You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભજિયાંની શરૂઆત કેવી રીતે થઈ? ચણાના લોટથી બનતાં ભજિયાં વિદેશ કેવી રીતે પહોંચ્યાં?
- લેેખક, ઉરૂર જાફરી
- પદ, બીબીસી હિન્દી માટે ઇસ્લામાબાદથી
ભજીયાં અને મુસ્લિમોના પવિત્ર રમઝાન જાણે એકબીજા સાથે જોડાયેલાં છે.
ભારત અને પાકિસ્તાનમાં ભાગ્યે જ કોઈ મુસ્લિમ પરિવાર હશે જેના ઇફ્તારના ટેબલ પર ભજીયાં પીરસવામાં ન આવતાં હોય.
દરેક ઘર પરિવારમાં ચા સાથે ભજીયાં બને જ છે. જોકે, ભજીયાંનો ઇતિહાસ કેટલો જૂનો છે તેને લઈને અલગ-અલગ દાવાઓ છે.
સાર્વજનિક રીતે જે જાણકારી ઉપલબ્ધ છે તે પ્રમાણે ભજીયાં 1025 ઈસવી સનથી કોઈને કોઈ સ્વરૂપે બનાવવામાં આવે છે.
સૌથી પહેલાં તેની માહિતી સંસ્કૃત અને તમિલ સંગમ સાહિત્યમાં મળી આવે છે. જોકે, બન્ને સાહિત્યમાં તેના વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી નથી. તેમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે એક કેક જેવા આકારની ખાવાની વસ્તુ હતી.
ભજીયાંની શરૂઆત કેવી રીતે થઈ?
દાળને પીસીને અને શાકભાજી સાથે ભેળવીને એક કેક જેવી વસ્તુ બનતી હતી જેને તળીને ખાવામાં આવતી. ભજીયાંને લોકો પાકાવાવતા કહેતા હતા, એટલે કે રાંધેલા ડમ્પલિંગ અથવા ગાંઠ (કાનોટ).
જેને કેટલાક વિસ્તારોમાં ભજીયાં પણ કહેવામાં આવે છે.
વર્ષ 1130માં પ્રકાશિત થયેલાં માનસોલ્લાસ અને 1025માં પ્રકાશિત લોકપાકરા નામનાં આહારના ઇતિહાસનાં પુસ્તકોમાં પણ તેનો ઉલ્લેખ છે. આ પુસ્તકો મુજબ ભજીયાં કે પકોડાં બનાવવા માટે ચણાના લોટમાં શાકભાજી ભેળવીને તળવામાં આવે છે અને તેને ઘણી વખત માછલીના આકાર વાળા મોલ્ડમાં નાખીને તળવામાં આવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચણાના લોટની સાથે બટેટાં, પાલક, ડુંગળી, લીલાં મરચાંને સૂકા મસાલા સાથે ભેળવીને ભજીયાં બનાવવામાં આવે છે. જોકે, આ લોટમાં રવો અને ચોખાના લોટનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આ વાતનો ઉલ્લેખ ઘણી જગ્યાઓ પર છે. અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ પ્રકારનાં ભજીયાં કે પકોડાં બને છે.
ભજીયાં વિદેશ કેવી રીતે પહોંચ્યાં?
કેટલીક જગ્યાએ આ વાતનો ઉલ્લેખ છે કે 16મી સદીમાં જ્યારે પોર્ટુગીઝ દરિયાઈ જહાજો થકી યાત્રા કરીને ભારતીય તટો પર આવ્યા ત્યારે તેઓ એવું ભોજનની શોધી રહ્યા હતા જે લાંબા સમય સુધી ખરાબ ન થાય.
પોર્ટુગીઝ મોટા ભાગે યાત્રા દરમિયાન ભારતીય રસૌયાને સાથે રાખી લેતા જે તેમને બટેટાં, ડુંગળી, રીંગણાં, લીલાં મરચાં, પાલક જેવાં શાકભાજીને ચણાના લોટ અને મસાલા સાથે ભેળવ્યા પછી તળીને તેમને ખવડાવતા.
જો ભજીયાંને તળ્યા પછી તેમનો ભેજ દૂર કરવામાં આવે તો તેઓ લાંબા સમય સુધી બગડતા નથી.
પોર્ટુગીઝોને આ કારણે જ ભજીયાં જાપાન સુધી પહોંચ્યાં. જાપાનમાં ચણાની ખેતી નથી તેથી લોકો શાકભાજી અને સુકા મસાલાને ભેળવવા માટે ચણાના લોટની જગ્યાએ મેંદાનો ઉપયોગ કરે છે. આ રીતે જાપાની વાનગી ટેમ્પુરાનો જન્મ થયો.
ભારત અને પાકિસ્તાનમાં આજે પણ લોકો બસ કે ટ્રેનની મુસાફરી દરમિયાન ભજીયાં, પકોડાં કે બોન્ડા અને ચટણી પોતાની સાથે જરૂર રાખે છે.
હિન્દુસ્તાની-પાકિસ્તાની માટે પકોડાં, જાપાનીઓ અને અંગ્રેજોના ફ્રિટર્સ અને ભૂમધ્યસાગર દેશોના ફલાફલ, બધી જ વાનગીઓ એકમેકને મળતી આવે છે.
રમઝાનમાં ભજીયાંનું ચલણ કેમ વધ્યું?
ખાણી-પીણી વિશે વિસ્તૃત શોધ અને અભ્યાસ કરી ચૂકેલા પુષ્પેશ પંતે ભજીયાંના ઇતિહાસ વિશે કહ્યું, "ભજીયાંનો ઇતિહાસ ભોજનને લગતા ઇતિહાસમાં નહીં પરંતુ પકવાન એટલે કે તળેલી ખાવાની વસ્તુઓના ઇતિહાસમાં મળે છે. રમઝાનના મહિનામાં તેનો ઉપયોગનું એક મુખ્ય કારણ તો એ છે કે તળેલી વાનગી હોવાને કારણે જલદી ખરાબ થતી નથી. ભજીયાં ચણાનાં લોટમાંથી બને છે એટલે પૌષ્ટિક પણ છે અને લોકો તેમને પોતાનાં મનપસંદ શાકભાજી કે ચટણી સાથે પણ ખાઈ શકે છે."
લોકોનું મન થાય છે કે રોઝા કે ઉપવાસ તોડતી વખતે પોતાના મનપસંદ તીખાં અને મીઠાં પકવાનો ખાવાં મળે.
ભજીયાં એવું જ એક પકવાન છે જે ગરીબ અને અમીર બન્ને માટે સરળતાથી ઉપલબ્ધ છે અને તેની તૈયારીનો બધો જ સામાન સરળતાથી રસોઈમાં જ મળી જાય છે.
ભારત અને પાકિસ્તાનમાં ભજીયાં અત્યંત લોકપ્રિય છે તેની પાછળ એક કારણ એ પણ છે કે તે બન્ને દેશોના વાતાવરણને અનુકૂળ છે. એ જ કારણે સમયની સાથે ભજીયાંને બનાવવામાં પણ અનેક વેરાયટી પણ જોવા મળી.
બટેટાં અને ડુંગળી જ નહીં પરંતુ કમળ કાકડી અને માછલીને પણ ચણાના લોટમાં ભેળવીને ભજીયાં બનાવવામાં આવે છે.
પુષ્પેશ પંત કહે છે, "મુસ્લિમો વિશે એવી ધારણા છે કે તેઓ માત્ર માંસ ખાય છે. જોકે, તેમની ઇફ્તાર ટેબલ આ વાતને ખોટી સાબિત કરે છે. કારણ કે રમઝાનના મહિનામાં તમને તેમના ટેબલ પર બટેટાંની ચાટ પણ મળશે, ચાટ પકૌડી પણ મળશે અને ડુંગળી-બટેટાંનાં ભજીયાં પણ મળશે. આ વાનગીઓ ચટપટો સ્વાદ પણ આપે છે અને રોઝા રાખતા લોકોના શરીરમાં પ્રોટિન અને સોડિયમનું પ્રમાણ પણ જાળવી રાખે છે."
પાકિસ્તાનનાં ભજીયાં
પાકિસ્તાનનાં જાણીતાં શેફ ઝુબૈદા આપા હવે દુનિયામાં નથી રહ્યાં પરંતુ તેમના નુસ્ખાઓનો આજે પણ હજારો મહિલાઓ પોતાની રસોઈમાં ઉપયોગ કરે છે.
તેમનાં દીકરી શાશા જમશેદ જણાવે છે, "અમ્મી ભજીયાંમાં મીઠાના સોડાનો ઉપયોગ કરતાં જેથી ભજીયાં નરમ અને હળવાં રહેતાં. રમઝાનનો મહિનો હોય કે ચોમાસાનો મહિનો ચા અને ભજીયાં સાથે રોઝા પણ ખોલી શકાય છે અને ગપશપ પણ થઈ શકે છે."
પાકિસ્તાનમાં રમઝાનના મહિનામાં દરેક મિઠાઈની દુકાન પર ભજીયાં અને જલેબી મળવા લાગે છે.
બટેટાંનાં ભજીયાં દાયકાઓથી લોકોની પહેલી પસંદ છે. જોકે, દરેક શહેરનો પોતાનો સ્વાદ તેમાં ઉમેરાતો ગયો.
પેશાવરમાં કીમા કે ચીકનનાં ભજીયાં પણ મળી જાય છે. એવી જ રીતે કરાચી, લાહૌર અને ઇસ્લામાબાદમાં તમને ચિકન અને સીફૂડનાં ભજીયાં પણ મળી જશે.
લાહૌરનાં શેફ આયશા અલી બટ્ટ કહે છે,"ચણાના લોટનો સ્વાદ જ અલગ છે. જોકે બીજા દેશોમાં મેંદા અને ચોખાના લોટમાં પણ ભજીયાં બનાવવામાં આવે છે."
પુષ્પેશ પંતે કહ્યું, "અફસોસ એ લોકો માટે જેમણે ભાગલા કરીને ભારત અને પાકિસ્તાન બનાવ્યું. જ્યાં પણ મુસ્લિમ હતા તે જગ્યાએ ભજીયાં પણ હતાં પછી તે આસામથી પંજાબ, સિંધ હોય કે કેરળથી કાશ્મીરથી હોય."
"ઓડિશામાં પ્યાજી મળે છે, જેને બનાવવામાં ડુંગળીનો ઉપયોગ થાય છે. બંગાળમાં બટેટાં અને ડુંગળી નાખીને બૈગુની બને છે."
"દક્ષિણ ભારતમાં શાકભાજીને સમારીને ભજીયાં બનાવવમાં આવે છે. બિહારમાં મગ અને મસૂરની દાળને પીસીને પ્યાજૂ બને છે તો કાશ્મીરમાં બાફેલા કમલ કાકડીનાં ભજીયાંને દિર મોનજી કહે છે."
બ્રિટનમાં પણ ભારત અને પાકિસ્તાન મૂળનાં લોકોની સંખ્યા ઘણી છે, તેથી બ્રિટનમાં પણ ભજીયાં ઘણા લોકપ્રિય છે.
લંડનમાં જ્યારે પણ વરસાદ થાય છે ત્યારે બીબીસી ઉર્દૂ સર્વિસના વરિષ્ઠ સહયોગી રઝા અલી આબિદી સાહેબ સેન્ટ્રલ લંડનની ડ્રમન્ડ સ્ટ્રીટ પરથી મિક્સ ભજીયાં અને જલેબી લઈને આવે છે.
પાકિસ્તાની અને હિન્દુસ્તાની વિશ્વમાં કોઈ પણ જગ્યાએ રહે રમઝાન હોય કે ચોમાસાની સીઝન ભજીયાંની પાર્ટી કર્યા વગર ઊજવતા નથી.