પ્રસૂતિ પછી થતાં ડિપ્રેશનની નવી દવા કેટલી અસરકારક?

    • લેેખક, પાયલ ભુયન
    • પદ, બીબીસી સંવાદદાતા

“ડિલિવરીના કેટલાક દિવસ બાદ હું ઘરમાં વિચિત્ર ગૂંગળામણ અનુભવતી હતી. જાણે કે હું શ્વાસ લઈ શકતી ન હતી. ઘણી વખત હાલત એટલી ખરાબ થઈ જતી હતી કે હું હાંફવા લાગતી હતી. એ એવો દૌર હતો, જ્યારે હું મારા નવજાત સંતાન સાથે સારી રીતે સમય પસાર કરી શકતી ન હતી.”

આ શબ્દો કેરળમાં રહેતા લતા (સાંકેતિક નામ)ના છે. તેઓ પોતાની ઓળખ ગુપ્ત રાખવા ઇચ્છે છે. તેઓ એ ખરાબ સમયને યાદ કરતાં આજે પણ ડરી જાય છે.

લતાના કહેવા મુજબ, તમે કોઈ માનસિક કે શારીરિક મુશ્કેલીમાં હો તો તમારે તરત જ મદદ માગવી જોઈએ.

શું છે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન?

પ્રસૂતિ બાદ જે ડિપ્રેશન આવે છે તેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવામાં આવે છે. તેમાં પ્રસૂતાના વ્યવહારમાં ઉદાસી, તણાવ, ચીડિયાપણું અને ગુસ્સા જેવું પરિવર્તન આવે છે. એ સ્થિતિમાં તેમને પારિવારિક સહકાર અને ઈલાજની જરૂર હોય છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, લગભગ 50થી 60 ટકા મહિલાઓને આ સમસ્યા થાય છે.

આ સમસ્યાના પણ ત્રણ સ્તર હોય છેઃ પોસ્ટપાર્ટમ બ્લૂઝ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને પોસ્ટપાર્ટમ સાઈકોસિસ.

એમિટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ બિહેવિયરલ હેલ્થ ઍન્ડ અલાયડ સાયન્સિસ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર અને ડિરેક્ટર ડૉ. ઋષિ કહે છે, “પ્રસૂતિ પછી અનેક મહિલાઓને ઉદાસીની અનુભૂતિ થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે આપણને એ વિશે યોગ્ય જાણકારી હોતી નથી અથવા આપણે પોસ્ટપાર્ટમ લક્ષણોની અવગણના કરીએ છીએ કે શરમને કારણે કોઈ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે જતા નથી.”

સૌપ્રથમ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ગોળીને મંજૂરી

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની દવાને તાજેતરમાં જ મંજૂરી આપી છે. એ દવાનું નામ જુજુર્વે છે. આ દવા 14 દિવસ સુધી લેવી પડે છે.

એફડીએના મનોચિકિત્સા વિભાગના અધ્યક્ષ ડૉ. ટિફની ફોર્ટિયનના કહેવા મુજબ, “ગર્ભાવસ્થા કે પ્રસૂતિ પછી મહિલાઓ માનસિક મુશ્કેલીઓમાંથી પસાર થતી હોય છે. એ વખતે તેમને ખુદને નુકસાન પહોંચાડવાના વિચાર પણ ઘણી વાર આવે છે. તેથી આસાનીથી લઈ શકાય એવી કોઈ દવા મહિલાઓ માટે સારો વિકલ્પ બની શકે.”

અલબત્ત, તેઓ ભારપૂર્વક જણાવે છે કે આ દવા ગંભીર ડિપ્રેશનનો શિકાર બન્યા હોય એવા દર્દીઓ માટે જ છે.

જુજુર્વેની આડઅસર

એફડીએના જણાવ્યા મુજબ, જુજુર્વે ગોળીની કેટલીક આડઅસર પણ છે. આ દવા લીધા પછી દર્દીએ શારીરિક પરિશ્રમવાળું કોઈ કામ ન કરવું જોઈએ. મોટરકાર પણ ન ચલાવવી જોઈએ.

આ દવા લીધા પછી દર્દીને ચક્કર આવવા, અતિસાર, થાક, શરદી-સળેખમ અને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન જેવી તકલીફ થઈ શકે છે.

ડૉ. ઋષિ જણાવે છે કે આમ તો એન્ટી-ડિપ્રેશન્ટ દવાની આડઅસર સામાન્ય રીતે ઝડપથી ઓસરી જતી હોય છે. તે બહુ ચિંતાજનક બાબત નથી.

બીજી તરફ દિલ્હીના એક આઈવીએફ સેન્ટર ‘ધ નર્ચર’માં સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે કાર્યરત ડૉ. અર્ચના ધવન બજાજ જણાવે છે કે આ દવાનું પરીક્ષણ સ્તનપાન કરાવતી મહિલાઓ પર કરવામાં આવ્યું છે કે નહીં તે સ્પષ્ટ નથી.

તેઓ એમ પણ જણાવે છે કે વિશ્વના જે વિસ્તારોમાં ડૉક્ટરને બદલે મિડવાઇફની મદદ વડે પ્રસૂતિ કરાવવામાં આવે છે ત્યાં થોડી મુશ્કેલી સર્જાઈ શકે છે.

તેઓ એવી આશંકા પણ વ્યક્ત કરે છે કે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલને બદલે અન્ય ડૉક્ટર્સ આ દવા લેવાની સલાહ આપવા લાગશે તો તેના જરૂર કરતાં વધુ વપરાશનું જોખમ પણ વધી જશે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનાં લક્ષણ

કૅનેડામાં રહેતાં પ્રિયા (સાંકેતિક નામ) પબ્લિક રિલેશન કંપનીમાં કામ કરે છે.

તેઓ કહે છે, "પ્રસૂતિના 20-25 દિવસ બાદ મારામાં એક અજબ પરિવર્તન આવવાનું શરૂ થયું હતું, જે એક પૅટર્ન જેવું બની ગયું હતું. હું આખો દિવસ ઠીક રહેતી હતી, પરંતુ રાતે બધા ઊંઘી જાય તેની રાહ જોતી હતી. લગભગ બે મહિના સુધી હું રાતે બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી (પરિવારના સભ્યોના જાગવાના સમય) હું રડતી રહેતી હતી."

"એ દરમિયાન મને ઘણા ખરાબ વિચાર આવતા હતા. જેમ કે, મને કશુંક થઈ જશે તો મારા સંતાનનું શું થશે? મારું સંતાન શ્વાસ લઈ રહ્યું છે કે નહીં? મારું સંતાન જરાય હલનચલન કર્યા વિના કેમ ઊંઘી રહ્યું છે? ઘણી વાર મને મારા સંતાન પર ગુસ્સો પણ આવતો હતો. આ સિલસિલો લગભગ બે મહિના સુધી ચાલતો રહ્યો હતો."

કોઈમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનાં લક્ષણો હોય તો તેની ઓળખ કેવી રીતે કરવી તેની વાત કરતાં ડૉ. ઋષિ કહે છે, “સૌથી પહેલાં તો પ્રસૂતામાં ઊર્જાની કમી દેખાશે. તેમને કોઈ ચીજમાં રસ હોતો નથી. તેમનો ઊંઘવાનો સમય બહુ ખરાબ થવા લાગે છે. આત્મવિશ્વાસ ઘટી જાય છે. નાની-નાની વાતમાં ચિડાઈ જાય છે."

ડૉ. અર્ચના ધવન બજાજના જણાવ્યા મુજબ, પોસ્ટપાર્ટમનાં આ તમામ લક્ષણો બે સપ્તાહથી વધુ સમય સુધી ચાલુ રહે તો તે ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરે છે. એ સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

તેઓ કહે છે, “પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને સાઈકોસિસના દર્દીઓને ઘણી વાર આત્મહત્યા કરવા સુધીના વિચાર પણ આવે છે. તેઓ નવજાત બાળકને નુકસાન પહોંચાડવાનું વિચારે છે. આવું વર્તન પોસ્ટપાર્ટમ સાઈકોસિસની ચરમસીમા હોય છે.”

પ્રિયા (સાંકેતિક નામ) કહે છે, “મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે એ હું જાણતી હતી. મેં જાતે જ ફિલ્મો જોવાનું બહાર જવાનું શરૂ કર્યું હતું. હું ધીરે-ધીરે એ પેટર્નમાંથી બહાર આવી શકી હતી. મેં કોઈ દવા લીધી ન હતી.”

જાગૃત રહેવું કેટલું જરૂરી છે?

ડૉ. અર્ચના ધવન બજાજ જણાવે છે કે જે સ્ત્રીઓ પોસ્ટપાર્ટમ બ્લૂઝ સામે ઝઝૂમી રહી હોય તેમને દવાની જરૂર પડતી નથી. પ્રસૂતિ પહેલાં તેમને તેમના પરિવાર સાથે જાગૃત કરવાથી મદદ મળી શકે.

તેઓ કહે છે, “બહુ ઓછી મહિલાઓને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં દવાની જરૂર પડે છે. દવા આપતા પહેલાં તેમને કાઉન્સિલિંગ, સાઈકો થૅરપી અને કોગ્નેટિવ થૅરપી વડે ઠીક કરવાના પ્રયાસ કરવામાં આવે છે. એ પછી તેમને વિટામિન બી12નો હાઈ ડોઝ આપવામાં આવે છે. તેનાથી ઘણી વાર ફાયદો થાય છે અને ઘણી વાર નથી થતો.”

તેઓ ઉમેરે છે, “આ ઉપચારથી ફાયદો ન થાય ત્યારે કેમિકલ ટ્રીટમેન્ટનો સહારો લેવામાં આવે છે. તેથી પોસ્ટપાર્ટમ બ્લૂઝનાં લક્ષણ નજરે પડે કે તરત જ તમે સચેત થઈ જાઓ તે જરૂરી છે. આ એ સમય હોય છે, જ્યારે તકલીફનું નિવારણ ઝડપથી કરી શકાય છે. તમે બ્લૂઝમાંથી ડિપ્રેશનમાં સરી પડો ત્યારે મુશ્કેલી વધી જાય છે.”