You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : 'મારી રાખડીનું બંધન ખોવાયું', નદીકિનારેથી હૉસ્પિટલ સુધી ભાઈને શોધી રહેલી બહેનનો વલોપાત
- મોરબી પુલ હોનારતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યા છે
- એનડીઆરએફની ટીમ નદીમાં શોધખોળ કરી રહી છે, પણ બોટો હંકારવામાં તકલીફ પડી રહી છે
- અંદાજે 200 લોકોએ આખી રાત બચાવની કામગીરી કરી છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફ, ફાયર, પોલીસ વગેરેની ટીમો અહીં હાજર છે
- આ દરમિયાન લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા એમણે પોતાની આપવીતી બીબીસી ગુજરાતીને જણાવી હતી
"સરકારી હૉસ્પિટિલમાં હું ઊભી છું, ગઈકાલે 7 વાગ્યાથી બે વાગ્યા સુધી નદીકિનારે હતી. સવારે ઝૂલતા પુલે ગઈ, મચ્છુમાતાના મંદિરે ગઈ. કોઈ જવાબ આપતું નથી. પૈસાવાળાને લોકો જવાબ આપે છે."
"આ હોનારતમાં કોઈએ માતા, કોઈએ બાળકો, કોઈએ પતિ, કોઈએ પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં છે. અમે ભૂકંપ જોયો છે, અમે ઘણી બધી હોનારતો જોઈ છે. આવા દિવસો ભગવાન કોઈને ના બતાવે, આખું મોરબી રડી રહ્યું છે. પાંચમનો દિવસ ગોઝારો હશે એવું અમે વિચાર્યું નહોતું. અહીં લોકો જવાબ આપી રહ્યા નથી, અમે ક્યાં જઈને શોધીએ."
"મારા ભાઈ ખોવાયા છે. મારી રાખડીનું બંધન ખોવાયું છે. એ પુલ જોવા ગયા હતા અને ઘરે આવ્યા જ નથી. અમે બધી જ જગ્યાએ તેમને શોધી વળ્યાં પણ ક્યાંય પત્તો નથી. પૈસાવાળાને દરેક જવાબ આપે છે અમને લોકો જવાબ આપતાં નથી. આખી રાત મે મારા ભાઈને નદીકિનારે શોધ્યો, હૉસ્પિટલમાં પણ દરેક મૃતદેહ જોયા પણ કોઈ પત્તો નથી. "
"જેના ઘરમાંથી જે માણસ ગયું છે એમને જ ખબર છે એમની પરિસ્થિતિ કેવી હશે. સરકાર પૈસા આપવાની વાત કરે છે, એ પૈસા આપવાથી શું ગુમાવેલી વ્યક્તિ પાછી આવી જશે? સરકાર તો પાંચ લાખ રુપિયા આપવાની વાત કરે છે પણ એ પૈસાથી મારો ભાઈ તો પાછો આવવાનો નથી. એની લાગણી, પ્રેમ પાછાં આવવાનાં નથી. એ પૈસાનું અમે શું કરીશું. એવા પૈસા અમારે જોઈતા પણ નથી."મોરબીમાં બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઈવમાં નીલાબહેન નામનાં એક મહિલા મહિલાએ રડતાં-રડતાં આ વાત કરી હતી.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય અને રોક્સી ગાગડેકર છારા સવારથી મોરબીમાં મચ્છુ નદીના કિનારે અને હૉસ્પિટલમાંથી અહેવાલ આપી રહ્યા છે.
આ મહિલાએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મારો ભાઈ કાલથી લાપતા છે અને હજુ સુધી તેની કોઈ જાણકારી મળી નથી."
મોરબીની પુલ હોનારત પછી સિવિલ હૉસ્પિટલમાં પણ હાહાકાર વર્તાયેલો છે. કેટલાય લોકો અહીં પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે.
મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટતાં સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધી 140થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને મૃતાંક હજુ વધી શકે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મુસ્લિમભાઈઓની મદદ'
આ દરમિયાન સ્થાનિક યુવકોએ ઘટના વિશે જણાવ્યું હતું કે,"દૃશ્ય જોતા કંઈ જ સમજાતું ન હતું. લોકો પુલ પરથી પડતા હતા, લટકી રહ્યા હતા. બીકના માર્યા ઉપરથી લોકો પડી રહ્યા હતા. મુસ્લિમભાઈઓ અને અમે બધાએ મળીને મૃતદેહને ખભે-ખભા મેળવીને લઈ ગયા હતા."
નદીના પટમાં સવાર સુધીમાં 15 હોડીઓ હતી અને બચાવકામગીરી આરંભાયેલી હતી. તંત્ર લાપતા લોકોની શોધખોળના પ્રયાસમાં જોતરાયેલું હતું અને છ લોકો હજુ પણ લાપત્તા હોવાની જાણકારી મળી છે.
અંદાજે 200 લોકોએ આખી રાત બચાવની કામગીરી કરી છે. રૅસ્ક્યુ માટે એનડીઆરએફ, ફાયર, પોલીસ વગેરેની ટીમો અહીં હાજર છે. આજે સાંજે સુધીમાં રૅસ્ક્યુ ઑપરેશન પૂરું થાય તેવી શક્યતા છે. હજુ પણ નદીમાં એનડીઆરએફના લોકો ફરી રહ્યા છે.
ક્રેનની મદદથી બ્રિજના કૅબલ અથવા મેટલના મજબૂત તારને ખેંચવામાં આવી રહ્યા છે, જેથી નીચે મૃતદેહ ફસાયેલા હોય તો એને બહાર કાઢી શકાય.
સ્થાનિક લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, મચ્છુ નદીમાં ગટરનું પાણી પણ નાખવામાં આવે છે અને એનું પ્રમાણ જોતા પણ ઑપરેશનમાં મુશ્કેલી પડી રહી છે.
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું, "રૅસ્ક્યૂ ઑપરેશન ઘટના ઘટી ત્યારથી ચાલુ છે અને જ્યાં સુધી લાપતા થયેલા લોકોની ભાળ મળી ન રહે ત્યાં સુધી આ રૅસ્ક્યૂ ઑપરેશન ચાલુ રહેશે."
આ દરમિયાન પાણીનું પ્રમાણ ઘટાડવા માટે બુલડૉઝરની મદદ મદદ પણ લેવામાં આવી રહી છે.
નાનાં બાળકોની સંખ્યા વધારે
એનડીઆરએફની ટીમ નદીમાં શોધખોળ કરી રહી છે, પણ બોટો હંકારવામાં તકલીફ પડી રહી છે.
એનડીઆરએફની ટીમના સભ્ય પ્રશન્નાકુમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ઘટના ઘટી કે તરત જ ગાંધીનગર અને વડોદરાથી ટીમ રવાના થઈ હતી. અમારી ટીમે રૅસ્ક્યૂ ઑપરેશન ચાલુ કર્યું હતું. અમને રાત્રિના સમયે ઘણી તકલીફ પડી હતી. હજુ પણ શોધખોળની કામગીરી ચાલુ છે. "
વાઇરલ વીડિયોમાં જોવા મળ્યું હતું એ પ્રમાણે પુલનો જે ભાગ પાણીમાં પડ્યો હતો એના નીચે પણ ઘણા લોકો ફસાઈ ગયા હતા, એ લોકોની શોધખોળ પણ ચાલી રહી છે.
ઘટનાસ્થળે સૌથી પહેલાં સ્થાનિકો પહોંચ્યા હતા અને લોકોની મદદ કરવા લાગ્યા હતા.
ફિટનેસ સર્ટિફિકેટ જાહેરા નહોતાં કરાયાં?
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "મોરબી પુલ તૂટ્યાના સમાચાર મળતાં જ અમે ઘટનાસ્થળે આવી ગયા હતા. અમે બધાએ પહેરેલાં કપડાં અને ટાયરના ટ્યૂબની મદદથી 160 લોકોને જીવતા કાઢ્યા હતા. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છે કે, હવે આવી ઘટના ના ઘટે. "
મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપ ઝાલા આ દુર્ઘટના વિશે વાત કરતાં જણાવે છે કે, "આ પુલ અત્યંત જીર્ણ હાલતમાં હતો, તેથી લોકો માટે તેનો વપરાશ બંધ કરાવ્યો હતો. આ પુલના સમારકામ અને મેન્ટેનન્સનાં કામ માટે અજંતા ઓરેવા ગ્રૂપે તૈયારી દર્શાવી હતી."
તેમણે આગળ જણાવ્યું હતું કે, "આ મામલે કલેક્ટર સાહેબે મિટિંગ પણ યોજી હતી. તેમાં સમારકામના દર નક્કી કરી તે અંગે કરાર કરી તેનું સમારકામ કર્યા બાદ ફરીથી ખુલ્લો મૂકવાનું નક્કી કરાયું હતું. આ અંગે સાત માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી કરાર પણ કરવામાં આવ્યા હતા. આ કરાર અંતર્ગત 15 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી હતી."
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં મોરબી મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, "માર્ચ મહિનામાં આ પુલ રિનોવેશન માટે બંધ કરાયો હતો. 26 ઑક્ટોબરે નવ વર્ષની ઉજવણી નિમિત્તે તે ખુલ્લું મુકાયું. પરંતુ સ્થાનિક મ્યુનિસિપાલિટીએ રિનોવેશન માટે કોઈ ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કર્યાં નહોતાં."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો