કૅન્સરના દર્દીઓને રૂ. 15 લાખની સહાય માટેની આ યોજના વિશે જાણો છો?

    • લેેખક, એ. કિશોરબાબુ
    • પદ, બીબીસી માટે
  • કેન્દ્ર સરકારે એક યોજના અમલમાં મૂકી છે જે ગરીબ વર્ગના કૅન્સરદર્દીઓને તેમના તબીબી ખર્ચ માટે રૂ. 15 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે
  • છેલ્લાં ચાર વર્ષમાં તેલંગાણામાંથી કોઈ આ યોજનાનો લાભ લઈ શક્યું નથી
  • કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો કે આંધ્રપ્રદેશના માત્ર 97 દર્દીઓએ તેનો લાભ લીધો છે
  • આ યોજના કેન્દ્ર દ્વારા નેશનલ હેલ્થ ફંડ સ્કીમ હેઠળ હેલ્થ મિનિસ્ટર કૅન્સર પેશન્ટ ફંડના નામે અમલમાં મૂકવામાં આવી છે

કૅન્સર સાવ મટી શકે તેવું દરદ તો નથી જ પણ સાથે તેની સારવાર ઘણી ખર્ચાળ પણ છે.

ગરીબો કૅન્સરની સારવારના ખર્ચથી ત્રાસી જાય છે કૅન્સરમાં સહાય માટે પણ ઘણી શરતો હોય છે.

જો કે, કેન્દ્ર સરકારે એક યોજના અમલમાં મૂકી છે જે ગરીબ વર્ગના કૅન્સરા દર્દીઓને તેમના તબીબી ખર્ચ માટે રૂ. 15 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે.

કમનસીબે, યોગ્ય પ્રચારના અભાવે, જનજાગૃતિના અભાવે અને અન્ય કારણોસર ગરીબ કૅન્સરના દર્દીઓ આ મૂલ્યવાન યોજનાનો લાભ લઈ શકતા નથી.

છેલ્લાં ચાર વર્ષમાં તેલંગાણામાંથી કોઈ આ યોજનાનો લાભ લઈ શક્યું નથી. કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો કે આંધ્રપ્રદેશના માત્ર 97 દર્દીઓએ તેનો લાભ લીધો છે.

આ યોજના કેન્દ્ર દ્વારા નેશનલ હેલ્થ ફંડ સ્કીમ હેઠળ હેલ્થ મિનિસ્ટર કૅન્સર પેશન્ટ ફંડના નામે અમલમાં મૂકવામાં આવી છે.

નેશનલ હેલ્થ ફંડ સ્કીમ શું છે?

જો કોઈ ગરીબ વ્યક્તિ કૅન્સરથી પીડિત હોય અને સારવાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તો આવા દર્દીઓને નાણાકીય સહાય આપવાના આશયથી કેન્દ્ર સરકાર દ્વારા 2009માં રજૂ કરવામાં આવેલી આ યોજના છે.

આ યોજના કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની દેખરેખ હેઠળ લાગુ કરવામાં આવી છે. નેશનલ હેલ્થ ફંડના ભાગ રૂપે હેલ્થ મિનિસ્ટર કૅન્સર પેશન્ટ ફંડની સ્થાપના કરવામાં આવી છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી રેખા નીચે જીવતા ગરીબોને કૅન્સરની સારવાર માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ માટે દેશના 27 પ્રાદેશિક કૅન્સર કેન્દ્રો (આરસીસી)માં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

કૅન્સરના દર્દીને કેટલા પૈસા આપવામાં આવે છે?

આ યોજના હેઠળ કૅન્સરના દર્દીની સારવાર માટે રૂપિયા બે લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. પરંતુ જો વધુ પૈસાની જરૂર હોય તો અરજીઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને મોકલવાની રહે છે.

કેન્દ્ર સરકાર કૅન્સરના દર્દીની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ જરૂરિયાતને આધારે વધુમાં વધુ રૂ. 15 લાખ સુધીની નાણાકીય સહાય આપે છે.

નાણાં માત્ર સારવાર માટે જ આપવામાં આવે છે?

હા. કેન્દ્ર દ્વારા આપવામાં આવતી 2 લાખ રૂપિયાની સહાય હોય કે મહત્તમ 15 લાખ રૂપિયાની સહાય, તેનો ઉપયોગ માત્ર કૅન્સરના દર્દીની સારવાર માટે જ કરવાનો હોય છે.

કૅન્સરના દર્દી આ પૈસાથી કેવા પ્રકારની સારવાર કરાવી શકે?

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ નાણાંનો ઉપયોગ કૅન્સરના દર્દી નીચેની સારવાર માટે કરી શકે છે.

  • રૅડિયેશન
  • કૅન્સર પ્રતિરોધી કીમોથેરાપી
  • બોનમૅરો ટ્રાન્સપ્લાન્ટેશન
  • ડાયગ્નૉસ્ટિક પરીક્ષણો
  • કૅન્સરની ગાંઠોનું ઑપરેશન

આ યોજના માટે કોણ પાત્ર છે?

દર્દી કેન્દ્ર સરકાર અથવા સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત ગરીબી રેખા નીચે હોવા જોઈએ.

રૅશન કાર્ડ અથવા સંબંધિત MMARO પાસેથી વાર્ષિક આવક ચકાસણી ફૉર્મ મેળવેલું હોવું જોઈએ.

કૅન્સર સ્ક્રીનીંગ ટેસ્ટના પ્રમાણપત્રો હોવા જોઈએ.

ખાનગી દવાખાનામાં સારવાર માટે સહાય મળી શકે?

નહીં, દેશમાં કૅન્સરના દર્દીઓ માટે 27 પ્રાદેશિક કૅન્સર કેન્દ્રો છે. આમાં જ માત્ર કૅન્સરના દર્દીઓએ સારવાર લેવાની રહેશે.

આ યોજના માત્ર કૅન્સર કેન્દ્રો અથવા ટેરિટરી કૅન્સર સેન્ટર અથવા સંબંધિત રાજ્ય સરકારી હૉસ્પિટલોના કૅન્સર કેન્દ્રોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને લાગુ પડે છે.

આ દરેક પ્રાદેશિક કૅન્સર કેન્દ્રોમાં એક અલગ ફંડની સ્થાપના કરવામાં આવી છે.

આ ફંડમાંથી કૅન્સરના દર્દીઓ માટે રૂ. 2 લાખનો કેન્દ્રીય સારવાર ખર્ચ આપવામાં આવશે.

જો રૂ.2 લાખથી વધુની સહાયની જરૂર હોય તો?

એવા કિસ્સામાં દર્દીએ કેન્દ્ર સરકારને અલગથી અરજી કરવી પડે.

તબીબી અધિકારીની ભલામણ સાથે પ્રાદેશિક કૅન્સર કેન્દ્રમાં અરજી કરવાની રહેશે.

કેન્દ્ર અરજી પર વિચાર કરશે અને જરૂરિયાતના આધારે વધુમાં વધુ રૂ. 15 લાખ સુધીની સહાય આપશે.

આ પૈસા કેટલા હપ્તામાં ચૂકવવામાં આવશે?

એક સામટી રકમ એક જ સમયે ચૂકવવામાં આવે છે.

આ પૈસાનો ઉપયોગ પહેલાં કરેલા તબીબી ખર્ચાઓ માટે કરી શકાય?

નહીં. અગાઉ સારવાર કરાવી હોય તો તે ખર્ચ માટે આ પૈસા આપવામાં આવતા નથી.

હાલમાં જે સારવાર મળી રહી છે તેના માટે જ ફંડ આપવામાં આવે છે.

આયુષ્માન ભારત યોજના હેઠળના લોકોને લાગુ પડે છે?

નહીં. જો તમે આયુષ્માન ભારત - પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજનાના સભ્ય હો તો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવતી આરોગ્ય વીમા યોજનાઓ, આ યોજના તેમને પણ લાગુ પડતી નથી.

આ યોજના એવા દર્દીઓને પણ લાગુ પડે છે જેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી સહાય મેળવી છે. પરંતુ આ રાહત ફંડમાંથી મળેલી રકમ આ યોજનામાંથી મંજૂર થયેલી રકમમાંથી કાપીને બાકીની રકમ કૅન્સરના દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવે છે.

શું સરકારી કર્મચારીઓ આ યોજના માટે પાત્ર છે?

પાત્ર નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી આ યોજના માટે પાત્ર નથી.

આ યોજના માત્ર ગરીબ લોકો માટે જ લાગુ કરવામાં આવી છે.

કૅન્સરના દર્દીને નાણાકીય સહાય કેવી રીતે આપવામાં આવે છે?

કેન્દ્ર સરકાર દ્વારા મળેલી અરજીઓની ચકાસણી કરવા અને લાભાર્થીઓની પસંદગી કરવા માટે એક તકનીકી સમિતિ હશે.

આ સમિતિ અરજીઓની ચકાસણી કરશે અને લાભાર્થીઓની પસંદગી કરશે.

અરજી કર્યાના કેટલા દિવસમાં નાણાં મંજૂર કરવામાં આવશે?

કેન્દ્ર સરકાર તરફથી અરજી મળ્યા બાદ, તમામ તપાસ કર્યા બાદ એક મહિનામાં દર્દીની સારવાર માટે નાણાં મંજૂર કરવામાં આવે છે.

શું આ પૈસા સીધા દર્દીના ખાતામાં જમા થશે?

ના. જ્યાં કૅન્સરના દર્દીની સારવાર ચાલી રહી હોય તે હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટના ખાતામાં જમા કરવામાં આવે છે.

દેશમાં પ્રાદેશિક કૅન્સર કેન્દ્રો કયા છે?

આ વેબ પોર્ટલમાં આ પ્રાદેશિક કૅન્સર કેન્દ્રોની સંપૂર્ણ વિગતો અને સરનામાં છે:

https://main.mohfw.gov.in/sites/default/files/Addresses%20Of%20Regional%20Cancer%20Centres.pdf

ગુજરાતમાં પ્રાદેશિક કૅન્સર કેન્દ્ર ક્યાં છે?

ગુજરાત રાજ્ય માટે પ્રાદેશિક કૅન્સર કેન્દ્ર અમદાવાદમાં આવેલું છે.

સરનામું:

ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ

સિવિલ હોસ્પિટલ કૅમ્પસ, અસારવા,

અમદાવાદ-380 016.

ગુજરાત, ભારત

ફોન: +91-79- 2268 8000

ફેક્સ: +91-79-2268 5490

ઈ-મેલ:[email protected]

ઑફલાઇન કેવી રીતે અરજી કરવી?

સૌપ્રથમ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.

આ અરજી નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ છે.

https://main.mohfw.gov.in/sites/default/files/45662929341448017999_0.pdf

વિગતો ભરેલી અરજી સાથે દર્દીની સારવાર કરતા હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અથવા મેડિકલ ઓફિસર અથવા હોસ્પિટલના વિભાગના વડાના સહી-સિક્કા જરૂરી છે.

અરજી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે નીચેના સરનામે મોકલવી

સેક્સન ઓફિસ, અનુદાન વિભાગ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રૂમ નં.541, એ-વિંગ, નરીમાન ભવન

નવી દિલ્હી-110011

વધુ વિગતો માટે સંપર્ક કરવા માટે ઈ-મેલ એડ્રેસ