You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી: રીવાબા જાડેજા ભાજપમાં જોડાયાં એ પહેલાં શું કરતાં હતાં?
ભારતીય ક્રિકેટ રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરથી ભાજપે ટિકિટ આપી છે, ત્યારથી આ બેઠકનો ચૂંટણીજંગ વધારે રસપ્રદ થઈ ગયો છે. આ બાબત મહત્ત્વની એટલે પણ છે કે ભાજપે હકુભાના નામથી જાણીતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ કાપીને રીવાબાને ઉમેદવાર બનાવ્યાં છે.
રીવાબા જાડેજાને ઉમેદવાર બનાવાયાં એ પછી તેમના પતિ અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “આ તેમની પહેલી એટલે કે ડેબ્યૂ મૅચ છે.” રવીન્દ્ર જાડેજાના કારણે પણ આ બેઠક પરનો ચૂંટણીપ્રચાર રસપ્રદ બનવાની શક્યતા છે.
રીવાબાને ટિકિટ મળતાં રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમણે રીવાબાને અભિનંદન આપવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.
રવીન્દ્ર જાડેજાએ લખ્યું, "વિધાનસભામાં ચૂંટણીમાં ટિકિટ મેળવવા બદલ મારાં પત્નીને અભિનંદન. તમે જે મહેનત અને પ્રયત્નો કર્યા તેના પર ગર્વ છે. મારી તમને શુભેચ્છાઓ. મને આશા છે કે તમે સમાજના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશો."
કોણ છે રીવાબા જાડેજા?
રીવાબા જાડેજા મૂળ જૂનાગઢનાં છે, જોકે તેમના પિતા ઘણા સમયથી રાજકોટમાં રહે છે. રીવાબાનો જન્મ 2 નવેમ્બર 1990માં રાજકોટમાં થયો હતો.
તેમના પિતા હરદેવ સોલંકી મોટા ઉદ્યોગપતિ અને કૉન્ટ્રેક્ટર છે. રીવાબાનાં માતા પ્રફુલ્લાબા સોલંકી રેલવેમાં કામ કરતાં હતાં. રીવાબાને ભાઈ કે બહેન નથી.
તેમને રાજકોટની સ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે. તેમણે 2011માં આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી ઍન્ડ સાયન્સમાંથી મિકૅનિકલ ઇજનેરીનો અભ્યાસ કર્યો છે. 2015માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ઈ.નો અભ્યાસ કર્યો હતો.
રીવાબા મિકૅનિકલ ઇજનેર છે, રીવાબાએ 2016માં ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં હતાં, તેઓ 2019માં ભાજપમાં સામેલ થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રીવાબાએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો. તેમનું નામ નીધ્યનાબા છે.
જોકે ચૂંટણી લડવાની જાહેરાત અને ભાજપમાં જોડાયાં એ પહેલાં પણ રીવાબા જાડેજા એક વખત ચર્ચામાં આવ્યાં હતાં.
જામનગરમાં રીવાબાની કાર અને પોલીસ કૉન્સ્ટેબલની બાઇક વચ્ચે ટક્કર થઈ ગઈ હતી.
આ માર્ગ અકસ્માત બાદ મારઝૂડની ઘટના ઘટી હતી અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. એ વખતે પોલીસ ફરિયાદમાં રીવાબાએ આક્ષેપ કર્યો હતો કે મારઝૂડ કરનાર પોલીસ કૉન્સ્ટેબલે કથિત રીતે તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
એ મામલામાં પોલીસે કાર્યવાહી કરતા હુમલાના આરોપી પોલીસ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા.
રીવાબા જાડેજાની મિલકત
ભાજપનાં ઉમેદવાર રીવાબા જાડેજાએ નિયમો મુજબ ચૂંટણીપંચ સમક્ષ મિલકતને લઈને સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં રીવાબાના નામે કુલ 62,35,693ની જંગમ મિલકત જાહેર કરાઈ છે.
રીવાબા પાસે આશરે 34 લાખ 80 હજાર રૂપિયાનું 120 તોલા સોનુ, 14 લાખ 80 હજાર રૂપિયાની ડાયમંડ જ્વેલરી અને 8 લાખ કિંમતની આશરે 15 kg ચાંદી છે.
સોગંદનામામાં રજૂ કરાયેલ વિગતો અનુસાર તેમના પતિ રવીન્દ્ર જાડેજા પાસે 70 કરોડ 48 લાખ12 હજાર 29 રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો છે. જેમાં કૃષિ-બિનકૃષિ જમીન, રહેણાક અને વાણિજ્યિક મિલકતો પણ સામેલ છે.
રીવાબા જાડેજા કૉંગ્રેસના દિગ્ગજ નેતાનાં ભત્રીજી
રીવાબા જાડેજા કૉંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીનાં ભત્રીજી પણ છે. રાજકોટમાં જાડેજા પરિવારની ‘જડ્ડુસ ફૂડ ફિલ્ડ’ નામની એક રેસ્ટોરાં પણ છે. રીવાબા જાડેજા લગ્ન પહેલાં રીવાબા સોલંકીના નામથી ઓળખાતાં હતાં.
2018માં તેમને ક્ષત્રિય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી કરણી સેનાની મહિલા પાંખનાં વડાં તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
રીવાબા જાડેજા સોશિયલ મીડિયા પર પણ ઘણાં સક્રિય રહે છે. તેઓ ‘સામાજિક કાર્યો’માં સક્રિય રહેતાં હોવાનું જણાવે છે.
રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યાં હતાં. ત્યારે રવીન્દ્ર જાડેજા પણ તેમની સાથે હતા.
રવીન્દ્ર જાડેજાનાં બહેન કૉંગ્રેસમાં જોડાયા
2019માં રીવાબાના ભાજપમાં સામેલ થવાના થોડા દિવસો પછી રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા કૉંગ્રેસમાં સામેલ થઈ ગયાં હતાં. તેઓ જિલ્લા મહિલા કૉંગ્રેસપ્રમુખ અને મતવિસ્તારમાં એક સક્રિય નેતા છે.