You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Molar pregnancy : 'પેટ વધારે મોટું થવા લાગ્યું કે જોડિયાં બાળકો હશે, પણ પરિસ્થિતિ આશ્ચર્યજનક હતી'
- લેેખક, ડૉ. શૈલજા ચંદુ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"શું વાત કરો છો ડૉક્ટરસાહેબ? તમે કહો છો કે, 'પ્રેગનન્સી છે'. પરંતુ તમે એવું શા માટે કહો છો કે સ્કેનમાં કોઈ બાળક દેખાતું નથી?" વ્યાકુળ પતિ મોટા અવાજે ડૉક્ટરને પૂછી રહ્યા છે.
ડૉક્ટરે તેમને બેસી જવા જણાવ્યું અને કહ્યું, "હા, આવું ક્યારેક થતું હોય છે. આ એક વિશેષ પરિસ્થિતિ છે."
અહીં જે મહિલાની વાત ચાલે છે તેમને ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો ચાલતો હતો.
"તેમનું પેટ ઘણું મોટું થઈ ગયું છે, તેથી અમને લાગ્યું કે ગર્ભમાં કદાચ જોડિયાં બાળકો હશે. તેમને વારંવાર ઊલટી થાય છે. પ્રેગનન્સીના હોર્મોન્સ (અંતઃસ્ત્રાવો) પણ ઘણા વધારે છે. લાખોમાં સંખ્યા છે. હોર્મોનનું પ્રમાણ આટલું ઊંચું હોય ત્યારે સ્કૅન વખતે ભ્રૂણ દેખાવું જોઈએ. પરંતુ તમે કહો છો કે અંદર કોઈ ભ્રૂણ જ નથી." ડૉક્ટરની વિરોધાભાસી વાતોના કારણે પતિ ગુસ્સામાં હતા.
"આને મોલર પ્રેગનન્સી કહેવાય છે. તે ગર્ભવતી છે, પરંતુ ભ્રૂણનો વિકાસ નથી થઈ રહ્યો."
મોલર પ્રેગનન્સી શું છે?
સામાન્ય રીતે કોઈ પણ તંદુરસ્ત ભ્રૂણના વિકાસ માટે શુક્રાણુ એક અંડકોષ (સ્ત્રીબીજ) સાથે મળે છે. તેવી જ રીતે પિતામાંથી મળેલાં રંગસૂત્રોની એક જોડી (ક્રોમોઝોમ) અને માતાનાં રંગસૂત્રોની એક જોડી ભ્રૂણમાં ઊતરે છે.
પરંતુ મોલર પ્રેગનન્સી એક પ્રકારની અસામાન્ય ગર્ભાવસ્થા છે. તેમાં તંદુરસ્ત શુક્રાણુના કોષ એક ખાલી અંડકોષમાં જોડાય છે જેની અંદર કોઈ રંગસૂત્રો હોતા નથી.
તેનાથી તેનાં રંગસૂત્રો બેવડાય છે અથવા શુક્રાણુના બે કોષ ખાલી અંડકોષ સાથે મિલન કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવા કિસ્સામાં ભ્રૂણમાં માત્ર નર રંગસૂત્રો હશે. પરંતુ માતાને લગતા કોઈ રંગસૂત્રો નહીં હોય. તેને 'કમ્પલિટ મોલર પ્રેગનન્સી' તરીકે ઓળખવામાં આવે છે.
મોલર પ્રેગનન્સીમાં ગર્ભનો વિકાસ તંદુરસ્ત ભ્રૂણની જેમ થતો નથી. તે નાના મોતી જેવા પરપોટાની જેમ વિકસે છે.
આંશિક (પાર્શલ) મોલર પ્રેગનન્સી શું છે?
શુક્રાણુના બે કોષ જ્યારે તંદુરસ્ત અંડકોષ સાથે મિલન કરે ત્યારે રંગસૂત્રોની ત્રણ જોડી રચાશે.
કેટલીક વખત ભ્રૂણનો વિકાસ થઈ રહ્યો હોવાનાં લક્ષણ જોવાં મળશે. પરંતુ તે અસામાન્ય હોવાના કારણે તેમાં પણ ભ્રૂણની કોઈ વૃદ્ધિ થતી નહીં હોય.
મોલર પ્રેગનન્સીનાં લક્ષણો કયાં છે?
તેમાં ગર્ભાવસ્થાના જેટલા મહિના થયા હોય તેના પ્રમાણમાં પેટ ઘણું મોટું થઈ જાય છે જે તેનું મુખ્ય લક્ષણ છે. તેમાં રક્તસ્ત્રાવ થવો, વધારે પડતી ઊલટી થવી વગેરે લક્ષણ જોવા મળે છે.
આ દરમિયાન ગર્ભાવસ્થાના હોર્મોનનું પ્રમાણ પણ ઘણું ઊંચું હોય છે. તેના કારણે મહિલાઓને વધારે ઊલટી થાય છે.
પ્રેગનન્સી હોર્મોન શું છે? તેની ખબર કેવી રીતે મેળવી શકાય?
બીટા- HCG એ એક સ્પેશિયલ હોર્મોન (અંતઃસ્ત્રાવ) છે. મોલર પ્રેગનન્સીમાં હોર્મોનનું પ્રમાણ સામાન્ય ગર્ભાવસ્થાની તુલનામાં ઘણું વધારે હોય છે.
મહિલા ગર્ભવતી બને ત્યારબાદ પ્રથમ ત્રણ મહિનામાં સ્કેનિંગ કરવામાં આવે છે. તેમાં ભ્રૂણનો સામાન્ય વિકાસ થઈ રહ્યો છે કે નહીં અને મોલર પ્રેગનન્સીને લગતા કોઈ ફેરફાર છે કે નહીં તે ચકાસવામાં આવે છે.
પરંતુ મોતી જેવા કોષની બાયોપ્સી કરવામાં આવે ત્યારે જ આ સમસ્યાની પુષ્ટિ થઈ શકે છે.
મોલર પ્રેગનન્સીમાં કેવા પ્રકારની સારવાર કરવામાં આવે છે?
મોલર પ્રેગનન્સીમાં ભ્રૂણના વિકાસની કોઈ શક્યતા રહેતી નથી તેથી ગર્ભને દૂર કરવો એ એકમાત્ર ઉકેલ છે. તેમાં કોઈ સર્જરીની જરૂર હોતી નથી. તેથી કાપો મૂકવાની કે ટાંકા લેવાની જરૂર પડતી નથી.
તેમાં મહિલાને બેભાન કર્યાં બાદ ગર્ભાશયના પ્રવેશદ્વાર મારફત દાખલ કરાયેલી સક્શન ટ્યૂબ દ્વારા મોતી જેવા કોષને દૂર કરવામાં આવે છે.
અનિચ્છનીય ગર્ભાવસ્થાને દૂર કરવાની દવાનો ઉપયોગ કરીએ તો ન ચાલે?
મોલર પ્રેગનન્સી દૂર કરવા માટે આવી દવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.
ગર્ભપાત માટેની દવાનો ઉપયોગ કરવામાં આવે તો ગર્ભાશયનું સંકોચન અને વિસ્તરણ થાય છે. તેના કારણે મોલર પ્રેગનન્સીના કોષ રક્તવાહિનીઓમાં પ્રવેશીને ત્યાંથી બીજા અંગો સુધી ફેલાય તેનું જોખમ રહે છે.
મોલર પ્રેગનન્સી ન થાય તે માટે કેવી સાવચેતી રાખવી જોઈએ?
જેવી રીતે ભ્રૂણ નર હશે કે માદા તે નક્કી કરવાનું માનવીના હાથમાં નથી, તેવી જ રીતે મોલર પ્રેગનન્સીને થતી અટકાવવી એ પણ મનુષ્યના નિયંત્રણ બહારની વાત છે.
મોલર પ્રેગનન્સીને ગર્ભાશયમાંથી દૂર કરવામાં આવે તેનો અર્થ શું એવો છે કે સારવાર પૂરી થઈ ગઈ?
ના. જ્યાં સુધી પ્રેગનન્સીના હોર્મોન સામાન્ય સ્તરે ન પહોંચે ત્યાં સુધી દર્દીએ ગર્ભ કઢાવી નાખ્યા પછી પણ ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેવું પડે છે.
બ્લડ ટેસ્ટ દ્વારા દર બે સપ્તાહે હોર્મોનના સ્તરની નોંધ કરવામાં આવે છે. કેટલાક સમય સુધી હોર્મોનનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે નોંધાશે.
હોર્મોનના સ્તર ઘટવા માટે કોઈ સમયમર્યાદા હોય છે?
ગર્ભાશયને સાફ કરવામાં આવે ત્યારબાદ તે 56 દિવસમાં એટલે કે 8 સપ્તાહમાં ઘટી જવું જોઈએ.
દર બે સપ્તાહમાં એક વખત હોર્મોનના સ્તરની ચકાસણી થવી જોઈએ.
જો હોર્મોનનું સ્તર સામાન્ય ન થાય તો ગર્ભાશય દૂર કરવામાં આવે તેની તારીખથી દર્દીને છ મહિના સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવાની જરૂર પડે છે.
હોર્મોનનું સ્તર ન ઘટે તો શું કરી શકાય?
15 ટકા જેટલા કિસ્સામાં મોલર પ્રેગનન્સીને લગતા કોષ અસામાન્ય રીતે વિસ્તરે છે. તે ગર્ભાશયની દીવાલમાં પ્રવેશી જાય છે.
ગર્ભાશયની આસપાસના કોષમાં જ નહીં, પરંતુ તે મગજ, ફેફસાં અને લિવર સુધી પ્રસરે તેવી પણ શક્યતા રહે છે.
હોર્મોનનું સ્તર ઘટે નહીં તો બીજા અવયવોનું સ્કેનિંગ કરીને ચકાસણી કરવી પડે. આવા લોકોમાં હોર્મોનનું સ્તર ઘટતું નથી.
તેમની ઉંમર, કયાં અંગ સુધી કોષનો પ્રસાર થયો છે, હોર્મોનનું સ્તર અને બીજી ચીજોને ધ્યાનમાં રાખીને તેમને કિમોથૅરપી આપવામાં આવે છે.
મોલર પ્રેગનન્સીની સારવાર લીધા બાદ ફરીથી ગર્ભવતી થવા માટે કેટલો સમય રાહ જોવી જોઈએ?
સારવાર પછી હોર્મોનનું સ્તર ફરીથી સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી સાવધાની રાખવી જોઈએ અને ગર્ભાવસ્થા ટાળવી જોઈએ.
જેમણે કિમોથૅરપીની જરૂર પડી હોય તેમણે આ સારવાર પૂરી થયાના એક વર્ષ સુધી ગર્ભાવસ્થાને ટાળવી જોઈએ.
મોલર પ્રેગનન્સી દૂર કરવામાં આવે ત્યારપછી કયાં પ્રકારનાં ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ?
ડૉક્ટરની સલાહના આધારે તેઓ કોઈ પણ ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરી શકે છે.
પરંતુ ગર્ભાશયમાં ગોઠવવામાં આવતી કૉપર-ટીનો ઉપયોગ નહીં કરી શકાય, કારણ કે મોલર પ્રેગનન્સીના કારણે ગર્ભાશયની દીવાલ બહુ નાજુક થઈ ગઈ હોય છે.
કૉપર-ટી બેસાડવામાં આવે ત્યારે ગર્ભાશયમાં કાણું પડી જવાનું જોખમ રહે છે.
મહિલા ફરીથી ગર્ભવતી થાય તો તે મોલર પ્રેગનન્સી હોવાની કેટલી શક્યતા રહે છે?
બહુ ઓછી શક્યતા હોય છે. મોલર પ્રેગનન્સી હોય તેવાં 100 મહિલાઓમાંથી 99 મહિલાને ફરીથી મોલર પ્રેગનન્સી નહીં થાય. માત્ર એક ટકા મહિલાને આવી સમસ્યા ફરીથી થવાની શક્યતા રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો