જ્યારે એક મા પોતાનું બાળક સાત હજાર રૂપિયામાં વેચી દેવા લાચાર બની

    • લેેખક, જોએલગુંટર
    • પદ, બીબીસી આફ્રિકા આઈ

ગયા મહિને બીબીસી આફ્રિકા આઈએ કેન્યાના પાટનગર નૈરોબીમાં ચાલતાં બાળકોનાં કાળા બજાર વિશે ઘટસ્ફોટ કર્યો હતો. રિપોર્ટ પ્રકાશિત થયા બાદ પોલીસે કાર્યવાહીના ભાગ રૂપે બાળકોની દાણચોરીમાં સામેલ સાત લોકોની ધરપડક કરી છે,

પરતું ગેરકાયદેસર ચાલતા વેપારની બીજી તરફ જે મહિલાંઓ છે, તેમનું શું? એક માતા પોતાના બાળકને 70 પાઉન્ડમાં વેચવાં કેમ મજબૂર બની જાય છે?

અડામા જ્યારે તેમનાં માતા-પિતા સાથે રહેતાં હતાં, ત્યારે તેમનાં જીવનમાં કોઈ તકલીફ નહોતી. પૈસાની તંગી હતી અને તેમની પાસે બહુ વિકલ્પો નહોતાં, પરતું તેમના જીવનમાં કેટલીક વસ્તુઓ વ્યવસ્થિત ચાલી રહી હતી.

તેઓ શાળાએ જતાં હતાં અને તેમને શાળાએ જવું ગમતું. તેમને ઘણી ઓછી ચિંતાઓ હતી. અડામા 12 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થયું. થોડાં વર્ષ બાદ તેમનાં માતા પણ મૃત્યુ પામ્યાં.

તેઓ પશ્ચિમ કેન્યાનાં એક ગામથી છે,

તેઓ કહે છે કે, "આની બાદ જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું. મારે અભ્યાસ અધવચ્ચે છોડી દેવો પડ્યો અને જાતે કમાવવું પડ્યું."

અડામા 22 વર્ષનાં હતાં ત્યારે તેઓ એક વ્યક્તિને મળ્યાં અને ગર્ભવતી બન્યાં.

બાળકીના જન્મના ત્રણ દિવસ બાદ પિતાનું અવસાન થઈ ગયું. તેઓ વધુ એકલતા અનુભવવા લાગ્યાં. નવજાત બાળકી બીમાર હતી અને જ્યાં સુધી બાળકી સાજી ન થઈ ગઈ ત્યાં સુધી અડામાએ તેનો ઉછેર કર્યો.

દીકરી જ્યારે 18 મહિનાની થઈ ત્યારે એક ચોક્કસ આવકની જરૂરિયાત ઊભી થઈ જેથી માતા-પુત્રી જીવતાં રહી શકે. પોતાની બાળકીને વૃદ્ધ નાની પાસે મૂકીને અડામા નોકરીની શોધમાં નૈરોબી આવી ગયાં.

જતી વખતે દાદીએ અડામાને કહ્યું, "એ વાત કાયમ ધ્યાનમાં રાખજે કે તું પોતાની બાળકી માટે પૈસા કમાવવા કામની શોધમાં જઈ રહી છે."

કામની શોધ

નૈરોબી પહોંચ્યા બાદ અડામાએ કામની શરૂઆત રસ્તામાં તરબૂચ વેચીને કરી, પરંતુ એ કામમાં તેમને વધુ આવક થતી નહોતી અને તેઓ ઘરમાં જે પણ બચત રાખતાં એ સાથે રહેતાં બીજાં મહિલા ચોરી જતાં હતાં.

શહેરમાં જીવન પણ અઘરું હતું. તેમના કપાળની ઉપર ઈજાનાં નિશાન છે, જે તેમના કપાયેલા વાળ નીચે છે.

પોતાની જાતને બચાવવા જતાં તેમને ઈજા થઈ હતી.

તેઓ જણાવે છે, "અમુક લોકો મારી સાથે છૂટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એક સમય એવો આવ્યો કે મારે પ્રતિકાર કરવાની ફરજ પડી."

તેઓ એક કન્સ્ટ્રક્શન સાઇટમાં જોડાઈ ગયાં જ્યાં તેમને કશું ચૂકવવામાં આવતું નહોતું. ત્યાંથી તેઓ એક નાઇટ-ક્લબમાં જોડાઈ ગયાં જ્યાં તેમણે મૅનેજરને કહ્યું કે તેમનો પગાર સીધો તેમનાં દાદીને આપવામાં આવે.

થોડા સમય બાદ અડામાએ પગારમાં વધારો માંગ્યો જેથી નૈરોબીમાં ભાડાંનું મકાન લઈ શકાય. તેમને થોડા વધુ પગાર સાથે બીજી કન્સ્ટ્રક્શન સાઇટ પર નોકરી મળી ગઈ જ્યાં તેઓ એક પુરષને મળ્યાં.

થોડા સમય સુધી ડેટ કર્યા બાદ વ્યક્તિએ જણાવ્યું કે તેમને એક બાળક જોઈએ છે. અડામાએ વ્યક્તિ સામે શરત મૂકી કે જો તેમને પોતાની દીકરીને સાથે રાખવાની પરવાનગી મળી જાય તો બંને માતા-પિતા બની શકે છે. વ્યક્તિ હા પાડે છે અને અડામાના ગર્ભધારણ કર્યાનાં પાંચ મહિના સુધી તેઓ ઘરનું ભાડું ભરે છે, બીજા ખર્ચા ઉઠાવે અને જમવાનું પણ લાવે છે. અડામા પોતાની દીકરીને શહેર લાવવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યાં હોય છે.

એક દિવસ તે વ્યક્તિ ચાલી જાય છે અને પાછી આવતી નથી.

બે વ્યક્તિની વાત બાજુએ રહી પરતું એક વ્યક્તિને ખવડાવવા માટે પણ પૂરતા પૈસા ન હોય તેવી સ્થિતિમાં બાળકને જન્મ આપવાની ચિંતા અંગે ઘણી મહિલાઓ વાકેફ હશે.

મોટા ભાગના લોકો ક્યારેય પણ અજાણી વ્યક્તિને બાળક વેચવાનો નિર્ણય નહીં કરે.

પરતું કારમી ગરીબીમાં જીવતાં કેન્યાનાં અમુક માતાઓ માટે દાણચોરોને પોતાનાં બાળક વેચવાનો વિકલ્પ એ જીવવા માટેના થોડા-ઘણા વિકલ્પો પૈકી એક છે, જોકે આ વિકલ્પ તેમાં સૌથી છેલ્લે આવે છે.

નજીવી રકમ માટે બાળકનું ખરીદ-વેચાણ

બાળક માટે આ દાણચોરો વિશ્વાસ ન થાય એટલા ઓછા પૈસા આપે છે.

સારા જ્યારે બીજી વખત ગર્ભવતી બન્યાં ત્યારે 17 વર્ષનાં હતાં અને તેઓ કહે છે કે બાળકનો ઉછેર કરવા માટે તેમની પાસે પૈસાની કોઈ સગવડ નહોતી.

તેમણે પોતાનું બાળક એક મહિલાને વેચી દીધું, જે માટે તેમને 3000 શિલિગ (કેન્યાનું ચલણ) એટલે કે 2,000 રૂપિયા કરતાં પણ ઓછી રકમ આપવામાં આવી.

તેઓ કહે છે કે, "તે વખતે હું યુવાન હતી અને મેં ક્યારેય વિચાર નહોતો કર્યો કે હું જે કરી રહી છું તે ખોટું છે. પાંચ વર્ષ બાદ મને ભાન થયું અને હું પૈસા પરત આપવા માંગતી હતી."

સારા કહે છે કે, "આટલી જ રકમ માટે બાળક વેચી દેનાર બીજી કેટલીક મહિલાઓને તેઓ ઓળખે છે. પડકારોના કારણે ઘણી છોકરીઓ પોતાનું બાળક બીજાને વેચી દે છે."

બની શકે કે છોકરીની માતાએ દબાણ કર્યું હોય અને તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી અથવા બની શકે કે છોકરી જ્યારે માતા બની ત્યારે તે શાળામાં હતી. 15-16 વર્ષની છોકરી માટે આ બહુ મોટી સમસ્યા છે. પોતાનું બાળક અને સર્વસ્વ ગુમાવનાર છોકરીઓ તમને સહેલાઈથી મળી જશે કારણકે તેમનો હાથ પકડવા માટે કોઈ નથી.

સમગ્ર આફ્રિકામાં કેન્યા એવો દેશ છે જ્યાં સૌથી વધુ પ્રમાણમાં કિશોરીઓ માતા બને છે અને આરોગ્ય નિષ્ણાતો મુજબ કોરોના વાઇરસ બાદ પરિસ્થિતિ બગડી ગઈ છે. જીવવા માટે ઘણી મહિલાઓ દેહવેપારમાં ધકેલાઈ ગઈ છે અને છોકરીઓ શાળાની સિસ્ટમથી દૂર થઈ રહી છે.

પ્રૂડેંસ મુતિસો વ્યવસાયે વકીલ છે, જેઓ કેન્યામાં માનવાધિકાર માટે કામ કરે છે. તેઓ બાળસુરક્ષા અને જન્મ હકોના નિષ્ણાત છે..

તેઓ કહે છે, "મેં ઘણી વાતો સાંભળી છે જેમાં મહિલાઓ અને છોકરીઓ આવી પરિસ્થિતિમાં જીવતાં હોય છે. યુવાન મહિલાઓ નોકરી મેળવવા માટે શહેરમાં આવી રહ્યાં છે."

કોરોનાએ સમસ્યામાં કર્યો વધારો

પ્રૂડેંસ મુતિસો પ્રમાણે "અહીં તેઓ પુરુષ સાથે મિત્રતા કરે છે, માતા બને છે અને બાદમાં બાળકના પિતા તેમને તરછોડીને ચાલ્યા જાય છે. જો પિતા ખર્ચ ન ઉપાડે ત્યારે આ મહિલાઓ અને છોકરીઓ આવક માટે બીજા રસ્તા શોધે છે. અને પૈસા ખાતર તેઓ બાળકોની ખરીદ-વેચાણ કરતા લોકોના સંપર્કમાં આવે છે. જેથી પોતાના માટે અને ગામમાં રહેતાં બાળકો માટે થોડા પૈસા કમાવી શકાય."

લોકો આ વિશે જાહેરમાં વાત કરતાં નથી પરતું આ વાસ્વિકતા છે. કન્સટ્રક્શન સાઈટમાં કામ કરતાં હતાં ત્યારે અડામાએ ઘણા પ્રયત્નો કર્યા જેથી એ વાત બહાર ન આવે કે પોતે ગર્ભવતી છે.

પરતું જ્યારે તેઓ ભારે સિમેન્ટના થેલા ઊંચકી ન શક્યા અને પોતાનો ઉપસેલું પેટ છુપાવી ન શક્યા ત્યારે આ વાત બહાર આવી ગઈ.

એક દિવસ આવ્યો જ્યારે તેમની કોઈ આવક નહોતી જેથી તેઓ ઘરનું ભાડું ભરી શકે. ત્રણ મહિના સુધી મકાનમાલિકે દયા દાખવી પરતું તે બાદ તેમને ઘરમાંથી કાઢી મૂક્યાં.

આઠ મહિનાનો ગર્ભ ધરાવતા અડામા દરરોજ મોડી રાત્રે ઘરે આવતાં અને વહેલી સવારે નીકળી જતાં.

તેઓ કહે છે, જો દિવસ સારો હોય તો મને જમવાનું મળી રહેતું. ક્યારેક હું માત્ર પાણી પીને, પ્રાર્થના કરીને ઊંઘી જતી.

કેન્યામાં જ્યારે કોઈ સ્ત્રી પોતાને અડામાની સ્થિતિમાં જુએ છે, ત્યારે ઘણાં પરિબળો કામ કરે છે કે જે તેમને દાણચોરીમાં સામેલ ગેંગ તરફ દોરી જાય છે.

માતા અને બાળકના જીવને જોખમ ન હોય તો ગર્ભપાત ગેરકાયદેસર છે, માત્ર ટેબલ પર જોખમી લાઇસન્સ વિનાના વિકલ્પોને છોડીને. કિશોરો માટે જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધી શિક્ષણનો નોંધપાત્ર અભાવ જોવા મળે છે,

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કાયદાકીય રીતે બાળક દત્તક લેવાની પ્રક્રિયાઓ વિશે જાગૃતિનો પણ અભાવ છે. કેન્યામાં હેલ્થ પોવર્ટી ઍૅક્શન ચેરીટીના આયોજક ઇબ્રાહિમ અલી કહે છે કે, 'જે મહિલાઓ અને છોકરીઓ અનિચ્છનીય ગર્ભ ધારણ કરે છે તેમને સરકાર તરફથી કોઈ પણ સહાયતા મળતી નથી. આ મહિલાઓ ઘણીવાર પીડિત હોય છે અને તેમને કલંકિત કરવામાં આવે છે,"

"ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. તેઓ ભાગી જાય છે, જેના કારણે શહેરોમાં તેઓ જોખમી સ્થિતિમાં મૂકાઈ જાય છે."

આશા કે તસ્કરીની જાળ

પોતાના બાળકને સુરક્ષિત રીતે સોંપવા માટે ક્યા કાયદકીય વિકલ્પો હાજર છે તે વિશે અડામાને કોઈ માહિતી નથી સાથે તેઓ દત્તક લેવાની પ્રક્રિયા વિશે કોઈ સમજ ધરાવતાં નથી.

તેઓ કહે છે, "મને આ વિશે કશી ખબર નહોતી. મેં આ વિશે ક્યારેય સાંભળ્યું નહોતું."

તેમણે પાછલા બારણે ગર્ભપાતનો વિચાર કર્યો હતો પરતું ધર્મમાં વિશ્વાસ રાખતાં હોવાથી તેઓ આવું કરી ન શક્યાં. જે બાદ તેમને આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો.

તેઓ કહે છે કે, "હું ખૂબ તાણમાં હતી, મેં વિચારવાનું શરૂ કર્યું કે હું કઈ રીતે ડૂબીને આત્મહત્યા કરી શકું જેથી લોકો મારા વિશે ભૂલી જાય."

પરંતુ ડિલવરીના થોડા દિવસ પહેલાં કોઈકે અડામાનો પરિચય મેરી એઉમા નામનાં મહિલા સાથે કરાવ્યો,

જ્યાં તેમણે અડામાને જણાવ્યું ગર્ભપાત અથવા આપઘાત કરવાની જરૂર નથી.

મેરી એઉમા નૈરોબીના કેયોલમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવે છે. તેમણે અડામાને 100 શિલિંગ્સ આપ્યા અને બીજા દિવસે ક્લિનિકમાં આવવાનું જણાવ્યું.

મેરી એઉમાનું કામચલાઉ દવાખાનું ખરેખર દવાખાનું નથી. તે કેયોલ શેરીમાં અસ્પષ્ટ શોપફ્રન્ટની પાછળ બે ઓરડીઓ છે. અંદર ખાલી શેલ્ફ છે, જેમાં જૂની ઓષધીય ચીજો છૂટાછવાઈ પડી છે, જેની પાછળ ઓરડાઓ છે, જેથી મહિલાઓ બાળકોને જન્મ આપી શકે.

ઔમા તેમના સહાયક જોડે બેસે છે અને નફા માટે બાળકોની ખરીદી અને વેચાણ કરે છે. તેઓ એ જોવાની પણ તસ્દી લેતા નથી કે બાળક કોને વેચાઈ રહ્યું છે અને કોણ ખરીદી રહ્યું છે.

તેમણે અડામાને જણાવ્યું કે તેમના ખરીદદાર પ્રેમાળ યુગલ છે, જેઓ માતા-પિતા બની શકતાં નથી અને બાળક માટે કંઈ પણ આપવા માટે તૈયાર છે. પરતું વાસ્તિવકતા એ છે કે ઔમા એવી વ્યક્તિને બાળક વેચશે, જે સામેની તરફ રહે છે અને તેમની પાસે પૂરતાં પ્રમાણમાં રોકડ છે.

એઉમા માતા બનનાર મહિલાઓને જણાવે છે કે તેઓ નર્સ તરીકે કામ કરી ચૂક્યાં છે પરતું તેમની પાસે મેડીકલ સાધનો, કુશળતા અને બાળકના જન્મ સાથે સંલગ્ન મુશ્કેલીઓ સામે કામ કરવા માટે જોઈએ એવી સ્વચ્છતા નથી.

અડામા જણાવે છે કે, "મારું ઘર બહુ ગંદુ હતું. હું લોહી એક નાનકડા ડબ્બામાં નાખતી હતી. બૅસિન પણ નહોતું અને ખાટલો એકદમ ગંદો હતો. હું બહુ પરેશાન હતી અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો."

જ્યારે અડામા દવાખાને પહોચ્યાં મેરી એઉમાએ તેમને તેમની જાણ વગર બે ગોળીઓ આપી, જેથી પ્રસવની પીડા થાય.

બીબીસીના અંડરકવર રિપોર્ટર

અડામા જણાવે છે કે જે દિવસે અમે દવાખાને ગયા, એઉમાએ કોઈ પણ પૂર્વસૂચના આપ્યા વગર પ્રસવની દવા આપી દીધી હતી. એઉમા પાસે એક ગ્રાહક હતો અને તેઓ બને તેટલું વહેલું બાળકને વેચી દેવા માગતાં હતાં. પરતું બાળકનો જન્મ સારી રીતે ન થયો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તેને તાત્કાલિક સુવિધાની જરૂર હતી.

એઉમાએ લૂસી હૉસ્પિટલમાં જવાની સલાહ આપી. અઠવાડિયાં બાદ અડામાને સ્વસ્થ બાળક સાથે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. અડામા ગર્ભવતી હતાં ત્યારે મકાનમાલીકે તેમને કાઢી મૂક્યાં હતાં પરતું બાળકનો જન્મ થતાં ઘરમાં જગ્યા આપી અને બાળકની સંભાળ પણ લીધી.

થોડા સમય બાદ અડામા મેરી એઉમા પાસે ગયાં અને ઔમાએ તેમને 100 શિલિંગ આપીને બીજા દિવસે આવવા માટે કહ્યું. તેમણે લખ્યું, "નવા પૅકેજે જન્મ લીધો છે. પિસ્તાળીસ હજારમાં."

ખરીદદારે જે 45,000 શિલિંગ એટલે કે 300 પાઉન્ડ આપવાની વાત કરી હતી, તે મેરી એઉમાએ અડામાને આપવાના નહોતા. તેમને અડામાને 10,000 શિલિંગ એટલે કે 70 પાઉન્ડની (સાત હજાર રૂપિયાથી ઓછી રકમ) ઑફર આપી.

પરતું મેરી એઉમાને ખબર નહોતી કે જે ખરીદાર સાથે તેમણે સોદો પાર પાડ્યો છે, તેઓ બીબીસીના અંડરક્વર રિપોર્ટર છે, જે છેલ્લા એક વર્ષથી ગુપ્ત રીતે બાળકોની તસ્કરી વિશે તપાસ કરી રહ્યા છે.

બીજા દિવસે જ્યારે અડામા દવાખાનમાં પહોંચે છે ત્યારે બાળકને હાથમાં લઈને પાછળના ઓરડામાં બેસે છે.

ધીમા અવાજે ચર્ચા કરતી વખતે સંભવિત ખરીદદાર અડામાને કહે છે કે તેમની પાસે બીજા પણ વિકલ્પો છે અને અડામાનું મન બદલાઈ જાય છે.

તેઓ દવાખાનામાંથી બહાર આવી જાય છે અને બાળકને સરકારી બાળગૃહમાં લઈ જઈ જાય છે, જ્યાં કાયદાકીય રીતે દત્તક ન આપવામાં આવે ત્યાં સુધી બાળકની સંભાળ રાખવામાં આવશે.

બીબીસીએ મેરી એઉમાનો સંપર્ક કર્યો પરતું તેમણે કોઈ જવાબ આપ્યો નહીં.

પગરખાંની દુકાનનું સ્વપ્ન

અડામા હવે 29 વર્ષનાં છે અને પોતાના ગામમાં રહે છે જ્યાં તેમનો ઉછેર થયો છે.

આજે પણ ક્યારેક તેઓ ભૂખ્યાં પેટ સૂઈ જાય છે. જીવન હજુ અઘરું છે. તેમને ક્યારેક નજીકની હોટલમાં કામ મળી જાય છે, પરતું તે પૂરતું નથી.

દારૂ પીવાનું મન ન થાય તે માટે તેઓ પ્રયાસ કરે છે. તેમનું સ્વપ્ન છે કે ગામમાં પગરખાંની દુકાન ખોલવી.

નૈરોબીથી પગરખાં લાવીને ગામમાં વચેવાં, પરતું આ દૂરનું સ્વપ્ન છે. પોતાના દીકરા સાથે તેમનો કોઈ સંપર્ક નથી, પરતું આ માટે તેમને કોઈ ક્ષોભ નથી.

તેઓ કહે છે કે, "મારા દીકરાને વેચવાથી હું ખુશ નહોતી. હું તે પૈસાને હાથ પણ લગાડવા માંગતી નહોતી. જો તેને આપવામાં કોઈ નાણાકીય લેવડદેવડ ન હોત તો મને કોઈ તકલીફ ન હોત."

તેઓ બાળગૃહ નજીકના વિસ્તારને સારી રીતે ઓળખે છે, જ્યાં તેઓ પોતાના બાળક મૂકી આવ્યાં હતાં.

તે એ ઘરની નજીક છે જ્યાંથી તેમને બાળકના જન્મ પહેલાં કાઢી મૂકવામાં આવ્યાં હતાં. તેઓ કહે છે, હું જાણું છું કે તે વિસ્તાર સુરક્ષિત છે અને તેની સંભાળ લેનારા લોકો સારા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો