You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રેસ્ટ કૅન્સરની ગાંઠ શોધી કાઢતું નાનકડું ઉપકરણ શું છે?
- લેેખક, આયલિન યઝાન
- પદ, બીબીસી તુર્કી સેવા
વિચારો કે બ્રા પર અલ્ટ્રાસાઉન્ડ કરતું એવું ઉપકરણ પહેર્યું હોય જે ચા પીતી વખતે પણ સ્તનમાં રહેલાં ટ્યૂમર્સને ડિટેક્ટ કરી લે. તુર્કીના વૈજ્ઞાનિક ડૉક્ટર જાનાન દાદેવિરેને મૅસેચ્યૂસેટ્સ ઑફ ટેકનૉલૉજી (એમઆઈટી)ની મીડિયા લૅબમાં પોતાની ટીમ સાથે મળીને એવી જ તકનિક વિકસિત કરી છે, જે બ્રેસ્ટ (સ્તન) કૅન્સરના નિદાનમાં ઉપયોગી થઈ શકે છે.
આ ઉપકરણ તેમણે પોતાની માસીની યાદમાં તૈયાર કર્યું છે જેમનું સ્તન કૅન્સરના લીધે મોત થઈ ગયું હતું.
જે મહિલાઓને બ્રેસ્ટ કૅન્સર થવાનું જોખમ વધુ હોય તેમને વારંવાર મૅમોગ્રામ કરવાની સલાહ આપવામાં આવી હોય તેમના માટે આ ઉપકરણ મદદગાર સાબિત થઈ શકે છે. આવી મહિલાઓ આ ડિવાઇસના માધ્યમથી બે મૅમોગ્રામ વચ્ચેના સમયગાળામાં પણ બ્રેસ્ટ કૅન્સરનું મૉનિટરિંગ કરી શકે છે.
કૅન્સરના કેસોમાં સૌથી વધુ દર્દી બ્રેસ્ટ કૅન્સરનાં હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વર્ષ 2020માં 23 લાખ મહિલાઓને બ્રેસ્ટ કૅન્સર ડિટેક્ટ થયું અને 6 લાખ 85 હજાર મહિલાઓનાં આ બીમારીના લીધે મોત થયાં.
અમેરિકન કૅન્સર સોસાયટીનું કહેવું છે કે જો શરૂઆતમાં જ બ્રેસ્ટ કૅન્સરની જાણકારી મળી જાય અને તે એક માત્ર જગ્યા પર કેન્દ્રિત હોય તો 5 વર્ષો સુધી જીવિત રહેવાનો દર 55 ટકા છે.
ડૉક્ટર દાદેવિરેન કહે છે કે તેમના ઉપકરણની મદદથી જીવિત રહેવાનો દર વધારવામાં મદદ મળી શકે છે. કેમકે જે મહિલાઓમાં મોડેથી આ બીમારી વિશે જાણવા મળે છે, તેમના જીવિત રહેવાનો દર માત્ર 22 ટકા છે.
ડિવાઇસ કઈ રીતે કામ કરે છે?
એમઆઈટીમાં મટિરિયલ સાયન્ટિસ્ટ અને એન્જિનિયર જાનાન દાદેવિરેનને આ ડિવાઇસ બનાવવાનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે તેઓ હૉસ્પિટલમાં પોતાનાં માસીની બાજુમાં બેઠાં હતાં.
તેમનાં આન્ટી નિયમિતપણે તપાસ કરાવતાં હતાં. તેમ છતાં એક દિવસ માલૂમ પડ્યું કે તેઓ ઝડપથી પ્રસરી રહેલાં બ્રેસ્ટ કૅન્સરનો શિકાર બન્યાં છે. તેના 6 મહિના પછી જ તેમનું મોત થઈ ગયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપકરણમાં મધમાખીના મધપૂ઼ડાં જેવા આકારના 6 ખાંચા હોય છે જેમાંથી એક નાનકડો અલ્ટ્રાસાઉન્ડ કૅમેરો જોડી દેવામાં આવે છે.
આ કૅમેરાને અલગ અલગ ખાંચામાં રાખવાથી દરેક બાજુથી બ્રેસ્ટ કૅન્સરની તપાસ થઈ શકે છે. તેના વપરાશ માટે અલ્ટ્રાસાઉન્ડ જૅલ વાપરવાની પણ જરૂર નથી પડતી.
ડૉક્ટર દાદેવિરેન કહે છે કે આ 0.3 સેન્ટિમીટર જેટલી નાની ગાંઠો વિશે પણ જાણકારી મેળવી શકે છે. શરૂઆતમાં બનનારી ગાંઠોનો આકાર એટલો જ હોય છે.
તેઓ કહે છે, “આનો અર્થ એ છે કે કોઈ પણ પ્રકારની અસામાન્યતાને પકડી પાડવામાં તે ઘણું ચોક્કસ છે.”
મૅમોગ્રામ શું હોય છે?
મૅમોગ્રામ એ સ્તન કૅન્સરને ડિટેક્ટ કરવાની સૌથી સામાન્ય રીત છે. તેમાં સ્તનનો એક્સ-રે કરીને ગાંઠો વિશે જાણવામાં આવે છે.
રેડિયોગ્રાફર એક-એક કરીને સ્તન મશીન પર લાગેલી બે સમતલ પ્લૅટ વચ્ચે રાખવામાં આવે છે.
આ પ્લૅટો કેટલાક સમય માટે બ્રેસ્ટને દબાવે છે. તેનાથી મહિલાને હળવું દબાણ અનુભવાય છે અને તેઓ અસહજ અનુભવે છે.
કેટલીક મહિલાઓને આ પ્રક્રિયા દર્દનાક લાગી શકે છે, પરંતુ તેની પ્રક્રિયા ઘણી જલદી પૂરી થઈ જાય છે.
જોકે, વારંવાર મૅમોગ્રામ કરાવવું મોંઘુ પણ છે અને કેટલાક દેશોમાં તેનો ખર્ચ સરકારી સ્વાસ્થ્ય વ્યવસ્થા હેઠળ નથી ઉઠાવવામાં આવતો.
કેટલીક મહિલાઓને દર્દ કેમ થાય છે?
હેલેન યૂલ કન્સલ્ટન્ટ રેડિયોગ્રાફર છે અને બ્રિટનમાં રેડિયોગ્રાફર્સની સલાહકાર સંસ્થાનાં પ્રમુખ પણ છે. તેઓ જણાવે છે, “દરેકની બ્રેસ્ટ અલગ હોય છે અને તેમાં ગ્રંથીઓ અને વસાની માત્રા પણ અલગ અલગ હોય છે.”
જેમાં મહિલાઓમાં ગ્રંથીઓવાળી પેશીઓ વધુ હોય છે. મૅમોગ્રામ દરમિયાન તેમને વસાવાળાં સ્તન ધરાવતી મહિલાઓની સરખામણીમાં વધુ અસુવિધા થઈ શકે છે.
સાથે જ હૉર્મોન રિપ્લેસમૅન્ટ થૅરપીના કારણે પણ બ્રેસ્ટ સંવેદનશીલ હોઈ શકે છે.
યૂલ કહે છે કે મૅમોગ્રામ કરવાના અનુભવ વિશે મહિલાઓ શું વિચારે છે, તે વાતથી પણ મોટો ફરક પડે છે.
મૅમોગ્રામ દરમિયાન થનારી અસુવિધાથી બચવાના કેટલાક સરળ ઉપાય છે. જેમ કે પિરિયડ આવવાના સપ્તાહ પહેલાં મૅમોગ્રામ કરાવવાથી બચી શકાય છે. અથવા મૅમોગ્રામ પહેલા પૅરાસિટામોલ ખાઈ શકાય છે.
આ ડિવાઇસ કોના માટે છે?
સંશોધન જણાવે છે કે એક મૅમોગ્રામ બાદ બીજો મૅમોગ્રામ કરાવવા વચ્ચેની અવધિમાં પણ બ્રેસ્ટ કૅન્સર વિકસિત થઈ શકે છે. આ ઇન્ટરવલ કૅન્સર કહેવામાં આવે છે. બ્રેસ્ટ કૅન્સરના કુલ મામલામાં આ પ્રકારના કૅન્સર 20થી 30 ટકા છે.
એમઆઈટી ટીમનું કહેવું છે કે આ દરમિયાન થનારા ટ્યૂમર રૂટિન ચૅકઅપ દરમિયાન મળતી ગાંઠોની સરખામણીમાં વધુ જોખમી હોય છે.
આથી આ ડિવાઇસને શરૂઆતમાં એ મહિલાઓને આપવામાં આવી શકાય છે જેમને બ્રેસ્ટ કૅન્સર થવાનું વધુ જોખમ છે.
એનાથી એને બે મૅમોગ્રામ અથવા સેલ્ફ એક્ઝામિનેશન વચ્ચે બનનારી ગાંઠો વિશે જાણવામાં મદદ મળી શકે છે.
પરંતુ સંશોધકોનું કહેવું છે કે જો આ ડિવાઇસથી કોઈ પ્રકારની અસામાન્યતા વિશે જાણવા મળે છે, તો પણ મૅમોગ્રામ કરાવવો જરૂરી રહેશે.
ડિવાઇસ ક્યાં તૈયાર કરાયું?
પહેરી શકાય તેવા ડિવાઇસ પર કામ કરતી એમઆઈટીની ટીમને આ ડિવાઇસ બનાવતા 6 વર્ષ લાગ્યાં છે.
આ વર્ષે ઑગસ્ટમાં તેને અમેરિકામાં પૅટન્ટ મળી અને હવે મનુષ્યો પર તેનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ ડિવાઇસની કિંમત 10,00 ડૉલર (લગભગ 83 હજાર રૂપિયા) હશે, પરંતુ શોધકર્તાઓનું કહેવું છે કે મોટાપાયે ઉત્પાદન થાય તો કિંમત ઘટી જાય છે. આવું થવામાં 4થી 5 વર્ષ લાગી શકે છે.
શોધ કરનારી ટીમનું અનુમાન છે કે ‘જો તમે દરરોજ એની મદદથી સ્કૅન કરશો તો એની કિંમત એક કપ કૉફીથી પણ ઓછી થશે.’
રિસર્ચ દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં બ્રેસ્ટ કૅન્સરથી થતાં મોતનો દર વધુ હોવાનું કારણ છે – કૅન્સરનું મોડેથી નિદાન થવું અને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ન હોવી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વધુ આવકવાળા દેશોમાં 5 વર્ષ સુધી જીવિત રહેવાનો દર 90 ટકાથી વધુ છે, જ્યારે ભારતમાં આ 66 ટકા અને દક્ષિણ આફ્રિકામાં માત્ર 40 ટકા છે.
આ ડિવાઇસને શરીરના અન્ય ભાગોમાં સ્કૅન કરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. ડૉક્ટર દાદેવિરેન જ્યારે ગત વર્ષે ગર્ભવતી હતાં ત્યારે તેમણે તેમના શિશુને સ્કૅન કરવા માટે ઉપયોગમાં લીધું હતું.
તેઓ કહે છે, “મારાં આન્ટી ઘણી નાની ઉંમરનાં હતાં. માત્ર 49 વર્ષનાં હતાં. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે તેમનું મોત થઈ જશે. એમણે પણ આવી બ્રા પહેરી હોત તો શું થયું હોત?”
(ઇસારિયા પ્રેથોંગમેય દ્વારા ઇનપુટ્સ)