રાજકારણમાં જાડી ચામડીના હોવું સારું એવું ઇંદિરાએ શા માટે કહેલું?

    • લેેખક, કે. નટવર સિંહ
    • પદ, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન

ઇંદિરા ગાંધીના ગંભીર વ્યક્તિત્વની વાતો જ મોટાભાગે કરવામાં આવી છે. તેમના વ્યક્તિત્વની ખુશમિજાજ, આકર્ષક અને બીજાની ચિંતા કરતી વ્યક્તિ જેવી બાજુઓની વાત બહુ ઓછી જણાવવામાં આવી છે.

ઇંદિરા પ્રભાવશાળી વક્તા હતાં. રાજકારણ સિવાયની બાબતોમાં પણ તેમને રસ હતો. તેઓ આકર્ષક, સંમોહક વ્યક્તિત્વ ધરાવતાં હતાં.

તેમને કળાકારો, લેખકો, ચિત્રકારો અને પ્રતિભાવંત લોકોની સંગત પસંદ હતી. તેમની સેન્સ ઓફ હ્યુમર એટલે કે વિનોદવૃત્તિ પણ જબરજસ્ત હતી.

31 ઓક્ટોબર 1984ના દિવસે તેમની હત્યા કરવામાં આવી, ત્યારથી મારા જીવનમાં જાણે કે વસંતઋતુ ફરી ક્યારેય આવી જ નથી.

હું બધાને પ્રેમ કરું, બધાનો આદર કરું એ માટે તેમણે મને હંમેશા પ્રોત્સાહિત કર્યો હતો.

હું તેમનો આભારી છું. તેમણે મને કેટલું શિખવાડ્યું છે, કેટલું આપ્યું છે એ હું જણાવી શકતો નથી. હું જાણું છું તેના કરતાં પણ કદાચ વધારે તેમણે મને આપ્યું છે.

બહુ વિચારીને પોતાના જીવન વિશે નિર્ણય કરતા કે સમસ્યાઓના સામનામાં પીઠેહઠ કરતા લોકો પ્રત્યે તેમને ઓછી સહાનુભૂતિ હતી.

તેઓ નજર ફેરવતાં અને દંભી લોકોની હવા નીકળી જતી હતી. કાયર લોકો સાથેનો ઇંદિરાનો વ્યવહાર, ઉત્સાહવિહોણી વ્યક્તિ સાથે જેવું વર્તન થવું જોઈએ તેવો જ હતો.

તેમણે ઘણાં સામાજિક અને રાજકીય બંધનોને તોડ્યાં હતાં. તેઓ આઝાદીની, શક્તિથી ભરપૂર લહેરખી જેવાં હતાં.

તેમણે મને લખેલો પહેલો પત્ર

28 ઓગસ્ટ, 1968ના દિવસે તેમણે તેમના હાથથી મને એક પત્ર લખ્યો હતો.

એ તેમણે મને લખેલો પહેલો પત્ર હતો, જે એમણે મારા દીકરાના જન્મ નિમિત્તે લખ્યો હતો.

તેમણે લખ્યું હતું...

પ્રિય નટવર,

મારા સચિવે આ સમાચાર આપ્યા ત્યારે મેં તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોઈ કારણસર આપની સાથે વાત કરી શકી ન હતી.

તમારા ઘરે નાનકડા મહેમાનના આગમન માટે હું આપને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

એ આપના માટે ખુશી લાવે અને મોટો થઈને તમને ગૌરવાન્વિત કરે એવી શ્વરને પ્રાર્થના.

સ્નેહાધીન,

ઇંદિરા ગાંધી

27 જાન્યુઆરી, 1970ના દિવસે મેં ઇંદિરા ગાંધી એક નાનકડી નોંધ મોકલી હતી.

તેમને યોગ્ય સંબોધન (પ્રિય મેડમ, મેડમ, પ્રિય મિસિસ ગાંધી, પ્રિય શ્રીમતી ગાંધી, પ્રિય વડાંપ્રધાન) કરવાના ઘણા પ્રયાસો બાદ મેં હારીને વિચાર્યું હતું કે તેમને એ પત્ર એક નોટના સ્વરૂપમાં લખું.

મેં લખ્યું હતું...

બે સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે અને હું ઘરમાં લાકડાના પલંગ પર પડ્યો રહેવા મજબૂર છું, કારણ કે હું સ્લિપડિસ્કથી પીડાઈ રહ્યો છું.

ફરસ પર પડેલું ટેડી બિયર ઉઠાવીને મારી દીકરા જગતને આપવા માટે 11 તારીખે હું વાંકો વળ્યો હતો અને આ દુર્ઘટના સર્જાઈ હતી.

મને લાગતું હતું કે હું 40 વર્ષનો હોશ ત્યારે મારી પાસે ખુશ થવાનાં વધારે કારણો હશે અને એ વયમાં પીડા ઓછી હશે.

અત્યારે દિલ્હીથી દૂર છું, જે પીડાને વઘુ દર્દનાક બનાવે છે.

વળી પલંગ પર પડ્યા રહેવું પડે છે એટલે એ સહન થઈ શકતું નથી.

મારું મુખ્ય કામ સૂતા રહીને છત સામે તાકતા રહેવું અને દિવાલોને રંગવાનો સમય આવી ગયો છે એ જરા પણ ન વિચારવું.

30 જાન્યુઆરીએ એ નોંધનો જવાબ આવી ગયો હતો.

ઇંદિરા ગાંધીએ લખ્યું હતું...

તમે રજા પર છો એ હું જાણું છું, પણ તમે બીમાર હોવાથી ઓફિસે આવતા નથી એ વાતનો મને કોઈ અંદાજ ન હતો.

સ્લિપ ડિસ્ક કેટલી પીડાદાયક હોય છે એ હું જાણું છું.

અમારી સંવેદના તમારી સાથે છે, પણ તમને તમારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે વિચારવાની તક મળશે.

આવું સમયાંતરે વિચારતા રહેવું આપણા બધા માટે જરૂરી હોય છે.

દિલ્હીમાં ગણતંત્રના દિવસના સપ્તાહ દરમ્યાન કેવો માહોલ હોય છે, એ આપ વિચારી શકો છો,

ખાસ કરીને આપણી સામે સળગતા મુદ્દાઓ હોય અને વિદેશી વીઆઈપી આપણા દેશમાં હોય.

હું કાલે સવારે એક પ્રવાસ પર જઈ રહી છું. તમે જલદી સાજા થઈને પાછા આવશો એવી આશા છે.

તમને યાદ છે, કે.પી.એસ. મેનન સાથે પણ આવું કંઈક થયું હતું?

તેમણે અજંતાની મૂર્તિની મુદ્રામાં થોડીવાર ઊભા રહેવું પડ્યું હતું.

તમે જાણો છો કે પિતા બનવામાં થોડું નુકસાન પણ થાય છે.

યાસિર અરાફત નારાજ થયા ત્યારે

નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 1983ની સાતમી માર્ચે ગુટનિરપેક્ષ આંદોલનનું સાતમું સંમેલન યોજાવાનું હતું. એ વખતે હું સેક્રેટરી જનરલ હતો.

પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન(પીએલઓ)ના અધ્યક્ષ યાસર અરાફાત શાંત પાડવાની મોટી મુશ્કેલીનો સામનો અમારે સંમેલનના પહેલા જ દિવસે કરવો પડ્યો હતો.

તેમના ભાષણ પહેલાં જોર્ડનના રાજાએ પ્રવચન આપ્યું હતું. એ કારણે અરાફાતને તેમનું અપમાન થયું હોવાનું લાગતું હતું.

અરાફાતે નિર્ણય કર્યો હતો કે લન્ચ કર્યા પછી તેઓ દિલ્હીથી સ્વદેશ પાછા ફરશે.

મેં વડાંપ્રધાન ઇંદિરા ગાંધીને ફોન કરીને પૂછ્યું હતું કે આપ વિજ્ઞાન ભવન આવી શકો તેમ છો?

ક્યુબાના રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો સાથે વિજ્ઞાન ભવન આવવા મેં તેમને જણાવ્યું હતું.

તેમણે ફિદેલ કાસ્ત્રોને આખી વાત જણાવી હતી અને ફિદેલ કાસ્ત્રોએ યાસર અરાફાતને તત્કાળ સંદેશો મોકલ્યો હતો.

ફિદેલ કાસ્ત્રોએ યાસર અરાફાતને પૂછ્યું હતું, ''આપ ઇંદિરા ગાંધીના મિત્ર છો?''

જવાબમાં યાસર અરાફાતે કહ્યું હતું, ''દોસ્ત, એ મારાં મોટા બહેન છે. હું એમના માટે કંઈ પણ કરીશ.''

ફિદેલ કાસ્ત્રોએ તેમને તરત જ જણાવ્યું હતું, ''તો નાના ભાઈ જેવું વર્તન કરો અને બપોરની સેશનમાં ભાગ લો.''

એ પછી યાસર અરાફાતે બપોરની સેશનમાં ભાગ લીધો હતો.

બીજી સમસ્યા

1983ના નવેમ્બરમાં નવી દિલ્હીમાં કોમનવેલ્થ દેશોનું સંમેલન યોજાયું હતું. તેમાં હું મુખ્ય આયોજક હતો. સંમેલનના બીજા દિવસે એક મોટી સમસ્યા સર્જાઈ હતી.

વડાંપ્રધાનને ખબર પડી હતી કે મધર ટેરેસાને 'ઓર્ડર ઓફ મેરિટ' વડે સન્માનિત કરવા માટે ક્વીન એલિઝાબેથ દ્વિતીય રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારંભનું આયોજન કરવાનાં છે.

આ સમાચારની સચ્ચાઈ જાણવાનો આદેશ વડાંપ્રધાને મને આપ્યો હતો. મેં તેમના આદેશ અનુસાર તપાસ કરી તો ખબર પડી હતી કે રાષ્ટ્રપતિ ભવનમાં સમારંભનું આયોજન ખરેખર કરવામાં આવ્યું હતું.

જોકે, રાષ્ટ્રપતિ સિવાય આવા સમારંભનું આયોજન કોઈ કરી શકતું નથી.

ક્વીન એલિઝાબેથને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારંભ યોજવાની પરવાનગી આપી નહીં શકાય એ વાત બ્રિટનનાં વડાંપ્રધાન માર્ગારેટ થેચરને જણાવવા વડાંપ્રધાને મને કહ્યું હતું.

મિસિસ થેચરે કહ્યું હતું કે સ્થળ બદલાવવા માટે હવે સમય રહ્યો નથી અને સમારંભ નહીં યોજવા દેવાય તો ક્વીન નારાજ થઈ જશે. મેં એ જ વાત ઇંદિરા ગાંધીને જણાવી હતી.

એ સાંભળીને તેઓ નારાજ થઈ ગયાં હતાં અને મિસિસ થેચર સાથે ફરી વાત કરવા મને જણાવ્યું હતું.

બીજા દિવસે સંસદમાં આ વિશે ચર્ચા થશે અને ક્વીનની ઝાટકણી કાઢવામાં આવશે, એવું મિસિસ થેચરને કહેવા તેમણે મને જણાવ્યું હતું.

આ વાતને પગલે સમસ્યા ઉકેલાઈ ગઈ હતી અને સમારંભ યોજવામાં આવ્યો ન હતો.

ક્વીને મધર ટેરેસાનું રાષ્ટ્રપતિ ભવનના બગીચામાં 'ઓર્ડર ઓફ મેરિટ'થી સન્માન કર્યું હતું.

જે કંઈ થયું તેની મધર ટેરેસાને કોઈ માહિતી ન હતી એ રાહતની વાત હતી.

રાજકારણમાં પ્રવેશની પરવાનગી

કોમનવેલ્થ સંમેલનના છેલ્લા દિવસે મેં વડાંપ્રધાન ઇંદિરા ગાંધીને મળવાની પરવાનગી માગી હતી.

મેં તેમને જણાવ્યું હતું કે હું 31 વર્ષથી ભારતીય વિદેશ સેવાનો હિસ્સો બની રહ્યો છું. તેઓ પરવાનગી આપે તો હું રાજકારણમાં પ્રવેશવા ઇચ્છું છું.

ઇંદિરા ગાંધીએ મને રાજકારણમાં પ્રવેશવાની પરવાનગી આપી હતી. હું 28 નવેમ્બરે તેમને સાઉથ બ્લોકમાં મળ્યો હતો.

મેં તેમને જણાવ્યું હતું કે હું એક-બે દિવસમાં ભરતપુર જવા રવાના થવાનો છું અને મારા રાજકીય જીવનની શરૂઆત કરવાનો છું.

મારી અગ્રતા ખુદ માટે નવાં કપડાં એટલે કે ખાદીના કૂર્તા-પાયજામા તથા જવાહર કોટ ખરીદવાની છે.

તેમણે કહ્યું હતું, ''હવે તમે રાજકારણમાં પ્રવેશી રહ્યા છો. રાજકારણમાં જાડી ચામડીના હોવું હંમેશા ફાયદાકારક સાબિત થતું હોય છે.''

(કોંગ્રેસના નેતા નટવર સિંહ વિદેશ પ્રધાન તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે થોડા સમય માટે વિદેશ મંત્રાલયમાં સચિવ તરીકે પણ કામ કર્યું હતું. નટવર સિંહે તેમની આત્મકથા 'વન લાઈફ ઈઝ નોટ ઈનફ'માં ઇંદિરા ગાંધી અને ગાંધી પરિવાર વિશે લખ્યું છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો