You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉટન કૅન્ડીને ગુલાબી રંગ આપતી વસ્તુમાં ઝેર હોય છે?
- લેેખક, શારદા બી.
- પદ, બીબીસી સંવાદદાતા
ફૂડ સેફ્ટી વિભાગે તાજેતરમાં તામિલનાડુ અને પુડુચેરીમાં જાહેર સ્થળોએ વેચવામાં આવતી કૉટન કૅન્ડીનું પરીક્ષણ કર્યું ત્યારે તેમાં રૉડામાઇન બી નામનું ટોક્સિન એટલે કે ઝેરી તત્ત્વ મળી આવ્યું હતું.
તેના પગલે તામિલનાડુ સરકારે કૉટન કૅન્ડી પર પ્રતિબંધ મૂક્યો છે. ગુલાબી રંગની કૉટન કૅન્ડી 90 ટકા બાળકોને અત્યંત પ્રિય હોય છે.
પુડુચેરીમાં પણ કૉટન કૅન્ડીમાંથી રૉડામાઇન બી મળી આવ્યું હતું. તેથી પુડુચેરીમાં પણ કૉટન કૅન્ડીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કૉટન કૅન્ડીમાંથી મળી આવેલું રૉડામાઇન બી શું છે? બીજા કયા ખાદ્ય પદાર્થોમાં રૉડામાઇન બી હોય છે? રૉડામાઇન બીનો આહાર કરવાથી આપણા શરીર પર શું અસર થાય છે?
રૉડામાઇન બી શું છે?
રૉડામાઇન બી એક કૃત્રિમ રંગદ્રવ્ય છે. આ રાસાયણિક રંગદ્રવ્ય પાણીમાં ઉચ્ચ મિશ્રણશીલતા ધરાવે છે અને ઓછા ખર્ચે ઉત્પાદનમાં બહુ ઉપયોગી છે. તેથી તેનો ઉપયોગ કાપડ, કાગળ અને ચર્મ ઉદ્યોગમાં વ્યાપકપણે કરવામાં આવે છે.
રૉડામાઇન પ્રતિબંધિત છે?
કાપડ, ચર્મ અને અન્ય ઉદ્યોગોમાં રંગદ્રવ્ય તરીકે રૉડામાઇનનો ઉપયોગ કરવાની છૂટ છે, પરંતુ તેનો ખાદ્ય પદાર્થમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.
ખાદ્ય પદાર્થોમાં કૃત્રિમ રંગોના ઉપયોગની છૂટ છે અને તેનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય તેના નિયમો ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ બનાવ્યા છે.
રૉડામાઇન બીની હાનિકારક અસરને લીધે તેનો ખાદ્ય સામગ્રીમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદન, પ્રોસેસિંગ અને ડિસ્ટ્રિબ્યુશન દરમિયાન જે લોકો રૉડામાઇન બીનો ઉપયોગ કરે છે તેમને ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઍક્ટ, 2006 હેઠળ દંડિત કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કયા ખાદ્ય પદાર્થોમાં રૉડામાઇન બી હોય છે?
ખાદ્ય પદાર્થોને લાલ તથા ગુલાબી રંગ આપતા રૉડામાઇન બીનો ઉપયોગ મોટા ભાગે ગુલાબી રંગની હોય તેવી ફૂડ પ્રોડક્ટમાં કરવામાં આવે છે. ચેન્નાઈના ફૂડ સેફ્ટી અધિકારી સતીશકુમારના જણાવ્યા મુજબ, ખાસ કરીને રોઝ મિલ્ક જેવી અત્યંત લોકપ્રિય ફૂડ પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
બીબીસી સાથે વાત કરાતં સતીશકુમારે કહ્યું હતું, “કૉટન કૅન્ડીમાંથી મળી આવેલું રૉડામાઇન બી રોઝ મિલ્ક ઉપરાંત સોપારી અને ગુલાબી મૂળામાં પણ ઉમેરવામાં આવે છે. દૂધના પેડા ઉપર છાંટવામાં આવતા ગુલાબી દાણામાં પણ તે મળી આવે છે.”
તેમણે ઉમેર્યું હતું, “ખાદ્ય પદાર્થોમાં કેટલાક રંગો ભેળવવાની છૂટ છે. દાખલા તરીકે લાલ રંગ માટે એલ્યુરા રેડ અને લીલા રંગ માટે એપલ ગ્રીન. જોકે, તે પણ ચોક્કસ માત્રામાં જ ખાદ્ય પદાર્થોમાં ભેળવી શકાય છે. રૉડામાઇન બીને કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ભેળવવાની છૂટ નથી.”
શક્કરિયાની સપાટી પર લાલ રંગ વધારવા માટે રૉડામાઇન બીનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે મરચાના ભૂકા, સોસ અને રાગીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ખાદ્ય સામગ્રીમાં રૉડામાઇન બી છે કે નહીં તેની ખબર કેમ પડે?
કોઈ ફૂડ પ્રોડક્ટમાં રૉડામાઇન બીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તે ગ્રાહક તત્કાળ જાણી શકતો નથી. જોકે, ચોક્કસ ખાદ્ય પદાર્થોમાં રૉડામાઇન બી છે કે નહીં તેની ચકાસણી તમે ઘરે કેટલાંક સરળ પરીક્ષણ દ્વારા કરી શકો છો.
રૉડામાઇન બી પાણી અને તેલમાં આસાનીથી ભળી જાય છે. ખાદ્ય પદાર્થોમાં રૉડામાઇન બી છે કે નહીં તેની ચકાસણી માટે એફએસએસએઆઇએ કેટલાંક દિશાનિર્દેશ આપ્યાં છે.
દાખલા તરીકે, શક્કરિયાની સપાટી પરના લાલ રંગનું પરીક્ષણ તમે ઘરમાં કરી શકો છો. એ માટે રૂનું પૂમડું લો અને તેને પાણી કે તેલમાં પલાળો. પછી તેને શક્કરિયાની સપાટી પર હળવા હાથે ઘસો. રૂ ગુલાબી થઈ જાય તો તેનો અર્થ એ છે કે શક્કરિયામાં રૉડામાઇન બી ભેળવવામાં આવ્યું છે. રાગીની બાબતમાં પણ આવું પરીક્ષણ કરી શકાય.
કોઈ ખાદ્ય પદાર્થમાં રૉડામાઇન બી કે અન્ય પ્રતિબંધિત રસાયણો ભેળવવામાં આવ્યાં છે કે નહીં, તેની ચકાસણી કેવી રીતે કરવી તે દર્શાવતા વીડિયો એફએસએસએઆઈના યૂટ્યૂબ પેજ પર જોઈ શકાય છે.
કૉટન કૅન્ડીમાં રૉડામાઇન બી છે કે નહીં તે કેવી રીતે જાણવું?
કૉટન કૅન્ડીમાં રૉડામાઇન બી છે કે નહીં તેની ચકાસણી ગ્રાહક જાતે કરી શકતો નથી. કૉટન કૅન્ડીમાં રૉડામાઇન બી ભેળવવામાં આવ્યું છે કે નહીં તે ફૂડ સેફ્ટી લૅબોરેટરીમાં સૅમ્પલ પરીક્ષણ બાદ જ જાણી શકાય છે.
તામિલનાડુ અને પુડુચેરીમાંથી તાજેતરમાં મેળવવામાં આવેલા સૅમ્પલને પ્રયોગશાળામાં પરીક્ષણ બાદ જ એફએસએસએઆઇ દ્વારા આહાર માટે અસલામત જાહેર કરવામાં આવ્યાં હતાં.
સતીશકુમારે કહ્યું હતું, “કોઈ ખાદ્ય પદાર્થમાં પ્રતિબંધિત રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે કોઈ તત્કાળ કહી શકે નહીં, પરંતુ લોકો ધ્યાન રાખવું જોઈએ કે શાકભાજી, ફળો, મીઠાઈઓ કે કેકમાં કોઈ ચમકતો રંગ નજરે પડે તો તે ન ખાવું જોઈએ, કારણ કે કુદરતી રંગો ચમકદાર હોતા નથી.”
રૉડામાઇન બી પર શા માટે પ્રતિબંધ છે?
કેટલાક અભ્યાસ સૂચવે છે કે રૉડામાઇન બી કાર્સિનોજેનિક અને મ્યૂટાજેનિક છે. તેનાથી ચામડીના રોગ, શ્વસન સંબંધી તકલીફ અને લિવર તથા કિડનીને નુકસાન થઈ શકે છે. તે માનવ ઉપયોગ માટે અયોગ્ય હોવાથી ખાદ્ય પદાર્થોમાં તેના વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
કારખાનાંમાંથી છોડવામાં આવતા રૉડામાઇન બીથી પર્યાવરણ અને ભૂજળને પણ માઠી અસર થાય છે.
રૉડામાઇન બી કૅન્સરનું કારક બને છે?
ચેન્નાઈની સરકારી સ્ટેનલી હૉસ્પિટલના ફાર્મેકૉલૉજી વિભાગના વડા ડૉ. એસ. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે રૉડામાઇન બીથી લીવરને નુકસાન થઈ શકે છે.
તેમણે કહ્યું હતું, “રૉડામાઇન બીના સતત સેવનથી લિવરનું કૅન્સર થઈ શકે છે. રૉડામાઇન બી અને લિવરના કૅન્સર વચ્ચે સંબંધ હોવાનું અનેક અભ્યાસમાં સાબિત થયું છે.”
કયાં અંગો પર રૉડામાઇન બીની અસર થાય છે?
રૉડામાઇન બીના સેવનની અસર લિવર ઉપરાંત ચેતાતંત્ર પર પણ થાય છે. તેનાથી મગજનાં નાનાં કાર્યોમાં અવરોધ સર્જાય છે. આ ઝેરી તત્ત્વને લીધે નર્વસનેસ આવે છે અને કરોડરજ્જુને નુકસાન પણ થઈ શકે છે, એમ ડૉ. ચંદ્રશેખરે જણાવ્યું હતું.
સામાન્ય રીતે આવા પદાર્થના એક જ વખત સેવનથી તરત ગંભીર અસર થતી નથી. પદાર્થ ગમે તે હોય, પરંતુ તેનું સતત સેવન કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થાય છે.
ડૉ. ચંદ્રશેખરે કહ્યું હતું, “કેટલીક વાર એક જ વખત સેવનથી શરીર પર તેની ગંભીર અસર થઈ શકે છે. તેનો આધાર ખાદ્ય સામગ્રીમાં કેટલા પ્રમાણમાં રૉડામાઇન બી ભેળવવામાં આવ્યું છે તેના પર અને વ્યક્તિગત રોગપ્રતિકારક ક્ષમતા પર હોય છે. તેની ગંભીર અસર થાય તો તેનો પ્રભાવ મગજ પર પણ પડે છે.”