અન્ના મણિ : ગૂગલે જેમને સન્માનિત કર્યાં તે ભારતનાં 'વેધરવુમન' કોણ છે?

આજે ગૂગલનું ડૂડલ આપને કંઈક અજુગતું જરૂર લાગ્યું હશે.

તેનું કારણ એ છે કે ગૂગલે આજે પોતાના ડૂડલ મારફતે ભારતનાં 'વેધરવુમન' કહેવાતાં અન્ના મણિને (Anna Mani) યાદ કર્યાં હતાં.

23 ઑગસ્ટ, 1918ના રોજ જન્મેલાં એન્ના મણિ ભૌતિકવિજ્ઞાની અને હવામાનશાસ્ત્રી હતાં.

આજે અમે તેમની સાફલ્યગાથા જણાવીશું. જેમાં વાત કરીશું કે કઈ રીતે પરંપરાગત રીતભાતવાળા કુટુંબમાં અલગ ચીલો ચાતરી તેમણે ભારતને પુન:પ્રાપ્ય ઊજાસ્રોતો તરફ વળવા દિશા બતાવી.

પરંપરાગત પરિવાર ન બન્યો મુશ્કેલીનું કારણ

તેમનો જન્મ ત્રાવણકોરના સીરિયન ખ્રિસ્તી કુટુંબમાં થયો હતો.

ધ વાયર ડોટ ઇનમાં અન્ના મણિના જીવન પર લખાયેલ એક લેખમાં મેશેચ્યુસેટ્સ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિક ઇતિહાસકાર આભા સૂરના નિબંધ 'લીલાવતીસ ડૉટર્સ'ને ટાંકવામાં આવ્યો છે.

જેમાં અન્ના વિશે લખાયું છે કે, "એન્ના એક પરંપરાગત ઉચ્ચ-વર્ગના કુટુંબમાં જન્મ્યાં હતાં, જ્યાં મોટા ભાગે પુત્રીઓને લગ્ન માટે જ તૈયાર કરાતી હતી. પરંતુ અન્નાએ પોતાના જીવનનાં મહત્ત્વનાં વર્ષો લગ્નની તૈયારીના સ્થાને પુસ્તકોની આસપાસ ગાળવાનું પસંદ કર્યું."

સૌપ્રથમ તેમણે મદ્રાસની પ્રૅસિડેન્સી કૉલેજમાં ઑનર્સ કર્યું. તે બાદ પોતાની રિસર્ચ કારકિર્દીમાં તેમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ બૅંગ્લોર ખાત રહેવાની તક મળી. જેમાં તેઓ સી. વી. રામનના હાથ નીચે કામ કરી રહ્યાં હતાં.

તેમને તેમના સંશોધન નિબંધ માટે ઇંગ્લૅન્ડમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળી. તે અંતર્ગત તેઓ ફિઝિક્સ ભણવા માગતાં હતાં. પરંતુ યુકેની ઇમ્પિરિયલ કૉલેજમાં તેઓ હવામાનશાસ્ત્રને લગતું જ ભણી શક્યાં.

પાછાં આવીને રચ્યો ઇતિહાસ

તેઓ 1948માં ભારત પરત ફર્યાં. અહીં આવીને તેમણે ભારતીય હવામાનખાતું જોઇન કર્યું. જ્યાં તેમણે હવામાનને લગતાં 100 ઉપકરણોની ડિઝાઇન સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવી, જેથી તેમનું ઉત્પાદન થઈ શકે.

આ સિવાય તેમણે સોલાર ઊર્જાનો ઉપયોગ ઊર્જાના સ્રોત તરીકે કરવા તેમણે મૉનિટરિંગ સ્ટેશન સ્થાપ્યાં.

તેમણે પોતાની કારકિર્દીમાં વાતાવરણમાં રહેલ ઓઝોનને માપવા માટે પણ કામ કર્યું. વર્ષ 1960માં જ્યારે વિશ્વ હજુ ઓઝોન સ્તરના મહત્ત્વ અંગે જાણતું ન હતું, તે સમયે તેમણે આ કારનામું કર્યું હતું. તેમજ થુંબા રૉકેટ લૉન્ચિંગ ફૅસિલિટી ખાતે હવામાનખાતાની ઑબ્ઝર્વેટરી પણ સ્થાપી.

આ સિવાય હવામાનવિભાગમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે પવન ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની દિશામાં પણ ફાળો આપ્યો. તેમણે દેશમાં 700 કરતાં વધુ સ્થળોએ પવન ઊર્જાના મૅઝરમૅન્ટ માટે કામ કર્યું હતું. જેણે આજના ભારતને પવનઊર્જા ક્ષેત્રે આગળ પડતું બનાવવામાં ભૂમિકા ભજવી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો