સાદિકનૂર પઠાણ : સૌહાર્દથી છલોછલ એ જાદુગર જે ફક્ત અવાજથી દૃશ્યો સર્જી શકતા

    • લેેખક, તુષાર શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં શ્રાવ્ય માધ્યમનો દિગ્ગજ સિતારો નામે સાદિકનૂર પઠાણ આથમી ગયો.

આકાશવાણી અમદાવાદ ખાતે શૈક્ષણિક કાર્યક્રમ વિભાગમાં આસિસ્ટન્ટ ઍડિટર તરીકે કારકિર્દીનો આરંભ કરીને સહાયક કેન્દ્ર નિદેશક તરીકે સેવાનિવૃત્ત થયેલા સાદિકનૂરે પોતાના સુદીર્ઘ કાર્યકાળમાં રેડિયો પ્રસારણનાં વિવિધ સ્વરુપોનાં નિર્માણ દ્વારા પોતાની આગવી ઓળખ સિદ્ધ કરી.

અમે બંને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના વિદ્યાર્થી પણ મળ્યા આકાશવાણીમાં મારા પ્રવેશ પછી. ને એ પછી સતત મારો મોટોભાઈ બનીને મારી સાથે રહ્યો.

એની કારકિર્દીનો પરિચય વાચકોને મળે તે હેતુથી એની ટૂંકનોંધ મૂકું છું. નિવૃત્તિપર્યન્ત આકાશવાણીમાં કાર્યરત સાદિકે અનેક કાર્યક્રમ વિભાગો સંભાળ્યા.

ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણની દિશામાં આકાશવાણી અમદાવાદનું યોગદાન મહત્વનું છે.

આણંદની એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સહયોગ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તૈયાર થતા અંગ્રેજી શિક્ષણના પાઠની ગુણવત્તાની નોંધ બીબીસીએ પણ લીધી છે.

શ્રાવ્ય માધ્યમમાં પણ દૃશ્ય ખડું કરતા

આ શ્રાવ્ય માધ્યમમાં બહુ મહત્ત્વનું સ્વરૂપ છે રેડિયો રૂપકનું. અને સાદિકે એની અનેક સંભાવનાઓને અજમાવીને ઉત્તમ પરિણામ મેળવ્યાં.

દસ્તાવેજી રૂપકનો તો એ ખાં. બહુ ઝીણું કાંતે. સ્થળ પર ધ્વનિમુદ્રણ કરે, કમાલના ધ્વનિપ્રભાવનો ઉપયોગ કરે. ને એની મદદથી એ શ્રાવ્ય માધ્યમમાંય દૃશ્ય ખડું કરી દે.

પ્રસારણયાત્રાના વિશાળ અનુભવને કારણે એને અમદાવાદ ખાતે ક્ષેત્રીય તાલીમ કેન્દ્રની જવાબદારી અપાઈ, જ્યાં દેશના વિવિધ પ્રસારણકર્મી તાલીમ હેતુ આવતા.

સાદિકનૂરની સજ્જતા જોઈને એને હૈદરાબાદ ખાતે ઍર ઇન્ડિયાના કૅબિન સ્ટાફને વૉઇસ કલ્ચરની તાલીમ આપવાની જવાબદારી પણ સોંપાઈ હતી.

આ પ્રસારણ તાલીમ ક્ષેત્રે એના યોગદાનની કદરરૂપે ભારત સરકાર દ્વારા એનું બેસ્ટ ટ્રેનર તરીકે બે વાર સન્માન પણ થયું.

નિવૃત્તિ બાદ વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને એણે આપણા યુવા આર. જે. અને અન્ય પ્રસારણકર્મીઓને તૈયાર કર્યા.

શ્રમજીવીઓ હોય કે વિદ્યાર્થીઓ, એમને માટેના લોકલ રેડિયોમાં પણ એનું માર્ગદર્શન મહત્ત્વનું રહ્યું.

માઇકા અને સેપ્ટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે પણ આ સંબંધે એણે તાલીમશિબિરો કરી.

ગુજરાત યુનિ.માં માસ કૉમ્યુનિકેશનના વિદ્યાર્થીઓને (પહેલાં સી.ડી.સી.માં અને હાલમાં માસ્ટર્સ ઇન જર્નાલિઝમ) તથા એલ. જે. કૉલેજ, જે.જી. ભવન્સ, સિટી પલ્સ વગેરે સંસ્થાના વિદ્યાર્થીઓના ઘડતરમાં એનું અનન્ય યોગદાન છે.

કવિ સાદિકનૂર

એની સંગીતરુચિને કારણે એ સપ્તક સંસ્થાના મહોત્સવમાં ઉપસ્થિત શ્રોતાઓને કલાકારોના પરિચયાદિની જવાબદારી પણ સંભાળતો.

એની પ્રસારણકર્મી તરીકેની પ્રતિબદ્ધતા અને રેડિયો એનો પ્રથમ પ્રેમ. એને એની અસલ કવિતા સર્જનપ્રવૃત્તિ માટે સમય જ ન આપે, પરિણામે એણે મુશાયરા નથી ગજવ્યા પણ સાદિક ઉર્દૂનો સરસ શાયર પણ ખરો.

એના કાવ્યસંગ્રહ "નદી કા ઘર"માં એણે નઝમ અને ગઝલનો સમાવેશ કર્યો છે. ડાંગપ્રદેશમાં પોતાના કાર્યકાળ દરમિયાન એણે કરેલાં અવલોકન રુપે ઉર્દૂ કવિતામાં સૌપ્રથમ વાર ડાંગ પ્રદેશનું સૌંદર્ય, ત્યાંની કથા, ત્યાંની નદીઓનાં રૂપક આલેખાયાં છે.

ડાંગને આલેખતા એ કહે છે:

ડાંગ કે કબીલે

નાગલી કી છોટી છોટી ફસલેં બોતેં

કાટતે, ખાતે, નાચતે, ગાતે કબીલે

ન ઈન કે ખ્વ઼ાબ કોઈ,

ના તરક્કી કી કોઈ ખ્વ઼ાહિશ

ન હી તહેજી઼બકે બનને બિગડ઼ને કા કોઈ ખ઼દશા (ભય)

કતારોં મેં ખડે઼ રહ કર

સુબ્હ કો શામ કરનેકા ન મન્સૂબા

બડી પૂર સુકૂઁ હૈં યહાઁ કી હવાએં

એક રચનામાં એ ચિત્ર ઝડપે છે જંગલમાંથી લાકડા વીણીને ઘર તરફ આવતી કન્યાનું. માર્ગમાં વરસી પડેલા વરસાદના અટકવાની રાહ જોતી આ કન્યા કવિની ચિંતાનો વિષય બની છે. કવિ પ્રાર્થના કરે છે કે ,

ઐ ખુદા,

કુછ દેર તક ઈસ તેજ બારિશ કો રોક

તાકિ યહ આદિવાસી લડકી ઘર જા સકે

લકડી કે ગઠ્ઠે કો સૂખા રખને કી

કોશિશ મેં લગી હુઈ હૈ

ફિક્રમંદ હૈ

ગઠ્ઠર ભીગ ગયા તો ચૂલ્હા કૈસે સુલગાએગી ઉસકી બૂઢી માઁ

જ્યારે કોમી રમખાણમાં ઘર બાળી નાખવામાં આવ્યું

એનું અસલ ઘર રાજસ્થાનના ટોંકમાં. ત્યાંથી એનો પરિવાર અમદાવાદ આવ્યો. અહીં એમણે મુસાફરખાનાને ઘર બનાવ્યું.

સંઘર્ષના એ સમયમાં મોટા પરિવારને નાનું મકાન પણ હૂંફાળું ઘર લાગ્યું. પણ એ ઘર પણ બળ્યું કોમી દાવાનળમાં. એણે ભણીગણીને નોકરી કરીને નવું ઘર બનાવ્યું. બહુ ખુશ હતો એ ત્યાં.

પણ વળી એક વાર અમદાવાદના કોમીહુતાશને એને ઘર બદલવા મજબૂર કર્યો. એણે વળી એક નવું ઘર વસાવ્યું, ને ફરી એ જ! હવે એ હૂંફ ઉપરાંત સલામતી શોધતો થઈ ગયેલો.

એટલે એણે એ દૃષ્ટિએ વળી એક નવા મકાનને ઘર બનાવ્યું. એણે મકાન બદલ્યાં પણ પ્રત્યેક ઘરને એણે એટલું જ ચાહ્યું.

બહુ રસથી વસાવ્યું. એનાં પ્રવેશદ્વાર, ત્યાં લગાવેલી નામની તકતી, નાનકડા ક્યારામાં ઉછેરેલા છોડને એના પર ખીલતાં ફૂલ- બધું બહુ જ ઝીણવટથી નક્કી કરતો.

સાદિકનૂરની ઉર્દૂ શાયરી વિશે વાત કરે એવા અભ્યાસુ અધિકારી વિવેચકનો લેખ આપણને મળે ત્યાં સુધી કેવળ પરિચયરૂપ આ એક નોંધ આપની સમક્ષ મૂકું છું, જેમાં ઘર વિશેની એની સંવેદના અનુભવાય છે. કદાચ એના અસંપ્રજ્ઞાત મનમાં રહેલું ઘર એની શાયરીમાં આવ્યું છે.

કોઈ વિશેષ ભાષ્ય વગર સીધા જ એવા કેટલાક શેર અહીં ટાંકું છું. મને શ્રદ્ધા છે આપ જેવા સુજ્ઞભાવકો માટે એ શાયરના ભાવજગતની બારી ખોલી આપશે.

શોલોં મેં જલ રહા થા મેરા ઘર ભી એક દિન

ખામોશ તક રહે થે જમીં આસમાન તક

ફરિશ્તે લે કે કન્દિલેં મેરે ઘર મેં ઉતર આયે

મૈં સમઝા જુગ્નુઓં કે ઘર કોઈ શાદી રચી હોગી

કભી તો બન્દ દરવાજોં કે કોઈ ઝાંક કર દેખે

ન જાને કૌન સે ઘર સે નિકલ કર ખો ગયા હૂં મૈં

તુઝે રૌશની કે નગર કી તલાશ

મુઝે એક છોટે સે ઘર કી તલાશ

મૈં જલતી ધૂમ મેં ચલને સે અબ નહીં થકતા

મગર યહ આરઝૂ ફિર ભી હૈ, કોઈ ઘર હોતા

અમારી પ્રસારણયાત્રા સાથે ચાલી. પ્રાકૃતિક આપદા સમયે તો અમે અમારી ફરજ બજાવી, પણ માનવસર્જિત આપત્તિના સમયે પણ અમે બંનેએ સાથે ફરીને શાંતિના સંદેશ ધ્વનિમુદ્રિત કર્યા. ત્યારે 'સાદિક મારી સાથે છે'નો સધિયારો રહેતો.

અમારા પરિવારોને આ "પંડિત ઔર પઠાણ"ની મૈત્રી પર પૂરો વિશ્વાસ રહ્યો. ઈદ કે દિવાળીએ સાદિકનું હૂંફાળું આલિંગન હોય જ.

રેડિયોના માધ્યમને સમજીને એ એમાં જાતભાતના પ્રયોગ કરતો. કડકડતી ટાઢમાં ખેતરમાં પ્રેમચંદજીનું નાટક "પોષની રાત" ધ્વનિમુદ્રિત કરેલું ને સ્ટુડિયોમાં સૂકાં પાંદડાં પાથરીને એના પર ચાલીને દૃશ્ય જીવંત કરેલું.

એ માઇક્રોફોન સાથે "રમતો" ને સરસ પરિણામ મેળવતો. સાદિકનૂરની અણધારી વિદાયે આપણે રેડિયો પ્રસારણકલાનો એકમાત્ર ગુરુ ગુમાવ્યો છે.

એની પ્રતિભાની આ ઓળખ આ રચના સાથે પૂરી કરું:

જબ તક હવાએં હૈં

જી ભર કે સાઁસ લે લો, જી લો

ફિર ઘૂટ ઘૂટ કે મરના હી હૈ।

સુના હૈ આસમાનોંસે રાક્ષસ ઉતરેંગે

ધરતી પર

ઔર પી જાએંગે સારી હવાઓં કો ।

દોસ્ત, કદાચ એટલે જ તારા શ્વાસમાં ખૂટી એ હવા.

(લેખક આકાશવાણી કેન્દ્ર અમદાવાદમાં નિયામક રહી ચૂક્યા છે અને લેખમાં વ્યક્ત વિચારો તેમના અંગત છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો