You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
HPV રસી : શું આ રસી સર્વાઇકલ કૅન્સરથી થતાં લાખો મહિલાઓનાં મૃત્યુ રોકી શકશે?
જાન્યુઆરીએ સર્વાઇકલ કૅન્સર માટેની જાગૃતિનો મહિનો હતો.
તેથી પાછલા કેટલાક સમયથી સર્વાઇકલ કૅન્સર અને તેનું મુખ્ય કારણ બનતા હ્યુમન પેપીલોમા વાઇરસ (HPV) સામે રક્ષણ આપતી રસી અંગે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી હતી.
સર્વાઇકલ કૅન્સર એટલે ગર્ભાશયના મુખમાં થતું કૅન્સર.
સમગ્ર વિશ્વમાં આ મહિલાઓ માટે બીજું સૌથી ખતરનાક કૅન્સર છે. જે દર વર્ષે ત્રણ લાખ મહિલાઓનાં મૃત્યુનું કારણ બને છે.
તેથી સર્વાઇકલ કૅન્સર, તેનાં જોખમો અને લક્ષણો વિશે જાણવાનું પ્રાસંગિક બની જાય છે.
કેટલાક પ્રકારના HPVના કારણે સર્વાઇકલ કૅન્સર થાય છે. મોટા ભાગે સર્વાઇકલ કૅન્સર HPV-16 અને 18ને કારણે થાય છે.
આ વાઇરસ સામે રક્ષણ આપતી રસી ભારતમાં મહિલાઓ માટે પ્રથમ વાર ઉપલબ્ધ હશે.
આ અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશમાં નવથી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કૅન્સરની રસી આપવાનું આયોજન કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
HPV રસી કૅન્સર સામે કેવી રીતે રક્ષણ પૂરું પાડે?
HPV રસી નવ પ્રકારના વાઇરસ (HPV) સામે રક્ષણ પૂરું પાડે છે. જેમાં સર્વાઇકલ કૅન્સરનાં કારક એવા વાઇરસના બે પ્રકારો, ગુદા માર્ગ, ગુપ્તાંગો, ગરદન અને માથાનાં કૅન્સરનાં કારક એવા વાઇરસના પ્રકારો સામેલ છે.
સંશોધનો અનુસાર આ રસી HPV વાઇરસ સામે ઓછામાં ઓછાં દસ વર્ષ સુધી રક્ષણ આપે છે. જોકે, નિષ્ણાતો આના કરતાં લાંબા સમયગાળા સુધી રક્ષણ મળતું હોવાની વાત કરે છે.
સંશોધનો પ્રમાણે આ રસી સર્વાઇકલ કૅન્સરના કેસોમાં 90 ટકા ઘટાડો કરી શકે છે.
HPV રસી કોને આપી શકાય?
જો બાળક-બાળકીને આ વાઇરસનો ચેપ લાગે એ પહેલાં આ રસી આપવામાં આવે તો તેની શ્રેષ્ઠ અસર થાય છે.
આવું એટલા માટે કારણ કે રસી એ માત્ર આ રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. જોકે, એ એક વખત શરીરમાં વાઇરસનો ચેપ લાગી જાય એ પછી અસરકારક રહેતી નથી.
આ વાઇરસ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા છે, તેથી બાળકો જાતીય રીતે સક્રિય બને એ પહેલાં તેમનું રસીકરણ કરાય એ જરૂરી બની જાય છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર આ રસી એક કે બે ડોઝમાં આપવી જોઈએ.
જોકે, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ડોઝની સંખ્યા બે કે ત્રણ કરવી જોઈએ.
HPV શું છે?
આગળ જણાવ્યું એમ HPV એ ઘણા વાઇરસોનો સમૂહ છે. HPVના 100 કરતાં પણ વધુ પ્રકારો છે. દરેક વખત તેના ચેપનાં લક્ષણો દેખાતાં નથી. જોકે, કેટલાક કિસ્સામાં ચેપથી હાથ, પગ, ગુપ્તાંગો અથવા મોંની અંદરની બાજુએ મસા થાય છે.
મોટા ભાગના લોકોને પોતાને આ વાઇરસનો ચેપ લાગ્યો હોવાની ખબર સુધ્ધાં પડતી નથી અને શરીર આપમેળે આ વાઇરસથી છુટકારો મેળવી લે છે.
જોકે, ભારે જોખમવાળા HPV પેશીના અસામાન્ય વધારાનું કારણ બને છે, જે અંતે કૅન્સરમાં પરિણમે છે.
કોને આ વાઇરસનો ચેપ લાગી શકે અને શું સમાગમથી ચેપ ફેલાય?
આ એક અત્યંત ચેપી વાઇરસ છે. જે ત્વચાના સંપર્કથી ફેલાય છે.
80 ટકા લોકો 25 વર્ષની વય સુધીમાં HPVના સંપર્કમાં આવતા હોય છે.
મોટા ભાગના કેસોમાં 18 મહિનાથી બે વર્ષ સુધી લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો હોય એવું બને છે.
ટેકનિકલી આ સમાગમથી ફેલાતો રોગ નથી, કારણ કે તે સમાગમ દરમિયાન જોવા મળતા પ્રવાહીથી ફેલાતો નથી.
જોકે, સામાન્ય રીતે આ રોગ જાતીય સ્પર્શ અને સામાન્ય સ્પર્શ દરમિયાન ફેલાય છે.
WHO અનુસાર સર્વાઇકલ કૅન્સરના કારણે થતાં 90 મૃત્યુ ઓછી અને મધ્ય આવકવાળા દેશોમાં જોવા મળે છે.
આ દેશોમાં સર્વાઇકલ કૅન્સરના કેસો ઍડ્વાન્સ તબક્કામાં ન પહોંચે તેમજ લક્ષણો ન દેખાવા લાગે ત્યાં સુધી સામે આવતા નથી.
WHOએ અગાઉ કહ્યું છે કે તે વર્ષ 2030 સુધીમાં HPV રસીનું કવરેજ 90 ટકા સુધી લઈ જઈ ‘આગામી સદી દરમિયાન’ આ રોગને ધરમૂળમાંથી દૂર કરવાનો હેતુ ધરાવે છે.
WHO અનુસાર અત્યાર સુધી 140 દેશોએ આ રોગ સામે રક્ષણ માટે રસી આપવાનું શરૂ કર્યું છે.
સર્વાઇકલ કૅન્સરના સૌથી વધુ કેસ (24 ટકા) સહારાના રણના દક્ષિણે આવેલાં આફ્રિકન ક્ષેત્રોમાં જોવા મળે છે, બીજા ક્રમે આ યાદીમાં લૅટિન અમેરિકા અને કૅરિબિયન (16 ટકા), તે બાદ પૂર્વ યુરોપ (14 ટકા), દક્ષિણ-પૂર્વ એશિયા (14 ટકા) આવે છે.
ટેસ્ટની અપૂરતી વ્યવસ્થા, સારવાર સંબંધી સેવા સુધી મર્યાદિત પહોંચ અને રસી લેવા સામે મનમાં થતો ખચકાટ એ આ સ્થિતિમાં ઉમેરો કરે છે.
રવાન્ડા આફ્રિકામાં આ રોગ સામે સૌપ્રથમ રસીકરણ અભિયાન શરૂ કરનાર દેશો પૈકી એક હતો. આ દેશે વર્ષ 2011માં નાની વયે છોકરીઓ માટે રસીકરણ અને મહિલાઓ માટે સર્વાઇકલ કૅન્સર સ્ક્રીનિંગનું અભિયાન શરૂ કર્યું હતું.
પ્રથમ વર્ષમાં જ રસી મેળવવાને પાત્ર દસમાંથી નવ છોકરીઓ સુધી આ યોજનાના લાભ પહોંચાડી દેવાયા. આના પરિણામે નિષ્ણાતો આ દેશને અન્ય દેશો માટે મૉડલ તરીકે રજૂ કરે છે.
જોકે, અહીં નોંધનીય બાબત એ છે કે આ રસી સર્વાઇકલ કૅન્સર સામે ઘણા ખરા પ્રમાણમાં રક્ષણ આપતી હોવા છતાં, તે તમામ પ્રકારના HPV સામે કારગત નથી.
તેથી 25થી વધુ વયની મહિલાઓ સર્વાઇકલ કૅન્સરને ધ્યાને રાખીને સમયાંતરે ટેસ્ટ કરાવે એ મહત્ત્વપૂર્ણ છે.