શિયાળામાં ખૂબ ગરમ પાણીથી નહાવાથી વાળ ખરવાની સમસ્યા વધી જાય?

  • શું ખૂબ ગરમ પાણીથી વાળ ધોવું હિતાવહ છે?
  • ગરમ પાણીથી વાળ ધોવાથી વાળ શુષ્ક થઈ જતા હોવાનું મનાય છે
  • પરંતુ આ વાતમાં તથ્ય કેટલું?
  • વાળની સંભાળ રાખવા માટે શું કરવું?

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઠંડીનું જોર ધીમેધીમે ઘટી રહ્યું છે. ઘણી જગ્યાઓએ તાપમાન સામાન્ય સ્તર કરતાં ખૂબ ઘટી ગયું હોવાનું નોંધાયું હતું.

શિયાળામાં ગરમ પાણીએ નહાવાનું યોગ્ય મનાય છે. પરંતુ ઘણા એવું પણ માને છે કે ગરમ પાણીએ નહાવાથી વાળ અને ત્વચા પર અવળી અસર પડે છે.

સામાન્ય માન્યતા અનુસાર જો ખૂબ ગરમ પાણીએ નહાવામાં આવે તો વાળ શુષ્ક થઈ જાય છે. ત્વચા પર અવળી અસર પડે છે.

પરંતુ આ વાત તથ્ય કેટલું છે? આ અંગે વિગતવાર વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતનો સંપર્ક સાધ્યો હતો.

શું ગરમ પાણીથી નહાવાથી વાળ ખરેખર શુષ્ક થઈ જાય?

રાજકોટના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સ્મિત ઠક્કરને જ્યારે પુછાયું કે શું શિયાળામાં ખૂબ ગરમ પાણીથી નહાવું એ હિતાવહ છે કે કેમ?

ત્યારે તેમણે આ વિષય અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “આમ તો ખૂબ ઠંડા કે ગરમ પાણીથી નહાવું એ હિતાવહ નથી જ.”

“પરંતુ એ વાતના પણ કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે ખૂબ ગરમ પાણીથી નહાવાથી વાળ શુષ્ક થઈ જાય છે. કારણ કે વાળ તો ખરેખર ડેડ સેલ છે, તેથી ખૂબ ગરમ કે ઠંડા પાણીની વાળ પર એટલી અસર થતી નથી. પરંતુ હા શરીર પર તેની માઠી અસર જરૂર પડી શકે છે.”

તેઓ જણાવે છે કે, “સામાન્યપણે એવું મનાય છે કે ખૂબ ઠંડા પાણીથી નહાવાથી માથામાં ખોડો થઈ જાય છે પરંતુ એવું નથી હોતું, બૉડીના તાપમાન જેટલા કે તેનાથી થોડા ઓછા ગરમ પાણી વડે નહાવું એ હિતાવહ છે.”

ડૉ. સ્મિત ઠક્કર આગળ જણાવે છે કે, “જો ખૂબ ઠંડા પાણીથી નહાવામાં આવે તો પણ બૉડીને શૉક લાગે છે. જે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. પરંતુ જો ખૂબ ગરમ પાણીથી નહાવામાં આવે તો પણ ખૂબ વધારે પરસેવો થવો કે શારીરિક અન્ય તકલીફો પેદા થવા જેવી મુશ્કેલીઓ આવી શકે છે.”

વાળ શું છે?

વાળ એ દોરા જેવી સૂક્ષ્મ વસ્તુ છે જે મનુષ્યની સ્કૅલ્પ પર ઊગે છે અને તે બે ભાગોમાં વિભાજિત હોય છે.

એક ભાગ હોય છે આંતરિકભાગ જે મૂળિયાં અને નાની ગ્રંથિઓથી બનેલો હોય છે. જ્યારે બહારનો ભાગ દાંડી આકારના સૂક્ષ્મ દોરા જેવો હોય છે જે વાળના સ્વરૂપમાં આપણે બહાર જ જોઈ શકીએ છીએ.

સ્કૅલ્પ અને વાળના રોગોના નિષ્ણાત ડૉ. શેરન વોંગ બીબીસીના ક્રાઉડસાયન્સ પ્રોગ્રામમાં જણાવે છે, "આ સૂક્ષ્મ દોરો એ જીવિત હોતો નથી. મુખ્યરૂપે આપણી પાસે નાની ગ્રંથિઓ હોય છે તે જીવિત હોય છે અને ફાઇબર તરીકે મૃત ભાગ હોય છે જે સ્કૅલ્પની બહાર આવે છે. તેની આપણે હંમેશાં કાળજી રાખીએ છીએ."

વાળની ગ્રંથિઓ સ્કૅલ્પમાં ટ્યૂબ આકારની હોય છે જે મૂળિયાં બંધ કરે છે અને ત્યાંથી વાળનો વિકાસ શરૂ થાય છે.

દરેક વાળમાં પોતાની ગ્રંથિઓ હોય છે, જેની ઊંડાઈ અલગ-અલગ હોય છે.

"આપણા શરીરમાં કંઈક પાંચ મિલિયન જેવી વાળની ગ્રંથિઓ છે જેનાથી વાળનો વિકાસ થાય છે."

ચોંકાવનારી વાત એ છે કે ગ્રંથિઓ પોતાને ફરીથી પુનર્જીવિત કરી શકે છે એટલે કે જ્યારે પણ કોઈ વાળ પ્રાકૃતિક રીતે ખરે છે, ત્યારે ત્યાં તે વાળની જગ્યા બીજો વાળ લઈ લે છે.

જો તમે ધ્યાનથી જુઓ તો વાળના અંતમાં બલ્બ જેવો આકાર હોય છે જે વાળની ગ્રંથી સાથે જોડાયેલો હોય છે. એ ભાગને ડર્મલ પૅપીલા કહેવામાં આવે છે.

ડૉ. વોંગ કહે છે, "આપણા બધાના વાળ વધવાની રીત આનુવંશિક હોય છે. એટલે જ કેટલાક લોકોના વાળ માત્ર ખભા સુધીના હોય છે જ્યારે કેટલાક લોકોના વાળ જમીન સુધી પહોંચતા હોય છે."

વાળના વિકાસ બાદ વાળની ગ્રંથિઓ વિરામ લે છે અને પછી તે વધવાનું બંધ કરી દે છે.

ત્યારબાદ વાળ ખરવા લાગે છે અને વાળનો વિકાસ ફરી શરૂ થવા લાગે છે.

સ્વસ્થ વાળ એટલે શું?

ડૉ. શેરન વોંગના જણાવ્યા પ્રમાણે જૈવિક રીતે વાળ એ કોઈ સજીવ વસ્તુ નથી, તેનો એવો મતલબ નથી કે સ્વસ્થ અને અસ્વસ્થ વાળ વચ્ચે કોઈ તફાવત નથી.

તેઓ કહે છે, "જો તમે ખરાબ ન થયેલા વાળના ભાગને માઇક્રોસ્કૉપમાં નાખીને જુઓ, તો તમે શકો છો કે તે એક રક્ષકચર્મ હોય છે. તે સૉફ્ટ અને સીધો હોય છે. આ ભાગ તમારા વાળ પર એક સુરક્ષાત્મક કવચ તરીકે હોય છે જે ગરમી અને કેમિકલથી વાળને બચાવે છે."

"પરંતુ સમયની સાથે આપણી અલ્ટ્રાવાયૉલેટ કિરણોનો વધારે સામનો કરીએ છીએ, તેના કારણે આ રક્ષકચર્મ ખરાબ થઈ જાય છે. જ્યારે તમે વાળના નુકસાન પામેલા ભાગને માઇક્રોસ્કૉપમાં જુઓ છો તો દેખાય છે કે તે ભાગ સ્વસ્થ અને સીધો નથી દેખાતો."

નુકસાન પામેલા રક્ષકચર્મથી વાળ વધારે છિદ્રાળુ બની જાય છે. જેનો મતલબ છે કે કેમિકલ, ગરમી અને તેનાથી થતું નુકસાન વાળના કેન્દ્રમાં પહોંચી જાય છે અને તેને આંતરિક રીતે ખરાબ કરી નાખે છે.

આ નુકસાન વાળના છેડે જોવા મળે છે, જેમાં વાળના બે ટુકડા થયેલા દેખાય છે જેને આપણે સામાન્ય ભાષામાં સ્પ્લિટ ઍન્ડ્સ કહીએ છીએ. વાળ તેવી પરિસ્થિતિમાં વધારે નબળા બની જાય છે અને તે પોતાનો પ્રાકૃતિક રંગ પણ ગુમાવી દે છે.

તો આપણે આપણા વાળના આકારને સ્વસ્થ જાળવી રાખવા શું કરવું જોઈએ? શું આપણે હેર ડ્રાયર કે સ્ટ્રેટનરનો ઉપયોગ ન કરવો જોઈએ?

તેના જવાબમાં ડૉ. વોંગ કહે છે, "તે તેના પર નિર્ભર કરે છે કે ગરમીની તીવ્રતા કેટલી છે અને તમે તેનો ઉપયોગ કેટલીવાર કરો છો."

"ઉદાહરણ તરીકે જો તમે કોઈ સ્ટ્રેટનર તમારા વાળ પર વાપરો છો તો તેનું તાપમાન 180 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોવું જોઈએ. જો તાપમાન તેના કરતાં વધારે હશે તો તે નક્કી તમારા વાળ અને તેના પ્રોટિનને નુકસાન પહોંચાડશે. એ વસ્તુ ન ભૂલવી જોઈએ કે તમારા વાળમાં 90 ટકા પ્રોટિન હોય છે."

"પરંતુ જો તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં બે-ત્રણ વખત કરતા હો તો તમારા વાળ વધારે નબળા બની શકે છે."

કેટલી વખત વાળ ધોવા જોઈએ?

આપણે શૅમ્પૂ અને કંડિશનરનો કેટલો ઉપયોગ કરવો જોઈએ?

નિષ્ણાત જણાવે છે, "શૅમ્પૂનો ઉદ્દેશ આપણા માથાની ચામડીને સ્વચ્છ કરવાનો હોય છે. કંડિશનર વાળ માટે હોય છે જે વાળને પોષણ આપે છે અને તેને ખરાબ થવાથી બચાવે છે."

"વાળ ધોવાની વાત કરીએ તો તેને કેટલી વખત ધોવા તે અલગ અલગ વ્યક્તિ પર આધારિત હોય છે. જો તમે એવી વ્યક્તિ છો જેના વાળ વધારે ઑઇલી છે અને તમારી માથાની ચામડી પણ ઑઇલી રહે છે તો તમારે વાળ દરરોજ ધોવા જોઈએ."

"જો તમારા માથાની ચામડી સૂકી છે, તો તેને દરરોજ ધોવાની સલાહ આપી શકાતી નથી. વાળ ધોવા અને લાઇફસ્ટાઇલ વચ્ચે પણ સંબંધ છે. જો તમે ઘણી બધી હેર પ્રૉડક્ટનો ઉપયોગ કરો છો તો હું સલાહ આપીશ કે તમે દરરોજ દિવસના અંતે વાળ ધોશો."