ખરાબ યાદોને ભૂલવા માટે આપણે ભવિષ્યમાં લાઇટ કે સાઉન્ડની ગોળીઓ ખાવી પડશે?

યુલીસીસ વિશે વર્ષોથી કશું સાંભળવા મળ્યું નથી. તે કદાચ ટ્રોજનના યુદ્ધમાં મૃત્યુ પામ્યો હોત. તેનાં પુત્રી ટેલેમેકસ પિતા વિશે માહિતી મેળવવા મેનેલોસ અને તેનાં પત્ની હેલેનાને મળે છે. તે એક ભોજનસમારંભમાં હાજરી આપે છે, જ્યાં મેનેલોસ ઇથાકાના રાજાના પરાક્રમોને યાદ કરે છે.

એ વખતે તેને યાદ કરતાં તમામ લોકો ઊંડો વિષાદ અનુભવે છે, પરંતુ એલેના એ બધાને વિસ્મૃતિનું પીણું નેપેન્થેસ પીરસવાનો આદેશ નોકરોને આપે છે.

એલેના કહે છે, "જે વ્યક્તિ એ પીણું પીશે તેની તમામ બીમારી મટી જશે અને તેમને ઉદાસીનો અનુભવ નહીં થાય, કારણ કે આ પીણું તેમની પીડાદાયક સ્મૃતિ ભૂલાવી દેશે." એ પછી બધા લોકો ખુશખુશાલ થઈ જાય છે.

ઓડિસીના ચોથા ગીતમાં કવિ હોમરે આ વર્ણન કર્યું છે. સવાલ એ છે કે આઘાતજનક સ્મૃતિને ભૂલી જવી સરળ છે? તેની સાબિતીના કોઈ વૈજ્ઞાનિક પુરાવા છે?

  • આપણા મગજમાં ખરાબ યાદોનો સંગ્રહ કરવાની એક ચોક્કસ વ્યવસ્થા છે
  • ઘણી વખત આ યાદો એટલી દર્દનાક હોય છે કે આપણને લાગે છે કે કંઈક કરીને આ બધું ભૂલી જવાય તો સારું
  • ઘણી વાર આવી સ્મૃતિઓ માનસિક વિકારનું કારણ પણ બની જાય છે
  • પરંતુ શું આવું શક્ય છે? જાણો આ અહેવાલમાં

ખરાબ સ્મૃતિની યાદ

દિવસ દરમિયાન બનતી અનેક બાબતોનો આપણી સ્મૃતિમાં સંગ્રહ થતો હોય છે, પરંતુ એ પૈકીની મોટાભાગની આખરે ભુલાઈ જાય છે. અલબત્ત, આપણા દિમાગમાં ખરાબ યાદોના સંગ્રહ કરવાની ચોક્કસ વ્યવસ્થા હોય છે. આપણા ચેતાતંત્રમાં પ્રોટીન સંશ્લેષણ તથા સેલ્યુલર ઊર્જાના વપરાશ વડે ચોક્કસ ન્યૂરલ સર્કિટમાં ફેરફાર જરૂરી હોય છે.

વિચિત્ર વાત એ છે કે સ્મૃતિના સંગ્રહના તમામ પ્રયાસના મનોવૈજ્ઞાનિક પરિણામનો સામનો આપણે કરવો પડે છે અને તે ઘણીવાર પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડરનું કારણ બને છે. આવું શા માટે થાય છે?

નકારાત્મક અનુભવો લાગણી સાથે મજબૂત રીતે સંકળાયેલા હોય છે અને આપણું મગજ તેમની ઉપયોગીતાના આધારે તેનું વર્ગીકરણ અને સંગ્રહ કરે છે, કારણ કે લાગણી સાથે જોડાયેલી બાબતો આપણા અસ્તિત્વ માટે ઉપયોગી હોય છે.

આપણે શહેરના જોખમી વિસ્તારમાંથી પસાર થતા હોઈએ છીએ ત્યારે ડરેલા હોઈએ છીએ. દિમાગ તે અનુભવનો સંગ્રહ કરે છે, જેથી આપણે ફરી તેવું ન કરીએ.

અનુભવ ખરેખર આઘાતજનક હોય ત્યારે પરિસ્થિતિ જટિલ બને છે. પ્રસ્તુત કિસ્સામાં આપણું વિચાર કરતું અંગ આવા અનુભવોને છુપાવતું હોય છે.

જાતના રક્ષણ માટે તે સારું છે, પરંતુ ખરાબ સ્મૃતિ ગમે તે કારણસર ફરી દિમાગમાં ચમકે ત્યારે સમસ્યા સર્જાય છે. વિશ્લેષણ વિના સંઘરાયેલા અનુભવો સાથે કામ પાર પાડતી વખતે મોટું નુકસાન થઈ શકે છે.

દર્દનાક અનુભવો પર પૂર્ણવિરામ માટે પ્રકાશ અને ધ્વનિ

ન્યૂરોસાયન્સને આ કોયડાના કેટલાક ટુકડા મળી ગયા હોય એવું લાગે છે. તે આપણને મદદ કરી શકે છે.

કોઈ સ્મૃતિને સાચવી રાખવી કે ભૂંસી નાખવી તે નક્કી કરવામાં બહુ નાની બાબત પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

દાખલા તરીકે પ્રકાશ. તે બહુ સામાન્ય છે અને તેની બધાને અસર થાય છે. એક ચોક્કસ પ્રકારની માખીને અંધારામાં રાખવામાં આવે ત્યારે તે દર્દનાક અનુભવોને ભૂલી શકે છે.

તેનું કારણ છે પ્રોટીન, જે સ્મૃતિના મોડ્યુલેટર તરીકે કામ કરે છે. અન્ય શબ્દોમાં કહીએ તો આ માણસ સહિતનાં તમામ પ્રાણીમાં હોય છે.

આ સ્પષ્ટતા વધુ સરળ છે : પ્રકાશ, મેમરી મેન્ટનન્સ સહિતની મગજની ક્રિયાઓના મોડ્યુલેટર તરીકે કામ કરે છે.

ધ્વનિ, ખાસ કરીને આપણે ઊંઘતા હોઈએ ત્યારે, બીજી મહત્ત્વની બાબત છે. મેમરી પ્રોસેસિંગ માટે ઊંઘ મહત્ત્વની છે.

દિવસ દરમિયાન આપણું મગજ સ્મૃતિનો સંગ્રહ કરે છે અને રાતે તેને અપડેટ કરે છે. આ રીતે તાજી સ્મૃતિ, રાતે આરામ દરમિયાન લાંબા ગાળાની સ્મૃતિમાં પરિવર્તિત થાય છે.

તેનાથી વિપરીત પ્રક્રિયા પણ થઈ શકે છે. નકારાત્મક અનુભવને સ્મૃતિમાંથી ભૂંસી નાખવા માટે શ્રવણશક્તિનો ઉપયોગ કરી શકાય છે. આ વાતની ઇંગ્લૅન્ડની યોર્ક યુનિવર્સિટીના સંશોધકોએ પુષ્ટિ કરી છે.

આ પ્રકારના અભ્યાસો હાલ પ્રાયોગિક તબક્કામાં હોવા છતાં તે એવી ભાવિ ઉપચાર પદ્ધતિ વિકસાવવામાં મદદરૂપ બની શકે છે, જે આપણે ઊંઘતા હોઈએ ત્યારે શ્રવણશક્તિની મદદ વડે દર્દનાક સ્મૃતિને નબળી પાડવામાં મદદરૂપ થાય.

આશાસ્પદ દવાઓ

તમારા પૈકીના કેટલાક એવો સવાલ થશે કે ખરાબ યાદને ભૂલવા માટે આપણે ભવિષ્યમાં લાઇટ કે સાઉન્ડની ગોળીઓ ખાવી પડશે?

આ સવાલનો જવાબ અમારી પાસે નથી, પરંતુ દર્દનાક સ્મૃતિને ભૂંસવામાં મદદરૂપ બની શકે તેવી કેટલીક દવા ઉપલબ્ધ હોવાના વૈજ્ઞાનિક પુરાવા આપણી પાસે છે.

દાખલા તરીકે, પ્રોપ્રાનોલોલ. આ દવાનો ઉપયોગ આર્ટેરિયલ હાયપરટેન્શનના ઉપચાર માટે થાય છે અને તે પ્રાણીઓને આઘાતજનક અનુભવ ભૂલવામાં મદદરૂપ થાય છે.

તેની ચાવી ચેતાકોષમાંના પ્રોટીનમાં હોઈ શકે. સ્મૃતિને બદલવી કે નહીં, તેનો નિર્ણય આ પ્રોટીન કરે છે. પ્રોટીન તૂટી જાય તો સ્મૃતિને સુધારવી શક્ય બની છે અને તે ન તૂટે તો સ્મૃતિ યથાસ્વરૂપે જળવાયેલી રહે છે.

આ પ્રયોગો પ્રાણીઓ ઉપર હાથ ધરવામાં આવ્યા છે તે હકીકત છે, છતાં ચેતાતંત્રનો અભ્યાસ કરવા માટે તે એક ઉત્તમ મૉડલ છે. બન્નેનાં મગજ લગભગ સમાન છે, પરંતુ માનવમગજ વધારે જટિલ છે.

હકીકત એ છે કે દર્દનાક સ્મૃતિઓને ભૂલવી બહુ મુશ્કેલ હોય છે અને જેને તેનો અનુભવ થયો હોય એ માણસ પર તેની માઠી અસર થાય છે.

લંડન યુનિવર્સિટી કૉલેજના સંશોધકો પણ આવું જ વિચારે છે. સંધિવાના ઉપચાર માટે વાપરવામાં આવતી હાઇડ્રોકોર્ટિઝોન નામની દવા,

કડવી સ્મૃતિ ભૂલવાની પ્રક્રિયામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે એ વિશેના અભ્યાસનાં તારણ આ સંશોધકોએ તાજેતરમાં જ પ્રકાશિત કર્યાં હતાં.

રસપ્રદ વાત એ છે કે પુરુષો તથા સ્ત્રીઓ પરની તેની અસર, બન્નેનાં શરીરમાંના સેક્સ હોર્મોનના પ્રમાણ અનુસાર, અલગ-અલગ જોવા મળી હતી.

દાખલા તરીકે એસ્ટ્રોજેનનું ઊંચુ પ્રમાણ ધરાવતા પુરુષોના દિમાગમાં ઓછી દર્દનાક સ્મૃતિ સંઘરાયેલી હતી.

સ્ત્રીઓના કિસ્સામાં તેથી વિપરીત સ્થિતિ જોવા મળી હતી. સ્ત્રીઓમાં એસ્ટ્રોજેનના વધુ પ્રમાણે તેમને હાઈડ્રોકોર્ટિઝોન ટ્રીટમેન્ટ પછી ખરાબ સ્મૃતિ પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવી હતી.

આ બાબત દર્શાવે છે કે એક જ દવાની કેટલીક વ્યક્તિઓમાં તદ્દન વિપરીત અસર જોવા મળી શકે છે. તેથી જાતિના સંદર્ભમાં આ સંશોધન મહત્ત્વનું છે.

હાલ હાઈડ્રોકોર્ટિઝોન, આઘાત પછી તરત કે ઊંઘતા પહેલાં આપવામાં આવ્યું ત્યારે જ પ્રભાવશાળી સાબિત થયું છે.

તેમ છતાં, ભૂલી જવાની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા અને લાંબા ગાળાની મનોવૈજ્ઞાનિક તકલીફને મર્યાદિત કરવાની આશામાં વિજ્ઞાન આગળ વધી રહ્યું છે.

આ પ્રકારના અભ્યાસની કેટલીક મર્યાદા છે તે વાત સાચી છે. જેમકે, આઘાતજનક સ્મૃતિને જે રીતે ઉત્તેજિત કરવામાં આવે છે તે વાસ્તવિક જીવનમાં માઠા અનુભવ પછીની સ્મૃતિની તીવ્રતાને પ્રતિબિંબિત કરી શકતી નથી.

તેમ છતાં, તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસનો ભોગ બનેલા લોકો માટે નવી સારવારના અભ્યાસના દરવાજા જરૂર ઉઘાડે છે. વ્યક્તિને સામાન્ય જીવન જીવતાં અટકાવતી ખરાબ સ્મૃતિને ભૂંસી નાખવાની શક્યતાના દ્વાર પણ તે કદાચ ખોલે છે.

ભવિષ્યમાં શું થશે તે આપણે જાણતા નથી, પરંતુ તમને આશ્ચર્ય થતું હોય તો અમે તમને 2004ની ફિલ્મ 'ફરગેટ મી, ફરગેટ મી નોટ' જોવાની ભલામણ કરીએ છીએ. તેમાંથી કદાચ તમને કોઈ સંકેત મળશે.

(જોસ એ. મોરાલેસ ગાર્સિયા સ્પેનની કોમ્પ્લ્યુટેન્સ યુનિવર્સિટી ઑફ મેડ્રિક ખાતે ન્યૂરોસાયન્સના પ્રોફેસર અને વૈજ્ઞાનિક સંશોધક તરીકે કાર્યરત્ છે)