ગોળનો ઇતિહાસ શું છે અને એ ભારત કેવી રીતે પહોંચ્યો?

    • લેેખક, આયેશા ઈમ્તિયાઝ
    • પદ, બીબીસી ટ્રાવેલ

દાળ-ભાત હોય કે રોટલો ને શાક જ્યારે ગુજરાતી થાળીની વાત આવે છે ત્યારે એવું મનાય છે કે ઘણા લોકો માટે ગુજરાતી થાળી તો ગોળ વગર જાણે કે અધૂરી છે.

પરંતુ જમ્યા બાદ કે અમસ્તા જ માત્ર મોઢું મીઠું કરવા પૂરતો એનો ઉપયોગ મર્યાદિત નથી. એનો ઉપયોગ ઔષધિની માફક પણ થતો આવ્યો છે.

બીમાર પડીએ ત્યારે પ્રથમ આપણે દાદી-નાની પાસેથી શીખેલા ઘરગથ્થુ ઉપચારના કેટલાક નુસખા અપનાવીએ છીએ.

મારાં દાદી કહેતાં કે એવો કોઈ રોગ નથી, જે આહારમાં ફેરફાર કરવાથી મટી ન જાય. આજકાલ આપણે તેને ‘ડાયટ પ્લાન’ વગેરે નામ આપીએ છીએ.

હું બીમાર પડતી ત્યારે મારી દાદી એક પદાર્થ કાયમ હાથવગો રાખતાં હતાં. તે હતો ગોળ. તેનો નાનો ગઠ્ઠો જીભ પર મૂક્યા પછી ઓગળી જાય છે. તેથી તેને ગળી શકાય. મને એ ગમે છે, કારણ કે તેનો સ્વાદ મીઠો છે.

તેના વિશેની મારી પહેલી સ્મૃતિ, તવા ઉપર શેકાતા પરોઠા પર મૂકવામાં આવતા અને વરાળની ગરમીથી પીગળી જતા ગોળની છે.

મારાં માતા પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રદેશનાં છે. ત્યાં કડકડતી ઠંડીનો સામનો કરવા માટે મારાં માતા હંમેશાં મારા હાથ પર ગોળનો ટુકડો મૂકતાં હતાં. ઠંડીના સામનાનો તે રામબાણ ઉકેલ.

ખૈબર પખ્તૂનખ્વા પ્રદેશ કારાકોરમ પર્વતમાળામાં આવેલો હોવાથી ત્યાં ગોળ આરોગ્ય માટે કેટલો લાભદાયી છે, તેના વિશે વિચારવાનું મેં શરૂ કર્યું હતું. ગોળનો ટુકડો જીભ પર મૂકતાંની સાથે જ શરીરમાં એક પ્રકારની ઊર્જાનો પ્રવાહ વહેતો થયો. તે ઔષધિ નહીં હોય, પરંતુ તેનો સ્વાદ કૅન્ડી જેવો લાગ્યો હતો. ગોળને સૌથી જૂના ખાદ્યપદાર્થો પૈકીનો એક ગણવામાં આવે છે.

ગોળ કઈ રીતે બને છે?

શેરડીના રસને ઉકાળી, ઠંડો કરી અને ગોળ બનાવવામાં આવે છે. તેના પર વધુ પ્રક્રિયા કરીને તેમાંથી ખાંડ બનાવવામાં આવે છે. ખજૂરમાંથી પણ ગોળ તૈયાર કરવામાં આવે છે.

ગોળને કોલંબિયા અને કેરેબિયન ટાપુઓમાં પેનેલા, જાપાનમાં કોકુટા તથા બ્રાઝીલમાં રાપાદુરા કહેવામાં આવે છે.

શેરડીના ઠંડા રસમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને અન્ય ખનિજો હોય છે, જે પ્રક્રિયા દરમિયાન નષ્ટ થતા નથી, પરંતુ તેમાં વધારો થાય છે, એ વાત સાથે ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન ઑફ ધ વર્લ્ડ (એફએઓ) સહમત છે.

ગોળને બાફ્યા પછી પણ તેમાંનાં મિનરલ અને મોલાસીસ જળવાઈ રહે છે. આ મોલાસીસ જ તેને તપખીરી અથવા રેતાળ રંગ આપે છે. તેમાં કેલ્શિયમ અને મૅગ્નેશિયમ પણ હોય છે.

ગોળનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાતો હોવાથી તેનો વ્યાપ ઝડપભેર વધ્યો છે. પાકિસ્તાનના કરાચીસ્થિત હમદર્દ યુનિવર્સિટીના સંશોધન અને વિકાસ નિયામક ડૉ. હકીમ અબ્દુલ હન્નાને જણાવ્યા અનુસાર ગોળને લીધે જ શેરડીના ઉત્પાદનને વેગ મળ્યો છે.

ભારતમાં શેરડીનું આગમન

મલયાન ટાપુઓ અને મ્યાનમાર થઈને ઈસવીસન પૂર્વે 6000માં શેરડી ભારતમાં આવી હોવાનું કહેવાય છે. આ પાક સૌથી નાના વિસ્તારમાં ઉગાડી શકાય છે અને તે સૌથી સસ્તો તથા સૌથી પૌષ્ટિક છે, એવું એ. સી. બર્નિજે ‘ઍગ્રિકલ્ચર ઑફ ધ શુગરકેન’ પુસ્તકમાં લખ્યું છે.

ભારતમાં શેરડીની લગભગ 100 જાતોની ખેતી કરવામાં આવે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિભાજન પહેલાં પાકિસ્તાન પણ શેરડીની ખેતીનું કેન્દ્ર હતું.

‘ફૂડ ઍન્ડ કૂકિંગઃ ધ સાયન્સ ઍન્ડ લૉર ઑફ ધ કિચન’ પુસ્તકના લેખક હેરોલ્ડ મેકગીના જણાવ્યા મુજબ, શેરડીમાંથી બનાવવામાં આવેલો ગોળ ભારતીય, થાઈ, બર્મીઝ અને અન્ય એશિયન તેમજ આફ્રિકન વાનગીઓમાં સ્વાદ તથા સુગંધ ઉમેરે છે. તેથી જ આ પ્રદેશોની વાનગીમાં ગોળનું ખૂબ મહત્ત્વ છે.

પાકિસ્તાની અને ભારતીય બજારોમાં ગોળની વિવિધ આકારની થેલીઓ જોવા મળે છે. ગોળને કુદરત દ્વારા ભેટ આપવામાં આવેલો મીઠો પદાર્થ પણ ગણવામાં આવે છે. માણસ સાથે અતૂટ સંબંધ ધરાવતો આ પદાર્થ માનવ આહારમાં વર્ષોથી દેખાતો રહ્યો છે.

ઘણાં ઘરોમાં કશુંક ગળ્યું ખાવાની ઇચ્છા થાય ત્યારે ગોળને અગ્રતા આપવામાં આવે છે. આજ કાલ તો ખાંડને બદલે ગોળ નાખેલી ચા પણ બહુ લોકપ્રિય છે. બાળકોને મીઠાઈ ખાવી હોય અને ચૉકલેટ ઉપલબ્ધ ન હોય તો ગોળ હાથવગો રાખવામાં આવે છે. ગોળનો સ્વાદ એટલો મસ્ત છે કે તેનો ઉપયોગ સંખ્યાબંધ પરંપરાગત વાનગીઓમાં વ્યાપકપણે કરવામાં આવે છે.

શીરા સિવાયની અન્ય વાનગીઓમાં પણ ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાનમાં કોઈ પણ વ્યક્તિનું બાળપણ ખીર ખાધા વગરનું હોતું નથી. ચોખા, કાજુ, બદામ, નારિયેળ અને ગોળનો ઉપયોગ કરીને ખીર બનાવવામાં આવે છે.

ગોળની ચા લોકપ્રિય થઈ રહી છે

ભારતમાં આજકાલ ગોળની ચા બહુ લોકપ્રિય બની રહી છે. ગોળની ચાનો સ્વાદ જ અલગ હોય છે.

ભારતમાં તહેવારો દરમિયાન ગોળમાંથી બનેલી મીઠાઈઓ હંમેશાં કેન્દ્રસ્થાને રહી છે.

હું નાની હતી ત્યારે મગફળીની ચિક્કી વેચવા એક ગાડી આવતી હતી. હું તેની આતુરતાથી રાહ જોતી હતી. તેમાં એક ઘંટ હતો અને એ ઘંટનો રણકાર સંભળાય કે તરત અમે તેના ભણી દોડતા હતા અને ચિક્કી ખરીદતા હતા. આ ચિક્કી પણ ગોળમાંથી બનાવવામાં આવે છે.

ખૈબર પખ્તૂનખ્વાના ચારસડ્ડા શહેરમાં તબરક નામના એક ગોળ ઉત્પાદક હતા. ગોળનું પરંપરાગત પદ્ધતિથી ઉત્પાદન કરવામાં આવતું હતું. શેરડીનો રસ કાઢ્યા બાદ તેનાં છોતરાંનો ઉપયોગ બળતણ માટે કરવામાં આવતો હતો. તેથી આ ઉદ્યોગ ‘ઝીરો વેસ્ટ’ની શ્રેણીમાં આવે છે.

ઘણા લોકો જમ્યા પછી તરત જ ગોળનો ટુકડો ખાય છે. એમ કરવાથી પાચનમાં મદદ મળતી હોવાનું માનવામાં આવે છે. ઘૂંટણના દુખાવા અને સોજામાં રાહત મળતી હોવાનું પણ માનવામાં આવે છે.

ભારતીય ઉપખંડમાં ગોળના ઔષધીય ઉપયોગનો લાંબો ઇતિહાસ છે. સંસ્કૃત ચિકિત્સા ગ્રંથ ‘સુશ્રુતસંહિતા’માં જણાવવામાં આવ્યું છે કે એકથી ત્રણ વર્ષ જૂનો ગોળ ગુણવાન હોય છે.

ગોળ ખાવાથી લોહી શુદ્ધ થાય છે, પિત્તની સમસ્યા દૂર થાય છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે એવું પણ માનવામાં આવે છે.

ગોળનો ઉપયોગ પરંપરાગત ઔષધ તરીકે કરવામાં આવે છે. વાતરોગોની સારવાર માટે કરવામાં આવે છે. અન્ય ઘટકો સાથે ગોળનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદમાં પંચકર્મ પદ્ધતિમાં ગોળ એક મહત્ત્વપૂર્ણ ઘટક છે.

પંચકર્મ પ્રક્રિયામાં શરીરના જુદા જુદા ભાગોનો પાંચ રીતે ઉપચાર કરવામાં આવે છે. ઉપચાર દરમિયાન ચોખા તથા દાળમાંથી બનાવવામાં આવેલી ખીચડી ખાવા માટે આપવામાં આવે છે અને તેમાં ગોળનો એક ટુકડો પણ નાખવામાં આવે છે.

ગોળમાં રહેલાં પોષકતત્ત્વો કયા છે?

હોમિયોપેથિક ડૉક્ટર મોહમ્મદ નાવેદ કહે છે, “ગોળ તો જાણે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ તથા આયર્ન જેવાં પોષકતત્ત્વોની પરંપરાગત ખાણ છે.”

આગા ખાન યુનિવર્સિટીના મેડિસિન વિભાગના ડૉ. સારા નદીના કહેવા મુજબ ગોળ ડાયાબિટીસ માટે હાનિકારક છે, કારણ કે ખાંડ ખાવામાં આવે છે કે ગોળ એ ડાયાબિટીસથી પીડિત વ્યક્તિનું શરીર એ નથી જોતું. ગોળ એ થોડો જટિલ પદાર્થ હોવાથી ઇન્સ્યુલિન સ્પાઇકમાં થોડો વિલંબ થઈ શકે, પરંતુ તેમાંની ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ સામગ્રીને લીધે આવો વધારો થવો અનિવાર્ય છે.

તેમના કહેવા મુજબ શરીરને કેટલાક ફાયદા થાય એ માટે ગોળનું સેવન પણ જરૂરી છે.

પાકિસ્તાનમાં ગોળનું સાંસ્કૃતિક મહત્ત્વ છે. ત્યાં ગોળને માત્ર ખોરાકનું એક ઘટક ગણવામાં આવતો નથી. શરદી જેવી બીમારીઓથી દૂર રહેવા કે ઊર્જા મેળવવા માટે પણ ગોળ ખાવો જોઈએ, એવી સમજણ અનેક પેઢીઓથી છે.

મને યાદ છે કે જ્યારે મને શરદી થતી ત્યારે મારાં માતા મને ગોળની રોટલી ખવડાવતા હતા. આ દર્શાવે છે કે આપણી જીવનશૈલી પ્રકૃતિની કેટલી નજીક હતી.