You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : આ દુર્ઘટનાને કૉંગ્રેસે માનવસર્જિત કેમ ગણાવી? AAPએ શું કહ્યું?
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ તૂટી પડ્યો, પુલ તૂટ્યો એ વખતે તેની પર સેંકડો લોકો હતા. પુલ તૂટતાં જ એ લોકો નદીમાં પડ્યા હતા અને તણાવા લાગ્યા હતા.
ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા સમાચાર સંસ્થા એએનઆઈને અપાયેલી માહિતી પ્રમાણે આ ઘટના બાદ 100થી વધારે મૃતદેહો મળી આવ્યા છે અને હજી વધારે મૃતદેહો મળવાની આશંકા છે.
જોકે આ દુર્ઘટના બાદ રાજકીય આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ મામલે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપની વર્તમાન સરકાર પર આક્ષેપો પણ કર્યા છે.
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
'આ માનવનિર્મિત ટ્રૅજેડી' - કૉંગ્રેસ
કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સભ્ય રણદીપ સુરજેવાલાએ આ ઘટનાને 'માનવસર્જિત ટ્રૅજેડી' ગણાવી હતી અને એની માટે સીધી ગુજરાત રાજ્યની સરકારને જવાબદાર ઠેરવી હતી.
તેમણે કહ્યું હતું કે "અનેક લોકોનાં મૃત્યુના સમાચારે આખા દેશને હચમચાવી કાઢ્યો છે."
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, "આ ઘટના માટે કુદરત જવાબદાર નથી, આ માનવસર્જિત ટ્રૅજેડી છે."
સુરજેવાલાએ એવું પણ કહ્યું છે કે 'આ ગુના માટે ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું છે કે, "ગુજરાતી ભાઈઓ-બહેનોના જીવના બદલે બે લાખ રૂપિયા આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે."
તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે 26 ઑક્ટોબરે જે બ્રિજ સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો, એ તૂટી કઈ રીતે ગયો.
તેમણે સવાલ ઉઠાવ્યો છે કે "ફિટનેસ સર્ટિફિકેટ વગર ભાજપ સરકાર આ પુલને જાહેર જનતા માટે ખુલ્લો કઈ રીતે મૂકી શકે?"
- પાણીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ
- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાને મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવાર માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
- ગુજરાત સરકારના મંત્રીઓ બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવી દુર્ઘટનાસ્થળે પહોંચ્યા, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી જવા રવાના
- એક સદી જૂનો પુલ સમારકામ બાદ દિવાળી પછી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો પુલ પર પહોંચ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
- અધિકારીઓ મુજબ મોરબીનમાં ઝૂલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલિફોન 02822 243300 પર માહિતી આપી શકાય.
લલિત કગથરા શું બોલ્યા?
ધારાસભ્ય લલિત કગથરાએ પણ આવું જ કહ્યું હતું. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "છેલ્લાં અનેક વર્ષોમાં આ પુલ પર કોઈ જ દુર્ઘટના ઘટી નહોતી."
"છેલ્લા છ મહિનાથી તંત્ર દ્વારા આ પુલ બંધ કરવામાં આવ્યો હતો."
"પુલનું રિપેરિંગકામ કર્યા બાદ આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો, એને હજી ત્રણ જ દિવસ થયા હતા, ત્યાં તો આ દુર્ઘટના થઈ."
તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, "અહીંના નગરપાલિકાના અધિકારી એમ કહે છે કે તેમણે પુલને કોઈ તપાસ કરી નહોતી."
"કચ્છનો ભૂકંપ કુદરતી ઘટના હતી, મોરબીની હોનારત કુદરતી હતી પણ આ વખતની દુર્ઘટના એ માનવસર્જિત છે."
'ઍક્ટ ઑફ ગોડ કે ઍક્ટ ઑફ ફ્રૉડ?'
કૉંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનાથે કહ્યું કે 'આ એમની જ સરકાર છે જે લોકો ડબલ ઍન્જિન સરકારની વાતો કરે છે.'
કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે પ્રશ્ન પૂછ્યો છે કે આ 'ઍક્ટ ઑફ ગોડ છે કે ઍક્ટ ઑફ ફ્રૉડ'?
દિગ્વિજયસિંહે 2016ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક વીડિયોના સંદર્ભે જ આ ટિપ્પણી કરી હતી.
આમ આદમી પાર્ટીના નેતા શું બોલ્યા?
આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આ ઘટના અંગે કહ્યું હતું કે, "આ ખૂબ જ દુખદ સમય છે."
"દુર્ઘટનાના પીડિતોને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે અને મૃતકોના પરિવારજનોને સહાય મળે એ જરૂરી છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો