You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : એ પાંચ મુદ્દા જેમાં આપ ભાજપને તેની જ 'રમત'માં ઘેરી રહી છે
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કૉંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી (આપ) પણ રાજ્યમાં સત્તાસ્થાને પહોંચવા જોર લગાવી રહી છે.
નિષ્ણાતોના મતે મોટાભાગે ગુજરાતમાં 'વિકાસ'ના મુદ્દે સત્તા ટકાવી રાખનાર પક્ષ ભાજપે હવે આમ આદમી પાર્ટીના પ્રચાર અભિયાન અંગે પ્રતિક્રિયા આપવા આગળ આવવું પડી રહ્યું છે.
પાછલા ઘણા મહિનાથી મોદી-શાહની માફક દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં વધુ સક્રિય બન્યા છે.
આ સિવાય આમ આદમી પાર્ટીના પ્રચાર અભિયાનની રીતો અને પ્રચાર માટેના મુદ્દાને લઈને પણ તેઓ ચર્ચામાં છવાયેલા રહે છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં ચૂંટણીમેદાનમાં સફળતા હાંસલ કરવાના પ્રયાસમાં આમ આદમી પાર્ટી ભાજપને કેટલાક એવા મુદ્દે 'પ્રતિક્રિયા' આપવા મજબૂર કરી રહી છે, જે ક્યારેક 'ભાજપના પરંપરાગત મુદ્દા' હતા.
જોકે અહીં એ પણ હકીકત છે કે આપના ચૂંટણીપ્રચારના મુદ્દાઓમાં કેટલાક નવા મુદ્દા પણ સામેલ છે, જેની અસર ભાજપના નેતાઓનાં નિવેદનો અને ભાજપના પ્રચાર અભિયાનમાં જોવા મળી રહી છે.
આવા મુદ્દાઓ અંગે વાત કરવા અને તે અંગેના નિષ્ણાતોનાં અવલોકનો જાણવા માટે બીબીસી ગુજરાતીએ ભાજપ-આપના કેટલાક નેતાઓ અને ગુજરાતના રાજકીય પ્રવાહોના જાણકારો સાથે વાત કરી હતી.
ગુજરાત ચૂંટણીટાણે આપ ભાજપને કઈ રીતે તેની 'રમત'માં ઘેરી રહી છે?
- ચૂંટણીમાં ત્રીજા મોરચા તરી આવેલ આપ ભાજપને અનેક મુદ્દે ઘેરીને પ્રતિક્રિયા આપવા મજબૂર બનાવી રહી હોય, તેવું લાગી રહ્યું છે.
- નિષ્ણાતો આપની વ્યૂહરચનાને ભાજપને તેના જ 'પ્લાનમાં ફસાવવા માટેની આપની યોજના' ગણાવે છે.
- પ્રજાલક્ષી મુદ્દા હોય કે ચૂંટણીલક્ષી, બંનેમાં ભાજપની નેતાગીરીએ આપના પ્રચારનો જવાબ આપવો પડી રહ્યો છે.
- ખુદ વડા પ્રધાન મોદી ઘણી વખત આપના કેટલાક મુદ્દાઓનો ગુજરાતમાં ચૂંટણીસભાઓમાં જવાબ આપી ચૂક્યા છે.
- આ સિવાય પ્રચારઅભિયાનની દૃષ્ટિએ પણ આપ અને ભાજપ વચ્ચે ટક્કર જામી રહી છે, બંને ખૂબ જ કાર્યક્ષમપણે પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે.
હિંદુત્વનો મુદ્દો
ગુજરાત અને ભારતના રાજકીય પરિદૃશ્યમાં 'હિંદુત્વ'નો મુદ્દો ચૂંટણીમાં સામે લાવી અને તેનો 'લાભ લેવાનો પ્રયાસ' પરંપરાગત રીતે 'ભાજપ દ્વારા કરાતો' હોવાનું ઘણા નિષ્ણાતો કહી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તાજેતરના આમ આદમી પાર્ટીના ચૂંટણીપ્રચારને ધ્યાને લઈને ઘણા રાજકીય વિશ્લેષકો 'પાર્ટી દ્વારા સૉફ્ટ હિંદુત્વનું રાજકારણ' કરાઈ રહ્યું હોવાની વાત કરે છે.
તાજેતરમાં જ્યારે ગુજરાતનાં શહેરોમાં ઠેરઠેર અરવિંદ કેજરીવાલને 'મુસ્લિમસમર્થક' અને 'હિંદુવિરોધી' દર્શાવતાં પોસ્ટરો લાગ્યાં હતાં, ત્યારે કેજરીવાલે સભાઓમાં પોતાને 'કટ્ટર હનુમાનભક્ત અને હિંદુ' ઓળખાવ્યા હતા.
તેમજ તેમનો 'જન્મ જન્માષ્ટમીએ કંસની ઓલાદોના નિકંદન માટે થયો છે', તેવાં નિવેદનો આપ્યાં હતાં.
રાજકીય વિશ્લેષકો આવાં નિવેદનોને 'કેજરીવાલના સૉફ્ટ હિંદુત્વની વિચારસરણીનું પ્રતીક' ગણાવે છે.
આવી જ રીતે અરવિંદ કેજરીવાલે ચૂંટણીપ્રચાર દરમિયાન જુદાં જુદાં ધાર્મિકસ્થળોની મુલાકાત લીધી હતી, જેને આ વિચારસરણીનો જ ભાગ ગણાવાય છે.
જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં દ્વારકા, સોમનાથ, સ્વામિનારાયણમંદિર, હનુમાનમંદિર, વિવિધ મહાઆરતીઓ, અંબાજીમંદિર સહિત દસ જેટલાં અલગ અલગ ધાર્મિક સ્થળોની મુલાકાત આપના અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના નેતા કરી ચૂક્યા છે.
અરવિંદ કેજરીવાલે સુરત, વલસાડ, બનાસકાંઠા, વડોદરા, દાહોદ, સુરેન્દ્રનગર જેવાં સ્થળોએ જાહેર મિટિંગ કરી હતી, જે દરમિયાન પણ તેમણે વિવિધ મંદિરોની મુલાકાત લીધી હતી.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અરવિંદ કેજરીવાલ અને આપના નેતાઓ પણ 'હિંદુત્વનું કાર્ડ' રમી રહ્યા છે અને ભાજપ વારંવાર તેમને 'મુસ્લિમોના સમર્થક' અથવા 'હિંદુવિરોધી' ચીતરવાના પ્રયાસ કરી રહ્યો છે.
આ મુદ્દાની આગામી વિધાનસભાની ચૂંટણી પર થનારી અસર અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ એમ. એસ. યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "ગુજરાતમાં પાછલા ઘણા સમયથી ચૂંટણીઓ મુદ્દા પર નહીં પણ લાગણી પર આશ્રિત થઈ ગઈ છે. એ લાગણીઓમાં હિન્દુત્વનો મુદ્દો, જ્ઞાતિવિષયક રાજકારણનો મુદ્દા અને ગુજરાતના ગૌરવની વાત સામેલ છે."
"હવે ગુજરાતમાં આની આસપાસ જ રાજકારણ થતું જોવા મળે છે. 2022ની વિધાનસભાની ચૂંટણી પણ તેનાથી જુદી નહીં રહે તેવું લાગે છે. અરવિંદ કેજરીવાલની મંદિરોની મુલાકાત પણ એક રીતે ભાજપની વોટ બૅન્કને અપીલ કરી શકે છે."
જોકે ધોળકિયા માને છે કે આ ચૂંટણીમાં આપ બહુ મોટો ફરક નહીં પાડી શકે, પરંતુ ભાજપની 20 જેટલી બેઠકો પર મોટું નુકસાન થઈ શકે છે.
તેમના અનુસાર, "લગભગ 20 એવી બેઠકો છે, જ્યાં ભાજપની લીડ એક હજાર મત કરતાં ઓછી છે, આવી બેઠકો પર જો આપનો કોઈ ઉમેદવાર હજાર જેટલા મતો આમ-તેમ કરી દે તો તેનું નુકસાન ભાજપને થઈ શકે છે."
ભાજપની જ સરકારના પૂર્વ મંત્રી ડૉ. જયનારાયણ વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "રાજકારણનો એક સીધો નિયમ છે, એક મુદ્દો બીજી વખત ન ચાલે."
"એટલે હું એ વાત નથી માનતો કે હિંદુત્વનો મુદ્દો ખરેખર આ ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવી શકશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આપની બીજી પ્રચારની નીતિઓને કારણે ભાજપને અસર થઈ રહી છે, તેવું લાગે છે."
જયનારાયણ વ્યાસ કહે છે કે, "એક વાત સ્પષ્ટ છે કે આપ એ ભાજપના રસ્તે જ ચાલી રહી છે, અને એક સમયે એવું કહેવાતું હતું કે કૉંગ્રેસના વડપણવાળી UPAની સરકારની મુશ્કેલી વધારવા માટે જે ટીમ બની હતી, તેને નાણાકીય સહાય ભાજપ તરફથી અપાતી હતી, અને તે ટીમે આગળ જતાં આમ આદમી પાર્ટીની રચના કરી."
"એટલે ભાજપે જ પેદા કરેલી પાર્ટી હવે તેના જ રસ્તે તેના જ રાજ્યમાં મોટો પડકાર બની રહી છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ હું માનું છું કે આ વર્ષે આપને 20થી વધુ સીટ નહીં મળે, પરંતુ આ પછીની ચૂંટણીમાં તે સારું પ્રદર્શન કરશે, કારણે કે તેની કૅડર ત્યાં સુધી વધુ મજબૂત બનશે."
'મફતની રેવડી'
નોંધનીય છે કે સભાઓ કરીને અરવિંદ કેજરીવાલ અવારનવાર રોજગારીની, મફત વીજળીની, શૈક્ષણિક અને આર્થિક સહાયની જુદી-જુદી 'ગૅરંટીઓ' આપી ચૂક્યા છે. કેજરીવાલની 'મફત સેવાની ગૅરંટીઓ'ને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મફતની રેવડી' ગણાવી કટાક્ષ કરી ચૂક્યા છે.
જે બાદ આ મુદ્દો કેટલાક અરજદારો દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાયો હતો.
વડા પ્રધાન મોદી દ્વારા જાહેર મંચ પરથી આવા કટાક્ષ બાદ ભાજપમાંથી પણ ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી અને 'મફતની રેવડી' મુદ્દે આમ આદમી પાર્ટી અને કેજરીવાલને ઘેર્યા હતા.
ઘણા લોકો આ વાતને કેજરીવાલની સફળતા ગણાવી રહ્યા છે. કારણ કે ન માત્ર તેઓ આ 'મફત સુવિધાઓની ગૅરંટી'ની વાત વડા પ્રધાનને મોઢે લાવવામાં સફળ રહ્યા પરંતુ ભાજપની આખી કૅડરે આના કારણે તેમને 'મહત્ત્વ' આપી શાબ્દિક હુમલા કરવા પડ્યા અને આ મુદ્દો એક સમયે 'રાષ્ટ્રીય ચર્ચા'નો વિષય બની ગયો હતો.
આ અંગે વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આપની 'મફત સેવાઓની ગૅરંટી' જેને મીડિયામાં આજકાલ 'રેવડી કલ્ચર' ગણાવાય છે, તે વિશે વડા પ્રધાને વાત કરવી પડી જે દર્શાવે છે કે આપની નીતિઓનો ભાજપને જવાબ તો આપવો જ પડ્યો છે."
"આ સ્પષ્ટ દર્શાવે છે કે આપની તમામ નીતિઓ પર ભાજપની પૂરેપૂરી નજર છે."
દિલ્હી મૉડલ-ગુજરાત મૉડલની ચર્ચા
એક તરફ ગુજરાતના મૉડલને સામે ધરીને નરેન્દ્ર મોદી દિલ્હી સુધી પહોંચ્યા છે, ત્યાં દિલ્હીના મોડલની વાત કરીને હવે કેજરીવાલ ગુજરાતમાં પ્રવેશવાની વાત કરી રહ્યા છે.
ઘણા રાજકીય નિષ્ણાતોના મતે ગુજરાત મૉડલને આગળ ધરીને ભાજપ અને નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં પોતાની લોકપ્રિયતા વધારી છે.
હવે પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત મૉડલ કરતાં દિલ્હીનું વિકાસ મૉડલ 'ચઢિયાતું' હોવાની વાતનો પ્રચાર કરાઈ રહ્યો છે.
દિલ્હીની શિક્ષણવ્યવસ્થા, આરોગ્યવ્યવસ્થા વગેરેને રજૂ કરીને ભાજપના પરંપરાગત મતો તોડવાના પ્રયાસ તરીકે પણ કેટલાક નિષ્ણાતો આ પગલાને જોઈ રહ્યા છે.
જ્યારે ભાજપ આવા પ્રચારને પાયાવિહોણી વાતો પર આધારિત ગણાવી તેને નકારતો આવ્યો છે.
તાજેતરમાં જ ગુજરાતમાં એક કાર્યક્રમમાં સ્માર્ટ સ્કૂલ મૉડલમાં અમુક વિદ્યાર્થીઓ સાથે બેસેલા વડા પ્રધાન મોદીની તસવીરો મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા જામી હતી.
આ પ્રસંગને આપના નેતાઓ પોતાની જીત ગણાવી રહ્યા છે. ગુજરાતમાં આપના નેતાઓ માને છે કે ગુજરાતમાં અવારનવાર આપ દ્વારા દિલ્હીના શિક્ષણ મૉડલની વાત કરાય છે, ત્યાંની સરકારી સ્માર્ટ સ્કૂલોની વાત કરાય છે, જેના કારણે ભાજપે મૉડલ ઊભા કરીને સ્માર્ટ સ્કૂલ વિશે પ્રચાર કરવો પડે છે.
આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આપના જનરલ સૅક્રેટરી મનોજ સોરઠિયા કહે છે કે, "ગુજરાતની ભાજપ સરકારે અનેક વખત સ્માર્ટ સ્કૂલો બનાવવાની વાત કરી, જ્યારે આ સ્કૂલો ન બની તો એક મૉડલ બનાવીને તેમાં મોદી સાહેબને બેસાડી દીધા."
તેઓ દલીલ કરતા કહે છે કે "આવું ભાજપને કેમ કરવું પડ્યું, કારણ કે અમે ગુજરાતી મતદારોને કહી રહ્યા છીએ કે ગુજરાતમાં લોકોના મુદ્દાની વાત થવી જોઈએ, ગુજરાતની ભાજપ સરકાર જ્યારે આ પ્રકારની સ્કૂલો ન બનાવી શકી તો તેને તેના મૉડલ બનાવીને કહેવું પડ્યું કે તે આવી સ્કૂલો બનાવશે."
"આ બતાવે છે કે ભાજપ પાસે આપની નીતીઓ અને વિકાસની રાજનીતિ સામે કોઈ જવાબ નથી."
ભાજપ-આપનું પ્રચારઅભિયાન
ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના પ્રચારઅભિયાનને કારણે બંને પક્ષો અવારનવાર ચર્ચામાં આવતા રહે છે.
'પ્રચારમાં ભાજપ એક્કો' હોવાની માન્યતાને આમ આદમી પાર્ટીના જનસંપર્ક દ્વારા પડકાર મળી રહ્યો હોવાનું કેટલાક નિષ્ણાતોનો મત છે.
સોશિયલ મીડિયાથી માંડીને અન્ય પ્રચાર વ્યૂહરચનાના ઘડતરમાં આપ ભાજપને 'ટક્કર' આપી પોતાના 'નવા ટ્રૅન્ડ' અને 'મુદ્દા' સર્જવામાં સફળ રહી હોવાની વાત પણ થઈ રહી છે.
આપે ઉઠાવેલા મુદ્દાનો ભાજપની નેતાગીરીએ અવારનવાર સામે આવી જવાબ આપવો પડી રહ્યો છે, તે વાત પણ નોંધનીય છે.
આ મામલે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક બલદેવ આગજા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "ગુજરાત એ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ છે અને તે ગઢમાં આપ ગાબડું પાડી રહી છે."
તેઓ કહે છે કે, "આમ તો ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે તેમાં ત્રીજો મોરચો, જે તે ચૂંટણી પૂરતો જ હોય છે. પછી કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે જ લડાઈ હોય છે, તેવામાં આપ એકંદરે એક લાંબી રેસ રમવા માટે આવી હોય તેવું લાગી રહ્યું છે."
"હું એ સ્પષ્ટપણે માનું છું કે આપની સોશિયલ મીડિયાની પદ્ધતિ અને કૅડર મજબૂત કરવાની નીતિઓને કારણે વડા પ્રધાને ગુજરાતમાં આવીને પ્રચારમંત્રી બની જવું પડ્યું છે."
"2022ની ચૂંટણીમાં તેમની સામે 2017 જેવા મોટા પડકારો ન હોવાથી 2022ની ચૂંટણી તેમના માટે સહેલી રહેવાની હતી, પરંતુ આપે આવીને હાલમાં તેમને વધારે મહેનત કરવા મજબૂર કરી દીધા છે."
આ સિવાય વધુ એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીટાણે બંને પક્ષો પોતાના શીર્ષ નેતાઓ પર પ્રચાર અને નેતાગીરી પૂરી પાડવા મામલે સંપૂર્ણપણે અવલંબિત હોય તેવું લાગી રહ્યું છે.
કારણ કે ગુજરાત ભાજપનું ચૂંટણીઅભિયાન 'મોદીકેન્દ્રી' અને ગુજરાત આપનું ચૂંટણીઅભિયાન 'કેજરીવાલકેન્દ્રી' હોય તેવું લાગે છે.
ગુજરાતમાં વડા પ્રધાન મોદી અને દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલની અવારનવાર મુલાકાતો અને તેમને મળી રહેલા મીડિયા કવરેજથી પણ આ વાત સાબિત થઈ રહી છે.
બંને પક્ષોની ટોચની નેતાગીરી પણ જાણે સુનિશ્ચિ ત કરી રહી છે કે ગુજરાતમાં આ પ્રચારઅભિયાનમાં મુખ્ય કેન્દ્રમાં વડા પ્રધાન મોદી અને અરવિંદ કેજરીવાલને જ રખાય. સ્થાનિક નેતાઓના વડપણ પર જરૂરિયાત પ્રમાણેનો ભાર નથી મુકાઈ રહ્યો.
શિક્ષણ, બેરોજગારી અને મોંઘવારીની ચર્ચા
ગુજરાતના અવલોકનકારોનું માનીએ તો ગુજરાતની આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણ, બેરોજગારી, આરોગ્યસેવા અને મોંઘવારી જેવા મુદ્દાઓની ચર્ચા વધારવામાં ફાળો આપ્યો છે.
રાજકીય વિશ્લેષકોના મતે ગુજરાતમાં અગાઉની યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપ 'વિકાસ'નો 'વ્યાપક' મુદ્દો આગળ મૂકીને ચૂંટણી જીતવા પર ભાર મૂકતો હતો.
હવે ભાજપના નેતાઓએ પણ મુદ્દાવાર ચર્ચા કરવી પડી રહી છે. તેમજ શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દે સરકારનાં કામોની માહિતી આપવી પડી રહી છે.
ભૂતકાળમાં કરાયેલાં કામો માત્ર નહીં પરંતુ હવે ભાજપે કેટલાક અંશે ભવિષ્યમાં આ દિશામાં સરકાર શું કરવા ધારે છે, તે અંગે પણ સ્પષ્ટતા આપવી પડી રહી છે.
આ અંગે રાજકીય વિશ્લેષક અને નિવૃત પ્રોફેસર ઘનશ્યામ શાહ જણાવે છે કે, "શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાને લઈને ગુજરાતમાં નિમ્ન મધ્યમ વર્ગમાં વ્યાપક અસંતોષની લાગણી હતી."
"ગુજરાતમાં આ લાગણીનો લાભ આમ આદમી પાર્ટીએ આ તમામ મુદ્દે સરકારને ઘેરીને લેવાનો પ્રયાસ કર્યો."
"હવે ભાજપ આ તમામ મુદ્દે નક્કર કામ ન કરી શક્યો હોવાથી ભાજપે ભવિષ્યમાં આ દિશામાં શું કરશું તે અંગેનો પ્લાન મૂકવો પડી રહ્યો છે."
"આપ આ મુદ્દાને ચર્ચામાં લાવવામાં આગળ રહી અને હવે ભાજપ આ મામલે બચાવ મુદ્રામાં વધુ દેખાઈ રહ્યો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો