You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસના એ બિનગાંધી અધ્યક્ષ જેમને રાતોરાત હટાવીને સોનિયા ગાંધીને કમાન સોંપાઈ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી તા. 22મી સપ્ટેમ્બરથી તા. 19મી ઑક્ટોબર સુધી ચાલશે
- 1978માં ઇંદિરા ગાંધીનું પુનરાગમન થયું તે પછી 44 વર્ષમાં ગાંધી-નહેરુ પરિવારની ન હોય તેવી માત્ર બે વ્યક્તિ પીવી નરસિંહ્મા રાવ અને સીતારામ કેસરીએ અધ્યક્ષ પદ સંભાળ્યું છે
- 19મી મે 1999ના રોજ કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન સીતારામ કેસરીના ધોતી કુરતું ફાડી નાખવામાં આવ્યાં અને ટોપી ઉછાળી દેવામાં આવી, કેસરીએ કપડાં બદલવા ઘરે જવું પડ્યું હતું
- 1998ની લોકસભા ચૂંટણી દરમિયાન કદાચ પહેલી વખત એવું થયું કે કૉંગ્રેસના અધ્યક્ષને ચૂંટણીપ્રચારથી દૂર રાખવામાં આવ્યા હોય. એટલે સુધી કે તેમના ગૃહરાજ્યમાં પણ તેમને પ્રચાર માટે બોલાવવામાં આવ્યા ન હતા.
- બીજી બાજુ, સોનિયા ગાંધીએ 130 જેટલી ચૂંટણીસભા સંબોધિત કરી હતી
- કૉંગ્રેસની સાથે એ સમયમાં જોડાયેલા તમામ સંદર્ભો માટે વાંચો આખો અહેવાલ...
સોમવારે કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીનું પરિણામ 19મી ઑક્ટોબરે જાહેર થાય તેવી સંભાવના છે. કૉંગ્રેસના કદાવર નેતા શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગેએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે બિનગાંધીને ચૂંટી પાર્ટીમાં નવો ઉત્સાહ ભરવાના આશયથી આ ચૂંટણી યોજાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ પ્રસંગે એ સમય યાદ કરવાનું પ્રાસંગિક બની જાય છે જ્યારે ભૂતકાળમાં કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે બિનગાંધી ચૂંટાઈ આવ્યા હતા.
1978માં જનતા મોરચા સરકારનું પતન થયું અને સત્તા ઉપર ઇંદિરા ગાંધીનું પુનરાગમન થયું તે પછી 44 વર્ષમાં ગાંધી-નહેરુ પરિવારની ન હોય તેવી માત્ર બે વ્યક્તિએ જ આ પદ સંભાળ્યું હતું. તે પ્રથમ હતા ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિંહ્મા રાવ (1994- ' 96) અને સીતારામ કેસરી (સપ્ટેમ્બર 1996- માર્ચ '98).
1998માં કેસરીને અંધાધૂંધીની વચ્ચે પાર્ટીના અધ્યક્ષપદેથી હઠાવવામાં આવ્યા હતા. પાછળથી તેમનું ધોતિયું અને કુરતું ફાડી નાખીને કૉંગ્રેસી કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સીતારામનું સક્ષમપણું અને મર્યાદા
સોનિયા ગાંધીની ઉપર પુસ્તક લખનાર તથા વર્ષો સુધી કૉંગ્રેસની ઉપર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈએ તેમના પુસ્તક '24 Akbar Road'માં 'ધ જોકર આઉટ ઑફ પેક' પ્રકરણમાં સીતારામ કેસરીને હઠાવવાના તથા સોનિયા ગાંધીના અધ્યક્ષા બનવાના પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.
સપ્ટેમ્બર-1997માં કૉંગ્રેસમાં સંગઠન સ્તરે ચૂંટણી થઈ હતી, જેમાં કેસરી ચૂંટાઈ આવ્યા હતા. શરૂઆતમાં તો પાર્ટીની અંદર તથા બહારનાં વર્તુળોએ તેમને હળવાશમાં લીધાં હતાં. કેસરીએ રાવના સમયની ટીમને યથાવત્ રાખી હતી, માત્ર તેમણે પોતાના વિશ્વાસુ તારિક અનવરને પાર્ટીના મહાસચિવ બનાવ્યા હતા.
અહમદ પટેલ સરકાર અને સોનિયા ગાંધીને જોડતી કડી હતા. આ દરમિયાન તેઓ સોનિયાના વધુ વિશ્વાસપાત્ર બન્યા હતા. અહમદ પટેલના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, ખુદ કેસરી આ પદ ઉપર લગભગ 16 વર્ષ સુધી રહ્યા હતા.
આ ચૂંટણીમાં કેસરીની સામે હારી ગયેલા શરદ પવાર (હાલ એનસીપીના સુપ્રીમો) કહેતા કે કેસરી 'ત્રણ મિયાં અને એક મીરા'થી ઘેરાયેલા રહે છે. (અહમદ પટેલ, તારિક અનવર, ગુલામ નબિ આઝાદ તથા પૂર્વ સ્પીકર મીરા કુમાર)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેસરીને એ વાતનો ગર્વ હતો કે તે પાર્ટીના અધ્યક્ષપદે ચૂંટાઈને આવ્યા છે અને એટલે જ તેઓ પોતાના પદને ખૂબ જ ગંભીરતાથી લેતા હતા. તેઓ ગર્વથી કહેતા કે પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટીને તેમને અધ્યક્ષ બનાવ્યા છે. એવું લાગતું કે ખુદને સામાન્ય પૃષ્ઠભૂમિની વ્યક્તિ ગણાવીને તેઓ ગાંધી-નહેરુ પરિવારને પડકાર આપી રહ્યા હતા.
કેસરી ખાસ ભણેલા ન હતા અને સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા. એટલે તેમનું અંગ્રેજી સારું ન હતું. જેના કારણે તેઓ દક્ષિણ ભારત તથા પૂર્વોત્તર ભારતના કૉંગ્રેસના નેતાઓ સાથે સારી રીતે સંવાદ કરી શકતા ન હતા.
કેસરી રાજકારણમાં 'મંડલીકરણ'ના હિમાયતી હતા. મુલાયામસિંહ, લાલુપ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન અને કાંશીરામ સાથે તેમની નિકટતા હતી. તેઓ આ નેતાઓ સાથે મળીને મહાગઠબંધન ઊભું કરવા માગતા હતા. પાર્ટીમાં પણ તેમણે અશોક ગેહલોત તથા ધરમસિંહને આગળ લાવવા પ્રયાસ કર્યા હતા. જેઓ આગળ જતાં રાજસ્થાન તથા કર્ણાટકના મુખ્ય મંત્રી બન્યા હતા.
કૉંગ્રેસે પહેલાં દેવેગૌડા અને પછી ગુજરાલ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો, જેના માટે તેમની વ્યક્તિગત રાજકીય મહત્ત્વાકાંક્ષાને જવાબદાર ઠેરવવામાં આવી.
જોકે, કૉંગ્રેસના કેટલાક નેતા એવું માનતા હતા કે પાર્ટીની દેશવ્યાપી હાજરી છે અને તેણે જ નેતૃત્વ કરવું જોઈએ. બીજી બાજુ, કેસરી પછાત જાતિના હોવાથી ઉત્તર ભારતના ઉચ્ચ જાતિના નેતાઓ તેમને નેતા તરીકે સ્વીકારવા તૈયાર ન હતા, તો કેસરી પણ બ્રાહ્મણ અને ઠાકુર નેતાઓને પસંદ કરતા ન હતા. તેઓ કેસરીને હતોત્સાહિત કરવા માટે પ્રયાસરત હતા.
પરિણામો બાદ પતન
કિદવઈ પોતાના ઉપરોક્ત પુસ્તકના એ જ પ્રકરણમાં લખે છે કે કૉંગ્રેસમાં આંતરિક અસંતોષ અને ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે કેટલાક પૂર્વ સંસદસભ્યોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. સોનિયા ગાંધીના વિશ્વાસુ એવા વિન્સેન્ટ જ્યોર્જ મારફત એવી માહિતી આપવાનું શરૂ કર્યું કે કેસરી સોનિયા ગાંધી તથા તેમની નજીકના લોકો વિરૂદ્ધ બોલી રહ્યા છે.
1998ની લોકસભા ચૂંટણી દરમિયાન કદાચ પહેલી વખત એવું થયું કે કૉંગ્રેસના અધ્યક્ષને ચૂંટણીપ્રચારથી દૂર રાખવામાં આવ્યા હોય. એટલે સુધી કે તેમના ગૃહરાજ્યમાં પણ તેમને પ્રચાર માટે બોલાવવામાં આવ્યા ન હતા.
બીજી બાજુ, સોનિયા ગાંધીએ 130 જેટલી ચૂંટણીસભા સંબોધિત કરી હતી. આમ છતાં તેઓ ગાંધી પરિવારની પરંપરાગત બેઠક અમેઠી ઉપર પાર્ટીને વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સિવાય અર્જુનસિંહ તથા એનડી તિવારી જેવા નેતાઓને પણ વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
પાર્ટીને માત્ર 142 બેઠક મળી. સોનિયા ગાંધીના વિશ્વાસુઓ દ્વારા પરાજયનો ટોપલો કેસરી ઉપર ઢોળી દેવામાં આવ્યો, જેઓ પ્રચાર માટે બહાર નીકળ્યા પણ ન હતા. આ લોકોનું કહેવું હતું કે સંગઠન નબળું હોવાને કારણે સોનિયા ગાંધીના ચમત્કારિક વ્યક્તિત્વનો લાભ ન મળ્યો.
સોનિયા ગાંધીનું આગમન
બદલતા જતા ઘટનાક્રમ પછી સોનિયા ગાંધીએ કૉંગ્રેસની કમાન સંભાળવાની તૈયારી દાખવી, પરંતુ એમણે શરત રાખી કે કેસરી સ્વૈચ્છાએ પોતાનું પદ છોડી દે અને તેઓ જ તેમના નામનો પ્રસ્તાવ મૂકે.
પરંતુ, કેસરીએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો. જિતેન્દ્ર પ્રસાદ, કે. કરૂણાકરણ, શરદ પવાર અને અર્જુનસિંહ સહિત કૉંગ્રેસ વર્કિંગ કમિટીના લગભગ દરેક સભ્ય સીતારામ કેસરીને હઠાવવા માગતા હતા અને તેમણે પોતાની ભૂમિકા પણ ભજવી. આથી, તેઓ બેઠકો કરવા લાગ્યા.
બીજી બાજુ, કેસરી આશ્વસ્ત હતા કે કૉંગ્રેસના બંધારણની જોગવાઈઓ મુજબ કોઈ તેમને હઠાવી નહીં શકે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાના પુસ્તક THE COALITION YEARSમાં લખ્યું છે કે કૉંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ જિતેન્દ્ર પ્રસાદે આ મુદ્દે તેમની સાથે વાત કરી હતી. ત્યારે મેં કહ્યું હતું કે 'હજુ થોડા સમય પહેલાં જ તેઓ બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. તેમને કેવી રીતે હઠાવી શકાય. ત્યારે પ્રસાદે તેમને કેસરીની ઘટતી જતી લોકપ્રિયતા તથા ચૂંટણીપ્રચાર દરમિયાન દેશભરમાં તેમની સ્વીકાર્યતા વધી હોવાની વાત કરી.'
આ પછી પ્રણવ મુખરજી પણ 'કેસરી હટાવો' અભિયાનમાં જોડાયા હતા. પુસ્તકમાં કહેવા પ્રમાણે, આ અભિયાનમાં તેમની ભૂમિકા 'ઍકેડમિક' પ્રકારની હતી. પવાર અને મુખરજીના પ્રયાસોથી જ લોકસભા કે રાજ્યસભાના સંસદસભ્ય ન હોય તેવી વ્યક્તિ પણ કૉંગ્રેસની અધ્યક્ષ બની શકે તેવી જોગવાઈ દાખલ કરવામાં આવી હતી.
મુખરજી તેમના પુસ્તકમાં લખે છે કે કૉંગ્રેસના બંધારણમાં પાર્ટીના અધ્યક્ષને હઠાવી શકાય તેવી કોઈ જોગવાઈ જ નથી, કદાચ સ્થાપકોને તેની જરૂર જ નહીં લાગી હોય. આથી, તેમણે એક જોગવાઈ શોધી કાઢી હતી, જે મુજબ અસામાન્ય સંજોગોમાં સીડબલ્યુસીના સભ્યો અધ્યક્ષની ગેરહાજરીમાં નિર્ણય લઈ શકે.
આગળ જતાં મુખરજી તથા અન્ય નેતાઓએ સ્વીકાર્યું કે એ જોગવાઈ હેઠળ સીડબલ્યુસીના સભ્યોને પાર્ટીના અધ્યક્ષને હઠાવવાની સત્તા મળેલી ન હતી.
નૅમપ્લેટ ડસ્ટબિનમાં
કેસરીની નજીકના લોકોએ તેમને સલાહ આપી હતી કે તેઓ સીડબલ્યુસીની બેઠક ન બોલાવે, જો એમ કરવામાં આવશે તો તેમને રાજીનામું આપવા માટે કહેવામાં આવશે. છેવટે તા. 5 માર્ચના રોજ બેઠક મળી. જેમાં બે મહત્ત્વપૂર્ણ બાબત બની. સોનિયા ગાંધીને વધુ પ્રત્યક્ષ તથા અર્થપૂર્ણ ભૂમિકા ભજવવા તથા પાર્ટીને સીપીપીના (કૉંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી) અધ્યક્ષની પસંદગી કરવા માટે મદદ કરવા માટે કહેવામાં આવ્યું. ખુદ કેસરી આ પદ ઉપર બેઠા હતા.
9 માર્ચે કેસરીએ રાજીનામું આપવાની જાહેરાત કરી. થોડા સમયમાં જ તેમણે કહ્યું કે તેમણે ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ રાજીનામું નથી આપ્યું. આગામી પાંચ-છ દિવસ દેશભરના કૉંગ્રેસી કાર્યકર્તાઓ માટે અનિશ્ચિતતા ભરેલા રહ્યા. છેવટે તા. 14મી માર્ચના દિવસે પ્રણવ મુખરજીના ઘરે સીડબલ્યુસીના 13 સભ્યોની બેઠક મળી, જેમાં કેસરીને તેમના રાજીનામા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો અને સીડબ્લુસીની બેઠક બોલાવવા માટે કહેવામાં આવ્યું.
11 વાગ્યે પાર્ટીની બેઠક મળી, જેમાં પ્રણવ મુખરજીએ કેસરીની સેવાઓ બદલ તેમનો આભાર માન્યો અને સોનિયા ગાંધીને અધ્યક્ષપદ સંભાળવા માટે કહેવામાં આવ્યું. પાર્ટીની મિનિટ્સ (બેઠકનોંધ) ઉપર કેસરીએ વાંધો ઉઠાવ્યો અને મિટિંગ માત્ર આઠ મિનિટમાં મોકૂફ કરી દેવામાં આવી. તેઓ કાર્યાલયમાં પોતાની ઑફિસમાં જતા રહ્યા.
ડૉ. મનમોહનસિંહ, એકે એન્ટોની, અહમદ પટેલ તથા પ્રણવ મુખરજીએ તેમને મનાવવા માટેના પ્રયાસ કર્યા. લગભગ 11.20 કલાકે પરિવર્તન ઇચ્છતા નેતાઓએ ફરી બેઠક બોલાવી. ઉપાધ્યક્ષ જિતેન્દ્ર પ્રસાદે સૌથી વરિષ્ઠ સભ્ય પ્રણવ મુખરજીને પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું. માત્ર કેસરી જૂથના તારીક અનવરે તેનો વિરોધ કર્યો. પ્રસ્તાવ લઈને કેટલાક કૉંગ્રેસીઓ સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ પહોંચ્યા.
ઉતાવળમાં સીતારામ કેસરીની અધ્યક્ષ તરીકેની નૅમપ્લેટને હઠાવીને કચરાપેટીમાં નાખી દેવામાં આવી. ત્યાં કૉમ્પ્યૂટર પ્રિન્ટાઉટ પર અધ્યક્ષા તરીકે સોનિયા ગાંધીનું નામ લખેલો કાગળ ચિપકાવી દેવામાં આવ્યો.
કૉંગ્રેસ કાર્યકરોએ કેસરીનો હુરિયો બોલાવ્યો
અપમાનિત થઈને કેસરી પરત જઈ રહ્યા હતા, ત્યારે યુવા કૉંગ્રેસના કેટલાક અજ્ઞાત કાર્યકરોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો અને તેમની ધોતી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
સાંજે સોનિયા ગાંધીએ પાર્ટીના મુખ્યાલયે જઈને પદભાર સંભાળી લીધો. સાંજે તેઓ જાતે કેસરીના ઘરે ગયાં અને તેમને 'સ્વાતંત્ર્ય સેનાની, કટ્ટર કૉંગ્રેસી તથા મહાન નેતા' ગણાવ્યા હતા.
એક વર્ષ બાદ 19મી મે 1999ના રોજ કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી. જેમાં સોનિયા ગાંધીના વિદેશી મૂળનો પ્રશ્ન ઉઠાવનારા શરદ પવાર, પીએ સંગમા તથા તારિક અનવર જેવા પ્રાદેશિક ક્ષત્રપોને હઠાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવનાર હતી.
આ બેઠક દરમિયાન અનવરની નજીક મનાતા કેસરીનાં ધોતી-કુરતા ફાડી નાખવામાં આવ્યાં અને ટોપી ઉછાળી દેવામાં આવી. કેસરીએ કપડાં બદલવા ઘરે જવું પડ્યું.
લગભગ દોઢ વર્ષ બાદ ઑક્ટોબર-2000માં ઍઇમ્સમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. તેમને અંજલિ આપવા પહોંચનારા લોકોમાં સોનિયા ગાંધી સર્વપ્રથમ હતાં.
આગળ જતાં શરદ પવારે એનસીપીની સ્થાપના કરી. તેમણે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સોનિયા ગાંધીના નેતૃત્વવાળી કૉંગ્રેસ સાથે મળીને સત્તાનો સ્વાદ ચાખ્યો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો