મોરબીની મચ્છુ હોનારતે નરેન્દ્ર મોદીને જાહેર મંચ પર કઈ રીતે ચમકાવ્યા?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

મોરબી, મચ્છુ નદી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બહુ જૂનો સંબંધ છે. મોરબી એ સ્થળ છે, જ્યાંથી નરેન્દ્ર મોદીએ જાહેર જીવનમાં પોતાની ઓળખ ઊભી કરવાની શરૂઆત કરી હતી.

નરેન્દ્ર મોદીએ મોરબીમાં શું અને કેવી રીતે કર્યું એ વિશે જાણતા પહેલાં એ જાણી લઈએ કે મોરબીમાં આજથી લગભગ 43 વર્ષ પહેલાં શું થયું હતું.

વાત 1979ની 11 ઑગસ્ટની છે. રાજકોટ નજીક આવેલા મોરબીમાં એ વર્ષે જુલાઈમાં જરા સરખો વરસાદ પણ થયો ન હતો, પરંતુ ઑગસ્ટ આવતા સુધીમાં એ વિસ્તારમાં સતત વરસાદ પડવા લાગ્યો હતો.

મોરબી પાસેથી વહેતી મચ્છુ નદી પર બે ડૅમ બાંધવામાં આવ્યા હતા. મચ્છુ નદી પરના બીજા, 22.56 મિટર ઊંચા ડૅમનું નિર્માણકાર્ય 1972માં પૂર્ણ થયું હતું. 1979ની 10 ઑગસ્ટની સાંજે મચ્છુ નદી પરના ડૅમ નંબર એકમાંથી વધારાનું પાણી છોડવાનું શરૂ કરાયું હતું.

એ પછી બે નંબરના ડૅમના દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા હતા, પરંતુ તેના બે દરવાજા ટેકનિકલ કારણોસર બંધ રાખવામાં આવ્યા હતા. તેથી ડૅમમાં વધારાનું પાણી એકઠું થઈ ગયું હતું અને બીજી તરફ વરસાદ રોકાતો ન હતો. તેનું પરિણામ એ આવ્યું કે ડેમના ફ્લડ ગેટમાંથી બહુ મોટા પ્રમાણમાં અને અત્યંત ઝડપથી પાણી વહેવા લાગ્યું હતું.

આખું શહેર પૂરના પાણીમાં ડૂબ્યું

બપોરે એક વાગ્યાની આસપાસ પાણીનો પ્રવાહ ડૅમની ઉપરથી વહેવા લાગ્યો હતો. બે વાગ્યા સુધીમાં તો પાણીનો પ્રવાહ ડૅમની દોઢથી બે ફૂટ ઉપર વહેતો થયો હતો. ડૅમની ડાબી બાજુના ભાગમાંની માટી સવા બે વાગ્યાની આસપાસ વહેવા લાગી. થોડી વારમાં તો જમણી બાજુના હિસ્સામાંથી પણ માટી પણ ખસવા લાગી હતી.

પાણીનો પ્રવાહ એટલા જોરથી વહેતો હતો કે ડૅમ પર તહેનાત કર્મચારીઓને તેમની કૅબિનમાંથી બહાર નીકળવાની તક સુદ્ધાં મળી ન હતી. માત્ર 20 મિનિટમાં ડૅમનું બધું પાણી નજીકના મોરબી ગામમાં ફરી વળ્યું હતું.

સાડા ત્રણ વાગ્યે મોરબી 12થી 30 ફૂટ પાણીની અંદર હતું. એ પછીના ચાર કલાકમાં આખું મોરબી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સાડા સાત વાગ્યા સુધીમાં પાણીનો પ્રવાહ થોડો ઓસર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં લગભગ આખું શહેર મોતના મોંમાં સપડાઈ ગયું હતું.

ઠેકઠેકાણે લોકો અને પશુઓના મૃતદેહ પડ્યા હતા. પૂર આવ્યાના આઠ દિવસ પછી પણ, સડતા મૃતદેહોની દુર્ગંધ ચારેબાજુ ફેલાયેલી હતી. દરેક જગ્યાએ કાટમાળ પડ્યો હતો. વીજળીના થાંભલા બેવડા વળી ગયા હતા.

24 કલાક પછી રેડિયો પર આવ્યા સમાચાર

સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે સ્થાનિક વહીવટી તંત્રને બંધ તૂટ્યાના 15 કલાક સુધી આ દુર્ઘટનાના સમાચાર મળ્યા ન હતા. તેઓ તો એવું માનતા હતા કે સતત વરસાદને લીધે પૂર આવ્યું છે.

દુર્ઘટનાના 24 કલાક બાદ એટલે કે 12 ઑગસ્ટે આ સમાચાર સૌપ્રથમ વખત રેડિયો પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. રાહત કાર્ય માટે સૈન્યના જવાનોને મોરબી બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ઘટનાના 48 કલાક પછી, 13 ઑગસ્ટે મોરબી પહોંચી શક્યા હતા.

સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ દુર્ઘટનાની માહિતી જિલ્લા વડામથક રાજકોટ સુધી પહોંચાડી શક્યા ન હતા, કારણ કે ટેલિફોન લાઈન ઠપ્પ થઈ ગઈ હતી. ટેલિફોન મારફત સંપર્ક શક્ય જ ન હતો, કારણ કે સમગ્ર પ્રદેશના ટેલિફોનના તમામ થાંભલા પૂરમાં તણાઈ ગયા હતા.

સરકારી આંકડા મુજબ, આ દુર્ઘટનામાં લગભગ 1,000 લોકો માર્યા ગયા હતા, પરંતુ બિન-સરકારી આંકડા મુજબ, મૃતકાંક 25,000ની આસપાસ હતો. દુર્ઘટનાના એક સપ્તાહ પછી રાષ્ટ્રીય મીડિયાના લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં મોરબી ભૂતિયા શહેરના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયું હતું.

નરેન્દ્ર મોદી રાહતકાર્યમાં જોડાયા

મોટી રાજકીય ઘટનાઓનો પ્રારંભ ક્યારેક બિન-રાજકીય કારણોસર થતો હોય છે. એ સમયે બાબુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી હતા. તેમના મંત્રીમંડળમાં ભારતીય જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા કેશુભાઈ પટેલ સિંચાઈ મંત્રી હતા.

મોરબીમાં અચાનક પૂરના સમાચાર આવતાંની સાથે જ કેશુભાઈ તત્કાળ મોરબી જવા રવાના થઈ ગયા હતા, પરંતુ મચ્છુ નદીની ઊછળતી લહેરોને કારણે તેઓ શહેરમાં પ્રવેશી શક્યા ન હતા. શરૂઆતના કેટલાક દિવસો સુધી મોરબીમાં કોઈ રાહત સામગ્રી પહોંચાડી શકાઈ ન હતી.

આખું સરકારી તંત્ર એક રીતે પંગુ બની ગયું હતું. તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ પરિસ્થિતિનો તાગ મેળવવા ઘણા સમય પછી મોરબીની મુલાકાત લીધી હતી.

મોરબીને મદદ કરવાનું બીડું આરએસએસના કાર્યકરોએ ઉઠાવ્યું હતું. આરએસએસના તત્કાલીન પૂર્ણકાલીન પ્રચારક નરેન્દ્ર મોદી એ સમયે વરિષ્ઠ નેતા નાનાજી દેશમુખ સાથે ચેન્નઈમાં હતા. પૂરના સમાચાર સાંભળતાંની સાથે જ તેઓ ગુજરાત પાછા ફર્યા હતા અને મોરબી જઈને રાહત કાર્ય શરૂ કર્યું હતું.

મોરબીમાં આ દુર્ઘટના વખતે મદદરૂપ થવાને કારણે લોકોમાં આરએસએસની સ્વીકાર્યતા વધી હતી અને ત્યાંથી એક રાજકીય શક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના ઉદયનો આરંભ થયો હતો.

નરેન્દ્ર મોદી જાહેર મંચ પર આવ્યા તેની એ પહેલી ઘટના હતી. એ પછી તેમણે પાછું વાળીને ક્યારેય જોયું નથી. મોરબી દુર્ઘટનાના 22 વર્ષ બાદ તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.

એંસીના દાયકાના અંત સુધીમાં મચ્છુ ડૅમનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. મણિમંદિર બહાર, દુર્ઘટનાના મૃતકોની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ સ્થળે આજે પણ શહેરના લોકો દર વર્ષે 11 ઑગસ્ટે શ્રદ્ધાંજલિ આપવા એકઠા થાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો