ગર્ભમાંથી જ બાળકની સ્વાદ અને સૂંઘવાની સમજણ વિકસિત થાય છે?

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • ઇંગ્લૅન્ડની યુનિવર્સિટીએ 100 ગર્ભવતી મહિલાઓ પર સંશોધન કર્યું અને શોધ્યું કે ગર્ભમાં રહેલાં બાળકોના ચહેરા પર ખાવાની કૅપ્સૂલને લઈને પ્રતિક્રિયા જોવા મળી રહી છે
  • આ સંશોધનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે માતા જે પણ કંઈ ખાય છે, એ સંભવિત રીતે બાળકના સૂંઘવા અને ટેસ્ટ સેન્સને પણ પ્રભાવિત કરી શકે છે
  • ડરહમના સંશોધનકર્તા બેયજા ઉસ્તુને આ શોધનું નેતૃત્વ કર્યું હતું, જેમાં માતાઓને લીલાં શાકભાજી અને ગાજરની એક-એક કૅપ્સૂલ આપવામાં આવી

તમારા ગર્ભમાં રહેલા બાળકને પણ સ્વાદની ખબર પડે છે અને તેના પર તે પ્રતિક્રિયા પણ આપે છે, આ વાત એક સંશોધન દ્વારા સામે આવી છે.

રેશમા આ સવાલ સાંભળીને જ ફોન પર હસી પડે છે અને કહે છે કે ખબર ન હતી, પણ સાંભળીને સારું લાગી રહ્યું છે.

તેઓ ત્રીજી વાર માતા બન્યાં છે. તેઓ કહે છે કે, "જ્યારે પહેલી વાર મને ગર્ભ રહ્યો ત્યારે ખાટું ખાવાનું મન થતું, બીજી વારના ગર્ભ વખતે હું બીમાર રહી અને ત્રીજી વાર મને ચટપટું ખાવાનું મન થતું હતું."

"એ સાંભળીને સારું લાગ્યું કે બાળકોને પણ સ્વાદ આવે છે. હું ચટપટું ખાઉં છું એટલે કદાચ મારા ગર્ભમાં વિકસી રહેલા બાળકને પણ ચટપટું ખાવાનું ગમી રહ્યું હશે."

ગર્ભમાં વિકસી રહેલા બાળકને પણ સ્વાદનો અહેસાસ થાય છે અને તેઓ સૂંઘવાની ક્ષમતા પણ ધરાવે છે - આ ખોટું નથી પરંતુ એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.

યુનિવર્સિટી ઑફ ડરહમ અને એસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર, એક માતા જે પણ ખાય છે, તેના પર ગર્ભમાં વિકસી રહેલું બાળક પણ પ્રતિક્રિયા આપે છે.

સંશોધનમાં શું સામે આવ્યું?

ઇંગ્લૅન્ડની આ યુનિવર્સિટીએ 100 ગર્ભવતી મહિલાઓ પર સંશોધન કર્યું અને શોધ્યું કે ગર્ભમાં વિકસી રહેલાં બાળકોના ચહેરા પર ખાવાની કૅપ્સ્યૂલને લઈને પ્રતિક્રિયા જોવા મળી હતી.

ડરહમના સંશોધક બેયજા ઉસ્તુને આ સંશોધનનું નેતૃત્વ કર્યું હતું, જેમાં માતાઓને લીલાં શાકભાજી અને ગાજરની એક-એક કૅપ્સ્યૂલ આપવામાં આવી હતી.

કૅપ્સ્યૂલ આપ્યા પહેલાં અને એ બાદ ગર્ભમાં વિકસી રહેલા બાળકના ચહેરાનો અભ્યાસ કરવામાં આવ્યો, તેમાં જાણવા મળ્યું કે જ્યારે બાળક સુધી ગાજરની કૅપ્સ્યૂલનો સ્વાદ પહોંચ્યો ત્યારે બાળકનો 'હસતો ચહેરો' જોવા મળ્યો.

જ્યારે માતાને લીલાં શાકભાજીની કૅપ્સૂલ આપવામાં આવી, તો બાળકે 'રડવા જેવો ચહેરો' બનાવીને પ્રતિક્રિયા આપી હતી.

બેયજાએ જણાવ્યું કે, "સ્કૅન દરમિયાન કેળાં અને ગાજર આપ્યાં બાદ ગર્ભમાં રહેલાં આ બાળકોની પ્રતિક્રિયા જોવાની પ્રક્રિયા અને માતાપિતા સાથે એ પળ શૅર કરવાનો અનુભવ પણ અદભુત હતો."

સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા

એક ગર્ભવતી મહિલામાં ઍન્મિઓટિક ફ્લુઇડ હોય છે અને તેમાં જ બાળક તરે છે. એક ગર્ભવતી મહિલા જે પણ ખાય તે ગર્ભમાં વિકસી રહેલું બાળક એન્મિઓટિક ફ્લુઇડ દ્વારા ચાખી શકે છે.

આ સંશોધનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે માતા જે કઈ પણ ખાય છે, એ સંભવિત રીતે બાળકના સૂંઘવા અને ચાખી શકવાની સેન્સને પણ પ્રભાવિત કરે છે.

સ્ત્રીરોગમાં વિશેષજ્ઞ ડૉક્ટર ભાવના ચૌધરી કહે છે કે ટ્રાઇમેસ્ટર (0-13 અઠવાડિયાં) સુધી ગર્ભમાં વિકસી રહેલા બાળકની સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા વિકસવા લાગે છે અને બીજા (14-26 અઠવાડિયાં) અને ત્રીજા ટ્રાઇમેસ્ટર સુધી તો વધુ સારી રીતે વિકસવા લાગે છે.

ગર્ભવતી મહિલાના શરીરમાં જે ઍન્મિઓટિક ફ્લુઇડ હોય છે, એ દ્વારા જ ગર્ભમાં વિકસી રહેલા બાળક પાસે સ્વાદ પણ પહોંચે છે અને આગળ જઈને આ ફ્લેવર બાળકની પસંદ અને નાપસંદને પણ પ્રભાવિત કરી શકે છે.

વર્ધમાન મહાવીર મેડિકલ કૉલેજ અને સફદરજંગ હૉસ્પિટલમાં મુખ્ય ચિકિત્સા અધિકારી અને સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉક્ટર યામિની સરવાલ કહે છે કે ગર્ભવતી મહિલા અને ગર્ભમાં વિકસી રહેલું બાળક એ એક જ યુનિટ હોય છે, એવામાં તે જે ખાય છે, એ બધું જ બાળકોને પણ મળે છે, જેનાથી તેનો વિકાસ પ્રભાવિત થાય છે.

એક ગર્ભવતી મહિલા જે ચીજોનું સેવન કરે છે, તેની અસર શું મોટા થઈને બાળકોની ખાવાની પસંદગી પર પણ પડે?

સાયન્સ ડેલીમાં છપાયેલા લેખ અનુસાર, એક ગર્ભવતી મહિલા જે ડાયટ લઈ રહી છે, એ ગર્ભમાં વિકસી રહેલા બાળકને સૂંઘવા અંગે અને ફ્લેવર વિશે સંવેદનશીલ બનાવે છે. આ લેખનો સ્રોત યુનિવર્સિટી ઑફ કોલોરાડો છે.

ડૉક્ટર ભાવના ચૌધરીનું કહેવું છે કે, "માની લો કે ગર્ભાવસ્થા દરમિયાન એક મહિલાએ ફળોનું વધુ સેવન કર્યું છે, તો શક્ય છે કે જન્મ પછી બાળકને પણ ફળ ખાવાનું ગમે, કારણ કે ઍન્મિઓટિક ફ્લુઇડમાં જે પ્રકારના ફ્લેવર વધુ હોય તેનું બાળકો પર રિપિટેડ ઍક્સપોઝર જોવા મળે છે."

ખુશી અને તણાવ આપનારા હોર્મોન

આ વાતને આગળ વધારતા ડૉક્ટર યામિની સરવાલ કહે છે કે, "ગર્ભવતી મહિલા જો કંઈક મજા લઈને ખાય છે, તો એ પૅરાસિમ્પેથેટિક હોર્મોન જેને હૅપી હોર્મોન કહી શકીએ છે, એ બાળકોને મળશે."

"સાથે જ કોઈ વસ્તુ જે એમને પસંદ નથી અને તેમને ખાવી પડી રહી છે તો સિમ્પેથેટિક હોર્મોન મળશે એટલે કે તણાવ આપનારા હોર્મોન બાળકોમાં આવશે. જે આગળ જઈને બાળકોના ખાવાની આદતને પ્રભાવિત કરશે."

લોકોને તેમના જીવન અનુસાર, અલગ-અલગ સ્વાદ ગમી શકે છે. પરંતુ બાળકના જન્મ પછી તમે તેમને જે રીતનું ખાવાનું આપી રહ્યા છો, તેનાથી તેમની પસંદ બદલાઈ પણ શકે છે.

બંને ડૉક્ટર સલાહ આપે છે કે ગર્ભાવસ્થાને લઈને હવે લોકો ઘણા જાગૃત થઈ ગયા છે અને મહિલાઓ ડાયટ, યોગ અને કસરતનું મહત્ત્વ પણ હવે સમજે છે.

અહીં એ જોવાની જરૂર છે કે એક ગર્ભવતી મહિલા શું ખાઈ રહી છે, શું વિચારી રહી છે અથવા તેમની મન:સ્થિતિ કેવી છે, કારણ કે તેની અસર બાળકના હોર્મોન પર પણ પડે છે.

એવામાં તેઓ જો હકારાત્મક રહેશે તો એવી જ ઊર્જાનો સંચાર બાળકમાં પણ થશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો