક છોડવાઓ એવા છે કે જેમાં બીજાની તુલનામાં માઇક્રોપ્લાસ્ચટિક વધુ હોય છે.

હકીકતમાં કેટલાંક સંશોધનો પ્રમાણે કેટલાંક છોડના મૂળમાં માઇક્રોપ્લાસ્ટિકના કણો વધુ જોવા મળે છે. એટલે કે પાંદડાંવાળી શાકભાજીમાં ઓછા માઇક્રોપ્લાસ્ટિકના કણો હશે, જ્યારે ગાજર અને મૂળા જેવા શાકભાજીઓમાં વધુ જોવા મળશે.

માઇક્રોપ્લાસ્ટિકથી કેવી રીતે બચી શકાય?

ડૉ. મનીષ સિંહ જણાવે છે કે સમસ્યા એ પણ છે કે ભારતમાં મોટાભાગની જગ્યાઓએ કચરાના નિકાલની વ્યવસ્થા નથી. તેના કારણે આ માઇક્રોપ્લાસ્ટિક નદીઓ અને ખેતીવાળી જમીનો સુધી પહોંચી રહ્યું છે.

તેમણે કહ્યું, "ખાવાપીવાની અસંખ્ય ચીજો પ્લાસ્ટિકમાં પેક થાય છે. પછી લોકો પણ ઘરોમાં કોથળીઓ અને ચૉપિંગ બોર્ડનો ઉપયોગ કરે છે. તેનાથી સૌએ બચવું જોઈએ. સરકારે પણ આ વિષય પર ધ્યાન આપવું જોઈએ."

ભારત સરકારે પણ 2022માં સિંગલ યૂઝ પ્લાસ્ટિકની આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દુનિયાના અનેક દેશો પહેલાં આવું પગલું ભરી ચૂક્યા હતા.

પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બાયોડિગ્રેડેબલ વિકલ્પ સમસ્યાઓને ગંભીર બનાવી રહ્યા છે. બ્રિટનની પ્લાઇમાઉથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જે થેલીઓ પર બાયોડિગ્રેડેબલ લખેલું હોય છે તેને વિઘટિત થવામાં અનેક વર્ષો લાગે છે.

તેઓ નાના-નાના ટુકડાઓમાં તૂટી જાય છે અને પ્રદૂષણ ફેલાવે છે.

માઇક્રોપ્લાસ્ટિકથી બચવા માટે કાચની બૉટલો વાપરવાની સલાહ પણ આપવામાં આવે છે.

પરંતુ બીબીસી ફ્યુચરના ઇસાબેલ ગેરેટ્સમેન અનુસાર કાચની બૉટલો પણ સિલિકાથી બનતી હોવાને કારણે પર્યાવરણમાં પણ નુકસાન પહોંચે છે.

માઇક્રોપ્લાસ્ટિક જ નહીં પરંતુ માઇક્રોફાઇબરની પણ મોટી સમસ્યા છે. પાણી, સમુદ્રી મીઠું અને બીયરમાં પણ માઇક્રોફાઇબર જોવા મળે છે.

કેવી રીતે ઓછું કરી શકાય પ્રદૂષણ?

બીબીસી ફ્યૂચરના એક લેખ અનુસાર હવે આ દિશામાં આશા જાગી છે.

સંશોધકોએ એવી ફૂગ અને બેક્ટેરિયાની શોધ કરી છે જે પ્લાસ્ટિકના કણોને પણ વિઘટિત કરવામાં મદદ કરે છે.

એ જ રીતે પાણીને ખાસ પ્રકારનાં ફિલ્ટરો અને કેમિકલ ટ્રીટમેન્ટથી શુદ્ધ કરી શકાય છે.

પણ ડૉ.મનીષ સિંહ કહે છે કે આ પગલાં કરતાં એ વધુ સારું છે કે એક તરફ સરકારે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે નીતિઓ બનાવવી જોઈએ અને બીજી તરફ લોકોએ પણ પોતાના સ્તરે પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઓછી કરવી જોઈએ.

તેઓ કહે છે, "ઉદાહરણ તરીકે, જ્યુટ અથવા કાપડની થેલીઓનો ઉપયોગ કરો. કપડાં ખરીદતી વખતે પણ સિન્થેટિક ફાઇબરના કપડાંને બદલે કૉટનના કપડાંને પ્રાધાન્ય આપો. પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો. આપણા પ્રયત્નો પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો ઉપયોગ ઘટાડવાના હોવા જોઈએ.”