You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : સૌરાષ્ટ્રની એ હાઇપ્રોફાઇલ બેઠક જેણે બે-બે મુખ્ય મંત્રી અને એક ગવર્નર આપ્યા
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ભાજપની યાદી પ્રમાણે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક પર ડૉ. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે.
આ સિવાય રાજકોટની અન્ય બેઠકો પરથી ચૂંટાઈને આવેલા વાહન-વ્યવહાર વિભાગના મંત્રી અરવિંદ રૈયાણી, સિનિયર ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠિયાની ટિકિટ કાપીને નવા જ ઉમેદવારોને તક આપી છે.
જાણકારો પ્રમાણે, આ નેતાઓ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના જૂથના હોવાથી તેમને ટિકિટ અપાઈ નથી.
રાજકોટ પશ્ચિમની બેઠક ગુજરાતના રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ બેઠક પર છેલ્લાં 37 વર્ષથી ભાજપનું શાસન છે અને તે ભાજપની સૌથી સુરક્ષિત બેઠકોમાંની એક છે.
આ બેઠક પરથી ગુજરાતને બે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તેમજ વિજય રૂપાણી મળ્યા છે. આ ઉપરાંત આ બેઠક પરથી સૌથી વધારે વખત જીતવાનો રેકૉર્ડ ધરાવનારા વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
આ બેઠક પરથી ચૂંટાઈને આવેલા નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેનારા મુખ્ય મંત્રી છે. જ્યારે આ બેઠક પર સૌથી વધુ લીડ (53,755) થી જીતવાનો રેકૉર્ડ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નામે છે.
વર્ષ 1985થી સતત ભાજપના કબજામાં રહેતી આ બેઠક પર ભાજપે પહેલી વખત કોઈ મહિલાને ટિકિટ આપી છે. ત્યારે ગુજરાતને બે મુખ્ય મંત્રી અને એક ગવર્નર આપનારી આ બેઠકનું ચૂંટણીગણિત પણ ઘણું રસપ્રદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેઠક પર સૌથી વધુ મતદાર પાટીદાર સમાજના
જાણકારોના મત અનુસાર, રાજકોટ પશ્ચિમની આ બેઠક પર સૌથી વધુ મતદારો પાટીદાર સમાજના છે. જોકે, આ બેઠક ભાજપ માટે વર્ષોથી 'સુરક્ષિત બેઠક' હોવાથી સામાજિક કે ધાર્મિક પરિબળો કામ લાગતાં નથી.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "આ બેઠક પર આશરે 58 હજાર પાટીદાર, 35 હજાર બ્રાહ્મણ, 28 હજાર ક્ષત્રિય તેમજ રાજપૂત, 27 હજાર જૈન, 25 હજાર લોહાણા, 22 હજાર દલિત અને 20 હજાર મુસ્લિમ મતદારો છે."
આ બેઠક પર જૈન સમાજના 27 હજાર મતદારો હોવા છતાં છેલ્લી 2014ની પેટાચૂંટણીમાં અને 2017ની સામાન્ય ચૂંટણીમાં જૈન ઉમેદવાર (વિજય રૂપાણી)નો વિજય થયો હતો.
આ અંગે જગદીશ આચાર્ય જણાવે છે, "આ બેઠક પર પાટીદાર મતદારો વધારે હોવા છતાં અહીં જ્ઞાતિવાદી અને ધર્મને લગતા પરિબળો કામ લાગતાં નથી. આ બેઠક રાજ્યમાં ભાજપ માટેની સૌથી સુરક્ષિત બેઠકોમાંની એક છે. જેથી તેઓ અહીં કોઈ પણ ઉમેદવારને ઊભો રાખે તો તે જીતી જાય તેમ છે."
આ બેઠક સતત ભાજપ પાસે જતી હોવા અંગે તેઓ કહે છે, "ભાજપની મજબૂત પકડ સિવાય અહીં કૉંગ્રેસને સારો ઉમેદવાર પણ મળતો નથી, જેનો ફાયદો ભાજપને થાય છે."
રાજકોટ (પશ્ચિમ) બેઠકની કેટલીક રસપ્રદ બાબતો
- છેલ્લાં 37 વર્ષથી ભાજપ સતત આ બેઠક જીતતો આવ્યો છે
- વર્ષ 1967થી અત્યાર સુધીમાં માત્ર બે વખત કૉંગ્રેસ પાસે આ બેઠક આવી
- કૉંગ્રેસના મણીભાઈ રાણપરા (1980) સૌથી ઓછી લીડ (1,993)થી જીતેલા ધારાસભ્ય
- પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી (2017) આ બેઠક પર સૌથી વધુ લીડથી જીતનારા ધારાસભ્ય
- આ બેઠક પર સૌથી વધુ વખત (સાત) વજુભાઈ વાળા ચૂંટાઈને આવ્યા છે
- 'અજય ગઢ' ગણાતી આ બેઠક પર ભાજપે પ્રથમ વખત કોઈ મહિલાને ટિકિટ આપી
'પાણીવાળા નેતાએ' કમાન સંભાળ્યા બાદ બેઠક 'અજય ગઢ' રહી
જનસંઘ અને ભાજપના સ્થાપનાકાળના નેતાઓની કૅડરના વજુભાઈ વાળા 1980માં રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
તેમના મેયરકાળ દરમિયાન રાજકોટમાં પાણીની અછતને પહોંચી વળવા તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીના કારણે પ્રશંસકોમાં તેઓ 'પાણીવાળા નેતા' તરીકે પ્રસિદ્ધ થયા હતા.
1985માં તેમણે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતીને વિધાનસભામાં પ્રવેશ કર્યો. એ દિવસથી આજ દિન સુધી સુધી આ બેઠક ભાજપનો 'અજય ગઢ' રહી છે.
વાળા 1985થી સતત આ બેઠક પર ચૂંટાઈને આવતા હતા. જોકે, 2001માં નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રી તરીકે પદગ્રહણ કર્યા બાદ તેમના માટે સૌથી સલામત વિધાનસભા બેઠકની શોધ ચાલતી હતી.
તે સમયે વજુભાઈએ તેમની રાજકોટ પશ્ચિમની બેઠક મોદી માટે ખાલી કરી આપી હતી. 2002માં યોજાયેલી પેટાચૂંટણીમાં મોદી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને 14,728 મતની લીડથી જીત્યા હતા.
બાદમાં 2007 અને 2012ની ચૂંટણીમાં ફરી વખત વજુભાઈ વાળા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. તેઓ આ બેઠક પર સૌથી વધુ વખત ચૂંટણી જીતવાનો અને વિધાનસભામાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકૉર્ડ ધરાવે છે.
'સંઘના ક્વોટામાંથી ટિકિટ મળી'
ભાજપે પ્રથમ વખત રાજકોટ પશ્ચિમ બેઠક પરથી એક મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. નામ છે ડૉ. દર્શિતા શાહ.
એમ.ડી. પૅથૉલૉજીનો અભ્યાસ કરનાર ડૉ. દર્શિતા શાહ છેલ્લી બે ટર્મથી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યાં છે. બીજી ટર્મમાં તેમની ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ડૉ. દર્શિતા શાહ અગાઉ 2017માં આ બેઠક પરથી જ્યારે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા ત્યારે તેઓ આ બેઠકની અત્યાર સુધીની સૌથી વધુ લીડ (53,755) થી જીત્યા હતા. દર્શિતા શાહ અને વિજય રૂપાણી બંનેનો ધર્મ 'જૈન' છે. ત્યારે શું દર્શિતા શાહને પણ તેમના ધર્મના કારણે ટિકિટ આપવામાં આવી હોઈ શકે?
આ પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે, "ના. એવું બિલકુલ નથી. આ બેઠક સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ પડતી બેઠક છે, કારણ કે 37 વર્ષથી અહીં ભાજપ સિવાય કોઈ જીતતું જ નથી. એક વખતે કહેવામાં આવતું હતું કે જો ભાજપ અહીંથી થાંભલાને પણ ઊભો રાખે તો તે જીતી જાય એમ છે. જેથી ધર્મના આધારે ટિકિટ ફાળવણી થઈ હોય તેમ કહી શકાય નહીં."
જોકે, તેઓ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તો તેમને કયા આધારે ટિકિટ મળી હશે? આ પ્રશ્નના જવાબમાં કૌશિક મહેતા કહે છે, "દરેક ચૂંટણીમાં ટિકિટ માટે સંઘને એક ક્વોટા ફાળવવામાં આવે છે. આ વખતે તેમને એ ક્વોટમાંથી ટિકિટ મળી છે."
તેઓ આગળ કહે છે, "દર્શિતાબહેનના દાદા ડૉ. પી.વી. દોશી આરએસએસના પ્રચારક હતા. રાજકોટમાં ક્યારેય પણ સંઘના કોઈ મોટા નેતા આવતા તો તેઓ તેમને ત્યાં જ રોકાતા હતા. ડૉ. પી.વી. દોશીના પુત્ર એટલે કે દર્શિતાબહેનના પિતા પણ સંઘના કાર્યકર હતા. પરિવારમાંથી માત્ર દર્શિતાબહેન જ સક્રિય રાજકારણમાં આવ્યાં. તેઓ લગભગ એક દાયકાથી સક્રિય રાજકારણમાં છે."
આ અંગેનું અન્ય કારણ આપતા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે ભાજપમાંથી આ બેઠક માટે જે લોકોએ દાવેદારી નોંધાવી હતી. આંતરિક વિવાદો વચ્ચે માત્ર દર્શિતાબહેન એક માત્ર એવી વ્યક્તિ હતી, જે નિર્વિવાદિત રહી છે. જેના કારણે તેમની પસંદગી થઈ હોઈ શકે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો